મન્ના ડેનાં હાસ્યરસપ્રધાન ગીતો : મેહમૂદ [ ૨ ]

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ

મન્ના ડેનાં હાસ્યપ્રધાન ગીતોના પહેલા મણકામાં આપણે મન્નાડેના પ્લેબેક સ્વરને નજરમાં રાખીને મેહમૂદના કારકીર્દીના શરૂઆતના તબક્કામાં પર્દા પર મહેમૂદ અને પર્દા પાછળ મન્ના ડેના વિકસતા અનોખા સંબંધ સાથે પરિચય કર્યો હતો. એસ ડી બર્મને ૧૯૬૦માં હટો કાહે કો જૂઠી બનાઓ બતીયાં ની રચના કરીને મેહમૂદના અભિનયને મન્નાડેના સ્વરની શાસ્ત્રીય શૈલીમાં ગવાતાં હાસ્યપ્રધાન ગીતોનૉ અનોખી ઓળખ જરૂર આપી હતી. પરંતુ, ‘૬૦ના દાયકાનાં શરૂઆતનાં જ વર્ષોમાં મેહમૂદે હાસ્ય કલાકાર તરીકે પોતાનું સ્થાન બનાવ્યું ત્યાં સુધી મન્ના ડેની તેમના પરદા પાછળના સ્વર તરીકે નિશ્ચિત ઓળખ હજૂ પ્રસ્થાપિત નહોતી થઈ.

આજના અંકમાં આપણે જોઈશું કે ૧૯૬૪માં આ બન્નેના વ્યાવ્સાયિક સંબંધનો જે ચોક્કસ આકાર જામવા લાગ્યો હતો તે ૧૯૬૫ અને ૧૯૬૬નાં વર્ષમાં વૃક્ષ તરીકે સારો એવો ફાલવા લાગ્યો હતો. આજે આપણે તેનાં અલગ અલગ માળીઓએ ઉતારેલાં રસદાર ફળોનો સ્વાદ માણીશું.

જોકે, યોગાનુયોગ એવો છે કે આજના અંકની ટોકરીમાં જે પહેલું ફળ છે તે એ સંગીતકારે મન્ના ડેનાં અત્યાર સુધી સર્જેલાં હાસ્ય રસના અને અન્ય વિવિધ પ્રકારના રચેલાં ગીતોમાં કદાચ સૌથી નબળું કહી શકાય તે કક્ષાનું છે.

કૈસી ઝુલ્મી બનાયી તૈને નારી કે મારા ગયા બ્રહ્મચારી – ચિત્રલેખા (૯૧૬૪) – સંગીતકાર: રોશબ – ગીતકાર: સાહિર લુધ્યાનવી

રોશને આ પહેલાં રચેલાં મન્નાડેનાં બે હાસ્યરસ પ્રધાન ગીતો (જેની વિગતે વાત આપણે હવે પછીના મણકાઓમાં કરીશું)- લાગા ચુનરીમેં દાગ અને ફૂલ ગેંદવા ના મારો-ને એક વાર ગણતરીમાં ન પણ લઈએ, તો ‘ચિત્રલેખા’નાં રોશબ -સાહિરની જોડીએ રચેલાં બીજાં ગીતોના પ્રમાણમાં પણ આ ગીત બહુ જ નબળું લાગશે.

હાયે રે મૈં તો પ્રેમ દિવાના મેરા દર્દ ન જાને કોઈ – બેદાગ (૧૯૬૫) -સંગીતકાર: રોશન – ગીતકાર: શકીલ બદાયુની

રોશન ફરીથી એકદમ ચુસ્ત, શાસ્ત્રીય શૈલીમાં હળવાં ગીતની કર્ણપ્રિય રચનાના ધોરીમાર્ગ પર આવી ગયા છે. અહીં શકીલ બદાયુનીએ મીરાબાઈનાં જાણીતાં ભજન એ રી મૈં તો પ્રેમ દિવાનીના મુખડાની પેરોડી રચીને ગીતને શબ્દ દેહ આપ્યો છે. મીરાબાઈનાં ભજન પરથી રોશને આ પહેલાં રચેલ નૌબહાર (૧૯૫૨)ની ચિરસમરણીય રચનાનાં તેજને ગ્રહણ ન લાગે એટલી તો પ્રસ્તુત ગીતની કક્ષા જરૂર રહી છે.

