





દીપક ધોળકિયા
ભગતસિંઘ, રાજગુરુ અને સુખદેવ પર ખટલો ચાલતો હતો, ગાંધીજીની દાંડી યાત્રા હજી સમાપ્ત જ થઈ હતી એ જ અરસામાં બંગાળમાં ફરી ક્રાન્તિકારીઓ સક્રિય બની ગયા. ૧૮મી ઍપ્રિલ ૧૯૩૦ના રોજ માસ્ટરદા સૂર્ય સેનની સરદારી હેઠળ કૉલેજ અને સ્કૂલના છોકરાઓએ શસ્ત્રાગાર પર હુમલો કરીને દેશભરમાં ખળભળાટ મચાવી દીધો. ચિત્તાગોંગની આ ઘટના આપણા સ્વતંત્ર્ય સંગ્રામમાં ભગત સિંઘના પરાક્રમ જેટલી જ મહત્ત્વની છે.
માસ્ટરદા
ભગત સિંઘે સમાજવાદી વિચારો જોડીને હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રીપબ્લિકન ઍસોસિએશન (HSRA) બનાવ્યું હતું પણ બંગાળમાં હજી ભાવનાઓના આધારે સશસ્ત્ર આંદોલન ચાલતું હતું. બંગાળના ક્રાન્તિકારીઓમાં પણ HSRA ના વિદ્રોહીઓ જેવી જ પ્રબળ ભાવના હતી, એમનું પણ લક્ષ્ય અંગ્રેજો સાથે સીધી લડાઈમાં ઊતરીને એમને હરાવવાનું હતું.
સૂર્ય સેન એક સ્કૂલમાં શિક્ષક હતા. પહેલાં તો એ કોંગ્રેસમાં જોડાયા હતા અને ૧૯૨૦માં ગાંધીજીના અસહકાર આંદોલનમાં સક્રિય હતા પણ ચૌરીચૌરાના બનાવ પછી ગાંધીજીએ આંદોલન રોકી દીધું તેથી એમને બહુ અસંતોષ હતો અને માત્ર શસ્ત્રોને માર્ગે જ આઝાદી મળશે એમ માનીને અંગ્રેજો વિરુદ્ધ એમણે સ્કૂલ અને કૉલેજના વિદ્યાર્થીઓને સંગઠિત કરવાનું શરૂ કર્યું અને ઇંડિયન રીપબ્લિકન આર્મીની રચના કરી. એમણે નિર્ભયપણે જાનફેસાની કરવા માટે કિશોરોને તૈયાર કર્યા. એમણે એલાન કર્યું: “ભારતના યુવાનોને માથે ક્રાન્તિનું એક મહાન કાર્ય આવી પડ્યું છે. આપણા રાષ્ટ્રનાં અરમાન અને અપેક્ષાઓને સંતોષવાનું દેશભક્તિપૂર્ણ કાર્ય કરવાની જવાબદારી પાર પાડવાનું ગૌરવ આપણને ચિત્તાગોંગવાસીઓને મળે છે.”
માસ્ટરદાએ એકઠા કરેલા યુવાનોમાં ગણેશ ઘોષ, લોકનાથ બાલ, નિર્મલ સેન, અંબિકા ચક્રવર્તી, નરેશ રાય, વિનોદ બિહારી ચૌધરી, તારકેશ્વર દસ્તીદાર, શશાંક દત્તા, અર્ધેન્દુ દસ્તીદાર, હરિગોપાલ બાલ (ટેગરા), અનંતા સિંઘ, જીવન ગોસ્વામી. આનંદ પ્રસાદ ગુપ્ત, પ્રીતિલતા વોડેદાર, કલ્પના દત્તા, સુબોધ રાય, દેવી પ્રસાદ ગુપ્ત અને બીજા ઘણા યુવાનો હતા.
