લ્યો, આ ચીંધી આંગળી : ફારેગ

Facebooktwitterredditpinterestlinkedinmail

( હાસ્યકલાકાર શ્યામસુંદર પુરોહિતની કરુણ કથા)

– રજનીકુમાર પંડ્યા

લાકડાનો દાદરો ચરડ ચરડ ચૂં કરતો હતો એટલે દાદરા ઉપર ખીજ ચડતી. એક તરફી લમણું ફાટે. બપોરનો સમય જ એવો હોય છે સુસ્ત. બે ઘડી જંપી જવા આંખો ઝંખતી હોય છે. હોય, એ તો ઠીક; પણ બીજે ચાર ઠેકાણે પહોંચવાની ઉતાવળ હતી. એમાં વચ્ચે ઊંઘ ચોરી લેવાની મારી કારી ન ફાવી. દિલેરબાબુ કહે : ‘ચાલો ચાલો, જરી શ્યામસુંદર પુરોહિતને મળી લઈએ. અહીં ભાવનગરના દીવાનપરામાં રુવાપરીમાં કાછિયાવાડમાં રહે છે. પછી વળી કયે દી આવશો અને કયે દિવસ મળશો ?’ દિલેરબાબુને એમ કે હું એમને કહ્યા હા પાડું છું; પણ મારા મનમાં શ્યામસુંદર માટે ત્રણચાર જણાએ કરેલી ભલામણો તરવરતી હતી. કુંડલાના પ્રોફેસર કનુભાઈ ગેડિયા વાયા વિનોદ ભટ્ટ, બટુકરાય પંડ્યા અને ત્રીજું, ત્રીસેક વરસ ઉપર જેતપુરની કમરીબાઈ હાઈસ્કૂલના મધ્યખંડમાં મેં સાંભળેલો તાળીઓનો દર ત્રણ મિનિટે એક મિનિટ સુધી ચાલેલો ગડગડાટ. છેલ્લી એ ભલામણ વધુ હકદાર હતી; પણ મેં દાબી દીધેલી. પણ કવિ દિલેરબાબુએ એ સૌ ભલામણોની આગેવાની લઈને અંતે મને ખખડધજ જાહલ દાદરે ચડાવ્યે જ છૂટકો કર્યો. કવિ ખરા પણ પોસ્ટખાતામાં એટલે પગમાં ‘પોસ્ટલ સ્પેશ્યલ’ જોમ હતું એમને. મારે તો માત્ર પાછળ ખેંચાવાનું જ.

‘જલદી પતાવીશું હો! ’ મેં એમને કહ્યું: ‘ઝડપ…ઝડપ’

દિલેરબાબુને મારું બોલવાનું અને દાદરાનું ચરડ ચૂં સરખા લાગ્યાં. એવી બેફિકરાઈ એમના પાન ઠાંસેલા ગલોફે તરવરી. પહેલે માળે પહોંચીને મને કહ્યું, ‘તમે શ્યામસુંદર પુરોહિતને ઓળખો છો?’

‘હા’ મેં કહ્યું, ‘કેમ નહીં. એક જમાનાનો જબરો હાસ્યકલાકાર. આપણા આ કાંતિ પટેલ, કિરીટ વ્યાસ, જગદીશ પંડ્યા એ બધા તો પછીથી આવેલા. મૂળ માણસ તો આ શ્યામસુંદર પુરોહિત જ ને ?( આ 1985 ની વાત છે.)

દરમિયાન બીજો મજલો આવી ગયો. સાંકડા દાદર સાથે મેચ થાય એવી જૂની સાંકડી ઓરડીઓ. બધું ઠાંસોઠાંસ. પેટી-પટારા, બેગ, બિસ્તરા, ઘોડા-ઘોડી, સ્વનામધન્ય અને બેસો તો હળવી ચીસ પાડવા તત્પર એવી ખુરશીઓ આ બધા સામાનની વચ્ચેવચ્ચ સામાનની જ એક ચીજ જેવા બેઠેલા સિત્તેર વરસના શ્યામસુંદર. અંધારા ઓરડામાં પણ ગોગલ્સ ચડાવેલા. આંખની તકલીફના કારણે જ હશે છતાંય અમારો પગરવ સાંભળીને ઊભા થઈ ગયા. દિલેરબાબુનું પોસ્ટલ પ્લાનિંગ આ બધું-નહીં તો એમને કેમ ખબર હોય કે અમે આવીએ છીએ ?

