સમયચક્ર : બે સમયમાં જીવવું જોખમી છે

વર્ષ પુરું થાય છે ત્યારે કેટલાક એવું લોકો કહે છે કે, આ વર્ષ તો ખબર ન પડે તેમ પસાર થઈ ગયું ! તો કેટલાક એનાથી વિપરિત અભિપ્રાય પણ આપતા હોય છે. એક પરિમાણ તરીકે વર્ષનું માપ તો એકસરખું જ હોય છે. વર્ષનું બદલવું એ માત્ર એક ગણતરીની વ્યવસ્થા છે. તેમ છતાં જ્યારે વર્ષ પુરું થાય છે ત્યારે માણસનું મન તેને જુદી જુદી રીતે મુલવે છે. મોટાભાગે એવું જોવા મળે છે કે બાળપણ અને યુવાનીને બાદ કરતાં પોતાના વર્તમાન સામે ફરિયાદ રહે છે. આનું કારણ વિતી ગયેલા સમયની ચિત્તમાં સ્થાઈ થઈ ગયેલી છબીઓ છે. જે વારંવાર મનુષ્યને વિતી ગયેલા સમયમાં લઈ જાય છે. મનની આ ક્રિયા વિષાદ સિવાય કશું આપતી નથી.

માવજી મહેશ્વરી

ભારતમાં અત્યારે ત્રણ માનસિકતા ધરાવતા લોકો જીવી રહ્યા છે. એક જેઓ આઝાદીની આસપાસ કે થોડા પહેલા જન્મ્યા છે. જેમણે એક જુદી જ સમાજ વ્યવસ્થા અને પરિવાર વ્યવસ્થા જોઈ છે. તેઓ જુદી રીતે ઘડાયા છે. બીજો વર્ગ છે જેઓ પચાસ અને સાઈઠ વચ્ચેના છે. તેમણે યંત્રોના વિકાસ જોયા છે, બદલાતી સમાજ વ્યવસ્થા જોઈ છે. તેઓ બદલાતી ટેકનોલોજીના સાક્ષી રહ્યા છે. ત્રીજો વર્ગ છે. એમણે આધુનિક ભારત જોયું છે. તેમણે અવસ્થાઓની, સમયની બરબાદી જોઈ નથી. ભારતમાં અત્યારે આ ત્રણેય અવસ્થાઓના લોકો જુદી જુદી રીતે વ્યક્ત થઈ રહ્યા છે. ત્રણેય વર્ગની પોતપોતાની પરેશાની છે. ત્રણેયને પોતપોતાના બળાપા છે.

પહેલો વર્ગ જે વડીલોની વ્યાખ્યામાં આવે છે. તે લોકોએ અપાર શારીરિક શ્રમ કર્યો છે. તેમને કોઈ ખાસ સગવડો મળી નથી. તેમણે દુઃખો વેઠ્યા છે. પ્રકૃતિ ને ઝીલી છે અને માણી પણ છે. તેઓ શાંતિ અને મોકળાશ વચ્ચે જીવ્યા છે. તેમને જટિલ યંત્રો સાથે પનારો પડ્યો નથી. નસીબ અને ભગવાન તેમના મનમાં ઊંડે સુધી પહોંચેલા છે. તેમનું બાળપણ જ્ઞાતિઓની વાડાબંધી વચ્ચે પસાર થયું છે. તેઓ જ્યારે વર્તમાન ને જુએ છે અકળાઈ જાય છે. તેઓ જ્ઞાતિ, સંપ્રદાય ધર્મની તૂટતી દીવાલો સ્વીકારનારા અને અને બળાપો કરનારા પણ છે. તેઓ નવી પેઢીને બહુ માનથી જોતા નથી. તેમના મતે બધું બગડી રહ્યું છે. રસાતાળ જઈ રહ્યું .છે વારંવાર તેઓ જાત મહેનતની વાતો કરે છે. તેઓ એમની રીતે સાચા છે.તેમ છતાં તેમના વિચારોને કોઈ પ્રાધાન્ય આપતું નથી.

