ટાઈટલ મ્યુઝીક (૨૯) – બેટી બેટે (૧૯૬૪)

–  બીરેન કોઠારી

‘સિક્કો’ અથવા ‘મુદ્રા’ એટલે કે છાપ અથવા શૈલી. સંગીતકાર તરીકે શંકર-જયકિશને આગવી શૈલી વિકસાવી. પણ શંકર-જયકિશન શૈલી એટલે શું? તંતુવાદ્યસમૂહની ભરમાર? મેન્ડોલીન કે ટાયશોકોટોનો પ્રભાવક ઉપયોગ? ફ્લૂટનું અદ્‍ભૂત વાદન? એકોર્ડિયનના યાદગાર પીસ? કે ડ્રમબીટ્સની એક ચોક્કસ પેટર્ન? આ તો સંગીતની વાત થઈ. એ ઉપરાંત જોઈએ તો અમુક કે તમુક રાગનો બહોળો ઉપયોગ? અમુક ગાયકો પાસે કરાવાયેલું અદ્‍ભુત ગાયન?

આ તમામ પાસાંની ચર્ચા ‘હરિ અનંત, હરિકથા અનંત’ જેવી છે, અથવા તો એવી બની રહે છે. કેમ કે, ફિલ્મની વાત આવે એટલે કોઈ પણ ચર્ચા ભાગ્યેજ મુદ્દાકેન્દ્રી બની રહે છે. શરૂઆત તો સંગીતથી થાય, અને પછી વાતનો અંત કાં ‘તમે ભારે જાણકાર’ના બિરુદથી કે ‘પણ હકીકતમાં આર.કે. અને નરગીસ વચ્ચે કશું હતું કે નહીં?’ના યક્ષપ્રશ્નથી યા તો ‘મારા પાડોશીના વેવાઈના વેવાઈના પાડોશી આમીર ખાનની સામેના જ એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રહે છે’ જેવી માહિતીસભર ટીપ્પણીથી આવે. સરવાળે કશું પણ ખાલી થયું હોય તો નાસ્તાનાં કે (ગરમ યા ઠંડાં) પીણાનાં ઠામ અને ચર્ચકોની વિદાય પછીની ‘ખાલી ખાલી કુર્સિયાં’. મગજ તો ‘ભરાઈ ગયું’ હોવાનું અનુભવાય.

(બેટીબેટે’નો-એક-સ્ટીલ-ફોટોગ્રાફ)

અત્યાર સુધી આ પેટર્ન દીવાનખાનાની બેઠક પૂરતી મર્યાદિત હતી, જે હવે મંચ પરના કે રેડિયો પરથી પ્રસારિત થતા જાહેર કાર્યક્રમો સુધી પહોંચી છે. તેને લઈને જાણે કે આ જ બંધારણ હોય એવું નિર્ધારીત થઈ ગયું છે. મને આવા કાર્યક્રમો સાંભળવા કે હાજરી આપવા માટે નાહિંમત કરવા આટલું કારણ પૂરતું છે.

(બેટીબેટે’ની એલ.પી.નું પાછલું જેકેટ)

સંગીતકારની શૈલી એટલે મારા પૂરતી વાત એ કે તેમના સંગીતબદ્ધ કરાયેલા ગીત યા સંગીતની કોઈ ટ્રેક સાંભળીએ એટલે બહુ ઝડપથી કાન ઓળખી લે કે આ તો ફલાણા સંગીતકાર! એ શેને લીધે અનુભવાય એનું વિશ્લેષણ પણ પછી થાય, જે બહુ સાચવીને કરવું પડે. (આ શ્રેણી પૂરતો મારો પ્રયત્ન એ દિશામાં હોય છે.)

આટલી પૂર્વભૂમિકા પછી વાત ‘બેટીબેટે’ના ટાઈટલ મ્યુઝીકની. 1964માં રજૂઆત પામેલી ‘પ્રસાદ પ્રોડક્શન્‍સ’ની આ ફિલ્મમાં સુનિલ દત્ત, બી.સરોજાદેવી, જમુના, મહેમૂદ, શોભા ખોટે, આગા, રાજેન્દ્ર નાથ, જયંત જેવા કલાકારો હતા. ફિલ્મનાં કુલ છ ગીતો હતાં. હસરત જયપુરી અને શૈલેન્દ્રે ત્રણ ત્રણ ગીત લખેલાં. એક ગીત પુરુષ અને મહિલા એમ બે સ્વરાવૃત્તિમાં હતું. ‘નૈનોંવાલી તેરે નૈના જાદૂ કર ગયે‘, ‘રાધિકે તૂને બંસરી ચુરાઈ‘ અને ‘આજ કલ મેં ઢલ ગયા‘ (ત્રણે ગીતના ગાયક મ.રફી/છેલ્લું ગીત લતાના સ્વરમાં પણ) શૈલેન્દ્રે લખેલાં હતાં. ‘બાત ઈતની સી હૈ‘ (રફી), ‘ગોરી ચલો ના હંસ કી ચાલ‘ (આશા, રફી) અને ‘અગર તેરી જલવાનુમાઈ ન હોતી‘ (સુમન કલ્યાણપુર, રફી) હસરત જયપુરીની ઓળખાઈ જાય એવી શૈલીએ લખાયેલાં છે. (ગીતકારોની શૈલીની વાત ફરી ક્યારેક, પણ કરવી જરૂર છે.)