જાને ન દૂંગા, ન જાને દૂંગા – દાદીમા (૧૯૬૬) – આશા ભોસલે સાથે – સંગીતકાર: રોશન – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

હિંદી ફિલ્મ સંગીતમાં સામાન્યતઃ રોમાંસના ભાવ સાથે વધુ ચલણમાં જોવા મળતી ઘોડાગાડીના ટપ્પાની ધુનમાં રોશને મહેમૂદની અદાકારીઓની ભંગીઓને શાસ્ત્રીય શૈલીની હળવાશ સાથે વણી લીધી છે. એક સમયે હીરોઈનની ભૂમિકાઓ ભજવતી અને પછીથી વૅમ્પની ભૂમિકાઓને સુપ્રેરે નિભાવતી થયેલ શશીકલા અહીં મહેમૂદ સાથે હાસ્ય રસમાં પ્રેમાલાપની છેડછાડની અનોખી ભૂમિકામાં જોવા મળે છે.

રેહને કો ઘર દો – બીવી ઔર મકાન (૧૯૬૬) – સંગીતકાર: હેમંત કુમાર – ગીતકાર: ગુલઝાર

હેમંત કુમારની ફિલ્મ નિર્માણ સંસ્થા ગીતાંજલી આર્ટ્સ દ્વારા નિર્મિત અને હૃષિકેશ મુખરજી દ્વારા દિગ્દર્શીત ‘બીવી ઔર મકાન’ પાંચ ગધાપચીસીમાં મસ્ત ‘પાંડવોની વાત છે. આ પાંચે જણાએ નક્કી કર્યું છે કે જ્યાં સુધી પાંચે પાંચ નોકરી-ધંધે નહીં લાગે ત્યાં સુધી તેમનું ગઠબંધન અકબંધ રહેશે. અહીં મેહમૂદ તેમની હવે જાણીતી આગવી શૈલીમાં, ગ્રામીણ ખુમારના યુવકની અદામાં રહેવા માટેના એક રૂમની તલાશમાં નીકળી પડેલ છે.

https://www.youtube.com/watch?v=BhJncsh_9bgનુંનું

દુનિયા મેં દો સયાને, એક જ઼ૂઠ હૈ એક સચ – બીવી ઔર મકાન (૧૯૬૬) – હેમંત કુમાર અને જયંત મુખર્જી સાથે – સંગીતકાર: હેમંત કુમાર – ગીતકાર: ગુલઝાર

હળવાશના ભાવને હેમંત કુમારે ઝડપી તાલમાં બહુ સ્રળતાથી વણી લીધેલ છે.

હમારે હાલ પે રહેમ કરો કે હમસે ઔર નહીં સહા જાતા – બીવી ઔર મકાન (૧૯૬૬) – મુકેશ અને હેમંત કુમાર સાથે – સંગીતકાર: હેમંત કુમાર – ગીતકાર: ગુલઝાર

‘પાંડવો’ પૈકી બે જણા સ્ત્રીવેશમાં રહેવા પડવું છે તેના બળાપા કઢે છે. મેહમૂદ તેમને શાસ્રીય ઢળમાં સ્ત્રીત્વની આનબાનની સમજ આપીને મનાવે છે.

અનહોની તો બાત હો ગયી – બીવી ઔર મકાન (૧૯૬૬) – જોગીંદર, મુકેશ અને હેમંત કુમાર સાથે – સંગીતકાર: હેમંત કુમાર – ગીતકાર: ગુલઝાર

એક ‘પાંડવ’ કામદેવનાં તીરનો શિકાર બન્યો છે. બીજા બે સાથીદારો ઉત્તેજિત થઈને તેને પાછો વાળવાની કોશીશ કરે છે. ચોથો સાથી ધીરજથી ગીતમય સંવાદ વડે સમજાવે છે. હેમંત કુમાર અને ગુલઝારે આખી પરિસ્થિતિને સાવ નવા અંદાજમાં પેશ કરી છે.