પરંતુ સશસ્ત્ર વિદ્રોહીઓ એક દેશવ્યાપી સંગઠન બનાવીને લડતા નહોતા એ એમની નબળાઈ હતી, તો એનું એક મજબૂત પાસું પણ હતું – એક સ્થળે થયેલા કૃત્યને બીજા સ્થળ સાથે સાંકળવાનું અઘરું હતું. એટલે ઠેરઠેર વિદ્રોહીઓ હતા એમના વચ્ચે કડી શોધી શકાતી નહોતી. માસ્ટરદા અને એમના ભાઈ તારકેશ્વર દસ્તીદારે જે કર્યું તે અલગ પડી આવે છે અને કાકોરી ટ્રેન લૂંટવાનો નિષ્ફળ બનાવ બન્યા પછીની આ એક બહુ જ સફળ કાર્યવાહી હતી. ઇંડિયન રીપબ્લિક આર્મીની વ્યૂહરચના એ હતી કે બૅંકો લૂંટવી, સરકારી તિજોરી લૂંટવી, ચિત્તાગોંગને કલકતાથી વીખૂટું પાડી દેવા માટે રેલવે સેવાઓ ખોરવી નાખવી, તાર-ટપાલ ઑફિસો પર હુમલા કરવા અને શસ્ત્રાગારો પર હુમલા કરવા.
***
એ ગૂડ ફ્રાઇડેનો દિવસ હતો. રાજશાહી ડિવીઝનનો કમિશનર સર રૉબર્ટ રીડ વાઘના શિકારે જવાની તૈયારી કરતો હતો ત્યારે એને સમાચાર મળ્યા કે ચિત્તાગોંગ આર્મરી પર વિદ્રોહીઓએ હુમલો કર્યો છે. રૉબર્ટ રીડ સામ્રાજ્યવાદી સરકારના દૃષ્ટિકોણથી લખે છેઃ “૧૮મી ઍપ્રિલ ૧૯૩૦, ગૂડ ફ્રાઇડેના દિવસે લાંબા વખતથી બંગાળ પ્રાંતમાં સુષુપ્ત પડેલું બંગાળી ત્રાસવાદી આંદોલન ખૂબ તીવ્રતાથી સક્રિય થયું. આ અત્યાચાર લગભગ ગાંધીએ મુંબઈના કાંઠે દાંડીમાં મીઠાનો કાયદો તોડવા સાથે શરૂ કરેલા સવિનય કાનૂનભંગને પગલે જ શરૂ થયો. સાથે જ લગભગ શરૂ થયો. આમ જે હિંસાચાર બંગાળમાં શરૂ થયો તેને કાબૂમાં લેવામાં બીજાં છ વર્ષ લાગવાનાં હતાં અને પ્રાંતની સરકારને માથે દસ લાખ પૌંડનો ખર્ચ પડ્યો અને કેટલાય મુલ્કી અધિકારીઓ, સૈનિકો અને નિર્દોષ નાગરિકોના જાન ગયા.” રીડ વધુમાં કહે છેઃ “આર્મરી પરનો છાપો બંગાળમાં ત્રાસવાદી પાર્ટીએ કરેલો સૌથી મોટો બળવો હતો અને બહુ કાળજીથી એની યોજના બની હતી.”
રીડના જણાવ્યા પ્રમાણે વિદ્રોહીઓએ ચાર ટુકડીઓ બનાવી હતી. એ બધા એ રાતે કોંગ્રેસ પાર્ટીની ઑફિસે એકઠા થયા. ગણ્નેશ ઘોષના નેતૃત્વ હેઠળ છ વિદ્રોહીઓની એક ટુકડીએ પોલીસના શસ્ત્રાગાર (આર્મરી) પર હુમલો કરવાનો હતો. બીજી ટૂકડીની જવાબદારી લોકનાથ બાલને સોંપાઈ હતી, એમની સાથે દસ જણ હતા. એમણે સહાયક લશ્કરી દળના શસ્ત્રાગાર પર હુમલો કરવાનો હતો. ત્રીજી ટુકડીએ યુરોપિયનોની ક્લબ પર છાપો મારવાનો હતો અને ચોથી ટુકડીએ ટેલીફોન એક્સચેન્જ અને ટેલીગ્રાફ ઑફિસને નષ્ટ કરવાનાં હતાં.