બીજો વર્ગ એવો છે જે ન આ બાજુ છે કે ન પેલી બાજુ છે. તેઓ બદલાતી યાંત્રિકીના વિવિધ સ્વરૂપો વચ્ચે મોટા થયા છે. તેમનો શરૂઆતનો સમય સંઘર્ષપૂર્ણ રહ્યો છે અને અત્યારે તેઓ પોતાને સુખી અને સંપન્ન માને છે. એમને પહેલાંનો સમય પણ ગમે છે અને બદલાતી વ્યવસ્થાઓમાં પણ રસ છે. આ વર્ગની સામે ભૂતકાળ છે અને ભવિષ્ય પણ છે. બે પેઢીને સાચવવા માટે તેમને વડીલોનું કહેવું માનવું પડે છે અને પાછળની ધસમસતી આગળ વધતી પેઢીને સાચવવી પડે છે. ક્યારેક તેઓ બે પેઢી વચ્ચે ભીંસાય છે પણ ખરા. આ એવો વર્ગ છે જેમણે વ્યવસ્થા ઊભી કરી છે. જેમણે સમગ્ર દેશને આગળ વધતો બદલાતો જોયો છે. આ વર્ગ પાસે પોતાનું દુઃખ પણ છે અને સુખો પણ છે. એમાંનો મોટાભાગનો વર્ગ હવે એવું માનતો થઈ ગયો છે કે શરૂઆતનો ગાળો શાંતિનો હતો,. એમાં સુખ હતું. હવે બધું છે પણ શાંતિ નથી. આ વર્ગે મશીનો અપનાવ્યા છે અને હવે મશીનોથી જ અકળાઈ ગયો છે. આ વર્ગ અત્યારે બહારથી ખુશ છે છતાં છાતીમાં ઉદાસી લઈને જીવે છે. કારણ કે તેઓ ઉમરના ઢોળાવ ઉપર ઉભેલો છે.

ભારતનો ત્રીજો વર્ગ જે અત્યારે ઉમર અને સપનાંઓની ભરતીમાં નહાતો ઉછળતો, મસ્તી કરતો વર્ગ છે. આ વર્ગને ભાગે પગે ચાલવાનો, ભારે શ્રમ કરવાનું, ખાવાની. કપડાંની, વસ્તુઓની અછતનો સામનો કરવાનું આવ્યું નથી. આ વર્ગ આધુનિક યંત્રો, વીજાણુ સાધનો, અને અતિ ઝડપી યંત્રો વચ્ચે મોટો થયો છે. એટલે આ વર્ગ ઈચ્છે છે કે બધું ઝડપભેર થાય. આ વર્ગ માટે સમયની કિંમત છે. તેમને જ્ઞાતિના લેબલથી નીકળી જઈ એક માનવી તરીકે જીવવાનું ગમે છે. એમને પોતાના કામથી કામ છે. તેઓ કોઈની દાદાગીરી, વડીલગીરી કે કે સાહેબગીરીથી અકળાઈ જાય છે. તેમને પોતાના હક જોઈએ છે. પોતાની બુદ્ધિક્ષમતા યોગ્ય કામ માટે કંઈ પણ કરવા તૈયાર છે. આ વર્ગને ભારતના ભવ્ય ઇતિહાસ કરતાં સોનેરી ભવિષ્યમાં વધુ રસ છે. તેમને બિનજરૂરી, ક્રિયાકાંડો, નીરસ ભાષણોમાં જરાય રસ નથી. તેમને માત્ર પરિણામમાં રસ છે. આ વર્ગ માનસિક રીતે અત્યંત સ્વસ્થ અને ઉદારમતવાદી છે. આ વર્ગ ભારતમાં બહુ જ મોટો છે. આ વર્ગ ઉપર જ દેશનું ભવિષ્ય છે.

