





જ્વલંત નાયક
એ બાબત તો હવે સ્પષ્ટ છે કે વિજ્ઞાન અને ટેકનોલોજી વિના જીવન અશક્ય છે. તમે બધી મોહમાયા મૂકીને સાવ પ્રાકૃત્રિક અવસ્થામાં જીવવાનું શરુ કરો અને આદિમાનવની માફક જંગલો-ગુફાઓમાં રહેવા જતા રહો તો ત્યાં પણ તમને જીવવિજ્ઞાન અને પર્યાવરણ જેવી વિજ્ઞાનની શાખાઓનો ખપ પડે જ. એટલે ડાહ્યા માણસો વિજ્ઞાનના ઉત્તરોત્તર થતા વિકાસ સાથે પોતાની જાતને અપડેટ કરતા રહે છે. તો ચાલો આપણે ય વીતેલા વર્ષ દરમિયાન વિજ્ઞાન ક્ષેત્રે બનેલી કેટલીક મહત્વની અને દૂરગામી અસરો ધરાવતી ઘટનાઓ પર નજર ફેરવી લઈએ.
પ્રથમવાર ખેંચાઈ બ્લેકહોલની તસ્વીર[1] :

સેંકડો વિજ્ઞાનીઓ છેલ્લા એક દાયકાથી જે સખત પરિશ્રમ કરી રહ્યા હતા, એનું ફળ વીતેલા વર્ષ દરમિયાન મળ્યું. આ પ્રોજેક્ટ માટે પૃથ્વી ઉપર જુદા જુદા સ્થળોએ ગોઠવાયેલા અનેક હાઈ-એન્ડ ટેલિસ્કોપના નેટવર્ક – ‘ઇવેન્ટ હોરાઈઝન ટેલિસ્કોપ (EHT)’નો ઉપયોગ કરવામાં આવ્યો. આ નેટવર્કને કારણે પૃથ્વી જાણે એક વિશાળ કદની ‘આંખ’ હોય એ રીતનું ફોટોકેપ્ચરિંગ શક્ય બન્યું. સૌપ્રથમવાર ૧૦ એપ્રિલના રોજ બ્લેકહોલની સર્વપ્રથમ ઈમેજ પબ્લિશ કરવામાં આવી. આ ઈમેજ નિશંપણે ‘સાયન્ટિફિક ઈમેજ ઓફ ધી યર’ ગણી શકાય. (ક્યારેક આના વિષે આખો આર્ટીકલ કરીશું.) ટેલિસ્કોપ નેટવર્ક વડે મેળવાયેલો વિશાળ ડેટા પ્રોસેસ કરીને ૩૪૭ જેટલા સંશોધકોએ સુપર મેસિવ બ્લેકહોલનો લો-રીઝોલ્યુશન ફોટો મેળવ્યો. આ વર્ષનો બ્રેક થ્રુ એવોર્ડ જીતેલી EHTની ટીમ હવે બ્લેકહોલની વધુ સારી ઈમેજ મેળવવા માટે કમ્મર કસી રહી છે.
નાસાનો આર્ટેમિસ પ્રોગ્રામ[2] :


