





ખુલ્લી આંખો જેટલું જુએ છે તે બધું જ મગજને મોકલાવે છે. મગજ ચિત્રો ઉકેલે છે અને સંગ્રહ થયેલી વિગતો પરથી નક્કી કરે છે કે જે દેખાઈ રહ્યું છે તે શું છે. અહીં સૌથી અગત્યની બાબત છે પ્રકાશ. જો પ્રકાશ ન હોત તો કશું જ દેખાતું ન હોત. આ જ સિધ્ધાંત ઉપર એક અદભૂત યંત્ર બન્યું છે. એ છે કેમેરા. હવે કેમેરા માત્ર ચહેરા કે સ્થિતિની છબી પાડવા માટે જ નથી. આજે કેમેરા વગર આપણાં કેટલાય વ્યવહારો અટકી પડે તેમ છે. મનોરંજન અને સમાચારની દુનિયા કેમેરા વગર અધુરી છે. એટલું જ નહીં, દુનિયામાં ગોઠવાયેલી GPS વ્યવસ્થા અને એના જેવી કેટલીય વ્યવસ્થાઓ કેમેરા આધારિત છે. આજે અનેક જાતના કેમેરા હોવા છતાં ફોટોગ્રાફરના ખભે ટીંગાતા કેમેરા કોઈ પણ વ્યક્તિને આંદોલિત કરી છે.
માવજી મહેશ્વરી
ભારતની જ વાત કરીએ તો મોબાઈલ ફોન બનાવતી કંપનીઓ નવું મોડેલ લોન્ચ કરે છે ત્યારે તેમા કેમેરા કેટલા મેગા પીક્સલનો છે જે બાબત ખાસ હાઈલાઈટ કરે છે. એનું કારણ છે સેલ્ફી. મોબાઈલ ફોનના કેમેરાએ ભારતના યુવાવર્ગને રીતસરનું ઘેલું લગાડ્યું છે. સોશ્યલ મિડિયા મોબાઈલ ફોન કેમેરા આધારિત છે એમ કહીએ તોય ચાલે. પોતાના અંગત આનંદની ક્ષણો કેમેરામાં કેદ કરી એને વાગોળવી કે અન્ય સુધી પહોંચાડવામાં સેલફોન કેમેરાએ મહત્વની ભૂમિકા ભજવી છે. સેલફોન કેમેરાએ ફોટોગ્રાફીના અર્થ બદલાવી નાખ્યા છે. આ સ્થિતિ વર્તમાન જગતના મોટાભાગના દેશોમાં છે. કેમેરા સાથે ચહેરો જોવાની આદિમ ઈચ્છા જોડાયેલી છે. એટલું જ નહીં આપણે આ જગતમાં હતા એની કોઈ નિશાની મૂકી જવી હોય તો કેમેરા જ એનો ઉપાય બતાવે છે. એટલે આપણે સૌ આપણાં પૂર્વજોની છબીઓ સાચવી રાખીએ છીએ. કંઈક અંશે છબી સાથે અમરત્વની ભાવના પણ છુપાયેલી છે. એટલે જ જ્યારથી કેમેરાની શોધ થઈ ત્યારથી ફોટો પડાવીને ભીંતે ટીંગાડી રાખવાનું ચલણ દરેક જગ્યાએ દેખાય છે.
એકવીસમી સદીના આધુનિક ઉપકરણો એટલી વિવિધતામાંથી પસાર થયા છે કે આજની પેઢીને એની કલ્પના પણ ન આવે. કેમેરા આજકાલની શોધ નથી પરંતુ તે એક હજાર વર્ષ પહેલાની કલ્પનાનું પરિણામ છે. કેમેરા ભૌતિક વિજ્ઞાનના સિધ્ધાંત ઉપર કામ કરતું યંત્ર છે. પરંતુ વિજાણું કેમેરા આવ્યા તે પહેલાના કેમેરા સાથે રસાયણ વિજ્ઞાન પણ જોડાયેલું હતું. લગભગ એકવીસમી સદીની પહેલા દાયકા સુધી ફિલ્મની રીલ આધારીત કેમેરા કામ કરતા હતા. વિજાણું ( ડીઝીટલ ) કેમેરાએ કેમેરાની દુનિયાના અર્થ જ બદલાવી નાખ્યા. એ અર્થમાં વીસમી સદીનો અંત ભાગ કેમેરા જગતનો મહત્વનો પડાવ કહી શકાય. કેમેરાની શોધ થયા પછી વીસમી સદીના મધ્ય સુધી કેમેરા શ્વેત શ્યામ એમ બે કલરના ફોટો આપી શકતા હતા. પરંતુ ૧૯૪૦ની આસપાસ રંગીન છબી આપતા કેમેરાએ ક્રાંતી સર્જી. પરંતુ સૌથી મોટી ક્રાંતિ ત્યારે આવી જ્યારે વિજાણું ટેકનીક કેમેરા સાથે જોડાઈ. NETની શોધ થતાં ડીઝીટલ કેમેરા થકી ફોટોગ્રાફી અને ચિત્ર ( Image )ના વિસ્તરણને મોકળું મેદાન મળ્યું. ફોટોગ્રાફીની અને કેમેરાની દુનિયા જ બદલી ગઈ. જેનું પરિણામ આજે દેખાઈ રહ્યું છે.
