





બીરેન કોઠારી
કોઈ પણ સંસ્થાના સુચારુ સંચાલન માટે નીતિનિયમો અને તેનું ચુસ્ત પાલન જરૂરી છે. શિસ્ત અને અનુશાસન માટે કદાચ નિયમપાલનમાં થોડી કડકાઈ દાખવવામાં આવે એ પણ સમજાય એવું છે. પણ ઘણા કિસ્સામાં એમ બનતું હોય છે કે નિયમપાલન એટલું ચુસ્ત બની જાય કે તેના પાલન પાછળ રહેલા મૂળભૂત ખ્યાલનો જ છેદ ઉડી જાય, અને રહી જાય માત્ર કડકાઈ તથા શિક્ષા! નિયમભંગ થકી મળતું પરિણામ વ્યક્તિગત રીતે કે સમગ્ર સમાજને નુકસાનકર્તા નીવડતું હોય તો હજી કડકાઈને કંઈક અંશે વાજબી ઠેરવી શકાય.
આ થઈ કોઈ સંસ્થા અને તેના નીતિનિયમો અંગેની સામાન્ય વાત. ગયા સપ્તાહે ભૂજની એક મહિલા હોસ્ટેલ પ્રસારમાધ્યમોમાં બરાબર ચમકી. આ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓ માસિકચક્રમાં હોવાનું છુપાવતી હોવાનું સંચાલકોને જણાયું, પરિણામે તેમની ચકાસણી કરાઈ. અલબત્ત, આ સંસ્થામાં નિયમ છે કે જે બહેનો માસિકચક્રમાં હોય તેમણે સંચાલકને જાણ કરવી અને એ પછી જે તે વિદ્યાર્થીનીને અલાયદી રાખવામાં આવે.
વિદ્યાર્થીનીઓની ચકાસણી નિયમપાલનનો અતિરેક કહી શકાય. જો કે, તે એક મહિલા દ્વારા જ કરવામાં આવી હતી. એટલે દેખીતી રીતે વિદ્યાર્થીનીઓએ નિયમભંગ કર્યો હતો એમ કહી શકાય. પણ મુખ્ય મુદ્દો આ નથી. એકવીસમી સદીના બીજા દશકના સમાપનના આરે હજી મહિલાઓના માસિકચક્ર અંગે આવી માન્યતાઓ પ્રવર્તે છે અને તેનું ચુસ્તપણે પાલન થાય છે એ હકીકત વધુ આઘાત પમાડનારી છે. અલબત્ત, આ પણ કંઈ એવી ગુપ્ત બાબત નથી, બલ્કે સરાજાહેર હકીકત છે. આપણા દેશનું બંધારણ પ્રત્યેક નાગરિકને વ્યક્તિગત અને લિંગનિરપેક્ષ રીતે સ્વતંત્રતા આપવાની હિમાયત કરે છે, જ્યારે અનેક સંપ્રદાયો મહિલાઓ અંગેની આવી મધ્યયુગીન માન્યતાઓને વળગી રહે છે, એટલું જ નહીં, તેનો અમલ ગૌરવભેર કરે છે.
ટી.વી. પર વિવિધ બ્રાન્ડના સેનીટરી નેપકીન્સની જાહેરખબરો દ્વારા એમ બતાવવામાં આવે છે કે હવે મહિલાઓએ પોતાના માસિકચક્રના દિવસો દરમિયાન ફિકર કરવાની જરૂર નથી, ફલાણાઢીંકણા સેનીટરી નેપકીન તેમને આ દિવસો દરમિયાન રાખવી પડતી કાળજીથી મુક્તિ અપાવે છે, અને તેમને મુક્તિનો અહેસાસ કરાવે છે વગેરે..આ જાહેરાતો જે પ્રમાણમાં ટી.વી. પર દર્શાવાય છે એ જોતાં લાગે કે વાહ! નારીમુક્તિ આવી ગઈ છે, અથવા તો હાથવેંતમાં છે! પણ એવા સેનીટરી નેપકીન હજી શોધાયા નથી કે જે માસિકચક્ર અંગેની આવી પરંપરાગત ગેરમાન્યતાઓના પાલનમાંથી મુક્તિ અપાવે. હવે તો વિવિધ ઉત્પાદનોની જાહેરખબરોમાં મહિલાના અધિકારોની વાતો ‘સોચ બદલ કે દેખો!’ જેવાં સૂત્રો દ્વારા કળાત્મક રીતે બતાવવામાં આવે છે, એને ફક્ત મનોરંજન જ સમજવું ને?
