મંજૂષા – ૩૨. નિર્ણય ન લેવાનો નિર્ણય ખોટો છે

વિનેશ અંતાણી

નિર્ણય લેવાની પ્રક્રિયા સવારે ઊઠતાંની સાથે શરૂ થઈ જાય છે. એનો કોઈ અંત નથી.

અર્થમાં નિર્ણય લેવાની પ્રક્રિયા શ્ર્વાસોચ્છ્વાસની જેમ સ્વાભાવિક અને નિરંતર ચાલ્યા કરે છે

·

દુનિયામાં કે જીવનમાં બધા રસ્તા વર્તુળાકારમાં જતા નથી કે આગળ જતાં ફરી એ જગ્યાએ જ મળે. આપણા માર્ગ પર આગળ જતાં બે ફાંટા પડે છે. ક્યારેક વધારે ફાંટા પણ પડે. આગળ વધીએ પછી તે માર્ગના પણ નવા ફાંટા પડે, કેટલાય વળાંક આવે. દરેક વળાંક અને ફાંટા પર પહોંચ્યા પછી આગળ જવા માટે કયો માર્ગ લેવો તેનો નિર્ણય લેવો પડે છે. રોબર્ટ ફ્રોસ્ટ જેવા કવિ ઓછા ખેડાયેલા રસ્તા પર જવાનો નિર્ણય કરી શકે, બધા એવું ન પણ કરી શકે.

નિર્ણય લેવાની પ્રક્રિયા સીધી-સરળ હોવા છતાં અટપટી હોય છે. નિર્ણયના પરિણામની અનિશ્ર્ચિતતા રહેવાની જ. ક્યારેક લાંબી વિચારણા પછી લીધેલો નિર્ણય ખોટો પડે છે તો ઉતાવળમાં લીધેલો નિર્ણય સાચો પડે છે. ઘણી વાર સંજોગો બદલાય છે, નિર્ણય લેતી વખતે દેખાયેલા માર્ગ પર આગળ વધવાની ગણતરી અવળી ઊતરે છે. તેમ છતાં એવાં કારણોસર નિર્ણય લેવાનું ટાળવાની માનસિકતા એક પ્રકારની પીછેહઠ છે. નિર્ણય લેવામાં ઢીલ કરવાથી જીવનમાં મળતી નાની કે મોટી તક હાથમાંથી સરી જાય છે. નિર્ણય લેવાની તૈયારી મહત્ત્વની છે, નિર્ણયની યોગ્યતા કે અયોગ્યતા તો પછીની વાત હોય છે.

આ સંદર્ભમાં ઘણાાં દૃષ્ટાંત આપવામાં આવે છે. સાદું દૃષ્ટાંત પાંચ-છ વર્ષના છોકરાનું છે. એ એનાં માતાપિતા સાથે કેન્ડી લેવા મોટા સ્ટોરમાં ગયો. પિતાને અગત્યની મીટિંગ માટે જવાનું હતું એથી એ વધારે સમય રોકાઈ શકે તેમ નહોતો. છોકરો એક કેન્ડી જુએ અને બીજી કેન્ડી માટે મન લલચાય. પિતા ઉતાવળ કરતો હતો, પરંતુ દીકરો એક કેન્ડીનું બોક્સ ઉપાડે, પાછું મૂકે, નવી કેન્ડી શોધે. એમાં બહુ સમય ગયો. છેવટે પિતા કંટાળ્યો. એ દીકરાનો હાથ ખેંચીને સ્ટોરમાંથી બહાર લઈ ગયો. તે દિવસે છોકરાને કેન્ડી ખાવાની મળેલી તક એની અનિર્ણયાત્મકતાને કારણે એના હાથમાંથી ગઈ.

નિર્ણય લેવો એ એક પ્રકારની કળા છે. આજે આપણી સામે પસંદગીના ઘણા વિકલ્પો ખૂલ્યા છે. એક સમયે ભારતમાં કાર ખરીદનાર પાસે સીમિત બ્રાન્ડની જ કાર ઉપલબ્ધ હતી. એમાંથી જ પસંદગી કરવાની રહેતી. નિર્ણય લેવા માટે વિકલ્પ નહોતા. હવે અનેક પ્રકારની કાર બજારમાં આવી ગઈ છે. આ વાત લક્ઝરી આઇટેમ્સથી માંડીને જીવનજરૂરિયાતની બધી જ ચીજવસ્તુઓને લાગુ પડે છે. તેમાંથી પસંદગી કરીને યોગ્ય નિર્ણય લેવો પડે છે. જો કે ઘણા લોકોને એક નિર્ણય લઈ લીધા પછી એની યોગ્યતા-અયોગ્તા વિશે અવઢવ જાગે છે. પડોશીના ઘરમાં આવેલું ટી.વી. જોતાં જ આપણે ખરીદેલા ટી.વી.નો નિર્ણય કારણ વિના ખોટો કે ઉતાવળિયો લાગવાની સંભાવના રહે છે.

