
પૂર્વી મોદી મલકાણ
ઇતિહાસનાં મૂળ એટલા ઊંડા હોય છે કે જેને સરળતાથી તોડવા, નાશ કરવા કે ઉખેડવા સરળ નથી હોતા.



ગોરખત્રી તે પેશાવરના સૌથી ઊંચા બિંદુઓ પૈકીનું એક છે. ૧૬૦x૧૬૦ના ચોરસ મીટરનું ક્ષેત્ર ધરાવતું આ સ્થળ એક પ્રકારે કિલ્લાનું સંયોજન છે. આ કિલ્લાના પૂર્વ અને પશ્ચિમમાં એમ દિશામાં બે મુખ્ય પ્રવેશદ્વાર છે. જ્યારે અમે ગોરખત્રીના એક દરવાજા પાસે પહોંચ્યાં ત્યારે તે દરવાજો જોઈ મારી આંખો મોટી થઈ ગઈ કારણ કે આપણાં રાજસ્થાનના કિલ્લાઓની ઝલક આ દરવાજા પર ઝળકતી હતી.

ગોર હટ્ટીનો આ વિશાળ દરવાજો લાકડાનો બનેલો. આ દરવાજાને આક્રમણકારીઓ અને તેની સેનાથી બચાવવા માટે ઘણા ખીલા ઠોકેલા હતાં, કદાચ આ ખીલાઓને કારણે દરવાજાને બહારથી પકડવો તો મુશ્કેલ બને જ પણ હાથી, ઊંટ વગેરે જેવા પ્રાણીઓનાં લશ્કર જ્યારે આ દરવાજા સાથે અથડાવવામાં આવે ત્યારે આ ખીલાનો માર એ પ્રાણીઓને પણ ભારી પડી જાય. અમે આ દરવાજે પહોંચ્યાં ત્યારે જાણ્યું કે આ દરવાજો લગભગ ૩૦૦ થી ૪૦૦ વર્ષ જૂનો હોઈ તે મોટે ભાગે બંધ જ રહે છે, પણ તે દિવસે કદાચ અમારે માટે જ તે ખુલ્લો મુકાયેલો.

ગોર ખત્રીના આ આખા વિસ્તારને ગાર્ડનથી કવર કરેલો છે. સાંજ પડે આસપાસની આમ પ્રજા અહીં મનોરંજન માટે કુટુંબકબીલા સાથે ઉમટી પડે છે. આ ગોર ખત્રી નામ વિષે બે માન્યતા છે. પ્રથમ માન્યતાએ છે કે ગુરુ ગોરખનાથ પરથી આ સ્થળનું નામ ગોરખત્રી પડ્યું. જ્યારે બીજી માન્યતા એ છે કે “ગોર હટ્ટી કદરી” નામનો એક હકિમ આ વિસ્તારમાં બહુ પ્રખ્યાત હતો. સમયાંતરે આ “હટ્ટી કદરીનું ખત્રી” થઈ ગયું અને આ ખત્રી નામ એક જાતમાં આવી ગયું. ખેર, માન્યતા જે હોય તે. પણ આજે આ વિસ્તાર આર્કીયોલોજિકલ સાઇટ તરીકે પ્રખ્યાત છે. ૭મી સદીમાં આવેલાં ચીની યાત્રાળુ ઝૂયાંગે પોતાની નોંધપોથીમાં લખ્યું છે કે તે જ્યારે અહીં આવ્યો ત્યારે અહીં ૧૦૦૦થી વધુ બૌધ્ધ સ્તુપ અને મઠ હતા. આ સમસ્ત મઠો અને સ્તુપ પૈકીનું સ્થળ કનિષ્ક વિહાર નામે ઓળખાતો મઠ અદ્ભુત અને અતુલ્ય છે. જ્યાં જ્ઞાન મેળવવાની ઈચ્છા ધરાવતા અનેક સાધુઓ રહે છે. પુરાતત્વવિદોના જણાવ્યા અનુસાર કનિષ્ક વિહાર એ બૌદ્ધ શિક્ષણ આપતી પેશાવરની પ્રથમ પ્રસિદ્ધ યુનિવર્સિટી હતી. પાકિસ્તાનના જાણીતા પુરાતત્વવિદ્ પ્રોફેસર અબ્દુલ રહેમાન પોતાના રિસર્ચ પેપર ‘પેશાવર અને તેના સ્મારકો’ માં જણાવે છે કે કનિષ્ક વિહારમાં વસુબંધા અને અસાંગે નામના બે વિદ્વાન હતાં જેમણે બૌદ્ધ ધર્મને અલગ અલગ પરિમાણ આપીને વિશ્વના નકશા પર મૂક્યાં હતાં.