કેમેરા લેટીન ભાષાનો શબ્દ છે. મૂળ બે શબ્દ છે. જેને કેમેરા ઓબ્સ્ક્યોરા કહેવાય છે. જેનો અર્થ થાય છે અંધારિયો ખંડ. જ્યારે હાથમાં પકડી શકાય તેવા કેમેરા ન્હોતા બન્યા ત્યારે અંધારિયા ખંડનો ઉપયોગ ફોટોગ્રાફી માટે થતો. કેમેરાની રચના જ એવી હોય છે કે બહારનો પ્રકાશ અંદર જઈ ન શકે. ફોટોગ્રાફીની દુનિયામાં Dark room એવો શબ્દ પણ પ્રચલિત છે. વસ્તવમાં જ્યારે કેમેરા રીલ આધારિત હતા ત્યારે કેમેરા રીલ પર પડેલી છબી ( Negative )ની પ્રક્રિયા કરવા અંધારિયા ખંડની સ્ટુડિયોમાં વ્યવ્સ્થા રહેતી. જૂની પેઢીના લોકોને ખ્યાલ હશે કે પહેલાના સમયમાં સ્ટુડિયોમાં ફોટો લેનાર કેમેરામેન ખુદ કાળું કપડું ઓઢી અને એનાથી જ કેમેરા ઢાંકીને ફોટો પાડતો. એને પીનહોલ કેમેરા કહેવાતા.
કેમેરાની કલ્પના ઈબ્ન-અલ-હજૈન નામના એક આરબ વૈજ્ઞાનિકે બારમી સદીમાં કરી છે. જોકે તેણે કેમેરાની ડીઝાઈન જ બનાવી હતી. લગભગ ૩૦૦ વર્ષ સુધી તેણે બનાવેલી ડીઝાઈન ધૂળ ખાતી રહી. સન ૧૫૫૦ની આસપાસ ઈટાલીના પ્રખ્યાત ચિત્રકાર ચિત્રકાર લિયો નાર્દો દ વિન્સીએ મહત્વપૂર્ણ કામ કર્યું. તેણે જગતના પહેલા કેમેરાને આકાર આપ્યો. પરંતુ તેણે બનાવેલા કેમેરાની તસવીર ધૂંધળી આવતી હતી. સન ૧૮૧૬માં નિપ્સેએ કેમેરાને આકાર આપી પહેલી છબી કાઢી. નિપ્સેના મૃત્યુ બાદ લુઈસ ડૈંગુરેએ પહેલું એવું યંત્ર બનાવ્યું જે ફોટોગ્રાફની પ્રોસેસ કરી શકે. પરંતુ ૧૮૮૮માં જોર્જ ઈસ્ટમેને પહેલીવાર પેપર ફિલ્મનો ઉપયોગ કર્યો. તેમણે બનાવેલા કેમેરાને કોડેક નામ આપ્યું. આ ક્ષેત્રના લોકોને ખબર હશે કે કોડેક નામની કેમેરા રીલનો યુગ આથમ્યાને ફક્ત દોઢ દાયકો જ થયો છે. અહીંથી કેમેરાની અને ફોટોગ્રાફીની ખરી શરુઆત થઈ, તે પછી કેમેરા સતત બદલતા રહ્યા. ૧૯૪૮માં એક નવો જ કેમેરા આવ્યો. જેમાંથી તરત જ પ્રિન્ટ નીકળી શકતી હતી. ભારતમાં ટુરીસ્ટ પ્લેસ ઉપર આવા કેમેરા ખાસ વપરાવા લાગ્યા હતા. તે પછી ડીઝીટલ કેમેરાનો યુગ શરુ થયો. ૧૯૭૫માં ઈસ્ટમેન કોડક કંપનીના એક ઈજનેર સ્ટીવન સૈસને પહેલો ડીઝીટલ કેમેરા બનાવ્યો. જેમા રીલની જરુર પડતી નહીં પરંતુ મેમરી કાર્ડનો ઉપયોગ થતો. જેને પરિણામે અમર્યાદ ફોટો પાડવાની અને ફોટો ડીલીટ કરવાની સુવિધાએ અનેક પ્રશ્નો હલ કરી દીધા. યોગાનુયોગે સંચાર ક્રાંતિ અને કેમેરા ટેકનિક એક જગ્યાએ ભેગી થઈ ગઈ. એક તરફ સેલફોન માર્કેટમાં આવ્યા તો ફોન સાથે કેમેરા જોડવાનો વિચાર આવ્યો. ૨૦૦૦ની સાલમાં જાપાનમાં જગતનો કેમેરા યુક્ત ફોન આવ્યો. તે પછીનો ઈતિહાસ આપણી સામે છે.
