ત્રણ ગઝલો

સાહિત્યજગતમાં ગઝલકાર શ્રી ભરત વિંઝુડાની કલમ ઘણી જાણીતી છે. તેમના સાતેક ગઝલસંગ્રહો પ્રગટ થયાં છે. તેઓ સરળ બાનીમાં અને ટૂંકી બહેરમાં પાણીદાર શેરો લખતા જૂજ ગઝલકારોમાંના એક છે.. અત્રે તેમની ત્રણ ગઝલો પ્રસ્તૂત છે.

દેવિકા ધ્રુવ, , http://devikadhruva.wordpress.com –   વેબગુર્જરી , . પદ્ય સાહિત્ય સમિતિ વતી,

         ખાલી જાય છે


આ દિવસ ને રાત ખાલી જાય છે,
બસ   હવામાં   વાત ખાલી જાય છે !

ક્યાંય   કોઈ સાથમાં હોતું નથી,
જયાં જુઓ ત્યાં જાત ખાલી જાય છે !

હોઉં છું હું ત્યાં સતત હોતો નથી,
તેં કરેલાં ઘાત ખાલી   જાય છે !

ડૂબતું હોતું નથી જળમાં કશું,
રંગ   એમાં સાત ખાલી   જાય છે !

દિલને સ્પર્શી જાય એવાં હોય છે,
ત્યાં સુધી જઝબાત ખાલી જાય છે !

કાજીએ   પૂછ્યું ને એણે ના   કહી,
હા,  પછી બારાત ખાલી   જાય છે !

                                   – ભરત વિંઝુડા

               અઘરાં કરો

કામ કરવાં હોય તો અઘરાં કરો,
એક નદીમાંથી ઘણાં ઝરણાં કરો !

પહાડ માફક ઊભા રહેવા જોઈએ,
જો કરો તો પાણીના ઢગલા કરો !

દેહ આખો લઈને આવો એમ નહીં,
કહીએ કે મારા   ઘરે પગલાં કરો !

સાદ પાડું છું હું   મારી જાતને,
કામ કોઈનું   નથી, જલસા કરો !

સામસામેની દિવાલો જે   જુએ,
એ જુએ નહીં   એટલે પરદા કરો !

કામ   આવીને   કહે હું કામ છું,
કોઈ પણને કરવા દો અથવા કરો !

                                 – ભરત વિંઝુડા

               સમજવાનું થાય છે

કેવળ હવામાં હાથ ફરકવાનું થાય છે,
તું જાય છે તો એકલા પડવાનું થાય છે !

દુનિયાને બીજી બાજુએ મૂકવાનું થાય છે,
ને   એકમેકને   જ સમજવાનું થાય છે !

મારું જ દિલ છે તો ય નથી મારા હાથમાં,
તારા જ કારણે એ ધડકવાનું થાય છે !

એનાં એ ગામમાં જ થતું એનો ખેદ છે,
ઘર   કેટલીય   વાર બદલવાનો થાય છે !

વરસાદ થાય ત્યારે હું ઘરમાં જ હોઉં છું,
ને જોઉં છું કે ઘરને પલળવાનો થાય છે !

પામી શકાય પ્રેમ શિખર પર જવાય તો,
પણ   ટેકરીના   ઢાળે લપસવાનું થાય છે !

                                            – ભરત વિંઝુડા

સંપર્કઃ
+91 63526 83213
Email: bharatvinzuda78296@gmail.com


Devika Dhruva.

Facebooktwitterredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.