





– બીરેન કોઠારી
કહેવાય છે કે ઈતિહાસનું પુનરાવર્તન થતું હોય છે. દુર્ઘટનાના ઈતિહાસ બાબતે પણ કદાચ આમ કહી શકાય. હજી ત્રણેક સપ્તાહ અગાઉ આ જ કટારમાં વડોદરા જિલ્લાની એક ફેક્ટરીમાં ફાટી નીકળેલી આગ અને તેનાં પરિબળો વિશે લખવામાં આવ્યું હતું. અને આ સપ્તાહે અમદાવાદના નરોડામાં આવેલી ડેનિમની એક ફેક્ટરીમાં ફાટી નીકળેલી આગમાં સાત જણનું મૃત્યુ થયું હોવાના સમાચાર છે. એ જ ઘટનાક્રમ ફરી ભજવાઈ રહ્યો છે.
દુર્ઘટનાને પગલે રાજ્ય સરકારે આ ફેક્ટરીને બંધ કરવાની નોટિસ આપી છે. પોલિસે ફેક્ટરીના માલિક અને જૂથના મેનેજિંગ ડિરેક્ટર ઉપરાંત ફેક્ટરીના ડિરેક્ટર, જનરલ મેનેજર અને ફાયર સેફ્ટી ઑફિસરની ધરપકડ કરી છે. રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રાલય અંતર્ગત કાર્યરત ડિરેક્ટર ઑફ ઈન્ડસ્ટ્રીઅલ સેફ્ટી એન્ડ હેલ્થ દ્વારા પણ એક નોટીસ અપાઈ છે. શ્રમ અને રોજગાર વિભાગના અધિક ચીફ સેક્રેટરી વિપુલ મિત્રાના જણાવ્યા મુજબ વધુ જીવન જોખમાય નહીં એ માટે ફેક્ટરીને બંધ કરવાની નોટિસ પાઠવવામાં આવી છે અને આ એકમને ફરી આરંભની મંજૂરી આપતાં અગાઉ સુરક્ષા તેમ જ સલામતીનાં પાસાંની યોગ્ય ચકાસણી કરવામાં આવશે. તેમણે એમ પણ જણાવ્યું કે આ જૂથ પ્રત્યેક મૃતકને દસ લાખનું વળતર ચૂકવશે તેમ જ તેના પરિવારના એક સભ્યને અહીં નોકરી આપવામાં આવશે. સાત મૃતકોમાં ત્રણ મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
આ ઘટનાક્રમમાં નવું શું છે? રાબેતા મુજબ ઘોડા ભાગી ગયા પછી તબેલાને તાળાં મારવાની કવાયત છે. પોલિસ અને અગ્નિશમન વિભાગના જણાવ્યા અનુસાર બે માળની ફેક્ટરીના ‘શર્ટિંગ’ વિભાગમાં સાઠેક જેટલા મજૂરો હાજર હતા. તેમાંના ઘણા મજૂરો નીકળી જવામાં સફળ રહ્યા હતા, જ્યારે કેટલાક અટવાઈ ગયા હતા. બળી મરેલા મજૂરોની ઓળખ સુદ્ધાં કરવી મુશ્કેલ થઈ પડે એ હદે તેમનાં શરીર સળગી ગયાં હતાં. આ સંકુલની ઊંચાઈ 70 ફીટ અને લંબાઈ 300 ફીટ હતી. પહેલા માળે કોઈ વેન્ટિલેટર ન હોવાનું પોલિસને જણાયું હતું. મુખ્ય ફાયર ઑફિસરને આગ લાગવાનું ચોક્કસ કારણ હજી જણાયું નથી, પણ એ હકીકત છે કે 55 કરતાં વધુ આગબંબા સ્થળ પર પહોંચ્યા પછી પણ બાવીસ કલાકે આગ માંડ કાબૂમાં આવી હતી.
