





રણછોડ શાહ
શેક્સપિયરે એમ કહ્યું છે કે ‘નામમાં શું છે? (What is there in a name?) આ પ્રશ્નનો જેને જેવો લાગ્યો તેવો અર્થ કર્યો છે. પરંતુ જાહેર સંસ્થાઓ અને કંપનીઓના નામ અંગે વિચારણા થાય ત્યારે અનેક બાબતોની કાળજી લેવાવી જોઈએ. ખાસ કરીને જાહેર સેવાઓની સંસ્થાઓ જેવી કે શિક્ષણની અને આરોગ્યની સંસ્થાઓ, બિન સરકારી સ્વૈચ્છિક સંસ્થાઓનું નામકરણ થાય ત્યારે ખૂબ સંભાળ રાખવાની જરૂર હોય છે.
સૌ પ્રથમ તો આ સંસ્થાઓ કોઈ એક વ્યકિતની માલિકીની હોતી નથી. તેના નામનો ઉપયોગ ઘણા બધા લોકો કરવાના હોય છે. વળી તે જાહેર સંસ્થા હોવાથી ગામ, દેશ કે પરદેશમાં પણ તેના નામનો ઉલ્લેખ થાય તે સ્વાભાવિક છે. આ સંસ્થાઓનું આયુષ્ય સામાન્ય રીતે કોઈ એક વ્યકિત કે મનુષ્યના આયુષ્ય કરતાં લાંબુ હોય છે. કયારેક તો અનેક પેઢીઓ સુધી તેના નામનો ઉલ્લેખ થાય છે અને થવાનો હોય છે.
આ સંજોગોમાં શૈક્ષણિક સંસ્થાઓની નામકરણ વિધિ ખૂબ કાળજીપૂર્વક થાય તે અત્યંત આવશ્યક છે. અહીંયાં અભ્યાસ કરતા તરુણો સંસ્થાના નામ સાથે તેમના મનને જોડે તે સ્વાભાવિક છે. શૈક્ષણિક સંસ્થાના નામ સાથે જીવનના કોઈ એક સદ્ગુણને જોડી શકાય દા.ત. સંસ્કાર, નીતિ, પ્રગતિ, શાંતિ, આદર્શ, પ્રેરણા, વિકાસ, મૈત્રી, વિનય, સાહસ જેવા શબ્દો જોડીને અથવા તેના પર્યાય જેવા શબ્દોનો ઉપયોગ કરીને સંસ્થાનું નામ રાખવાથી વિદ્યાર્થી તેના જીવનમાં તેવા કોઈ ગુણનો વિકાસ કરવાનું વિચારે. વળી આ સદ્ગુણ તેના જીવન વિકાસમાં ખૂબ અગત્યનો છે તેવી સમજ પણ કેળવી શકે.
અનેક મહાપુરૂષોનું જીવન આદર્શરૂપ હોય છે. તેમની આત્મકથા અથવા જીવનવૃત્તાંત વાંચવાનું સૌને ગમે તેવું એક ઉમદા જીવન તેઓ જીવ્યા હોય છે. સમાજને અનેક ક્ષેત્રોમાં તેમણે દોરવણી આપી હોય છે. તેઓએ કોઈ એક આદર્શ જીવનમાં પચાવ્યો હોય છે. આવા ઉમદા ઐતિહાસિક કે જાહેર જીવનમાં થઈ ગયેલ વ્યકિતના નામ સાથે સંસ્થાનું નામ સાંકળી લઈ વિદ્યાર્થીઓને તેમના માર્ગે પ્રયાણ કરવાનો સંદેશો પૂરો પાડી શકાય. સત્ય અને અહિંસાના ઉપાસક ગાંધીજી, નિર્ભયતાનો પર્યાય બનેલ નર્મદ, લોખંડી પુરૂષ સરદાર પટેલ, દલિતોના ઉદ્ધારક અને ભારતના બંધારણના ઘડવૈયા આંબેડકર, રાણા પ્રતાપ કે શિવાજી જેવા દેશપ્રેમી, અબ્રાહમ લિંકન, નેલ્સન મંડેલા કે સિસ્ટર નિવેદિતા જેવા અનન્ય મહાનુભાવોના નામ સાથે શિક્ષણસંસ્થાનું નામ જોડાતાં તેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ ગૌરવ અનુભવે. તો આપણા ધર્મગ્રંથોમાંથી શ્રવણ કે એકલવ્ય જેવાના નામ જોડી યુવાનોને સેવા કે સંકલ્પ કેવી રીતે કેળવી શકાય તેનું ઉદાહરણ આપી શકાય. મહાન કેળવણીકારોના નામ સાથે શૈક્ષણિક સંસ્થાનું નામ આપી શકાય. કવિવર રવિન્દ્રનાથ ટાગોર, તારાબહેન મોડક, ગીજુભાઈ બધેકા, ઉમાશંકર જોશી, દયારામ, અખો જેવા સમાજમાં અલગ ચીલો ચાતરનાર મહાન કેળવણીકારોના નામ સાથે શાળા–કોલેજનું નામ જોડાતાં તેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ ગૌરવ અનુભવે.