(શ્યામસુંદર પુરોહિત)

નીચલા મજલે પણ એમનો જ પરિવાર હતો. કોઈ એક બહેન બીજી કોઈ વ્યક્તિ પર ગરમ થઈને કશુંક બોલતી હતીં. એનો અવાજ અમારા કાને પડતો હતો તે હકીકત શ્યામસુંદરને પીડતી હતી, એટલે ચહેરા પર ઓઝપાવાનો ભાવ હતો; પણ સ્મિત તો એમણે તરતોતરત જ કાઢ્યું.

બોલ્યા : ‘આવો ભાઈ, બેસો ને નિરાંતે….’

મેં ઉતાવળે એમને જરી નમન જેવું કરીને કહ્યું : ‘નિરાંત તો છે જ ક્યાં ? હજુ તો કેટલે ઠેકાણે પહોંચવું છે ?’

થોડા ગંભીર થઈ ગયા. બોલ્યા : ‘નિરાંતે આવવું હતું ને ?’

ખૂબ નિરાંત લઈને બેઠા હતા એ. કશું કામ જ હવે ક્યાં હતું ? સિત્તેર થયાં. આ એક ત્રણ ત્રણ ચાર ચાર કલાકો સુધી ગમે તેવા મોટા હૉલને હાઉસફુલ કરાવીને સૌને પેટ પકડીને સતત હસાવનારને. ગજબનો જમાનો હતો એમના નામના જાદુનો. હવે તો થોડી આંખો નબળી થઈ, પણ જીભ કંઈ નબળી નથી થઈ; પણ કામ હાથમાંથી સરકી ગયું એટલે રોજગાર સરકી ગયો. તેને દસબાર વરસ થયાં. દસબાર વરસનું નામ ક્યાં ક્યાં આવે છે ! કોઈએ વાત કરી હતી કે હમણાં ટેલિવિઝન પર ચાર કાર્યક્રમો થયા હતાં; પણ એ તો નિરાંતના તળાવમાં નાના કંકરપાત જેવા; પણ પછી એ નિરાંત વધુ પડતી વિસ્તરી ગઈ. અંધારા ઓરડામાં લાકડાની ખાટ પર સ્થિર બેસવાનું અને કલાકો સુધી બેસી રહેવાનું. આપેલા હાસ્ય કાર્યક્રમોમાં પડાયેલી તાળીઓના ગડગડાટની યાદી થાય ત્યારે મોં મરકી જાય. પણ બીજી જ પળે સ્મૃતિમાંથી કશું પીડાકારી સળવળીને બહાર પડે, જેમ કે એવી જ રીતે તાળીઓના ગડગડાટ વચ્ચે એક ઓળખીતા શ્રોતાની ચિઠ્ઠી મંચ પર એમના સુધી પહોંચી હતીં. એમાં લખ્યું હતું કે ‘તમારો જુવાનજોધ બાવીસ વરસનો દીકરો હજુ છ જ દિવસ પહેલાં ફાટી પડ્યો છે ને તમે સ્ટેજ પર સંગીત અને હાસ્યમાં આટલા એકાકાર થઈને અમને શી રીતે હસાવી શકો છો, કહેશો ?’ જવાબમાં શ્યામસુંદરે કહ્યું હતું કે ‘અરે, હું તો શું છું ? છગન રોમિયાને ધન્ય નહીં કે ચાલુ નાટકના એક સીને છોકરાના મરણના સમાચાર આવ્યાં, તે કહે કે એની ઉપર લૂગડું ઢાંકી રાખો, હું સીન પુરો કરીને આવું છું.’

(હાર્મોનિયમ સાથે શ્યામસુંદર)

આ જવાબ દઈને ફરી એ કોઈ જોક પર ચડી ગયા.

‘બધા જોકરોના જીવનમાં જ આવા બનાવ કેમ બનતા હશે’ ? મેં પૂછ્યું – ‘કે પછી આમાં ક્યાંક કોઈ અતિશયોક્તિ હોય છે ?’ આ મારો શંકાળુ સવાલ.

એ ઊભા થઈને તારીખો અંગેની સાબિતીઓ ફંફોસવા જતા હતા ત્યાં મેં કહ્યું – ‘કંઈ વાંધો નહીં. એની કશી જરૂર નથી. મને બહુ ઉતાવળ છે. આપણે આગળ વાત કરીએ.’

