સંસ્કૃતિની શોધમાં : ૨૮ : કનિષ્ક યુગનો વિહાર સ્તૂપ

પૂર્વી મોદી મલકાણ

ગોર ખત્રીમાં આવેલ આ જગ્યાનો ભાગ આજે “જહાઁબાદ દરવાજા” તરીકે ઓળખાતા આ સ્થળને શાહજહાંની પુત્રી જહાંઆરા બેગમે બનાવેલ. જહાંઆરા બેગમે અહીં એક મસ્જિદ, એક સરાઈ (સરકારી બિલ્ડીંગ) અને બે કૂવા બનાવેલ. ૧૮૮૦માં શીખોએ આ જગ્યા પર કબ્જો મેળવી લઈ બેગમ આરાએ બનાવેલી મસ્જિદ તોડી પાડી ત્યાં શીખ આર્મીને રહેવા માટે જગ્યા બનાવી. લગભગ ૬ એક વર્ષ શીખો આ સ્થળમાં રહ્યા. ૬ વર્ષ પછી એટ્લે કે ૧૮૯૬ માં અંગ્રેજોએ આ સ્થળને પોતાના કબ્જામાં લઈ લીધું ત્યાર પછી દેશ સ્વતંત્ર થયો ત્યાં સુધી આ સ્થળ પર અંગ્રેજોનો જ કબ્જો રહ્યો. ૧૯૧૨ માં અંગ્રેજોએ દ્વારા અહીં પેશાવરનું પ્રથમ ફાયર સ્ટેશન બનાવવામાં આવ્યું ત્યારે તેમણે પ્રથમવાર બકેટ સિસ્ટમ છોડીને સ્ટીલ પાઇપનો ઉપયોગ કરેલો.

ગોર ખત્રીમાં હિન્દુ નિશાનીઓની સાથે બૌધ્ધ ધર્મની પણ એક ખાસ નિશાની છે. આ નિશાનીના ઉલ્લેખ વગર આ સ્થળની મુલાકાત તદ્દન અધૂરી રહી જાય છે. ૧૯૭૨માં ડો. આદીલ અલી અને તેમના અનુયાયી ડો. મુસ્તાફ સુન્નર્ખારની નિગેબાની નીચે ખોદકામ થઈ રહ્યું હતું ત્યારે તેમના હાથમાં અનાયાસે કુશાણ યુગના સિક્કાઓ આવ્યાં તેથી તેઓએ ઉત્સાહમાં આવી જઈ આ વિસ્તારમાં વધુ ખોદકામ કરવાનું શરૂ કર્યું અને ભૂગર્ભમાં લગભગ બે માળ સુધી ખોદકામ કર્યું. આ સમયે આ યુગની અનેક નિશાનીઓ સાથે બૌધ્ધ ધર્મની પણ નિશાનીઓ મળી. ખાસ કરીને તેઓ જેમ ઊંડા જતા ગયા તેમ તેમ નિશાનીઓમાં પણ ફર્ક દેખાવા લાગ્યો તે તેમને માટે વધુ આશ્ચર્ય જનક હતું. ખોદતાં ખોદતાં તેઓએ ભૂગર્ભમાં જ્યારે ૪ માળ પૂરા કર્યા ત્યારે તેમને કનિષ્ક વિહાર મઠની દીવાલો મળી. આ વિહારની શોધ સાથે તેમણે કહ્યું કે, પેશાવર પાસે ઓછામાં ઓછી ત્રીજી સદી પૂર્વેનો ઇતિહાસ પાછો ફર્યો છે. આટલાં સુંદર અને વિરાટ ઇતિહાસના મૂળ મળ્યાં હોવા છતાં બદલતી પરિસ્થિતી અને અપૂરતા સહયોગને કારણે આ કાર્ય અધૂરું મૂકી દેવામાં આવ્યું. આખરે ૨૦ વર્ષ પછી ૧૯૯૨ -૯૩ માં અહીં પુરાતતત્ત્વ ડો. ફારજંદ અલી દુર્રાનીએ ફરી ખોદકામની શરૂઆત કરી, પણ આ સમયે ય ભંડોળના અભાવને કારણે તેમનું ખોદકામ અધૂરું રહી ગયું. જો કે, આ દરમ્યાન તેમણે આ સાઇટનો પૂર્ણ અભ્યાસ કરીને કહ્યું કે; આ શોધ વિશ્વમાં એક નવું પરિમાણ પ્રગટ કરશે કારણ કે આ સ્થળેથી કેવળ એક નહીં પણ એક સાથે ત્રણથી ચાર ધર્મની નિશાનીઓ મળી છે જે એક અનૂઠી બાબત છે.