પ્રગતિસૂચક અથવા જીવનમાં ઉતારવા જેવા ગુણો સાથે નામને જોડી શકાય. સાથે સાથે આવનાર યુગ તરફ દૃષ્ટિ કરાવતા હોય, ક્ષિતિજો તરફ જોવાની સમજ આપતા હોય તેવા નામોને સંસ્થાના નામ સાથે સાંકળી શકાય. જીવનપ્રકાશ, જીવનસાધના, શારદામંદિર, સરસ્વતી, ઉન્નતિ, નવયુગ, શ્રેયસ, નૂતન, પ્રભાત, સદાનંદ, જયોતિ, નૂતન જ્યોતિ, પ્રકાશ, કિરણ જેવા અનેક દિશાસૂચક શબ્દોને સંસ્થાના નામ સાથે સાંકળી શકાય. સંસ્થાના નામ ઉપરથી વિદ્યાર્થીઓ તેમના ભવિષ્યના જીવનમાં શું બનવાનું, કેવું વર્તન કરવાનું, શું યોગ્ય કે અયોગ્ય તેની સમજ કેળવે. આ રીતે ઉત્તમ પથ ઉપર પ્રયાણ કરાવવાનું શકય બને. જો સંસ્થાનું અંગ્રેજી નામકરણ કરવાની ઈચ્છા હોય તો Pioneer, New Era, Bright, Amity, Galaxy જેવાં નામ આપી નવી દિશાના દ્વાર ખોલવાની સમજ આપી શકાય.
પરંતુ સંસ્થાના નામ સાથે કેટલીક બાબતો જોડાય તો તે અયોગ્ય છે. પ્રથમ તો સમાજમાં વસતા લોકોમાંથી માત્ર થોડાક લોકોનો જેમાં સમાવેશ થતો હોય તેવા જ્ઞાતિ કે જાતિ આધારિત નામો ટાળવાં જોઈએ. ખાસ કરીને કોઈ પણ ધર્મના સૂચક હોય તેવા ચિહ્નો, વ્યકિતઓ કે સ્થળોના નામ રાખવાથી અન્ય ધર્મ કે કોમના લોકોને તે તરફ અભાવ પ્રગટ થાય છે. કયારેક અન્ય જાતિ કે ધર્મના વિદ્યાર્થીઓનાં મનમાં અયોગ્ય વિચારો આવે તે સ્વાભાવિક છે. કોઈની પણ લાગણી દુભાય તેવાં નામો જાહેર સંસ્થાઓના હોય તે અયોગ્ય છે. રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સફળ અને જાહેર જીવનમાં પોતાની જાતને સમર્પિત કરનાર નેતાનું નામ હોય તો તે યોગ્ય છે. પરંતુ માત્ર પોતાની જ્ઞાતિ કે જાતિ માટે અથવા માત્ર કોઈ એક ધર્મના લોકો માટે પોતાની જાતને સમર્પિત કરનાર સાથે સંસ્થાનું નામ જોડવું કેટલા અંશે યોગ્ય છે તે નામકરણ કરતાં પહેલાં વિચારી લેવું જોઈએ. માત્ર એક ખૂબ નાનકડા સમુદાય માટે કાર્ય કરનારનું નામ જોડવાથી સંસ્થા માટે વિકાસની તકો ખૂબ મર્યાદિત બની જાય છે. જેમના નામથી વર્તમાન કે ભૂતકાળ રકતરંજિત બન્યો છે તેવા નામ તો ટાળવાં જ જોઈએ. માત્ર એક જ ધર્મના લોકો પૂજતા હોય તેવા ધાર્મિક વડાઓના કે દેવીદેવતાઓના નામ તો તે સંસ્થાને ખૂબ મર્યાદિત લોકો માટેની બનાવી દે છે.