‘એકાદ જોક કરો.’ દિલેરબાબુ વાત બદલાવવા માટે બોલ્યા : ‘સુસ્તી ઊડી જાય…..’

જોક શું ? શ્યામસુંદર બોલ્યા, ‘મારા કુંટુબની જ એક સાચી વાત કરું. મારા બાપ રતિશંકર અને કાકા રવિશંકર જોડકા ભાઈઓ; એટલે કે બેલડાં હતાં. ભલભલા જોઈને ભુલાવામાં પડી જાય. એક વાર એક શેઠે મારા પિતા નાના હતા ત્યારે પૂછ્યું કે અલ્યા રતુ, તું વધુમાં વધુ કેટલા પેંડા ખાઈ શકે ? જવાબ મળ્યો બશેર. શેઠને માન્યામાં ન આવે. સો-સોની શરત લાગી. પેંડા મંગાવ્યા એમાં એક તો લુચ્ચા કંદોઈએ ઉધારિયા શેઠને જોખમાં જ અર્ધો શેર પેંડા ઓછા આપ્યા. દોઢ શેર આપ્યા; પણ દોઢ શેરેય તે કેમ કરીને ખાવા ? એટલે મારા બાપે પોણો શેર ખાધા. પછી લઘુ શંકાને બહાને બહાર નીકળી, ઘેર જઈને નાનાભાઈને એ જ કપડાં પહેરાવીને મોકલ્યો. એ આવીને બાકીના પોણો શેર ખાઈ ગયો. શેઠ શરત હારી ગયો; પણ મારા દાદા સાચક તે બન્ને ભાઈઓને ઠમઠોરીને શેઠને પૈસા પાછા અપાવ્યા.’

(શ્યામસુંદર)

સત્યઘટનાત્મક જોક કરીને શ્યામસુંદર પુરોહિત હસવા માંડ્યાં ત્યાં સામેથી ચોટલીધારી એક જુવાનિયો કૉફીના કપ હાથમાં લઈને આવતો દેખાયો. મેં કહ્યું કે આ ભાઈ કોણ ? તો કહે કે એ મારો પુત્ર મહેન્દ્ર છે. એના ત્રીજી વારના લગ્નનું ક્યાંક ગોઠવવાની પેરવીમાં છું પણ પૈસાનો સવાલ નડે છે.’

‘ત્રીજી વારના લગ્નનું કેમ ?’ મારો ઉતાવળો સવાલ. એના જવાબમાં શ્યામસુંદરના કપાળે પીડાની કરચલીઓ પડી. ‘બે વાર પરણ્યો. બે વાર વિધુર થયો. કર્મકાંડ કરીને બે પૈસા કમાયો છે; પણ કોઈ કર્મકાંડ એના વિધુરત્વનું નિવારણ કરી શક્તા નથી.’ બોલતા બોલતા એ ચિંતા નામના પ્રદેશમાં આછુંપાતળું કમાતા પુત્ર માટે કન્યારત્નની મનોમન તપાસમાં નીકળી પડ્યાં. મારે એમની સાથે ક્યાં જવું ? મારે તો ઉતાવળ હતી. ઘડિયાળ ક્યાં કોઈની સાડીબારી રાખે છે તે શ્યામસુંદર પુરોહીતની રાખે ! એમના જીવનની ઘડીયાળે તો સિત્તેર વર્ષ કાપી નાખ્યાં હતાં છતાં ભાડાના જીર્ણ ઘરમાં રહેતા હતા. એમના શિષ્યોએ તો હાસ્યના સ્ટેજ કાર્યક્રમોમાં લાખો રૂપિયા બનાવી કાઢ્યા હતા!

‘તમે રૂપિયા કેમ ન બનાવી શકો?’ એમ તો ન પૂછ્યું, પણ એવા કાંકરીચાળા જેવો પ્રશ્ન મેં કર્યો – ‘પરદેશ કદી ગયા કે નહીં?’

