ગઝલાવલોકન : ૨૬ : સદીઓથી એવું જ બનતું રહ્યું છે

સુરેશ જાની

સદીઓથી એવું જ બનતું રહ્યું છે,
કે પ્રેમાળ માણસ નથી ઓળખાતા.
સખી એને જોવા તું ચાહી રહી છે,
જે સપનું રહે છે હંમેશાં અધૂરૂં.

પ્રીતમનો પરિચય તું માગી રહી છે,
વિષય તારો સુંદર, કુતૂહલ મધુરૂં.
લે સાંભળ, એ સામાન્ય એક આદમી છે,
હૃદય એનું ભોળું, જીવન એનું સાદું.

ન ચહેરો રૂપાળો, ન વસ્ત્રોમાં ઠસ્સો,
ન આંખોમાં ઓજસ ન વાતોમાં જાદુ.
કવિતાના પણ એ નથી ખાસ રસિયા,
ન સંગીતમાં કંઇ ગતાગમ છે એને.

પસંદ એ નથી કરતા કિસ્સાકહાણી,
કલાથી ન કોઇ સમાગમ છે એને.
એ મૂંગા જ મહેફિલમાં બેસી રહે છે,
છે ચુપકિદી એની સદંતર નિખાલસ.

નથી એની પાસે દલીલોની શકિત,
કદી પણ નથી કરતાં ચર્ચાનું સાહસ.
જુએ કોઇ એને તો હરગિઝ ન માને,
કે આ માનવીમાં મહોબ્બત ભરી છે.

કોઇના બુરામાં ન નિંદા કોઇની,
નસેનસમાં એની શરાફત ભરી છે.
જગતની ધમાલોથી એ પર રહે છે,
છે પોતાના રસ્તે જ સૂરજની માફક.

સખી તારા પ્રીતમની છે એ જ ઓળખ,
છે સૌ સ્ત્રીઓ માટે જીવન એનું લાયક.
ભિખારણની પાસે કે રાણીના પડખે,

પરંતુ સખી! આવી દુનિયાની અંદર,
ભલા એવા માણસને કોણ ઓળખે છે.
સદીઓથી એવું જ બનતું રહ્યું છે,
કે પ્રેમાળ માણસ નથી ઓળખાતાં.

                                            – ‘મરીઝ’

ઓછી જાણીતી એવી આ નઝમ સાવ જૂદી જ વાત કહી જાય છે. પ્લેટોનિક પ્રેમની, શૂરાતનની, શહીદીની, જાન ફેસાનીની, સખી દાતારની, પરાક્રમી સમ્રાટની કે વળી મેધાવી વિદ્વાનની કે અનેક વિશિષ્ઠતાઓ વાળા નાયકને માટે કથાઓ લખવાનો સામાન્ય નિયમ હોય છે!

વીર પ્રશસ્તિ કાવ્ય

પણ અહીં સાવ સામાન્ય માણસનું વર્ણન છે. એ માણસ આપણને રસ્તામાં ગમે ત્યાં, ગમે ત્યારે ભેટી જતો હોય છે. આપણા જાણીતા સમ્પર્કોમાં પણ આવા ઘણા જણ હોય જ છે. એવા માણસની કોઈ કથા નથી લખાતી. એના માટે કોઈ કવિ કવિતા નથી લખતો. એની કોઈ ખાંભી નથી પૂજાતી. કરોડો માણસોમાંનો એ એક સાવ અદનો માનવી છે.

પણ એનાં સ્વજનો માટે એ સર્વસ્વ હોય છે. તમારા, મારા, સૌના જેવો એ ધબકતો માણસ છે – માણસ જેવો માણસ. આ નાના માણસની મોટી વાત છે. ભલે એમ કહેવાની ફેશન હોય કે, ‘એવા માણસને કોણ ઓળખે છે?’ પણ અમે એવા માણસનો આદર કરીએ છીએ. બહુ ઓછી જાણીતી આ નઝમની સાથે બહુ ઓછા જાણીતા – એ સામાન્ય માણસને સલામ.


શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ

· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના

· ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com

Facebooktwitterredditpinterestlinkedinmail

2 comments for “ગઝલાવલોકન : ૨૬ : સદીઓથી એવું જ બનતું રહ્યું છે

  1. March 25, 2020 at 9:13 pm

    વાહ, ‘મરીઝ’ની નઝમને આપ તબીબે બરાબર પારખી અને તેનું મિતભાષી અવલોકન જેહનને આરપાર વીંધી ગયું. ખરે જ અદના માણસો લોકનજરે ભલે ને અપ્રસ્તુત હોય, પણ તેવાઓ થકી જ તો સામાજિક જીવન ધબકતું રહેતું હોય છે. એવા સામાન્ય માણસને ઓળખાવનાર નઝમકાર અને એના વિષેની પાકી સમજ આપનાર અવલોકનકાર એમ બેઉને મારી દિલી સલામ.

  2. March 31, 2020 at 10:42 pm

    સામાન્ય માણસ વિશે લખવામાં કોને રસ હોય? પણ એનાથી જ તો સંસાર ચાલે છે ને? પિરામિડો બનાવનાર ફેરો નોતા. એણે તો પોતાની દોલતનો સહારો લઈ, ગુલામોને સાટકા મારી પોતાની નાલાયકીનું નગ્ન પ્રદર્શન જ કર્યું છે. એ ગુલામોમાંનો એક હતો …
    મુસા ! એણે સૌને તારીને રાતો સમુદ્ર ઓળંગાવ્યો.

Leave a Reply to Valibhai Musa Cancel reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.