આ સમસ્ત ઘટના પ્રકાશમાં આવ્યા પછી સંબંધિત સંચાલકો પર પગલાં લેવાની તેમ જ જરૂરી તપાસ કરવાની ઘોષણા કરવામાં આવી છે. માની લઈએ કે તેમાં ન્યાયી તપાસ કરવામાં આવશે, આમ થયેલું પુરવાર થશે અને કસૂરવારોને કદાચ શિક્ષા પણ કરાય. આમ છતાં, મૂળભૂત પ્રશ્ન ઊભો જ રહે છે. શું સંબંધિત સંસ્થાની નિયમાવલિમાંથી આ નિયમને રદ કરવાનું કહેવામાં આવશે? એમ નહીં થાય, કેમ કે, આ માન્યતા જે તે સંપ્રદાય સાથે જોડાયેલી છે, અને સંસ્થા સંપ્રદાય દ્વારા સંચાલિત છે. આથી સવાલ એ ઊભો થાય કે શું કોઈ પણ સંપ્રદાયને પોતાની આચારસંહિતા મૂળભૂત માનવીય મૂલ્યોનું હનન કરે એવી રાખવાનો, અને એ રીતે દેશના બંધારણની વિરુદ્ધ જવાનો અધિકાર હોઈ શકે?
આ દલીલના ટેકામાં અન્ય સંપ્રદાય કે ધર્મનાં એવાં ઘણાં ઉદાહરણ ટાંકવામં આવી શકે કે માત્ર અમારા જ નહીં, ફલાણા કે ઢીંકણા સંપ્રદાય કે ધર્મમાં પણ આવા નીતિનિયમો છે. એનું શું? પોતાના પ્રસારપ્રચાર માટે આધુનિક ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરનાર સંપ્રદાય સરવાળે આવી મધ્યયુગીન માન્યતાઓનો જ પ્રસાર કરવાનો હોય તો ટેક્નોલોજીના ઉપયોગનો અર્થ શો છે? આ કટારમાં કેટલીય વખત કહેવાઈ ગયું છે, અને છતાં એ કહેવાનું ઉભું જ રહે છે કે વૈજ્ઞાનિક ઉપકરણો વૈજ્ઞાનિક અભિગમ શીખવી શકતાં નથી. તેના માટે વૈજ્ઞાનિક માનસ કેળવવું પડે.
એવું નથી કે આ ઘટના બની ત્યારે સૌને આ બાબતનો ખ્યાલ આવ્યો હોય! એક નિયમ લેખે આ પ્રકારની ઉતરતી કક્ષાની વર્તણૂક એ સંસ્થામાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીનીઓએ કે તેમના વાલીઓએ સ્વીકારી જ લીધી હોય છે. તેનો અતિરેક થયો એટલે આ વાત બહાર આવી. હજી પણ તેમાં ફેરફાર થાય એવી શક્યતા નથી. વાલીઓ પાસે અન્ય કોઈ વિકલ્પ હોય નહીં એટલે તેમણે આ શરતોને શરણે થવું પડે. અને સંપ્રદાયની આડમાં આ શરતો મૂકવામાં આવેલી હોય એટલે તેનો વિરોધ પણ કરી ન શકાય. એક સવાલ એ પણ થાય કે કોઈ પણ સંપ્રદાય દ્વારા માનવતાનાં કે માનવસેવાનાં ગમે એવાં કાર્યો થતાં રહે, અને તેનો ઢંઢેરો પણ જોરશોરથી પીટવામાં આવતો હોય, છતાં તેમાં પુરુષ અને સ્ત્રીને સમાન ગણવાની પાયાની શરતનું પાલન ન થાય તો એ માનવતાનાં કાર્યો ગમે એવાં મોટાં હોય એનો કશો અર્થ ખરો? આ કૃત્ય કરનારા કે એમ કરવાનો આદેશ આપનારા તો મહોરાં છે. એમને સજા કરવાથી કોઈ દાખલો બેસવાનો નથી. બહુ બહુ તો એમની આજીવિકા પર વિપરીત અસર થશે. ખરેખર તો સંપ્રદાય સાથે સંકળાયેલા વિચારશીલ લોકોએ આત્મમંથન કરવાની તેમ જ સામૂહિક મંથન કરવાની જરૂર છે. પોતે સુધારાવાદી કે વૈજ્ઞાનિક અભિગમવાળા તરીકે ઓળખાવાનું ગૌરવ લેવા માગતા હોય તો પહેલાં પોતાની છાતી પર હાથ મૂકીને એ નક્કી કરવું રહ્યું કે આ મિથ્યા ગૌરવ છે કે વાસ્તવિકતા? દોઢ બે સદી અગાઉના કોઈક વચનને આદેશ ગણીને તેનું આગળપાછળના વિચાર વિના એ સત્ય હોવાની માન્યતાના ઝનૂનપૂર્વક તેનું પાલન કરાવવાનો આગ્રહ રાખવામાં આવે અને તેમાં અનુયાયીઓ પણ સાર્થકતા અનુભવતા હોય ત્યારે એ બીજું કંઈ પણ કહી શકાય, વૈજ્ઞાનિક કે સુધારાવાદી અભિગમ હરગીઝ નહીં.
ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૦-૨-૨૦૨૦ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)