





આપણે રોજ બરોજ ઉપયોગ કરતા હોઈએ એવી અનેક વસ્તુઓમાની એક વસ્તુ ચશ્મા છે. ચશ્મા કેટલા અગત્યના છે તે એને સમજાય છે જેને જરુર પડતી હોય અને ખરા ટાણે હાથવગા ન હોય. ચશ્મા શોધનારે માણસજાત ઉપર કેટલો ઉપયોગ કર્યો છે તેનું મુલ્ય થઈ શકે તેમ નથી. ચશ્માને કોઈ કવિએ ઉપનેત્ર પણ કહ્યા છે. મૂળે નબળી દષ્ટિના ઉપાય તરીકે શોધાયેલા ચશ્મા સમયાંતરે આધુનિક થતા ચાલ્યા. જેમ રસાયણ શાસ્ત્ર વિકસતું ગયું તેમ તેમ ચશ્મા પણ નવા રંગરુપ ધારણ કરતા રહ્યા. ચશ્મા શબ્દ ફારસી ભાષાની નીપજ છે.
માવજી મહેશ્વરી
માનવ શરીરના બાહ્ય અંગોમાં સૌથી સુંવાળું અને કિમતી અંગ હોય તો એ છે આંખ. સ્વસ્થ માનવ આંખ ૫૭૬ મેગા પીક્સલના કેમેરાનું કામ કરે છે. આંખોનું કામ ફક્ત દશ્યો ઝીલવાનું જ નથી. મનુષ્યની આંખો માનવીય ભાવોને સૌ પ્રથમ વ્યક્ત કરનારું અંગ છે. લાગણીની ઉત્કૃષ્ઠ ક્ષણો વ્યક્ત કરવાનું આંખને ભાગે આવે છે. ક્રોધ, આવેગ, શોક, ભય જેવા ભાવોને મૌન રહીને વ્યક્ત કરતી આંખો હજારો શબ્દો બરાબર છે. આંખો જ કોઈના હૈયામાં ઉતરી જવાનો રસ્તો કરી આપે છે. એ ચહેરાની બાહ્ય સુંદરતા તો છે જ, આંતરિક સુંદરતા અને સ્વચ્છતાનું પ્રમાણપત્ર સામેવાળાને આપી શકે છે. આંખો ઉપર વિશ્વની ભાષાઓમાં હજારો કવિતાઓ લખાઈ છે. પરંતુ આંખો બહારથી સ્વસ્થ દેખાતી હોય તે છતાં ન દેખાય કે જોવામાં મુશ્કેલી થાય ત્યારે જે અકળામણ થાય તે અનુભવ એટલી હદે વ્યક્તિગત હોય છે કે એને શબ્દોમાં વર્ણવી ન શકાય. એ અકળામણમાંથી છુટકારો અપાવતું એક સામાન્ય સાધન હોય તો એ છે ચશ્મા !
ચશ્માનો ઈતિહાસ અંદાજે સાતસો વર્ષથી પણ જૂનો છે. ચશ્માની શોધ ૧૨૮૬માં ઈટાલીના પીઝા નગરના એક હસ્ત કારીગરે કર્યો હોવાનું કહેવાય છે. પરંતુ દુ:ખની વાત એ છે કે જગતને એક મોટી ભેટ આપી જનાર ચશ્માના શોધકનું નામ કોઈ જાણતું નથી. જોકે ચશ્માની શોધને લોકભોગ્ય બનાવનાર હતા એક રોમન કેથેલિક ભીક્ષુ. તેમનું નામ હતું આલેજાન્દો ડેલા સ્પિના. વેનીસમાં કાચ ઉદ્યોગના વિકાસ દરમિયાન તેરમી ચૌદમી સદીમાં ચશ્માને લોકપ્રિય બનાવવામાં અને તેના ઉત્પાદનમાં મહત્વનું કામ આલેજાન્દોએ કર્યું. ઈટાલીના કવિ પેટ્રાક ( ૧૩૦૪ થી ૧૩૭૪ ) જેઓની ગણતરી માનવતાવાદીઓની અગ્ર હરોળમાં થાય છે અને જેઓ પ્રણયભાવની કવિતાઓ માટે જાણીતા છે. કવિ પેટ્રાકે પોતાના પુસ્તક ‘ લેટર્સ ટુ પોસ્ટારિટી ‘માં પોતાની નબળી દષ્ટિને કારણે ચશ્માનો ઉપયોગ કરતા હોવાનો ઉલ્લેખ કર્યો છે. જોકે ચશ્માના ઈતિહાસને સમજવા માટે પ્રકાશ વિજ્ઞાનને સમજવું પડે. પ્રકાશ વિજ્ઞાનના નિયમો અને સત્યો ચશ્મા સાથે જોડાયેલા છે. મહાન ભૌતિક વિજ્ઞાની અરસ્તુ ( Aristotle )થી પહેલા પ્રાચિન ગ્રીકમાં એવી માન્યતા હતી કે મનુષ્યની આંખોમાંથી નીકળતી જ્યોતી વસ્તુ ઉપર પડે છે, તેથી બધી વસ્તુઓ આપણને દેખાય છે. પરંતુ ભૂમિતિના શોધક મહાન ગણિતશાસ્ત્રી યુકિલ્ડે એ માન્યતા ખોટી ઠરાવતા જાહેર કર્યું કે, ખુદ વસ્તુઓ પ્રકાશના કિરણોને આંખો સુધી પહોંચાડે છે. એટલે આપણને વસ્તુઓ દેખાય છે. પ્રકાશ વિજ્ઞાન ઉપર ક્રાંતિકારી અને સાતત્યપૂર્ણ પુસ્તક ૧૧મી સદીમાં ઈબ્ન અલ હયથમે લખ્યું હતું. આ પુસ્તકનો ૧૫૭૨માં