બાબરનામામાં આ સ્થળનો ઉલ્લેખ કરતાં બાબરે કહ્યું છે કે; હું ( પ્રથમવાર -૧૫૦૫ નો સમય ) જ્યારે આ સ્થળ પર આવ્યો ત્યારે અહીંનું મંદિર જોઈ હું ચક્તિ થઈ ગયો કારણ કે આટલું સુંદર કોઈ દેવસ્થાન હોય શકે તે મારે માટે નવી વાત હતી. પણ આ મંદિરની આજુબાજુ કશુંક થયું હતું કદાચ કોઈએ હુમલો કરેલો પણ તેણે મંદિરને કશું જ નુકશાન પહોંચાડેલું નહીં, પણ મંદિરની આજુબાજુ ઘણી તોડફોડ થઈ હોય તેવું લાગતું હતું, અહીં ઘણાં તહેખાના હતાં, તેમજ જમીનની અંદર રહેવાની જગ્યા બનાવવામાં આવેલી હતી. આ રહેવાના સ્થળમાં ઘણાં લોકો વાળ કપાવતાં કે ઉતરાવતાં જોવા મળ્યાં. આ મંદિરને હું જેમ હતું તે જ રીતે છોડીને હિંદુસ્તાન તરફ આગળ વધ્યો કારણ કે આટલાં દુર્લભ દેવસ્થાન બનાવવામાં કવચિત યુગ વીતી જાય છે. બાબરના ઉલ્લેખ પછી આજેય આ સ્થળની ખાસિયત એ છે કે પાકિસ્તાનમાં રહેતાં હિન્દુઓ અહીં બાબરી ઉતારવા એટ્લે કે મૂંડન કરાવવા અને વાળ ઉતારવા આવે છે. જોવાની વાત એ કે જે મંદિરની વાત બાબરે કહી છે તે મંદિર ભિન્ન બૌધ્ધ ધર્મનું હતું કે હિન્દુ ધર્મનું તે વિષે આજે ય અનેક મતમતાંતર ચાલે છે.
બાબર અને બાબર પછી હિંદુસ્તાન તરફ અનેક ઈસ્લામિક શાહ સુલતાનની સેનામાં રહેલાં લોકોએ આ સ્થળને ક્યારેય નુકશાન ન પહોંચાડયું, પણ આ છેલ્લા યુગમાં જે અફઘાની ઈસ્લામિક કે પાક ઈસ્લામિક ( વિભાજન પછી ) આવી તેમણે આ સ્થળને ઘણું જ નુકશાન પહોંચાડયું. તોડફોડ કરવામાં આ પ્રજાઓની ખાસિયત એ રહી કે તેમણે આ કલા કે અહીં રહેલી કલાના મૂળને એમ જ રાખ્યું ( મૂર્તિ, સ્તૂપ, મઠ, મંદિરનું શિખર કે દીવાલો ) પણ તેના મસ્તકને તોડી નાખ્યાં. મસ્તક એ એ સમયના લોકોનું, તેમની કલાનું, તેમની સંસ્કૃતિનું પ્રતીક છે. આ ઉપરથી મારી ધારણા એ બની કે; આ લોકો મસ્તક તોડીને તે કલાના ગર્વનો તેમણે નાશ કર્યો છે.

આ રીતે ઇમારતોનો ધ્વંશ કે મસ્તક વિનાની મૂરત એ તે અણસમજુ લોકોને માટે ગર્વની વાત હોય શકે પણ હકીકતમાં જે કલાનો સમય દેખાતો નથી તે કલાના ઇતિહાસનાં મૂળ એટલા ઊંડા હોય છે કે જેને સરળતાથી તોડવા, નાશ કરવા કે ઉખેડવા સરળ હોતા નથી. તેથી અમે જ્યાં જ્યાં ફર્યા તે તે જગ્યામાં રહેલાં અવશેષો અમને મૌનમાં અનેક ગાથાઓ કહી ગયા.
©૨૦૧૮ પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ | purvimalkan@yahoo.com
હુમ્મ …વિચાર્યું નોહતું કે કોઈ લોકો આમેય વિચારી શકે, તમારી ધારણા યે મને સાચી લાગે છે કારણ કે ભગવાન બુધ્ધ ની કે પાકિસ્તાન તરફની જે મૂર્તિ ઓ જોવામાં આવી છે તેના તમામ ના માથા ઊડેલા છે. મને દરવાજાઓ જોવાની યે બહુ મજા પડી.