એમણે ‘વી ફોર વિકટરી’ જેમ આંગળીઓ કરી – ‘બે વાર. બહુ મઝા આવી, પણ પહેલી વાર 1948માં ગયો ત્યારે એક સન્મિત્ર સાથે ગયો. છ માસનું નક્કી કરી કમાવા ગયા હતા બન્ને, પણ મોમ્બાસા, નૈરોબી બે જગ્યા કરી ત્યાં તો સન્મિત્ર ઠેંઠણે ઠેં થઈ ગયા. મને છેહ દીધો. છુટા પડ્યા. જો કે. તે પછી બે માસ કમ્પાલામાં સારા જાદુ – સંગીત – હાસ્યના કાર્યક્રમો કર્યા, પણ એકલો એકલો તૂટી ગયો, કમાયું એ ખાધું – ચોખ્ખે હાથે પાછો આવ્યો. ચોખ્ખો હાથ એટલે સમજો છો ને ?’ એમણે બે હાથની હથેળીઓ ઉપર ટોકરીની જેમ અંગૂઠો ધરીને હલાવ્યો. સમજાઈ ગયું. હાથમાં હાથના મેલ વગરના હાથ.’

‘સમજાઈ ગયું.’ હું બોલ્યો – ‘ને બીજી વાર ? બીજી વાર ક્યારે પરદેશ ગયા ?’

‘બીજી વાર 1969માં ગયો. જો કે, આમ તો ત્રીજી વાર ગણાય, કારણ કે વચ્ચે એક વાર ટૂંકી સફરે આફ્રિકા જઈ આવ્યો હતો, પણ આ વખતે તો કમાવાનો દૃઢ નિર્ધાર કરીને ગયો ને કાર્યક્રમ પણ એટલા બધા કર્યા કે એટલા ક્યારે ય નહોતા કર્યા. મોમ્બાસા, નૈરોબી ,નાન્યુકી, ઠીકા, કંપાલા, કિસુલુ, અરે ઠેર… ઠેર… માંઝા ગયો, ઝાંબિયા ગયો. પંદર હજાર કમાયો. બે – ત્રણ હજારની ખરીદી કરી. પૈસા વધ્યા તેમાંથી લંડન જાઓ તો ત્યાના આપણી ગુજરાતી સમાજમાં ટંકશાળ પાડશો તેવી સલાહ ઘણાએ આપી. અમેરિકાવાળાની તો બાંયધરી હતી પણ… પણ…’

પરદેશના પ્રવાસની વાતો કરતા પ્રસન્ન શ્યામસુંદર ‘પણ’ પછી પાછા શ્યામસૂરત થઈ ગયા. ઝંખવાઈ ગયા. બોલ્યા – ‘આફ્રિકા ખંડ છોડતા પહેલાં ખબર પડી કે આફ્રિકામાં પરણાવેલી પુત્રી ભારે દુઃખમાં હતી. એના પતિએ બીજું લગ્ન લંડનમાં કર્યું હતું. અહીં નાના બાળક સાથે પુત્રી બહુ દુઃખમાં દહાડા કાઢતી હતી. મારી સામે બે વિકલ્પો હતા. વધેલા બાર હજાર ખર્ચી લંડન – અમેરિકા જઈ ઢગલો ધન કમાવું – ને બીજો, બાર હજારમાં ભારતની બે ટિકિટ કઢાવી દીકરીને દેશભેગી કરવી. કલાકાર અને પિતા વચ્ચેના દ્વંદ્વમાં પિતા જીતી ગયો. દીકરીને લઈને ભાવનગર આવી ગયો. લંડન – અમેરિકા જંતર વગાડતાં ગયા. ફરી કદી પાછા આવ્યા નહી. ને ત્યાં સુધીમાં તો આપણો જમાનો પણ આથમી ગયો !.’

શ્યામસુંદર હાસ્યકલાકાર હળવે હળવે વ્યથાની વાતો કરતા હતા. મન એમાં ચોંટતું હતું, પણ મને ઘડિયાળ એના બન્ને હાથે પકડીને એમાંથી ઉખેડતી હતી. દ્વંદ્વ તો અહીં હતું.

શ્યામસુંદર બોલ્યા – ‘એ દીકરી અહી મારી સાથે જ છે. દીકરો ચૌદ વરસનો થયો. હમણાં નીચે તમે મા દીકરાની વડછડનો અવાજ ન સાંભળ્યો ? ને એને એનો દીકરો બહુ વહાલો છે. જમાઈ એને લઈ જવા માગે છે, પણ જો દીકરો વિખૂટો પડે તો મારી દીકરી બળી મરે એમ છે. એક વાર તો એની નણંદ દીકરાને લઈ ગઈ હતી તે અમે કોર્ટમાં કેઈસ કર્યો. છ વરસ કેઈસ ચાલ્યો. અંતે કબજો મળ્યો.’

