





મોના નાયક ‘ઉર્મિ’
(૧)
આખું નભ પગ તળે तेरे आने के बाद
ને બધું ઝળહળે तेरे आने के बाद.
સાવ ઉજ્જડ હતું એ બધું મઘમઘે,
પાનખર પણ ફળે तेरे आने के बाद.
કાળી ભમ્મર હતી રાત એ ઝગમગે,
સ્વપ્ન ટોળે વળે तेरे आने के बाद.
આંખમાં ઊમટે સાત રંગો સતત
અશ્રુઓ ઝળહળે तेरे आने के बाद.
શબ્દ કે અર્થ કૈં પૂરતું ના પડે,
કાવ્યમાં શું ઢળે, तेरे आने के बाद ?!
તું અહીં, તું તહીં, તું તહીં, તું અહીં,
ક્યાંય ‘હું’ ના મળે तेरे आने के बाद.
ઉર મહીં ‘ઊર્મિ’ તું, મારો પર્યાય તું,
તું બધે ખળભળે तेरे आने के बाद.
(૨)
આભ ઝરમર ઝરે तेरे जाने के बाद,
રોજ પીંછાં ખરે तेरे जाने के बाद.
સ્તબ્ધ સૃષ્ટિ સકળ ને અકળ સ્તબ્ધતા,
ના હવા મર્મરે तेरे जाने के बाद.
મેં મને ખોળી પણ ક્યાંયે હું ના મળી,
શૂન્યતા થરથરે तेरे जाने के बाद.
તારું ચાલ્યા જવું- એક પ્રસવયાતના,
કાવ્ય કૈં અવતરે तेरे जाने के बाद.
તું નથી, તું નથી, તું નથી, તું નથી,
તું બધે તરવરે तेरे जाने के बाद.
‘ઊર્મિ’ કેવી તરંગી હતી પણ હવે-
ના જીવે, ના મરે तेरे जाने के बाद.
સુશ્રી મોના નાયક ‘ઉર્મિ’ : સંપર્કઃ naikmo@yahoo.com \ Mobil.No. ++ 973 471 5344
ઊર્મિસાગર ડૉટ કોમથી ગુજરાતી વેબવિશ્વમાં પરિચિત,અમેરિકાસ્થિત મોના નાયકની બે ગઝલમાં હિન્દી અને ગુજરાતી બન્નેનો પ્રયોગ થયો છે. ‘ગઝલ-બેલડી’ના આ નવા પ્રયોગને કારણે તો યાદગાર છે જ પણ કવિ શ્રી વિવેક ટેલર કહે છે તેમ આ ગઝલમાં “પાંપણ પર તગતગતા આંસુમાં પણ કોઈના આવવાથી સાતે રંગ દેખાવા માંડે એ આ ભાવવિશ્વની ચરમસીમા છે !” ‘ઊર્મિ’ તખલ્લુસથી ઓળખાતા મોના નાયકની આ બે ગઝલ “तेरे आने के बाद, અને तेरे जाने के बाद કાબિલેદાદ છે.
અહીં વેબગુર્જરી પર પ્રસ્તૂત કરવાની અનુમતિ આપવા બદલ વે.ગુ. સમિતિ આનંદ અને આભારની લાગણી વ્યક્ત કરે છે——દેવિકા રાહુલ ધ્રુવ