





‘વ્યંગ્ય કવન’ શ્રેણીના ૨૦૧૯ સુધીના ૪૩ લેખોનું સંપાદન શ્રી વલીભાઈ મુસાએ કર્યું હતું. તેમની ઉમર સાથે સંકળાયેલી તંદુરસ્તીની તકલીફોને કારણે તબીબી સલાહ અનુસાર તેમણે વેબ ગુર્જરી પરની પ્રવૃતિમાંથી પહેલાં જેટલી સક્રિય ભૂમિકામાંથી નિવૃતિ લીધી હતી.
તદાનુસાર, ‘વ્યંગ્ય કવન’ શ્રેણીનું સંપાદન આજના અંકથી વેબ ગુર્જરીનાં પદ્ય સાહિત્ય વિભાગનાં સંપાદક સુશ્રી દેવિકાબહેન ધ્રૂવ સંભાળવાનાં છે.
આ શ્રેણીનાં સંપાદન હસ્તાંતરણ પ્રસંગે શ્રી વલીભાઈની પ્રાસંગિક નોંધ અહીં મૂકી છે.
– સંપાદક મંડળ – વેબ ગુર્જરી
સુજ્ઞ વેગુવાચકજનો,
આપ સૌને વલીભાઈ મુસાના પ્રણામ.
’વેબગુર્જરી’ના તા.26-01-2013ના પ્રારંભ સમયથી જ સાથીમિત્રો સાથે હું જોડાયો હતો. શરૂઆતમાં પ્રુફરીડીંગના કાર્યમાં સહભાગી થવા ઉપરાંત મારાં પોતાનાં સર્જનો મુકાતાં ગયાં અને છેવટે શ્રેણીઓ શરૂ કરવાનું વિચારાતાં મેં મારી ત્રણ શ્રેણીઓ આપવી શરૂ કરી હતી. પછી તો રવિવારી સર્જનાત્મક સાહિત્યસર્જન વિભાગ શરૂ થયો, જેનું સંપાદનકાર્ય શરૂઆતમાં સુશ્રી રેખાબહેન સિધલજીના સહયોગથી નિભાવવામાં આવી રહ્યું હતું. રેખાબહેન અંગત કારણોસર નિવૃત્ત થતાં હ્યુસ્ટન સ્થિત સુશ્રી દેવિકાબહેને તેમનો કાર્યભાર માથે લીધો અને હાલમાં તેઓશ્રી પદ્યવિભાગનું સંપાદનકાર્ય સંભાળી રહ્યાં છે.
2019ના વર્ષ દરમિયાન મારી નાદુરસ્ત તબિયતના કારણે સાથીમિત્રોએ મારી વિનંતીને ગ્રાહ્ય રાખીને મને રવિવારી ગદ્યવિભાગના સંપાદનમાંથી નિવૃત્ત થવા દીધો. અમારી વિનંતીને માન આપીને આદરણીય કેપ્ટન નરેન્દ્ર ફણસે સાહેબે મારા ભાગની જવાબદારી મારા કરતાં પણ વધારે વયોવૃદ્ધ હોવા છતાં સંભાળી લીધી. હવે મારા સંપૂર્ણ આરામ માટે મારી અંગત જવાબદારી હેઠળની ત્રણ શ્રેણીઓનો કાર્યભાર ઘટાડવો જરૂરી હતો. આ માટે મેં સતત કામ કરીને માનનીય અશોકભાઈ વૈષ્ણવશ્રીને ત્રણેય શ્રેણીઓનું ડિસેમ્બર 2019 સુધીનું આગોતારું કામ મોકલી આપ્યું હતું. મારી ત્રણેય શ્રેણી એકીસાથે બંધ થાય તે મને ન રુચતાં મેં દરેક વર્ષે એક એક શ્રેણી ઘટાડતા જવાનું વિચાર્યું અને આમ જાન્યુઆરી 2020 થી મારી ‘વ્યંગ્યકવન’ શ્રેણી બંધ થવાની હતી. પરંતુ અંગત રીતે મને લાગ્યું કે આ શ્રેણીનો કાર્યભાર સંભાળનાર કોઈ મળી આવે તો તે ચાલુ રહી શકે. ફરી એક વાર સુશ્રી દેવિકાબહેન આગળ ટહેલ આખવામાં આવી અને તેમણે તેમની અંગત અનેક જવાબદારીઓ હોવા છતાં અમારા આગ્રહને માન આપ્યું. જાન્યુઆરી 2020થી તેઓશ્રી આ શ્રેણી ચાલુ રાખશે; જેનો વિશેષ આનંદ મને તો છે જ, પણ આપ સૌ સાહિત્યપ્રેમીઓને તો સવિશેષ આનંદ થશે જ તેવો મારો દૃઢ વિશ્વાસ છે.