આ બધી 1969 પછીની વાતો હતી. એક જુવાન દીકરો મરી ગયો હતો તેને બાદ કરીએ –તો એક દીકરો પરણીને કોડીનાર જઈને ઠામ થયો હતો તેને પણ બાદ કરીએ, પણ આછુંપાતળું કમાતા અને બે વાર વિધુરપદ પામેલા કર્મકાંડી પુત્રનું શું ? આફ્રિકાથી છોકરાસોતી પાછી ઠેલાયેલી દુઃખી દીકરીનું શું ? એના છ વરસ ચાલેલા કોર્ટ મુકદ્દમાના કમરતોડ ખર્ચાનું શું ? પોતાના બે જણા ઉપરાંતના આ સમગ્ર સંસારભારનું શું ? એની સામે આવક શી ? સરકાર કલાકાર તરીકે વર્ષે છસ્સો રૂપિયા સહાય આપે છે એ જ માત્ર ?.

આવા બધા વિચાર ઉમટી આવ્યા એટલે મેં શ્યામસુંદરને પૂછ્યું – ‘એનું શું ?’

એમનો અવાજ વગર બોલ્યે જ છલકાઈને એમના ચહેરા પર રેલાઈ ગયો. દિલેરબાબુને પણ આ એક પળનો ભાર નહીં જીરવાયો હોય તે ગલોફેથી પાન થૂંકવાની મિષે બારી સુધી જઈ આવ્યા. પાછા આવીને મને કહે – ‘ચાલો જઈશું ને ? તમારે ઉતાવળ છે ને ?’

હા, મને યાદ આવ્યું કે મારે ઉતાવળ હતી ! મેં કહ્યું – ‘હા, ચાલો’

‘થોડાં સર્ટિફિકેટો જોતા જાઓ.’ શ્યામસુંદર બોલ્યા – ‘ઘણાં બચ્યાં છે, પણ ઘણા ગુમાવ્યાં છે એની પણ સત્યઘટનાત્મક જોક જેવી એક વાત છે. એ વખતે આપણો સુવર્ણકાળ. હું સર્ટિફિકેટોનું આલ્બમ લઈને અમદાવાદ જાઉં. ગાડીમાં એક પ્રશંસક ભેટી ગયો. જોવા માગ્યું. મેં આપ્યું. દરમિયાન ઓળખીતા ગાર્ડે મને જોક્સ કહેવા માટે એના ડબ્બામાં બોલાવ્યો. ત્યાં જઈ એને બે કલાક હસાવ્યો, પણ પાછો હું મારી જગ્યાએ આવ્યો તો મારે રડવાવારો આવ્યો. પ્રશંસકે એની રીતે એની પ્રશંસા વ્યક્ત કરી લીધી હતી. મારો સરસામાન, બેગ – બિસ્તરા સલામત, પણ એ શ્રીમાન પોતે મારા આલ્બમ સાથે અદૃશ્ય ! એમને ખબર નહીં એ મારા માટે કેટલી મોટી મૂડી હતી ! ખેર.’ એ જોરથી ખડખડાટ હસ્યા અને શેષ સર્ટિફિકેટો લઈ આવ્યા. થોકબંધ. 1954માં સંગીત વિશારદ થયા ત્યારથી માંડીને અનેક. ર. વ. દેસાઈનું…. ‘ગુજરાત તેમને સાંભળે, અપનાવે અને તેમની કદર કરે એમ ઈચ્છું.’તેવું અને જયશંકર સુંદરી, કાકા કાલેલકર, જ્યોતીન્દ્ર દવે, ઈશ્વર પેટલીકર, શંકરાચાર્ય, શામજીભાઈ જમોડનું અને બીજાં અનેક…

