





સુરેશ જાની
પરિચિત છું છતાંયે દૂર ખૂણામાં ઊભેલો છું,
મને શું ઓળખે લોકો સમય વીતી ચૂકેલો છું.તિરસ્કારો અભિમાની ગણીને યોગ્ય એ ક્યાં છે?
મનાવી લેશો હું તોય ગણતરીથી રૂઠેલો છું.ના કોઈ નોંધ ના ઉલ્લેખ મારો થાય કિસ્મત છે,
મુગટની જેમ ક્યારેક મસ્તકે હું પણ રહેલો છું.ઉપેક્ષાઓ જમાનાની સહી હસતે મુખે ‘અબ્બાસ’,
રહ્યું છે શીશ અણનમ પણ કમરથી તો ઝુકેલો છું.
– ગુલામ અબ્બાસ ‘નાશાદ’
સ્વમાની, નવોદિત સર્જકની મનોવ્યથાની આ ગઝલ ઘણા બ્લોગરોને ગમી જાય તેવી છે! દાદની અપેક્ષા કયા સર્જકને ન હોય? ભલે કોઈ કહે કે, ‘હું તો નિજાનંદ માટે સર્જન કરું છું.’ પણ અંતરમાં એ આરજૂ તો રહે જ કે, ‘કોઈક તો વાહ! કહે.’ અરે! નવોદિત શું ? – લબ્ધપ્રતિષ્ઠ સાહિત્યકાર કે કલાકારને પણ આ વ્યથા કઠતી હોય છે. પણ બ્લોગરની વ્યથા વધારે તીવ્ર હોય છે. ઈ-માધ્યમની ઝડપથી એ ટેવાયેલી વ્યક્તિ છે. એને તરત પરિણામ જોઈએ છે.
સામે પક્ષે , વાંચનાર માટે વ્યથા એ હોય છે કે, ‘કેટલાને દાદ આપવી? હવે તો ઢગલાબંધ સર્જકો ફૂટી નીકળ્યા છે.’ આનો ઉકેલ મિડિયામાં છે
બાલાશંકર કંથારિયા તો કહી ગયા.
કવિરાજા થયો શી છે પછી પીડા તને કાંઈ
નિજાનંદે હમ્મેશાં ‘બાલ’ મસ્તીમાં મઝા લેજે.
પણ એ ગાવામાં ઠીક લાગે. એનાથી તો વાંઝણો સંતોષ જ મળે ને? સૌ જાણે છે કે, આ નવો રોગ છે. શીશ અણનમ રાખતાં કમર ઝૂકી જાય , એવું દર્દ! પણ એનો કોઈ ઉકેલ છે ખરો? તમને હોય તો કહો.
શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ
· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના
· ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com