





– બીરેન કોઠારી
‘સરગમ’ શબ્દ સૂચવે છે કે તેમાં સાત સૂરો સમાયેલા છે. આ નામની બે ફિલ્મો બની હતી. બીજી ફિલ્મ 1979 માં રજૂઆત પામેલી, જેમાં ઋષિ કપૂર અને જયાપ્રદાની મુખ્ય ભૂમિકા હતી. આનંદ બક્ષીના શબ્દોને લક્ષ્મીકાન્ત-પ્યારેલાલે સંગીતબદ્ધ કર્યા હતા. આ ફિલ્મનાં એકે એક ગીત અત્યંત લોકપ્રિય થયેલાં, જેમાંનું ‘ડફલીવાલે ડફલી બજા’ બિનાકા ટૉપર હતું.

પણ જૂના ગીતસંગીતના પ્રેમીઓને ‘સરગમ’ (1950) નામ કાને પડતાં એક સાથે અનેક નામ યાદ આવે. જેમ કે, રાજ કપૂર, રેહાના, મુમતાઝ અલી, ઓમપ્રકાશ, પી.એલ.સંતોષી અને સી. રામચંદ્ર.
પ્યારેલાલ સંતોષી અને સી. રામચંદ્રની જોડીએ અનેક અદ્ભુત ગીતો સર્જ્યાં છે, જેમાં ‘શહનાઈ’, ‘ખિડકી’, ‘શિનશિના કી બૂબલા બૂ’ સહિતની બીજી અનેક ફિલ્મો સામેલ છે. સંતોષી ફિલ્મ દિગ્દર્શક પણ હતા અને તેમની શૈલી ‘મ્યુઝીકલ કોમેડી’ પ્રકારની રહેતી. તેમના ગીતોના શબ્દો સાવ હલકાફૂલકા હોય તો પણ સી.રામચંદ્રના સંગીતથી તે એવા શોભી ઉઠતા કે તેની અસર દાયકાઓ પછી પણ એવી ને એવી જ તાજી લાગે. ‘આના મેરી જાન સન્ડે કે સન્ડે’ ગીત સાંભળતાં આ બાબતનો ખ્યાલ આવશે. બીજાં અનેક ગીતો ટાંકી શકાય, પણ અહીં વાત ‘સરગમ’ની કરીએ. (પી.એલ.સંતોષી વિશે અભિનેતા કે.કે.ના સંભારણાના પુસ્તક ‘ગુઝરા હુઆ ઝમાના’માં આખું પ્રકરણ ફાળવવામાં આવ્યું છે, જે તેમની પ્રતિભા જેટલું જ રસપ્રદ છે.)
ખરા અર્થમાં જેને ‘મ્યુઝીકલ કોમેડી’ અથવા ‘મ્યુઝીકલ હીટ’ કહી શકાય એવી આ ફિલ્મનાં એકે એક ગીતો આજે પણ રસિયાઓને યાદ છે. અમારે આ ફિલ્મ સાથે કોઈ ભાવનાત્મક જોડાણ નથી, છતાં અમે ખરીદેલી સૌ પ્રથમ પાંચ લોન્ગ પ્લે રેકર્ડમાંની એક ‘સરગમ’ની હતી. ‘સરગમ’ની રેકર્ડ પહેલવહેલી વાર ચડાવી ત્યારે તેના કોઈ ગીતના સંગીતનો હજી આરંભ થાય કે મારા પપ્પા તરત એ કયું ગીત છે એ બોલી ઉઠતા. એ રેકર્ડ જાણે કે એની પરીક્ષા આપવાની હોય એવા ભાવે અમે સાંભળ સાંભળ કરતા હતા. મઝાની વાત એ છે કે એ ફિલ્મ આવી ત્યારે રાજ કપૂરનું લોકપ્રિય હીરો તરીકે સ્થાપન થઈ ચૂક્યું હતું અને તેમના માટે મુકેશનો કંઠ નિશ્ચિત થવા લાગ્યો હતો. પણ આ ફિલ્મમાં તેમને પ્લેબેક ખુદ ચીતલકરે એટલે કે સી. રામચંદ્રે આપ્યું છે. (એ જ રીતે ચીતલકરે દેવ આનંદ માટે ‘બારીશ’માં અને દિલીપ કુમાર માટે ‘આઝાદ’માં પ્લેબેક આપ્યું છે.)

અહીં માત્ર ‘સરગમ’નાં દસે ગીતોનો ઉલ્લેખ કરું છું, બાકી તો તેના એક એક ગીતની ખૂબીઓ વિશે વિવરણ લખી શકાય એમ છે. ‘તિનક તીન તાની, દો દિન કી જિંદગાની’ (લતા, સરસ્વતી રાણે), ‘જબ દિલ કો સતાયે ગમ’ (લતા), ‘બુઢા હૈ ઘોડા, લાલ લગામ’ (લતા, ચીતલકર), ‘સબસે ભલા રૂપૈયા’ (લતા, રફી, ચીતલકર), ‘વો હમસે ચૂપ હૈ’ (લતા, ચીતલકર), ‘મૈં હૂં અલ્લાદ્દીન’ (લતા, રફી, ચીતલકર), ‘મૈં હૂં એક ખલાસી’ (ચીતલકર), ‘મૌસમે બહાર યાર, દિલ હૈ ગુલઝાર’ (લતા, ચીતલકર), ‘કોઈ કિસી કા દિવાના ન બને’ (લતા), તેમજ ‘મોમ્બાસા’ (લતા, ચીતલકર).

