વાંચનમાંથી ટાંચણ : પગ કપાયો તેથી શું?

સુરેશ જાની

૧૯૮૯ માં જન્મેલી, ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરના નિવૃત્ત વૈજ્ઞાનિક ગીરીશચન્દ્ર જોશીની દીકરી માનસી વ્યવસાયે તો ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર છે. છ વર્ષની ઉમરથી તે બેડ્મિન્ગ્ટન પણ રમતી હતી. પણ એ તો એક શોખ તરીકે જ. પોતાના કામમાં કાંઈક કરી શકવાનાં સપનાં તે સેવતી હતી.

પણ તે ૨૨ જ વર્ષની હતી ત્યારે ૨૦૧૧ની સાલમાં તેના માથે આભ ટૂટી પડ્યું. અમદાવાદમાં બાઈક ચલાવતાં ખટારા સાથે અકસ્માત થતાં તેના ડાબા પગમાં ગંભીર ઈજા થઈ. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર પછી ડોક્ટરોને એમ લાગ્યું કે, તેનો પગ બચાવી ન શકાય એટલો ટૂટી ગયો હતો. છેવટે એ પગ ઢીંચણ આગળથી કાપી જ નાંખવો પડ્યો. આમ અપંગ થઈ જીવવા કરતાં મરી જવું સારૂં; એવી હતાશામાં માનસી ડૂબી ગઈ. રૂઝ આવી જતાં સુખી કુટુમ્બની માનસીને બહુ ખર્ચાળ એવો પ્રોસ્થેટિક પગ નાંખવામાં આવ્યો. ધીમે ધીમે હતાશા ખંખેરી નાંખી તેણે ઊભા રહેવાની અને ચાલવાની તાલીમ લેવાની શરૂ કરી. હવે તેને બેડમિન્ગ્ટન યાદ આવી ગયું. કૃત્રિમ પગમાં તાકાત અને કૌશલ્ય મેળવવા તેણે બેડમિન્ગ્ટન રમવાનું શરૂ કર્યું.

આ સાથે જ તેના જીવનમાં એક અદભૂત વળાંક આવી ગયો. પોતાના વ્યવસાયની સાથે સાથે તેણે રમતમાં વધારે ધ્યાન આપવા માંડ્યું. કમ્પનીની રમત સ્પર્ધામાં તેણે ભાગ લીધો અને સારો દેખાવ કરી શકી. બસ! હવે તેનો જુસ્સો ન રોકાય તેવો અસીમ બની ગયો. રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની અપંગો માટેની સ્પર્ધામાં તે ભાગ લેવા માંડી અને મેડલો જીતતી ગઈ. હવે એની ગણના રાષ્ટ્રીય કક્ષાની ખેલાડી તરીકે થવા લાગી. ૨૦૧૭ માં સ્પેનમાં માડ્રીડ ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં તેને કાંસ્ય ચન્દ્રક એનાયત થયો. ૨૦૧૯માં સ્વિટ્ઝર્લેન્ડના બેસલ ખાતે તે સુવર્ણ ચન્દ્રક પણ જીતી અને ગુજરાત અને દેશનું ગૌરવ શિખર પર પહોંચાડી દીધું.

ધન્ય છે માનસી – તને સલામ !

માનસી માને છે કે, ૨૦ થી ૫૦ લાખની કિમતનો આ કૃત્રિમ પગ સામાન્ય માણસને પણ પોસાઈ શકે, તે માટે સમાજ અને સરકારે કાંઈક કરવું જોઈએ.

માનસી જોશી જેવી ઘણી વ્યક્તિઓ છે કે, જેમના શક્તિમાન બનીને જીવવાના ધખારાને કુદરતી કે જન્મજાત આપત્તિ રોકી શકતી નથી.

આવો જ એક દાખલો જેસિકા લોન્ગનો છે – જે રશિયાના સાઇબિરિયામાં બન્ને પગમાં ખોડ સાથે જન્મી હતી, અને અનાથાશ્રમમાં સબડતી હતી. તેના સદનસીબે અમેરિકાના સુખી લોન્ગ દમ્પતીએ તેને દત્તક લીધી અને પોતાનાં બીજાં બાળકોની જેમ જ તેનો મુક્ત ઉછેર કર્યો. ૨૦૦૪ની સાલમાં એથેન્સ ખાતે પેરલેમ્બિક ઓલિમ્પિકમાં ૧૨ જ વર્ષની ઉમરે તે ત્રણ સુવર્ણ ચન્દ્રક જીતી હતી. ૨૦૦૬ની સાલમાં દક્ષિણ આફ્રિકાના ડર્બનમાં યોજાયેલી દિવ્યાંગોની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં તો તે સાત સુવર્ણં ચંદ્રક જીતી હતી.

આવાં સૌ દિવ્યાંગો આપણને ગૌરવભેર જીવવાનો મહાન સંદેશ આપી જાય છે ને?

સંદર્ભ –

https://timesofindia.indiatimes.com/sports/badminton/never-let-amputated-leg-become-an-obstacle-on-court-manasi-joshi/articleshow/74653438.cms?utm_medium=referral&utm_campaign=iPadapp

https://en.wikipedia.org/wiki/Manasi_Girishchandra_Joshi

https://www.indiawest.com/sports/para-shuttler-manasi-joshi-prosthetics-limbs-should-be-subsidized/article_818b1662-3448-11e8-8a8a-43cd1579dcbf.html

https://en.wikipedia.org/wiki/Jessica_Long


શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ

· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના

· ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com

Facebooktwitterredditpinterestlinkedinmail

1 comment for “વાંચનમાંથી ટાંચણ : પગ કપાયો તેથી શું?

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.