2020ના દરમિયાન મારી બાકીની બે શ્રેણી પૈકી ‘વલદાની વાસરિકા’ ડિસેમ્બર 2020 પછી બંધ થશે, જે મારી અંગત હોઈ તેના વિકલ્પે નવું કંઈ શરૂ કરવાનો પ્રશ્ન રહેતો નથી. ત્યારબાદ મારી ગ઼ાલિબની ગ઼ઝલોના રસદર્શનની એકમાત્ર શ્રેણી 2021 દરમિયાન અને ઈન્શાઅલ્લાહ (ઈશ્વરેચ્છા હશે તો) ત્યારપછી પણ ચાલુ રહેશે.
આશા રાખું છું કે આપ સૌ સાહિત્ય સર્જકો અને વાચકજનો ‘વ્યંગ્યકવન’ શ્રેણીને સાથસહકાર આપતા રહેશો. ધન્યવાદ.
સસ્નેહ,
વલીભાઈ મુસા
ઘુસી ગયા રુપિયાની થોકડીમાં…કટાક્ષ કાવ્ય
– ગોવિંદ પટેલ ‘સ્વપ્ન જેસરવાકર’

વાહ રે વાહ ધન્ય હો ઓ બાપુ ગાંધી
જબરી ચલાવી બ્રિટિશરો સામે આંધી
સંદેશ દેવા જીવન વિયાવ્યું પોતડીમાં
ને ઘુસી ગયા રુપિયાઓની થોકડીમાં
દીધો તમે તો સત્ય અહિંસાનો સંદેશ
કાળા નાંણા રુપે રુપિયા ગયા પરદેશ
આપ તો મિટાવતા ધર્મ નાતના વાડા
અનામતે લોકોને લડાવે ચુંટાયેલા પાડા
હિંદ છોડો હાકલે ભગાવ્યા છે બ્રિટિશ
એ મેલતા ગયા છે વા’લા ડાયાબિટિશ
મીઠાં મધ જેવાં વચનો જનતાને આપે
પગાર ભથ્થાં લેવા કરવેરાથી જ કાપે
ઓફિસે બાપુ આપની તસવીર રાખે
રોડ રસ્તામાં લાંચનું ગંગાજળ ચાખે
જે રુપિયા પર આપનો છપાયો ફોટો
એ માટે ખુન ચોરી ધાડનો ના તોટો
શ્રી ગોવિંદ પટેલ ‘સ્વપ્ન જેસરવાકર’નાં સંપર્ક સુટ્રો
ઈ-મેલ : swapnajesarvakar@yahoo.com
બ્લૉગ : – પરાર્થે સમર્પણ
વેબગુર્જરીના વાચકો માટે તેમનું આ કટાક્ષ કાવય રજૂ કરવાની અનુમતિ આપવા બદલ વે.ગુ. વતી શ્રી ગોવિંદ પટેલ ‘સ્વપ્ન જેસરવાકર’નો ખુબ આભાર
– ‘વ્યંગ્ય કવન’ – સંકલનકાર દેવિકા ધ્રુવ
સંકલનકાર સુશ્રી દેવિકાબહેન ધ્રૂવ નાં સંપર્કસૂત્ર: :
email: ddhruva1948@yahoo.com
Phone ++281 415 5169
ચોટ આપી જાય તેવો વ્યંગ. હવે રુપિયાની નોટ હાથમાં આવતાં આ વ્યંગ કવન યાદ આવશે.