આ તો અંગત જીવનને સ્પર્શતા સાદા નિર્ણયોની વાત થઈ. જીવનમાં મોટા નિર્ણય લેવાની પરિસ્થિતિ ઊભી થાય ત્યારે ખરી કસોટી થાય છે. સંતાનો માટે યોગ્ય જીવનસાથીની શોધ માતાપિતા માટે આવી મોટી કસોટી છે. કેટલાક નિર્ણય લેવાઈ ગયા પછી એમાંથી વચ્ચેથી પાછા વળવું શક્ય હોય છે, તો કેટલાક નિર્ણય લેવાઈ ચૂક્યા પછી એના પરિણામ સુધી રાહ જોવી જ પડે છે. ઘરનું ઘર લેવાનો નિર્ણય કે વ્યવસાયને લગતા નિર્ણયમાં પૂરતી સાવધાની રાખી ન હોય તો પાછળથી ફસાઈ ગયાની લાગણી કોરી ખાય છે.

નિર્ણય લેનાર વ્યક્તિએ એનાં પરિણામની જવાબદારી પણ લેવી પડે. રાજકારણમાં ઘણી વાર નિર્ણય લેવાનું ટાળવામાં આવે છે તે પાછળ જવાબદારી ન લેવાની મનોવૃત્તિ પણ કામ કરતી દેખાય છે. લોકશાહીમાં તો ખાસ. તેવા વખતે નેતાઓ આમસહમતિનો મુદ્દો આગળ ધરે છે. એક અર્થમાં નિર્ણય લેવાની પ્રક્રિયામાં આમસહમતિનો મુદ્દો કોઈ પણ નિર્ણય ન લેવા જેવો જ બને છે. બ્રિટનની ભૂતપૂર્વ વડાપ્રધાન માર્ગરેટ થેચરે કહ્યું હતું: ‘આમસહમતિ એટલે નિર્ણય લેવાની એવી પ્રક્રિયા, જેમાં ઝાઝી સંમતિ હોતી નથી, પરંતુ એના વિશે કોઈને ખાસ વિરોધ પણ હોતો નથી.’ સેલ્ફ હેલ્પનાં ઘણાં પુસ્તકોના જાણીતા અમેરિકન લેખક એન્ડી એન્ડ્રુસે નિર્ણય લેવાનું ટાળતા લોકોના સંદર્ભમાં હળવાશમાં કહ્યું હતું: ‘હું નિર્ણય લેવા માટે ભગવાનની વાટ જોતો બેસી રહું છું અને ભગવાન મારા નિર્ણયની વાટ જોતા બેસી રહે છે.’

મનોવૈજ્ઞાનિકો નિર્ણય લેવાની પ્રક્રિયાને વ્યક્તિની વૈચારિક ભૂમિકા સાથે જોડે છે, પણ ઘણા લોકો લાગણીથી દોરવાઈને કે અંત:સ્ફૂરણાથી પણ નિર્ણય લે છે. અલબત્ત એની પાછળ કોઈ તર્ક તો કામ કરતો જ હોય છે. જાણીતા ફિલ્મમેકર ટીમ બર્ટન કહે છે: ‘હું લાગણીથી દોરવાઈને કે મારી અંત:સ્ફૂરણાથી પ્રેરાઈને નિર્ણય લઉં છું ત્યારે મને મારી જાતની વધારે નજીક અનુભવું છું.’

નિર્ણય લેવાની પ્રક્રિયા સવારે ઊઠતાંની સાથે શરૂ થઈ જાય છે. એનો કોઈ અંત નથી. એ અર્થમાં નિર્ણય લેવાની પ્રક્રિયા શ્ર્વાસોચ્છ્વાસની જેમ સ્વાભાવિક અને નિરંતર ચાલ્યા કરે છે. કોઈ પણ વ્યક્તિ એમાંથી બચી શકતી નથી. આપણે શ્ર્વાસ લેવાનું બંધ કરવાનો નિર્ણય લઈ શકીએ તો જ નિર્ણય ન લેવાનો નિર્ણય લઈ શકીએ.


શ્રી વીનેશ અંતાણીનું વીજાણુ સંપર્ક સરનામું: vinesh_antani@hotmail.com

Facebooktwitterredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.