ક્લબ પર હુમલો કરનારી ટુકડી ત્યાં પહોંચી ત્યારે ક્લબ ખાલી હતી એટલે એ ટુકડી બીજી કોઈ ટુકડી સાથે ભળી ગઈ. પોલીસ આર્મરી પર પચાસ માણસોએ હુમલો કર્યો. એમણે ત્યાંના સંત્રીને ગોળીએ દીધો અને તલવારો, પિસ્તોલો પોતાના કબ્જામાં લઈ લીધી. એ જ વખતે એકાદ માઇલ દૂર બીજી ટુકડીએ આર્મરીના સહાયક દળના શસ્ત્રાગાર પર હુમલો કર્યો. આમાં એક સાર્જન્ટ-મેજર અને બે સિપાઈ માર્યા ગયા. તે પછી વિદ્રોહીઓએ આર્મરીનો દરવાજો તોડી નાખ્યો અને રાઇફલો, પિસ્તોલો અને કારતુસો લઈ લીધાં. પણ બન્ને હુમલામાં કોઈ મોટો જથ્થો હાથ ન લાગ્યો.
ટેલીગ્રાફ ઑફિસ પર ગયેલી ટુકડીએ ઑફિસનો સદંતર નાશ કર્યો અને તારનાં સાધનો, દોરડાંનો ખુરદો બોલાવી દીધો. એ તે પછી એમણે ચિત્તાગોંગને ‘સ્વતંત્ર’ જાહેર કર્યું અને બધા પોલીસલાઇનમાં એકઠા થયા. અહીં ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ જે. સી. ફાર્મરને સમાચાર મળી ગયા હતા એટલે એણે બંદર પરની નાની હથિયારબંધ ટુકડીને બોલાવી લીધી હતી. એણે એક તોપ પણ મંગાવી લીધી હતી. એના તોપમારા પછી વિદ્રોહીઓ શહેરની બહાર જલાલાબાદની ટેકરીઓના જંગલમાં સંતાઈ ગયા.
અહીં એ ત્રણ દિવસથી થાક્યાપાક્યા, ખાધાપીધા વગર પડ્યા હતા. પ્રભાષ પાલને એમણે પહેરા માટે રાખ્યો હતો. ત્યાંથી એક ટ્રેન પસાર થતી. એનું ત્યાં સ્ટેશન નહોતું પણ એ ઊભી રહી. પ્રભાષને કંઈક વિચિત્ર લાગ્યું. એણે જોયું કે ટ્રેનમાંથી ઇન્ફન્ટ્રીના સૈનિકો ઊતર્યા. પ્રભાષે બીજા બધાને સાવધાન કરી દીધા. માસ્ટરદાએ આ વખતે લોકનાથ બાલને ‘સર્વાધિનાયક” બનાવ્યા અને પોતે નિર્મલ સેન અને પ્રીતિલતા વોડેદાર સાથે ત્યાંથી નીકળી ગયા. નિર્મલ માસ્ટરદાના નાના ભાઈ હતા. ઢાલગટ ગામમાં છુપાઈને પ્રીતિલતા અને નિર્મલ સેન બે પોલીસ અધિકારીઓ અહેસાનુલ્લાહ ખાન અને ચાર્લ્સ જ્હોનસનને મારી નાખવાની યોજના બનાવતાં હતાં પણ અહેસાનુલ્લાહને ખબર મળી ગયા.. પોલીસે એમના છુપાવાના સ્થળ પર હુમલો કર્યો. નિર્મલ ઝપાઝપી માટે તૈયાર હતા પણ કંઈ કરે તે પહેલાં જ એ ગોળીનો શિકાર બની ગયા અને પ્રીતિલતા એકલાં ભાગી છૂટ્યાં. ચિત્તાગોંગના પોલીસ શસ્ત્રાગાર પર હુમલો કરવાની યોજનામાં માસ્ટરદાને પ્રીતિલતાની બહુ મદદ મળી હતી.આ બાજુ ટેકરીઓ પર હવે ક્રાન્તિકારીઓ અને ઇન્ફન્ટ્રીના ગોરખા સૈનિકો વચ્ચે ઘમસાણ યુદ્ધ ખેલાયું. ક્રાન્તિકારીઓ મચક આપતા નહોતા. પણ એમની બંદુકો હવે જામ થવા માંડી હતી. તેલ તો હતું નહીં. એટલે એમણે પોતાના ઘાયલ સાથીઓના લોહીનો ઉપયોગ ઊંઝણ તરીકે કર્યો. પોલીસ દળ પણ થાકવા લાગ્યું હતું. એંસી ગોરખા સૈનિકો માર્યા ગયા હતા અને ક્રાન્તિકારીઓને રાતના અંધારામાં પકડી શકાય તેમ નહોતું એટલે સાંજ પડતાં, રીડના શબ્દોમાં “શહેરની ભયભીત વસ્તીના રક્ષણ માટે” ટુકડીને પાછી બોલાવી લેવાઈ.