કાળા માથાના માનવીએ ચંદ્ર ઉપર પ્રથમ ડગલું માંડ્યું એ ઘટનાને આ વર્ષે પચાસ વર્ષ પૂરા થયા. આ નિમિત્તે નાસા પોતાનું નવુંનક્કોર મૂન મિશન ‘આર્ટેમિસ’ લઈને આવ્યું છે. (સિમ્પલ સાયન્સ – ૨૪ નવેમ્બર) ચંદ્ર ઉપર માનવ જીવન ટકે-વિકસે એના લાંબા ગાળાનાં આયોજન સ્વરૂપે નાસાએ આર્ટેમિસ પ્રોગ્રામ અમલમાં મૂક્યો છે. ઇસ ૨૦૨૪માં જેના સાકાર થવાની અપેક્ષા છે એવા આ મૂન મિશનની બે ખાસિયતોની નોંધ લેવાઈ છે. એક તો અ મિશનમાં સૌપ્રથમ વખત એક સ્ત્રી અવકાશયાત્રી ચંદ્ર ઉપર પગ મૂકશે. અને બીજી ખાસિયત છે “xEMU” નામનો સ્પેસ સ્યુટ. નાસાએ પોતાનો સ્યુટ એ રીતે ડિઝાઈન કર્યો છે કે એ શૂન્યથી નીચે -૨૫૦ ફેરનહીટ જેટલા નીચા તાપમાનથી માંડીને ઉકળતા લાવારસ જેવા +૨૫૦ ફેરનહીટ તાપમાન સામે એ ‘વાતાનુકુલ’ રહી શકે. અવકાશયાત્રીને જરૂરી પાવર પણ આ સ્પેસ્યુટ સાથે જોડાયેલી સ્કૂલબેગ જેવી બેકપેકમાંથી મળતો રહેશે. ભવિષ્યમાં જો માણસને ચંદ્ર ઉપર લાંબો સમય જીવન ટકાવી રાખવામાં સફળતા મળશે તો એની ક્રેડિટ xEMU સ્યુટને ફાળે જશે.
માણસની નવી પ્રજાતિ, ખરેખર?! :

તદ્દન સરળ રીતે અને ટૂંકમાં સમજણ મેળવવી હોય તો કહી શકાય કે ચાર્લ્સ ડાર્વિન દ્વારા પ્રસ્થાપિત ઉત્ક્રાંતિવાદ મુજબ વાનરમાંથી માનવ બનવાના પ્રોસેસ દરમિયાન જુદા જુદા તબક્કાઓએ માણસના સ્વરૂપમાં નાના-મોટા ફેરફારો આવતા રહ્યા. આ દરેક તબક્કાને જુદા જુદા નામ અપાયા છે. છેલ્લા કેટલાક હજારો વર્ષ દરમિયાન માનવની જે આધુનિક પ્રજાતિ આપણે જોઈ રહ્યા છીએ, એ ‘હોમો સેપિયન્સ’ તરીકે પ્રચલિત છે. પરંતુ હવે નૃવંશશાસ્ત્રીઓને ‘હોમો લ્યુઝોનેન્સીસ’ નામની એક ભૂલાયેલી પ્રજાતિ વિષે ભાળ મળી છે. આ પ્રજાતિના સજીવો ફિલિપાઈન્સના લ્યુઝોન ટાપુ ઉપર આશરે ૫૦,૦૦૦ વર્ષો પહેલા અસ્તિત્વ ધરાવતા હોવાના પુરાવાઓ મળ્યા છે. સંશોધકોના મતે આ સજીવો આધુનિક માનવી અને એના પ્રારંભિક (primitive) સ્વરૂપના મિશ્ર લક્ષણો ધરાવતા હતા. જો કે કેટલાક નૃવંશશાસ્ત્રીઓ માને છે કે લ્યુઝોન ટાપુ ઉપરથી મળી આવેલા અવશેષો કોઈ નવી પ્રજાતિ નહિ, પણ કોઈક જાણીતી પ્રજાતિના જ હોઈ શકે છે. સત્ય જે હોય એ, પણ એટલું નક્કી કે ઉત્ક્રાંતિવાદની ઘણી કડીઓને હજી સરખી રીતે જોડી શકાઈ નથી.
ક્વોન્ટમ કોમ્પ્યુટર :