આ ત્રણ જાતની માનસિકતા વચ્ચે ભારત આગળ વધી રહ્યું છે. દરેક જ્ઞાતિઓ આગળ વધી રહી છે. તેમ છતાં ત્રણેય વર્ગની કેટલી એક સરખી સમસ્યા છે. ત્રણેય વર્ગને એવું લાગે છે કે તેમની અવગણના થઈ રહી છે. તેમને કોઈ સમજવા તૈયાર નથી. આવું થવું સ્વાભાવિક છે. કારણ કે ભારત ભલે ઉપગ્રહો અવકાશમાં તરતા મૂકવા સુધી આગળ વધી ચૂક્યું હોય, પરંતુ હજુ જ્ઞાતિ, સંપ્રદાય, ઓળખ, પૂર્વજોનું મિથ્યાભિમાન સાવ લુપ્ત થયું નથી. તે સમય સમય ઉપર દેખા દે છે. આ તત્વો જ્યારે સામૂહિક રૂપ ધારણ કરે છે ત્યારે તે અનેકોની શાંતિ ભરખી જાય છે. પણ એનો ઉપાય કોઈ વ્યક્તિ જૂથ કે સરકારો પાસે નથી. એનો ઉપાય છે સમય ! સમય એક એવી ચીજ છે જે તમામ મૂલ્યોને બદલી નાખે છે. એ સમય ધીરે ધીરે ન પરખાય તે રીતે આવી રહ્યો છે. સમય એનું કામ કામ કરીને જ રહેશે. આપણે મોટાભાગના એવું માનીએ છીએ અથવા ઈચ્છીએ છીએ કે જૂનું બધું જેમનું તેમ રહે અને નવું આવતું રહે. આપણને જૂનું છોડવું નથી અને નવું બધું જ અપનાવવું છે. આ સ્થિતિ અશાંતિ ઊભી કરશે. બે સમય કદી એક સાથે રહી ન શકે. કોઈ વ્યક્તિ બે સમયમાં એક સાથે જીવી ન શકે. એટલે વર્તમાન સામે ફરિયાદ કરવી વ્યર્થ છે. આપણને યંત્રો વચ્ચે જીવવું હશે તો યંત્રોનું જોખમ સ્વીકારવું જ પડશે. યંત્રોની જટિલતા પણ સમજવી પડશે. દરેક મનુષ્ય બાળપણ યુવાની અને ઢળતી અવસ્થા જેવા તબક્કામાંથી પસાર થાય છે. આ દરમિયાન જુદા જુદા અનુભવો અને સંવેદનાઓ ચિત્તમાં સચવાતી રહે છે. જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ એ અનુભવો વચ્ચે સંઘર્ષ થાય છે. માણસનું મન ભૂતકાળને વર્તમાન સાથે સરખાવ્યા વગર રહી શકતું નથી. મોટાભાગે એવું બને છે કે પસાર થઈ ગયેલો સમય તેને વર્તમાન કરતાં વધારે સારો લાગવા માંડે છે. અહીંથી શરુ થાય છે વર્તમાનને કોસવાની પ્રક્રિયા. હકીહત એ હોય છે કે જેમ જેમ સમય પસાર થાય છે તેમ મૂલ્યો અને દશ્યમાન જગત બદલાય છે. જે ચિત્તમાં સમાયેલા વિતી ગયેલા સમયના દશ્યોથી સાવ જુદું હોય છે. વિતેલો વખત ગમે તેટલો ગમતો હોય, તો પણ એ કદી પાછો આવવાનો નથી. એટલે આપણી માનસિક સ્થિરતા માટે જરૂરી એ છે કે બદલાતી સ્થિતિને તગેડવાનો શ્રમ કર્યા વગર બને તેટલી ઝડપથી એને સ્વીકારી લઈએ.


શ્રી માવજી મહેશ્વરીનાં સંપર્ક સૂત્રોઃ ફોન નં. +૯૧ ૯૮૨૫૭૨૫૫૯૬ Email mavji018@gmail.com

Facebooktwitterredditpinterestlinkedinmail

1 comment for “સમયચક્ર : બે સમયમાં જીવવું જોખમી છે

 1. Prabhulal Hirjibhai Bharadia
  February 19, 2020 at 5:28 pm

  શ્રી માવજી ભાઈ માહેશ્વરી નું સમય અને પેઢીઓ વચ્ચેનું આંકલન સાચું છે.
  ત્રીજી પેઢીના લોકોને યુનિવર્સીટીઓમાં ભણવાનો જે લાભ મળ્યો છે તેમનામાં
  ઉદારમતવાદ પણ નજરે પડે છે. તેઓ થોડા ઘણાં ખેલદિલ પણ છે.
  આમ તેમની આંકણી કરીને પહેલાંની પેઢીને તો સાવ નકારી પણ ન શકાય
  કેમકે દેશમાંની સેવા વ્યવસ્થાનાં ઘણાં ક્ષેત્રોમાં તેમનું યોગદાન પણ ઘણું છે.
  દુનિયાના દરેક દેશોમાં પેઢીઓ વચ્ચે આવો શાંત પણ ઉગ્ર વિગ્રહ ચાલુ રહેવાનો.
  ધન્યવાદ.

Leave a Reply to Prabhulal Hirjibhai Bharadia Cancel reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.