તે પછી ક્રાન્તિકારીઓ ટેકરીઓ પરથી નીચે આવ્યા. એમના ૧૨ સાથીઓ વીરમૃત્યુને ભેટ્યા હતા. વળી બીજી સવારે પોલીસ પાર્ટીએ હુમલો કરતાં કેટલાયે વિદ્રોહીઓના જાન ગયા કે પકડાઈ ગયા. આ હુમલામાં કુલ ૬૫ ક્રાન્તિકારીઓ હતા.
ક્રાન્તિકારીઓમાંથી કેટલાક ચંદ્રનગર પહોંચી ગયા હતા. ચંદ્રનગર અને પોંડીચેરી એ વખતે ફ્રેન્ચ નિયંત્રણમાં હતાં. પરંતુ કલકત્તાનો પોલીસ કમિશનર ટેગર્ટ ફ્રાન્સના વહીવટદારનો મિત્ર હતો એટલે ટેગર્ટ ચંદ્રનગર જઈ શક્યો અને ત્યાં બધા ક્રાન્તિકારીઓને ફ્રાન્સની મદદથી શોધીને મારી નાખ્યા.
ચાર મહિના પછી, ઑગસ્ટમાં ટેગર્ટ કલકત્તાના ડલહૌઝી ચોકમાંથી જતો હતો ત્યારે એના પર બોંબ ફેંકાયો પણ એ બચી ગયો. એ જ મહિનાના અંતમાં કલકત્તાના બે પોલીસ ઑફિસરો લૉસન અને હૉડસન ઢાકામાં કોઈ પોલીસ ઑફિસરને મળવા ગયા ત્યારે એમના પર ક્રાન્તિકારીઓએ હુમલો કર્યો. લૉસન માર્યો ગયો પણ હૉડસન લાંબા વખત સુધી પથારી ભેગો થઈ ગયો. લૉસનના મૃત્યુ પછી ક્રેગ ઇન્સ્પેક્ટર જનરલ બન્યો. એના પર પણ હુમલો કરવાની ક્રાન્તિકારીઓની યોજના હતી, એમણે હુમલો કર્યો પણ ક્રેગને બદલે એક બંગાળી પોલીસ ઑફિસર છટકાની જગ્યાએ આવ્યો અને ક્રાન્તિકારીઓની બંદૂકોનું નિશાન બની ગયો.
રૉબર્ટ રીડ કહે છે કે ક્રાન્તિકારીઓ ફાવ્યા તેનું કારણ એ કે પ્રાંતની અને કેન્દ્રની સરકાર ગાંધીજીના સવિનય કાનૂન ભંગ આંદોલનને નાથવામાં લાગી હતી. બીજું કારણ એ કે સરકાર બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે ગાંધીજીને કોઈ પણ ભોગે મનાવવા માગતી હતી એટલે કડકાઈ દેખાડવાની તૈયારી નહોતી.
ચિત્તાગોંગના વીરોની ગાથા હજી આગળ ચાલશે.
૦૦૦
સંદર્ભઃ
૧.Years of Change in Bengal and Assam. સર રૉબર્ટ રીડ, ૧૯૬૬. (archive.org પરથી ૧૪ દિવસ માટે વાંચવા માટે લઈ શકાશે).
૫. mythicalindia.com/features-page/
૭. myind.net
શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ dipak.dholakia@gamil.com
બ્લૉગઃ મારી બારી