જાહેર કંપની ખૂબ મોટા પ્રમાણમાં મૂડી રોકાણ કરી કોઈ શૈક્ષણિક સંસ્થા શરૂ કરે ત્યારે તે પોતાની કંપનીનું નામ શૈક્ષણિક સંસ્થા સાથે જોડવાની લાલચ ભાગ્યે જ રોકી શકે છે. પરંતુ આ તો કૂપમંડૂકતા છે. ખરેખર તો વિશાળ સમાજનું વિચારી કંપનીએ કોઈ ખ્યાતનામ કેળવણીકાર કે મહાન ત્યાગી પુરૂષના નામ સાથે સંસ્થાનું નામ જોડી પોતાના ત્યાગના દર્શન પણ સમાજને કરાવવા જોઈએ. કંપની કે ઉદ્યોગ સંસ્થાનું સંચાલન કરતા હોવાથી તેનું નામ તો રહેવાનું જ છે પરંતુ પોતે ટોલ્સ્ટોય, મહાત્મા ગાંધી કે માર્ટિન લ્યૂથર કિંગ જેવાના નામને સંસ્થા સાથે સાંકળી તેના પગલે ચાલવા પ્રયત્ન કરશે તેવી સમજ સમાજમાં ઊભી કરી શકે.
ખાસ તો સંસ્થાના નામ ઉપરથી સંસ્થાના સ્થાપકોની દૃષ્ટિના દર્શન થાય છે. પોતે કોઈ ભગવાન, સંત કે ધર્મના ઉપાસક છે પરંતુ જાહેર જીવનમાં તે અંગત વાત લાવતા નથી તેવું જયારે સમાજ જોશે ત્યારે સમાજ સ્થાપકોને એક નૂતન અને ઉચ્ચ દૃષ્ટિથી મૂલવશે. જાહેર સંસ્થાઓનું સંચાલન કરનાર કર્તાહર્તાના અંગત વિચારોને સંસ્થાના કર્મચારીઓ કે સંસ્થા સાથે સંકળાયેલ અન્ય વ્યકિતઓ ઉપર ઠોકી બેસાડવાનું સહેજ પણ યોગ્ય નથી. આવું કાર્ય કરતા કાર્યકરો મુઠ્ઠી ઊંચેરા કયારેય સાબિત થતા નથી. પોતાના સાંકડા અને ટૂંકા લાભો માટે કયારેક કોઈ વ્યકિત કે સ્થળના નામનો ઉપયોગ થાય તે તદ્દન અનિચ્છનીય છે. સંસ્થા જાહેર સમાજ માટે છે, તે એક વ્યકિતની મિલકત કે મૂડી નથી. જેટલું દૂરનું વિચારી શકાય તેટલું વિચારી સંસ્થાનું નામ પસંદ કરવું જોઈએ. પ૦ કે ૧૦૦ વર્ષ પછી પણ તે નામ નાવીન્યસભર અને અર્થપૂર્ણ લાગે તથા જીવનના કોઈપણ એકાદ આદર્શને સાથે લઈને જતું હોય તેવું નામ હોય તો તે સંસ્થાપકો દૂરંદેશી હતા તેમ જરૂરથી કહી શકાય.
ટૂંકમાં સંસ્થાનું નામ સૌને સાથે લઈને ચાલે તેવું, જીવનના કોઈ મહાન સંદેશને ઉજાગર કરતું, વર્ષો બાદ પણ તાજગીસભર લાગે તેવું, સૌને તેનો ઉચ્ચાર કરતાં ઉમળકો આવે, પોતાપણું લાગે તેવું, જાહેર જીવનના મૂલ્યોને ઉજાગર કરતું, તેના લાભાર્થીને ગૌરવ અપાવે તેવું નામ હોય તે આવશ્યક છે. સંસ્થા શરૂ કરતાં પહેલાં નામ નક્કી કરવા માટે પૂરતો સમય અને અવકાશ હોય તે જરૂરી છે. એકવાર નામકરણ થયા બાદ ભાગ્યે જ તેને બદલી શકાય છે અને બદલાય તો પણ તેનું પુરાણું નામ ચાલુ જ રહે છે. આ સંજોગોમાં સંસ્થાની નામકરણ કરવાની કામગીરી સંસ્થા ચલાવવા માટે જેટલી સજગતા હોય તેટલી જ સજાગતા હોવી જોઈએ.
અંતમાં, પણ ખૂબ અગત્યની વાત એ છે કે સંસ્થાનું નામ સ્થાપકના દૂરંદેશીપણાનું દ્યોતક હોય છે. સંસ્થાનું નામ તેની ફિલોસોફીના દર્શન કરાવતું હોવાથી નામકરણ બાબતે અત્યંત કાળજી રાખવામાં આવે તે ખૂબ આવશ્યક છે.
(શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )
(નોંધ: તસવીર નેટ પરથી લીધી છે અને પ્રતીકાત્મક છે)