લતા મંગેશકરના કંઠનું માધુર્ય તેની ચરમ સીમાએ હતું એ ગાળાનો તેમનો સ્વર આ ગીતોમાં સાંભળી શકાશે. એ જ રીતે સી. રામચંદ્રની સર્જકતા પણ આ ગાળામાં શિખરે હતી. ‘મૈં હૂં અલ્લાદ્દીન’ ગીતમાં વચ્ચે આવતો લતાના અવાજનો ટુકડો ‘સમાજ કી હૈ આગ, જલ રહી હૂં મૈં’ એક આખું સ્વતંત્ર ગીત બની શકે એવી ક્ષમતા ધરાવે છે.
‘સરગમ’નું ટાઈટલ મ્યુઝીક પ્રમાણમાં ઘણું ટૂંકું કહી શકાય એવું છે, પણ સી. રામચંદ્રે તેમાં કમાલ કરી છે. આ ટાઈટલ મ્યુઝીકમાં તેમણે દસમાંના એક પણ ગીતની ધૂનનો ઉપયોગ નથી કર્યો. એક સાદી રીધમ તેમણે આખી ટ્રેકમાં પકડી રાખી છે અને માત્ર ‘સા….રે….ગ…..મ’ એમ ચાર સૂરોનું જ પુનરાવર્તન કર્યું છે. ‘સરગમ’માં હકીકતમાં સાત સૂરો હોય, પણ અહીં માત્ર ચાર જ સૂર પર આખી રમત કરવામાં આવી છે. તેની વચ્ચે વગાડવામાં આવતા ઈન્ટરલ્યુડમાં સી.રામચંદ્રના સંગીતની ઓળખ કહી શકાય એવાં તમામ વાદ્યો કે વાદ્યસમૂહ વગાડવામાં આવ્યાં છે. અને છેક છેલ્લા ભાગમાં 1.10 થી ખુદ ગબ્બરના એટલે કે ચીતલકરના પોતાના સ્વરમાં એક આલાપ મૂકવામાં આવ્યો છે.
અહીં આપેલી આખી ફિલ્મની ક્લીપમાં 1.16 સુધી ટાઈટલ મ્યુઝીક છે. પણ એ સાંભળ્યા પછી તમને એ આખી ફિલ્મ જોવાની ઈચ્છા થાય કે તેનાં ગીતો સાંભળવાની ઈચ્છા થઈ આવે તો એ રોકવા જેવી નથી.
(તમામ તસવીરો નેટ પરથી અને લીન્ક યુ ટ્યૂબના સૌજન્યથી)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
મારા મોટાભાઈ સ્વ. ભાર્ગવ પંડ્યાએ આ ફિલ્મ ૨૮ વાર જોયેલી.
નાની વયે ગીતો માટે લગાવ શરૂ થયો ત્યારે પહેલું ગમેલું ગીત તે આ ફિલ્મનું ‘મોમ્બાસા મોમ્બાસા’ હતું. હંમેશની માફક ટાઈટલ મ્યુઝિક અને તમારું વિવરણ — બંને ખુબ જ રસપ્રદ રહ્યાં.
ફિલ્મ ન જોઈ હોય એટલે ટાઇટલ મ્યુઝીક પણ ન સાંભળ્યું હોય એ સ્વાભાવિક છે. ચિતલકર નાં ટાઇટલ મ્યુઝીક ની લાક્ષણિકતા સ્મરણમાં ન હતી તેથી એના વિશે વાંચવું રસપ્રદ હતું. ફિલ્મનાં ગીતો નો ઉપયોગ કરવાની બદલે અલબેલા ફિલ્મનાં વિખ્યાત અને લોકપ્રિય ગીત ” દીવાના, પરવાના, શંમા પે આયા લેકે” ની ધુન ની ઝલક આપી છે.
એવી અનેક ફિલ્મો હશે , જેનાં ગીતો ખુબ ગમ્યાં હશે, સાંભળ્યાં પણ હશે, પરંતુ ફિલ્મ જોઈ ન હોય એટલે ટાઈટલ મ્યુઝિક વિશે કશો જ ખ્યા ન હોય.
‘સરગ’ એવી એક ફિલ્મ હતી.
વળી આ શ્રેણીમાં આવરી લેવાતી એવી ફોલ્મો પછે છે, જે જોઈ છે, કદાચ ટાઈટલ મુઝિકની એ સમયે નોંધ પણ લીધી હશે. પરંતુ અહીં જો તે યાદ ન કરાયું હોત તો એ વિસરાયેલું જ રહેત.
ફિલ્મ સંગીતનાં એક મહત્વનાં પાસાંનું અહીં દસ્તાવેજીકરણ થઈ રહ્યું છે.
બીરેનભાઈને ખુબ ખુબ અભિનંદન.
આભાર, મિત્રો!