સુપર કોમ્પ્યુટર એટલે એવા કોમ્પ્યુટર્સ જે અકલ્પનીય ઝડપે જટિલ ગણતરીઓ કરી બતાડે. અને હવે સુપર કોમ્પ્યુટર્સની દુનિયામાં તહેલકો મચી જવાની તૈયારી છે, કારણકે વૈજ્ઞાનિકોએ ખાસ પ્રકારનું ‘ક્વોન્ટમ કોમ્પ્યુટર’ વિકસાવી લીધું છે. સામાન્ય કોમ્પ્યુટર્સ માટે જે ગણતરી અશક્ય લાગતી હોય, એને ક્વોન્ટમ કોમ્પ્યુટર બહુ ઓછા સમયમાં સોલ્વ કરી શકે છે. આઈબીએમ કંપની દ્વારા વિકસાવાયેલા વિશ્વના અત્યાર સુધીના શ્રેષ્ઠ સુપર કોમ્પ્યુટરને જે જટિલ ગણતરી કરવામાં ૧૦,૦૦૦ વર્ષનો અંદાજીત સમય લાગતો હતો, એ જ ગણતરી ક્વોન્ટમ કોમ્પ્યુટર દ્વારા માત્ર ૨૦૦ સેકન્ડ્સમાં પૂરી કરી લેવામાં આવી!! વૈજ્ઞાનિકો આ ઘટનાને ‘ક્વોન્ટમ સુપ્રીમસી’ તરીકે ઓળખાવી રહ્યા છે. જો કે આખી બાજુની ડાર્ક સાઈડ તરીકે ભવિષ્યમાં ‘ટેકનોલોજીકલ સિંગ્યુલારિટી’ના પ્રશ્નો ઉભા થશે, એવું ઘણા વિશેષજ્ઞોનું માનવું છે. (ટેકનોલોજીકલ સિંગ્યુલારિટી એટલે આર્ટીફિશીયલ ઇન્ટેલીજન્સ જ્યારે હ્યુમનને ઓવરટેક કરી જશે એ સમય.)
પાર્કર સોલાર પ્રોબ :

આગના ધગધગતા ગોળા જેવો સૂર્ય અનેક રહસ્યો છુપાવીને બેઠો છે. પરંતુ અતિશય ગરમી અને સોલાર વિન્ડઝને કારણે આપણે દૂર રહીને જ સૂર્યનમસ્કાર કરી લેવા પડે છે, સૂરજની બહુ નજીક જઈ શકાતું નથી. પણ વીતેલા વર્ષ દરમિયાન નાસાએ પોતાના મહત્વાકાંક્ષી સોલાર મિશનના ભાગરૂપે ‘પાર્કર પ્રોબ’ને સૂર્યની નજીક તરતું મુક્યું છે. પાર્કર પ્રોબ દ્વારા થયેલ સંશોધનો દ્વારા વિજ્ઞાનીઓને સ્પેસ ડસ્ટ ઉપર સૂર્યની અસર વિષે જાણવા મળ્યું. વળી અત્યાર સુધી એમ મનાતું હતું કે સૂર્યની ચુંબકીય રેખાઓ હંમેશા બહારની તરફ (outwards) ગતિ કરે છે. પરંતુ પાર્કર પ્રોબ દ્વારા જણાયું કે ક્યારેક આ ચુંબકીય રેખાઓ સૂર્યના કેન્દ્ર તરફ જ પાછી ફેંકાય છે. આ શોધને વિજ્ઞાનીઓ બહુ મહત્વની ગણાવી રહ્યા છે.
Closer to the Sun than ever before
https://solarsystem.nasa.gov/news/522/10-things-to-know-about-parker-solar-probe/
ખેર, આશા રાખીએ કે આવનારા વર્ષમાં વિજ્ઞાને કરેલી પ્રગતિના સારા ફળ માણસજાતને ચાખવા મળે.
શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.
સંપાદકીય નોંધ – અહીં લીધેલ તસ્વીરો અને વિડીયો ક્લિપ્સ નેટ પરથી લીધેલ છે. તેનો આશય લેખના સંદર્ભને સમજવામાં મદદરૂપ થવા માટેનો છે. તે દરેકના પ્રકાશાનાધિકાર જે તે વેબસાઈટ / મૂળ કર્તાના રહે છે.