લેટીન ભાષામાં અનુવાદ થયો. અલ હયથમના પુસ્તકનું નામ હતું ‘ કિતાબ અલ મનાઝીર ‘ એટલે કે પ્રકાશ વિજ્ઞાનનું પુસ્તક. મધ્યકાલિન ઈસ્લામ અને વિજ્ઞાનના ગંભીર અભ્યાસુ હાવર્ડ ટર્નરના મત અનુસાર અલ હયથમે પહેલા તો એ બાબતનો અભ્યાસ કર્યો છે કે જ્યારે પ્રકાશ જુદા જુદા માધ્યમો જેવા કે પાણી, હવા, કાચ વગેરેમાંથી પસાર થાય છે ત્યારે કઈ રીતે પરાવર્તન પામે છે અથવા તેમા કેવા ફેરફાર થાય છે. ચીનમાં પણ ૧૫મી સદીમાં ચશ્માના પ્રયોગના ઉલ્લેખ જોવા મળે છે. પરંતુ દૂરની નબળી દષ્ટિ માટેના કાચનો પ્રયોગ ૧૬મી સદીથી પહેલા થવા લાગ્યો હતો. શરુઆતમાં આંખોની નબળી દષ્ટિનો સાચું નિદાન કરવું મુશ્કેલ હતું. તેથી લાંબા સમય સુધી લોકોને વાપર્યા પછી જ સાચા કે ખોટા ( Trial and Error ) નો જ આશરો લેવો પડ્યો હતો. પણ જેમ જેમ તબીબી વિજ્ઞાનના આધુનિક ઉપકરણો શોધાવા માંડ્યા તેમ તેમ દષ્ટિખામીનું સચોટ નિદાન થવા માંડ્યું. જે આજે કમ્પ્યુટર આધારિત અત્યંત સૂક્ષ્મ અને સચોટ પરિક્ષણ કક્ષાએ પહોંચ્યું છે. એટલે હવે જન્મજાત કે વય સાથે જોડાયેલી દષ્ટિખામીમાં ચશ્માની જગ્યાએ કીકીના માપના કોન્ટેક્ટ લેન્સ પણ ઉપલબ્ધ છે. જોકે કોન્ટેક્ટ લેન્સ બધાને અનુકૂળ આવતા નથી.
ભારતમાં બોલાતો ચશ્મા શબ્દ ફારસી શબ્દ ચશ્મ પરથી આવેલો છે. જેનો અર્થ થાય છે આંખ. પોલીસખાતું અને ન્યાયખાતું નજરે જોનાર સાક્ષી માટે ચશ્મદીદ શબ્દ વાપરે છે. ચશ્મા માટે હિન્દીમાં એનક શબ્દ વપરાય છે. અને અંગ્રેજીમાં તેને આઈ ગ્લાસ કહે છે. જોકે જેમ જેમ તકનિકીનો વિકાસ થયો તેમ તેમ ચશ્મા અને આંખો સાથે જોડાયેલાં તથ્યો આધારિત ચશ્મા શોધાતા ગયા. આજે વિવિધ હેતુઓ માટેના ચશ્મા બજારમાં મળે છે. જેની કિંમત સો રુપિયાથી માંડી લાખો રુપિયા સુધી થાય છે. ચશ્મા મૂળ બે પ્રકારના છે. એક દષ્ટિની ખામી માટે પહેરાય છે અને બીજા આંખોને પ્રકાશની અસરથી બચવા માટે પહેરવામાં આવે છે. પહેલો પ્રકાર એક જરુરત છે અને બીજો શોખ ખાતર પહેરવામાં આવે છે. જોકે જેને શોખ ખાતર પહેરવામાં આવતા ચશ્મા કહે છે તે પણ વાસ્તવમાં અત્યંત જરુરી હોય છે. સૂરજના તેજ કિરણોથી આંખોને બચાવવા પહેરાતા ચશ્માને ગોગલ્સ અને સન ગ્લાસીસ કહે છે. જે લોકોને લાંબા સમય સુધી તડકામાં કામ કરવાનું હોય છે અથવા જેઓને અતિ તેજ પ્રકાશ વચ્ચે કામ કરવાનું હોય તેઓ પોતાની આંખની રોશનીને રક્ષણ આપવા આવા ચશ્મા પહેરે છે. આપણી આંખની કુદરતી રચના એવી છે કે તેજ પ્રકાશમાંથી ઓછા પ્રકાશમાં કે તેથી ઉલટી સ્થિતિમાં જવાનું થાય છે ત્યારે આંખની કીકી વારંવાર સાંકળી – પહોળી થાય છે. કેટલાક લોકોને આવી સ્થિતિમાં અસુવિધા અનુભવે છે. એટલે જ ફિલ્મ જગત સાથે જોડાયેલા લોકો, રણ અને બર્ફીલા પર્વતો પર કામ કરતા વ્યક્તિઓ રંગીન કાચના ચશ્મા પહેરેલા દેખાય છે. સમુદ્રની અંદર સંશોધન કરનારા અને વેલ્ડીંગ જેવા તિવ્ર પ્રકાશમાં કામ કરતા લોકો ખાસ પ્રકારના ચશ્મા પહેરે છે. કેટલાક લોકોને સૂર્યના પારજાંબલી કિરણોની સીધી અસર થતી હોય છે. એવા લોકો માટે ખાસ પ્રકારના ચશ્મા બનાવવમાં આવે છે. કોઈ સમયે ચશ્મામા કાચ વપરાતો હવે પ્લાસ્ટીક અને પોલી ફાયબરનો પણ ઉપયોગ થાય છે.