દેખી અનાડી તેરી પ્રીત રે – બીરાદરી (૧૯૬૬) – સંગીતકાર: ચિત્રગુપ્ત – ગીતકાર: પ્રેમ ધવન

અન્યથા સામાન્ય નીવડેલ ફિલ્મમાં સામાન્ય રીતે ફિલ્માવાયેલ ગીતોની પરિસ્થિતિઓના હુમલા સામે પ્રેક્ષકના રસ સ્વરૂપ કિલ્લાને જાળવી રાખવાનું કામ ચિત્રગુપ્ત જેવા સંગીતકારોને ફાવી જતું હોય છે. મન્ના ડે પણ હળવાં ગીતોને માટે ખાસ વિકસાવેલી ગાયન શૈલીથી આ કાર્યમાં ખભે ખભો મેળવીને સાથ પૂરાવે છે.

તુમ જો હો સો ખુદા તો નહીં હો – બીરાદરી (૧૯૬૬) – મોહમ્મદ રફી સાથે – સંગીતકાર: ચિત્રગુપ્ત – ગીતકાર: પ્રેમ ધવન

પર્દા પર શશી કપૂર, મેહમૂદ અને કન્હૈયાલાલ એમ ત્રણ અભિનેતાઓને મોહમ્મદ રફી અને મન્ના ડે એમ બે ગાયકોનો સ્વર આપીને કરકસરયુકત પ્રયોગ આદરાયો છે. ગીતને ધ્યાનથી જોઈશું તો ખ્યાલ આવી જાય છે કે ત્રણેય અભિનેતાઓ માટે બન્ને ગાયકો વારાફરતી સ્વર પૂરો પાડે છે.

બેટા જમુરે એક બાત કહેગા, હાંજી, ક્યા જ઼ૂઠ કહેગા, નાં..જી – બીરાદરી (૧૯૬૬) – મોહમ્મદ રફી સાથે – સંગીતકાર: ચિત્રગુપ્ત – ગીતકાર: પ્રેમ ધવન

હિંદી ફિલ્મોમાં મદારી અને મર્કટના શેરી ખેલ પર ઘણાં ગીતો બનેલાં છે. ગીતમાં પર્દા પરના તેમજ પર્દા સામેના પ્રેક્ષકો મટે પાછૉ સંદેશ પણ વણી લેવાયો હોય !

અરારા અરારા રંગ દો સભી કો ઈસ રગમેં – બીરાદરી (૧૯૬૬) – મોહમ્મદ રફી, સુમન કલ્યાણપુર સાથે – સંગીતકાર: ચિત્રગુપ્ત – ગીતકાર: પ્રેમ ધવન

આમ તો આ સમુહ ગીત હાસ્પયપ્રધાન ગીતની શ્રેણીમાં ન મુકાય કેમકે તે હોળીના તહેવારની ઉજવણીનું ગીત છે. પરંતુ, પરંપરાગત રીતે હોળી ઠઠ્ઠા મશ્કરીના રંગોની ઝપેટે ચડાવવાનો પણ તહેવાર બની રહેતો હોય છે. અહીં પણ હોળીના રંગે ચડાવવા માટે ‘અકડુ’ પ્રાણને નિશાને લેવાયેલ છે.

જોડી હમારી જામેગા કૈસે જાની – ઔલાદ (૧૯૬૮) – આશા ભોસલે સાથે – સંગીતકાર: ચિત્રગુપ્ત – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

હાસ્ય કલાકારોને એક ગીત તો ફાળવવું જ પડે એવી હિંદી ફિલ્મોની મસાલા ફોર્મ્યુલામાં મોટે ભાગે પરાણે પણ ગીત મુકાતું હોય છે. આવી ધર્મસંકટ જેવી પળોનાં વ્યાવસાયિક ભયસ્થાનો સાથે સંગીતકાર, ગીતકાર અને ગાયકોએ કામ પાર પાડવાની કળા શીખ્યે જ છૂટકો થતો હોય છે. ચિત્રગુપ્ત, મજરૂહ સુલ્તાનપુરી, મન્ના ડે અને આશા ભોસલેની કાબેલીયતે ફિલ્મ જોનારા પ્રેક્ષકોને આ ગીત પુરતી આ ઘડીઓ સહ્ય બનાવી આપી હશે !

૧૯૬૬નાં વર્ષમાં મન્ના ડે – મહેમૂદની જોડીનાં હાસ્પ્યપ્રધાન ગીતો હજૂ પણ બાકી છે. એ ફાલને હવે આવતા મણકામાં ન્યાય આપીશું.

Facebooktwitterredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.