ડો. ફારજંદ પછી આ સ્થળે વિવિધ પુરાતત્ત્વવાદીઓ નીચે પેશાવર હેરિટેજ સમિતિએ ખોદકામ ચાલુ રાખ્યું. તેથી અમે પણ જ્યારે આ સ્થળે પહોંચ્યાં ત્યારે અહીં કામ હજુ ચાલું હતું. જમીનની અંદર સાત માળ સુધી ખોદકામ કરાયેલું હતું, આ ખોદકામ દરમ્યાન એક લેયર લાકડાનું હોય તો બીજું લેયર ઈંટનું એમ પ્રત્યેક યુગના અલગ અલગ પડ દેખાતાં હતાં.

અહીંથી પથ્થરમાંથી બનાવેલ ભગવાન બુધ્ધના વિશાળ ચરણ ખંડિત અને કુશાણ યુગની સીલ, મૂરતો વગેરે મળી આવ્યાં જેમાંથી અમુક નિશાનીઓ અમે ખૂબ ધ્યાનપૂર્વક અને ઉત્સાહપૂર્વક જોઈ. આ ઉપરાંત અહીંથી મળી આવેલ માનવપિંજરો પણ જોયાં. જેને સાઇટના ખાડામાં રાખેલ કોફીનોમાં મૂકેલા હતાં. અહીં એક બોર્ડ મૂકેલું જેમાં લખેલું કે આ પિંજર કોઈ લડાઈ પછી મૃત્યુ પામેલા લોકોની હતી. જેમને આ સ્થળની જમીનમાં દાટી દીધા હશે, પછી મોક્ષની ધારણાએ ભગવાન બુધ્ધની મૂર્તિના ચરણ આ જમીનમાં પધરાવી તેના ઉપર સ્તૂપ બનાવી દેવામાં આવ્યો હશે. અમે પહોંચ્યાં ત્યારે જમીનની અંદર અમે ઠેર ઠેર કાણાં જોયાં. ત્યાં રહેલાં ચોકીદારે કહ્યું કે, આ કાણાંમાંથી હાડકાં મળેલાં. આ સાઇટ મને ખૂબ એક્સાઇટિંગ લાગી તેથી આ સાઇટ જોતાં જોતાં વારંવાર એક બાળક મારા હૃદયમાંથી બહાર નીકળી પડતો હતો. મારો આનંદ, ઉત્સાહ, ડ્રેસ વગેરે જોઈ ચોકીદારને ખ્યાલ આવી ગયો કે હું લોકલ પ્રજામાંની વ્યક્તિ નથી, તેથી તે મને કહે, મૈડમજી આપ અગર ચાહો તો આપ ખુદાઇ તક જા શકતી હૈ. ચોકીદારની વાત સાંભળી મે એમને પૂછયું; ઇતને સારે લોગ યહાં હૈ આપને કિસીકી નહીં જાને દીયા ફીર હમેં પરમિશન કૈસે દે દી?

મારી વાત સાંભળી તે કહે; બીબીજી આપ આસપાસ દેખીયે ઔર કહીએ કિસી કે પાસ યહ જગહ દેખને કી ફુરસત હૈ? આપ કો પતા હૈ કી યહ જગહ કી ક્યા તવજ્જુ હૈ ઇસી લિયે આપ યહાં તક આયી હો…..

તેની વાત સાચી હતી જે મારે માટે રસદાયક હતું તે બીજાને માટે રસદાયક ન પણ હોય. ક્યારેક આપણાં હાવભાવ, ભંગિમા અને ઉત્સાહ ઘણી બધી વાતો કહી જાય છે. ખેર, તે ચોકીદારે તો નીચે સુધી જવા કહ્યું પણ નીચે ઉતરવાના માટીના પગથિયાંની કન્ડીશન અમને સેફ ન લાગી તેમ છતાં યે ઉત્સુકતાવશ થઈ અમે અમુક અંતર સુધી ગયાં અને ત્યાંથી પરત ફર્યા. દબાયેલી ભૂમિ પણ કેટકેટલા ઇતિહાસ અને ભવ્ય અતીતની કહાણીઓ લઈને ય કેવી મૂક બેઠી હોય છે નહીં?


© ૨૦૧૮ પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ  | purvimalkan@yahoo.com

Author: admin

1 thought on “સંસ્કૃતિની શોધમાં : ૨૮ : કનિષ્ક યુગનો વિહાર સ્તૂપ

  1. આજે બરાબર સમય પર આવી. બ્યુટીફૂલ. બહુ જ મજા આવી. ફોટાઓ અને આપના લખાણ દ્વારા આર્કિયોલોજિસ્ટ કેવી રીતે કામ કરતાં હશે તેનો ખ્યાલ આવ્યો. કાશ આવી કોઈક જગ્યાઓ જોવા મળી જાય તેવી પણ લાલચ લાગી. શું ભારતમાં આવી કોઈ જગ્યા છે?

Leave a Reply to Anonymous Cancel reply

Your email address will not be published. Required fields are marked *