‘તમે ફિલ્મોમાં ગયા હોત તો માલામાલ થઈ જાત.’ એમ મેં કહ્યું તે તેમના તરફે જોકની જેમ ઝિલાયું. કહે – ‘સંગીત, જાદુ અને હાસ્યનો કલાકોનો પ્રોગ્રામ આપનાર હું ફિલ્મોમાં નસીબ અજમાવવા નહીં ગયો હોઉં એમ માનો છો ? 1949માં મોતીલાલ હિરો અને રાજકપુર સાઈડ હિરો હતા એવા ‘પરિવર્તન’ માં એક નાનો રોલ કરેલો. 1949માં જ જયંત જેમાં સોફીયા સામે હિરો હતા એ ફિલ્મ ‘શોહરત’ માં પણ કામ મળ્યું. એ બન્ને હિંદી ફિલ્મો ગુજરાતી ડાઇરેક્ટર એન આર આચાર્યની હતી એટલે એમાં મને કામ તો મળ્યું ,અલબત્ત, એમાં પ્રચારસાહિત્યમાં મારું નામ સ્ટારકાસ્ટમાં સામેલ હોય એટલી મહત્વની ભૂમિકા નહોતી.’

એમની વાત સાચી હતી. એવું જ 1954 ની ડી એન મધોકની ફિલ્મ ‘બિલ્વમંગલ’માં બન્યું.એમાં એમણે કામ તો કર્યું.પણ નામ સામેલ થાય એટલું મહત્વનું નહિં. પણ એ પહેલાં 1948 માં ગુજરાતી ફિલ્મ ‘ ‘સતી સોન અને હલામણ જેઠવો’ માં તો સોમેશ્વર ગોરનું લાંબુ પાત્ર કરીને સૌને હસાવ્યા, એમાં એમનું નામ બા-કાયદા સ્ટારકાસ્ટમાં છે. પણ અસલમાં એ એકટર નહીં. એ તો હાસ્યનો જ જીવ. એટલે ફિલ્મો છોડી. તો હિઝ માસ્ટર્સ વોઈસ અને ટ્વિન રેકોર્ડ કંપનીએ હાસ્યરસના એમના કાર્યક્રમની આઠ રેકોર્ડ બહાર પાડી પણ… પણ…’

શ્યામસુંદર પુરોહિતના જીવનમાં આવા ઘણા પણ પણ પણ આવ્યા જે તેમને ઠેલતાં ઠેલતાં કયાંના ક્યાં તાણી ગયા ! જેમ કે, એક સિગારેટ કંપનીએ પ્રચાર માટે હાસ્યરસના કાર્યક્રમો આપવા નોકરીએ રાખ્યા અને ભેગાભેગી સેમ્પલો વહેંચવાની કામગીરી પણ ગળામાં નાખી. શ્યામસુંદર એમાં પણ મઝા કરતા હતા, પણ ત્યાં ગાડીમાં એક પારસી દંપતીને એ સેમ્પલ્સ આપતા હતા ત્યાં ઓળખાઈ ગયા. એ લોકો એમના ચાહકો હતા – ‘અરે શ્યામસુંદર, આપ આવા મોટા કલાકાર થઈને સેમ્પલો આપવાનું કામ કરો છો ?’ શ્યામસુંદર શો જવાબ દે ? ચાહકો એટલેથી ના અટક્યા, સિગારેટ કંપનીને ફરિયાદ કરી કે ‘કલાકારની આ અવદશા કરો છો ? શરમ છે – શરમ છે.’ તે કંપની આ પત્ર મેળવીને શરમાઈ નહિ, પણ ગિન્નાઈ. તરત જ શ્યામસુંદરને નોકરીમાંથી ‘ફારેગ’ કરી દીધા. –‘દુનિયા આખીને કહેતા કેમ ફરો છો કે હું કલાકાર છું ?’ શ્યામસુંદર ત-ત-ફ-ફ થઈ ગયા – ‘અરે પણ સાંભળો તો ખરા, બન્યું એવું કે…’ પણ કંપની કહે – ‘પણ બણ કંઈ નહીં, જાઓ, આજથી ફારેગ તે ફારેગ જ !’

ફારેગ થઈ ગયા નોકરીમાંથી. પછી ફારેગ થઈ ગયા શ્યામસુંદર સર્વત્રથી- નોકરીથી, હાસ્યથી, રોટલાથી, પણ તંગીથી, અભાવોથી પીડાઓથી અને જંજાળોથી ફારેગ કોણ કરાવે ? રાહ જોઈને બેઠા છે બારણા તરફ નજર નોંધીને !

સાથે હસનાર ઘણા હતા, પણ સાથે રડનાર ક્યાં ?