રંગીન કાચના ચશ્મા ( ગોગલ્સ ) ૧૯૪૦ની આસપાસ આવ્યા અને ત્યારથી લોકપ્રિય રહ્યા છે. ગોગલ્સ માત્ર આંખોને રક્ષણ આપતા નથી તે ચહેરાની સુંદરતા પણ વધારે છે. ગોગલ્સની લોકપ્રિયતા વધારવામાં ભારતીય ફિલ્મી જગતના અદાકારોનો મોટો ફાળો છે. આંખો ન દેખાય તેવા કાળા ચશ્મા ચોક્કસ પ્રકારનો ભાવ કે ભય ઊભો કરે છે. ખાસ કરીને જાસૂસો કાળા રંગના ચશ્મા પહેરે છે. ઉપરાંત દેશની મોટી હસ્તીઓની સુરક્ષામાં રહેતા સાદા કપડામાં ફરતા કમાન્ડોઝ પણ કાળા રંગના ચશ્મામાં જોવા મળે છે. ચશ્મા રોજ બરોજની ચીજ છે. એ ભુલાઈ જવા, બદલાઈ જવા જેવા માનવસહજ બનાવો પરથી અનેક હાસ્યલેખો લખાયા છે. હિન્દી ફિલ્મ જગતમાં શિક્ષક, પ્રોફેસર અને મુનિમનું પાત્ર ભજવનારા કલાકારોને ફરજિઆત ચશ્મા પહેરાવાયા છે. દિલ્લગી ફિલ્મના બે પ્રોફેસર જેમાં એકને દૂરના ચશ્મા અને બીજાને નજીકના હોય છે. બેય સામે આવે ત્યારે એક ચશ્મા પહેરે અને એક ઉતારે એ દશ્ય ફિલ્મમાં મહત્વનું બની રહ્યું છે.
એક સમયે ચશ્મા એ વધતી વયની નિશાની ગણાતી ચશ્મા પહેરેલા માણસો ઓછા જોવા મળતા. ચશ્મા પહેરતા વ્યક્તિ માટે ચશ્મીસ શબ્દ વપરાતો. હવે પ્રતિદિન તેની સંખ્યા વધી રહી છે. આ બદલાતી જીવન પધ્ધતિ અને અંધારાના ઘટતા જતા વિસ્તારનું પ્રમાણ છે.
શ્રી માવજી મહેશ્વરીનાં સંપર્ક સૂત્રોઃ ફોન નં. +૯૧ ૯૮૨૫૭૨૫૫૯૬ Email mavji018@gmail.com
મજા કરાવી દીધી, માવજીભાઈએ મજાના માહિતિપ્રદ લેખ વડે! આના અનુસંધાએ હું મારા એક હાસ્યકાવ્યની ચશ્માં સાથે સંબંધિત કેટલીક કડીઓ આપું છું :
શ્વાસની આવનજાવન અને લીંટવહન કાજે તો પ્રભુએ નાક સરજિયું,
કિંતુ માનવે વિશેષ કામ લીધું નાક પાસેથી ચશ્માં ટેકવવા નાકદાંડી ઉપરે!
ઘણાં દૂધાળાં જાનવર ન ખાતાં સૂકું ઘાસ અને ચહે લીલું જ સાલભર,
મનુષ્ય ચહે અજમાવવા હરિતરંગી પારદર્શી ગોગલ્સ અબોલ પશુને ઠગવા! (6)
આખા કાવ્યનો લિંક : https://musawilliam.wordpress.com/2011/11/07/288-thaero_ek_aur/
એક સમયે નંબરના ચશ્મા હોવા એ મૂરતિયાની ગેરલાયકાત ગણાતી,