કેમેરા બે રીતે કામ કરે છે. જેને સ્ટીલ ફોટો અને વિડીઓ કહે છે. વિડેઓ કેમેરા એક સેકન્ડમાં લીધેલી ૧૬ તસ્વીરોને ફેરવે છે જેને પરિણામે વસ્તુઓ કે વ્યક્તિઓ હાલતા ચાલતા દેખાય છે. વાસ્તવમાં એ દષ્ટિભ્રમ છે. વળી તેમાં અવાજને રેકોર્ડ કરવાની પણ વ્યવ્સ્થા હોય છે. શરુઆતમાં ફિલ્મ ઉદ્યોગમાં જે કેમેરા વપરાતા તે માત્ર હલન ચલન જ લઈ શકતા હતા. ધ્વનિ તે પછીથી ઉમેરવામાં આવતો હતો. જેને ડબીંગ કહેવાય છે. ડીઝીટલ ટેક્નોલોજીએ ડબીંગ પ્રોસેસ અને જરુર પડ્યે ધ્વનિની ગુણવતા સુધારવા સહિતના પ્રશ્નો ઉકેલી આપ્યા છે. આજે કેમેરાએ માણસને ચારે તરફથી ઘેરી લીધા છે. હવે જાહેર માર્ગો અને કચેરીઓમાં લાગેલા સીસીટીવી કેમેરાથી માંડીને ઉપગ્રહોમાં લાગેલા કેમેરાએ દુનિયાને બહુ જ નાની બનાવી નાખી છે. કેમેરાએ આખીય પૃથ્વી ઉપર રહેતા લોકોને એકબીજાને હાલતા ચાલતા જોવાની વ્યવસ્થા કરી આપી. એટલું જ નહીં પૃથ્વી ઉપર બેઠેલો માણસ લાખો કિલોમીટર દૂર અંતરીક્ષમાં કામ કરતા વિજ્ઞાનીઓને પણ જોઈ શકે છે. આ બહુ જ મોટી ક્રાંતિ છે. કેમેરા ન હોત તો આપણે સમુદ્રતળની જીવ સૃષ્ટિ, પૃથ્વી પરનું પ્રાણી જગત, જંગલો, રણો, બર્ફાચ્છાદિત પહાડો જેવી અદભૂત દુનિયાનો નજારો કેવી રીતે જોઈ શકત. એરીયલ ફોટોગ્રાફી અને જાસુસી ક્ષેત્ર માટે વપરાતા ડ્રોન આજકાલ ચર્ચામાં છે. પરંતુ જાણીને નવાઈ લાગે કબુતરોએ માત્ર પત્રો જ નથી પહોંચાડ્યા. ડ્રોન કેમેરાની શોધ પહેલા કબૂતરોએ એરીયલ ફોટોગ્રાફીમાં પણ મદદ કરી છે. કેમેરા મનુષ્યને સજાગ કરી દેતું યંત્ર છે. કેમેરા સામે અભિનય સાથે જોડાયેલા માણસો જ સામાન્ય રહી શકે છે. પરંતુ કોઈ અન્ય માણસ સામે ફોટોગ્રાફર જેવી ક્લીક કરે છે કે સામે ઉભેલાના હાવભાવ બદલી જાય છે. ચીનમાં કહેવાય છે કે એક ચિત્ર હજાર શબ્દોનું કામ કરે છે. વળી તસ્વીરને કોઈ ભાષાની જરુર પડતી નથી. એટલે જ પ્રેસ ફોટોગ્રાફીની કિમત ગણાય છે. સૌથી અઘરું કામ વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફીનું છે. કેમકે અમુક તસવીર લેવા કલાકોના કલાકો રાહ જોવી પડે છે. એટલું જ અઘરું છે સમુદ્રની અંદર ફોટોગ્રાફી કરવી. જગતમાં ફોટોગ્રાફીનું મહત્વ છે એટલે જ ૧૯ ઓગસ્ટને વિશ્વ છાયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
શ્રી માવજી મહેશ્વરીનાં સંપર્ક સૂત્રોઃ ફોન નં. +૯૧ ૯૮૨૫૭૨૫૫૯૬ Email mavji018@gmail.com
સંપાદકીય નોંધ : તસ્વીર સૌજન્ય – Who Invented the First Camera?