**** **** ****

નોંધ-

આ મૂળ લેખ લખાયા સાલ 1985 ,જે એ વખતે ‘સંદેશ’ની મારી કટાર ‘ઝબકાર’ અંતર્ગત પ્રગટ થયો હતો. એ પછી એ મારા પુસ્તક ‘ઝબકાર કિરણ 3 (1988)માં મેં તેને ‘ફારેગ’ શિર્ષકથી સમાવ્યો અને પછી તે પછી રતિલાલ બોરીસાગર દ્વારા સંપાદિત મારા પુસ્તક ‘અનોખાં જીવનચિત્રો’ (1999) માં તે લેવાયો. તે પુસ્તક કેટલોક સમય દક્ષિણ ગુજરાતની વીર નર્મદ યુનિવર્સીટીમાં એમ એ. (ગુજરાતી)માં પાઠ્ય પુસ્તક તરીકે ચાલતું હતું.

વિશેષ નોંધ:

સ્વર્ગસ્થ શ્યામસુંદરનો જન્મ જુન 1915 માં અને અવસાન ચુમોતેર વર્ષની વયે 1989 ની પહેલી નવેમ્બરે. પરિવારમાં હાલ નાના પુત્ર ગિરીશભાઇ (73), એમનાથી મોટા એક મહેન્દ્રભાઇ(76) અને એક બહેન નિલાબહેન કે. ઉપાધ્યાય(67) હયાત છે.

આ લેખના અનુસંધાને ભાવનગરના મારા નિકટના મિત્ર શ્રી અશ્વિન ઓઝાના સૌજન્યથી ફોન +91 99795 27827 અને +91 94296 28110 પર સ્વ શ્યામ સુંદરના નાના પુત્ર શ્રી ગિરીશ પુરોહિતનો મારો સંપર્ક થયો. અને તેમના જ કારણે સ્વર્ગસ્થની દુર્લભ તસ્વીરો પણ મળી, અને થોડી વિશેષ માહિતી પણ.

મિત્ર અશ્વિન ઓઝા અને ભાઇ ગિરીશ પુરોહિતનો હૃદયપૂર્વક આભાર.⓿

————————————————————————————————————-

લેખક સંપર્ક –

રજનીકુમાર પંડ્યા.,બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦

મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-079-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com

2 comments for “લ્યો, આ ચીંધી આંગળી : ફારેગ

  1. Piyush Pandya
    March 2, 2020 at 11:38 am

    શ્યામસુંદર અમારા માટે મનોરંજનના પર્યાયસમું નામ હતું. ખરા અર્થમાં હરફનમૌલા હતા. અંગત રીતે મને સૌથી વધુ પ્રભાવિત કરી દેતું એમનું હાર્મોનિયમ વાદન. બેય હાથ વડે વારાફરતી વગાડતા. એ તો ઠીક, હાર્મોનિયમને આડું, ઊંધું કરીને અને પોતે અવળા ફરીને પણ એકસરખી અસાધારણ કુશળતાથી વગાડીને શ્રોતાઓને ચકિત કરી દેતા. આ ગાથા લખવા માટે આપનો અને મૂલ્યવૃદ્ધિ માટે અશ્વિનભાઈનો આભાર.

  2. Neetin Vyas
    March 3, 2020 at 1:54 am

    પીઠ પાછળ હાર્મોનિયમ રાખીને ‘આવારા હું” ની ધુન  વગાડતા શ્રી શ્યામસુંદરજી ને મેં સ્ટેજ ઉપર જોયા છે. વાત સાચી છે કે હાસ્ય કલાકારો અંદરથી એકલા હોય છે, દિલ રડતું  હોય અને મોં પર હાસ્ય, તેમનો દીકરો મહેન્દ્ર અને હું ભાવનગરમાં કોર્ટ ની સામે આવેલી હલુરિયા શળામા એક ક્લાસ માં હતા, ચોક નાં ખૂણામાં એક નવી રજુ થયેલી ફિલ્મ નું પાટિયું લગાવેલું, તે પોસ્ટર માં કલાકાર શ્યામસુંદરજીનો ફોટો હતો, મહેન્દ્ર હોંશે હોંશે તે પોસ્ટર જોવા બધા છોકરાંવ  ને લઇ જતો.”બટુક પંડ્યા” જે સ્ટેજ પરનાં અચ્છા કલાકાર અને ગઢેચીમાં રેલવે માં નોકરી કરતા હતા તે? તેમના મોટાભાઈનું નામ શ્રી જયંત પંડ્યા એ તેની વાત કરો છો?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *