






પૂર્વી મોદી મલકાણ

“ભારતના કુંભમેળાની જેમ પેશાવરમાં રહેલ આ ગોર ખત્રીના વિસ્તારને કેવળ હિન્દુઓનું જ નહીં બલ્કે પાકિસ્તાનના પણ પાક સ્થળ તરીકે મહત્ત્વ આપ્યું હોત તો આ વિરાસતનું મૂલ્ય કૈંક અલગ જ રહ્યું હોત.”
– રીમા અબ્બાસી

કિસ્સાહ ખ્વાની બઝારના અંત પર આવેલ ગોર ખત્રીમાં એક સમયે કનિષ્ક સમ્રાટનું શાસન હતું, પણ સમયાંતરે કનિષ્ક યુગ ઈતિહાસમાં સમાઈ ગયો ત્યાર પછી ત્યાં બૌધ્ધ, રાજપૂત, શીખ, મુઘલોના યુગની નિશાનીઓ અસ્તિત્ત્વ આવી અને એમાં યે ખાસ કરીને નાથ સંપ્રદાયે અહીંની ભૂમિ પર પોતાનો ઇતિહાસ પાકો કર્યો. ગોર ખત્રીના આ વિસ્તારમાં અહીં ગુરુ ગોરખનાથનું ૧૬૦ વર્ષ જૂનું મંદિર આવેલું છે જે દર વર્ષે કેવળ એકવાર દિવાળીના દિવસે ખૂલે છે. આ મંદિર પર પણ તાલિબાનીઓએ હુમલો કરી આ મંદિરને નુકશાન કરેલું ત્યારથી ભક્તોની અવરજવર ઓછી થઈ ગઈ છે.

અમે ગયાં ત્યારે મંદિર બંધ હતું જેની દીવાલો થોડા સમય પહેલાં પોતાની પર કરાયેલાં ઘાની ચાડી કરી રહી હતી. આ ખંડિત મંદિરને જોઈ મારું મન ખરાબ થઈ ગયું. હું ફરી વિચારવા લાગી કે જે રીતે પશ્ચિમી દેશોમાં ઇતિહાસ અને ઐતિહાસિક ઇમારતોનું જે રીતે ધ્યાન રાખવામાં આવે છે તે રીતે આપણે ત્યાં કેમ નથી? આપણે સંસ્કૃતિને માન આપનારા ખરા પણ ખરા અર્થમાં સંસ્કૃતિનું સંવર્ધન કરવામાં આપણે ઊણા ઉતર્યા છીએ. પાકિસ્તાની ઈતિહાસકાર અને લેખિકા રીમા અબ્બાસીએ “હિસ્ટોરીક ટેમ્પલ્સ ઓફ પાકિસ્તાન” માં નોંધ કરી છે કે; નાથ સંપ્રદાયના આ સ્થળને એક સમયે સરકાર ભારતના કુંભમેળાની જેમ વિકસાવવા માટે વિચારી રહી હતી, ત્યારે જો તેમણે આ સ્થળને કેવળ હિન્દુઓનું નહીં બલ્કે પાકના પાક સ્થળ તરીકે મહત્ત્વ આપી દીહોત તો આ વિરાસતનું મૂલ્ય કૈંક અલગ જ રહ્યું હોત. પણ એમ થઈ ન શક્યું. થોડા રાજકારણને કારણે અને તાલિબાનીઓને કારણે આ વિરાસતનો વિકાસ અટકી ગયો. જો’કે મિસ અબ્બાસીનું કહેવું એ ય છે કે; તાલિબાનીઓનો કોઈ ધર્મ નથી તેથી એમણે કેવળ આ સ્થળ પર જ નહીં પણ પેશાવરની મસ્જિદો પર પણ ખૂબ હુમલાઓ કર્યા છે.
ખેર, કારણ આ વાતમાં કેટલી સચ્ચાઈ છે તે વિષે આપણે જાણતાં નથી. પણ એટલી વાત ખરી છે કે આજે જેટલા ઈસ્લામિક ભાઈ-બહેનો આપણાં સમાજમાં સરળતાથી ભળેલા છે તેટલી સરળતાથી ભળેલા હિન્દુઓ પેશાવરમાં કેટલા તે જાણવું હોય તો મારે મારી ટૂર લંબાવવી પડે તેમ હતી, અને તેનો સમય મારી પાસે ન હતો.


આ સ્થળમાં હિન્દુ -શીખ લોકો પોતાની સંસ્કૃતિની નિશાનીઓ અહીં મૂકે તે વાત તો સમજી શકાય છે પણ કોઈ અંગ્રેજ આ સ્થળે હિન્દુ મંદિરનું નિર્માણ કરે તે અલગ વાત છે. ૧૮૩૮ થી ૧૮૪૨ ની વચ્ચે આવેલ સર જ્યોર્જ પાઉલ જેઓ તે સમયના પેશાવરના ગવર્નર હતા તેમણે અહીં એક શિવલિંગ સ્થાપિત કરેલું. જ્યાં સુધી દેશ વિભાજન થયો ત્યાં સુધી સર જ્યોર્જનો પરિવાર આ શિવલિંગ અને મંદિરનું ધ્યાન રાખતાં રહ્યાં અને તેમનાં આ કાર્યમાં તે સમયના અમુક બ્રિટિશ લોકોએ પણ સાથ આપ્યો. ( જેઓ પેશાવરમાં રહેતાં હતાં ) વિભાજન બાદ અહીંના હિન્દુઓ ધ્યાન રાખતાં હતાં પણ તાલીબાનીઓના હુમલા બાદ આ પેશાવર આર્કીયોલોજિસ્ટે આ સ્થળનો કબ્જો લઈ સુરક્ષાને નામે તેને તાળા લગાવી દીધાં. ચાલો, હિન્દુઓના મંદિર બંધ કરવાનું એક વધુ બહાનું પાકિસ્તાન સરકારને મળી ગયું.


ગોર ખત્રીના આ જ વિસ્તારમાં રાણી કર્માબાઈનું મંદિર હતું. રાણી કર્માબાઈ એ પેશાવરના રાજા જયપાલની પત્ની હતી. જ્યારે ગઝની સાથેના યુધ્ધમાં રાજા જયપાલ પછી તેની રાણી કર્માબાઈએ પોતાનાં બચેલા સૈન્ય સાથે ગઝનીનો સામનો કરેલો અંતે તે પણ લડતાં લડતાં વીરગતિને પ્રાપ્ત થઈ. રાણી કર્માબાઈની વીરતાથી પ્રભાવિત થઈ ગઝનીએ જ્યારે સોમનાથ પર હુમલો કર્યો ત્યારે ઘણી હિન્દુસ્તાની સ્ત્રીઓનું અપહરણ કરી પોતાની સાથે લઈ ગયો. હિંદુસ્તાનની બદનસીબી એ હતી કે જ્યારે ગઝની પાછો તુર્કી ગયો ત્યારે સિંધ પ્રાંત કે પેશાવર પ્રાંતમાંથી તેની સામે લડનાર કોઈ રહ્યું નહીં જેથી કરીને આપણી એ હિન્દુ સ્ત્રીઓ પરધર્મીઓના આક્રમણમાંથી બચી ન શકી. આ મંદિર પણ તાલિબાનીઓએ તોડી નાખેલું હતું. અમે જ્યારે ત્યાં ફરી રહ્યાં હતાં ત્યારે જોયું કે આ મંદિરનું પણ સમારકામ ચાલું છે, પણ સમારકામ થયા પછી યે સરકાર આ મંદિર પણ હિન્દુઓના હાથમાં આપશે કે નહીં તે એક સવાલ છે.
© ૨૦૧૮ પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ | purvimalkan@yahoo.com
આર્કીયોલોજિસ્ટે આ સ્થળનો કબ્જો લઈ સુરક્ષાને નામે તેને તાળા લગાવી દીધાં. ચાલો, હિન્દુઓના મંદિર બંધ કરવાનું એક વધુ બહાનું પાકિસ્તાન સરકારને મળી ગયું.
Ne, Aapne tyan ek Babri musjid todi e na pratighato aaje y jova male che.