પ્રત્યેક ફેક્ટરી કે જે લાયસન્સ ધરાવે છે તેમાં સુરક્ષા અને સલામતિના નિયમોનું પાલન થતું હોય તો જ તેને લાયસન્સ આપવામાં આવે છે. આ નિયમોમાં આગ તેમ જ અન્ય અકસ્માત માટેની જોગવાઈને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. પણ મોટે ભાગે બને છે એવું કે આગ જેવો અકસ્માત થાય અને તેમાં જાનહાનિ થાય ત્યારે જ ધ્યાનમાં આવે છે કે સુરક્ષાના નિયમો માત્ર કાગળ પર રહી ગયા હતા. સુરતના ‘તક્ષશિલા આર્કેડ’માં લાગેલી આગની દુર્ઘટનાને હજી વરસ પણ થયું નથી. તેની પરથી કોઈ પણ તંત્રે શો ધડો લીધો? ફેક્ટરીમાં તો આગની સંભાવના સૌથી વધુ હોય છે, અને તેને કારણે જ તેની પર દેખરેખ રાખનાર જવાબદાર અધિકારીની નિમણૂક કરવામાં આવે છે. આ ઉપરાંત જે તે ફેક્ટરીમાં પણ સંબંધિત અધિકારીને આની જવાબદારી સોંપવામાં આવે છે. પણ નફાખોરી અને ખોટે ઠેકાણે નાણાં બચાવવાની લ્હાયમાં ફેક્ટરીમાલિકો તેને સદંતર અવગણે છે. આ જવાબદારી કાગળ પર જ સોંપાય છે, અને કાગળ પર જ તે ચકાસાય છે.
માત્ર નફાખોરી કે નાણાં બચાવવાની લ્હાય હોય એ ખોટું હોવા છતાં કંઈક હદે સમજી શકાય એવું લક્ષણ છે, પણ આ ઉપરાંત જે બાબત કારણભૂત છે એ કાનૂનભંગ અને સરકારી તંત્રના ડરનો અભાવ. આગના બનાવો, તેમાં થતી જાનહાનિ અને તેને પગલે બહાર આવતી બેદરકારીની વિગતો થકી એ બાબત પુરવાર થાય છે કે કાનૂન કે તંત્ર આ મામલે પોતાની ધાક બેસાડવામાં નિષ્ફળ રહ્યું છે. મૃતક માટે કરાતી વળતરની રકમનો આંકડો ગમે એવો હોય, પણ એ માનવજીવનની તોલે હરગીજ ન આવી શકે. તલસ્પર્શી તપાસ કરવી, ફેક્ટરી બંધ કરાવવી કે કસૂરવારોને સજા કરવાની જાહેરાતો મૃતકોની મજાક ઉડાવતી હોય એમ લાગ્યા વિના રહે નહીં. જે ઘટનાને ટાળી કે રોકી શકાય એમ હતી, તેના માટેની જોગવાઈ છે કે કેમ એ ચકાસવાની જરૂર હતી. અને કોને ખબર કાગળ પર તે ચકાસાઈને બરાબર પણ જણાઈ હોય તેમાં જાનહાનિ થાય ત્યાર પછી પગલાં લેવાની ઘોષણા કરવાનો શો અર્થ? એ ઘોષણા જ હશે કે ખરેખર તપાસ થશે એ પણ શંકાસ્પદ હોય છે. એમ મૃતકો પાછળ ઘોષિત કરાયેલા વળતરના દાવાને પૂરા કરાશે કે કેમ એ કોણ પૂછવા જવાનું છે.
કાગળ પર કાયદાને ગમે એવા કડક ચીતરવામાં આવે, તેના પાલનને અવગણવામાં આવે અને તે સરવાળે ભ્રષ્ટાચારનો માર્ગ બની જાય તો તેનો કશો અર્થ સરતો નથી. કાયદા ઘડવા બાબતે આપણા સત્તાધીશોની આ તાસીર પહેલેથી રહી છે. કાયદો જેમ વધુ કડક, તેમ તેના ભંગ થતી આચરવામાં આવતા ભ્રષ્ટાચારનો દર ઊંચો. સામાન્ય નાગરિકો પણ સામાન્ય કાનૂનપાલન અંગે બેદરકારી નહીં, બલ્કે પાલન કરતાં શરમ અનુભવે છે. કાનૂનપાલનનો આગ્રહ રાખનાર નાગરિકને તેની આસપાસના લોકો ‘વેદિયો’ ગણાવે એ સામાન્ય બાબત છે.
આ તમામ વક્રતા, કરુણતા, નફ્ફટાઈ અને નિર્લજ્જતા દર્શાવતી દુર્ઘટનાઓ પછી પણ એટલું યાદ રાખવા જેવું છે કે વ્યક્તિગત સુરક્ષા માત્ર કાનૂનપાલન પૂરતી નહીં, આપણા સૌની સલામતિ માટે છે.
ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૩-૨-૨૦૨૦ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)