ફિલ્મના ટાઈટલ મ્યુઝીક નો આરંભ 0.18 થી થાય છે. સામાન્ય રીતે આ પ્રકારનું સંગીત ફૂંકવાદ્યો અને તંતુવાદ્યસમૂહ પર હોવાથી આરંભ લગભગ સરખા જેવો જ લાગે. એ પછી 0.29 થી ગિટાર શરૂ થાય છે, તેની પછવાડે 0.32 થી તાલ આરંભાય છે. બસ, એ તાલ અને તેની સમાંતરે શરૂ થતું તંતુવાદ્યસમૂહનું વાદન કહી આપે છે કે આ શૈલી શંકર-જયકિશનની. 0.52 થી ફ્લૂટ પર ‘આજ કલ મેં ઢલ ગયા’ના મુખડાની ધૂન શરૂ થાય છે. એકદમ નીચા સપ્તકમાં વાગતી આ ફ્લૂટની પાછળ દોરવાતું તંતુવાદ્યસમૂહનું વાદન અદ્‍ભુત અસર નીપજાવે છે. એક સારથિ જાણે કે સો ઘોડાઓના રથને ઠંડા દિમાગથી દોરતો હોય એવી અસર! આ ઘોડાઓની હણહણાટીનો પરિચય 0.52 સુધી અને 1.27 પછી બરાબર મળે છે. 1.27 થી તંતુવાદ્યસમૂહ પર ગીતના મુખડાનું વાદન આવે ત્યારે સારથિ જાણે કે ઘોડાઓને છૂટો દોર આપતો હોય એમ લાગે અને 1.52 થી વળી પાછો આવીને દોર સંભાળી લેતો હોય એ રીતે ફ્લૂટવાદન શરૂ થાય, જે ટ્રેકના અંત સુધી, એટલે કે 2.06 સુધી ચાલુ રહે છે. સમાંતરે શંકર-જયકિશનની શૈલી સમા ડ્રમ બીટ્સ તો ખરા જ. સામાન્ય રીતે ટાઈટલ મ્યુઝીકના સમાપન – અને ખાસ કરીને સંગીતકાર તથા નિર્દેશકના નામ વખતે વધુ વાદ્યો દ્વારા વિશેષ અસર નીપજાવાતી હોય છે, તેને બદલે અહીં ફ્લૂટના સૂર જાણે કે વિલીન થતા હોય એ રીતે છેડાયા છે.
અહીં આપેલી આખી ફિલ્મની લીન્કમાં 0.18 થી 2.06 સુધી ટાઈટલ મ્યુઝીક સાંભળી શકાશે.


(તમામ તસવીરો નેટ પરથી અને લીન્ક યુ ટ્યૂબના સૌજન્યથી)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Facebooktwitterredditpinterestlinkedinmail

2 comments for “ટાઈટલ મ્યુઝીક (૨૯) – બેટી બેટે (૧૯૬૪)

 1. March 9, 2020 at 11:24 am

  જેટલી મજા ટાઈટલ ટ્રેક માણવાની આવી એટલી જ મજા બીરેનભાઈ તેનું જે કાવ્યમય ચિત્રણ કર્યું છે તે વાંચવામાં આવે છે.
  શંકર જયકિશન્ની સિગ્નેચર શૈલીની એક ખાસ બાબત હતી તેમણે કરેલા અદ્‍ભૂત પર્યોગો.
  જેમકે અહીં તેઓએ ‘ ‘નૈનોંવાલી તેરે નૈના જાદૂ કર ગયે‘માં વૉલ્ત્ઝની લયને રૉક એન્ડ રૉલના તાલ પર દિવાનખાનામાં ગવાતાં એક રોમેન્ટીક ગીતમાં કર્યો છે. અને તેમ છતાં ક્યાંય ગીત નું ચિત્રીકરણ ખૂંચે તેવું નથી જણાતું.

  https://www.youtube.com/watch?v=1njKnwyweNo

  ગીતના ઉપાડમાં પિયાનો એકોર્ડીયન નો જે રીતે ઉપયોગ કર્યો છે તે પણ તેમની શૈલીની આગવી લાક્ષણિકતા હતી.

 2. બીરેન કોઠારી
  March 11, 2020 at 10:06 am

  આભાર, અશોકભાઈ! આ ગીતના વિશેષ ઉલ્લેખ માટે ખાસ!

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.