મંજૂ ષા – ૩૦ : પરિચિત જગતની સમાંતરે બીજું જગત

વિનેશ અંતાણી

આપણા પરિચિત જગતની સમાંતરે બીજું એક જગત આવેલું હોય છે. ક્યારેક અકસ્માતે આપણને એની ઝલક મળી જાય છે, પરંતુ શું છે તે આપણે સમજી શકતાં નથી.

·

જાપાનના સુપ્રસિદ્ધ લેખક હારુકી મુરાકામીની ૨૦૧૮ના વર્ષમાં પ્રકાશિત થયેલી નવલકથા ‘કિલિન્ગ કોમેન્ડેટર’ના એક અંશ ‘વિન્ડ કેવ’માં કથાનાયક વર્ષો પહેલાં મૃત્યુ પામેલી એની નાની બહેનના અવસાનની વેદના ભૂલી શક્યો નથી એ વાત કેન્દ્રમાં છે. મુરાકામીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું: ‘આપણા ભાવજગત પર થયેલા જખમ ત્રણ પ્રકારના હોય છે. એક બહુ જલદી રુઝાઈ જાય છે, બીજાને થોડી વાર લાગે છે, જ્યારે ત્રીજા પ્રકારના જખમ જિંદગીભર આપણી સાથે રહે છે.’

‘વિન્ડ કેવ’ની વાર્તા આ પ્રમાણે છે. ભાઈ પંદર વર્ષનો હતો ત્યારે એનાથી ત્રણ વર્ષ નાની બહેન કોમિચિ મૃત્યુ પામી હતી. એને જન્મથી જ હાર્ટનો પ્રોબ્લેમ હતો. ભાઈને કોમિચિની ખૂબ ચિંતા રહેતી. એ એને બચાવી લેવા પોતાનો જીવ દેવા પણ તૈયાર હતો. કોમિચિ બાર વર્ષની થઈ ત્યારે એની તબિયત બગડી અને એ અવસાન પામી. એને સુંદર પોશાક પહેરાવીને કોફીનમાં મૂકવામાં આવી તે એનું છેલ્લું દર્શન હતું. એના મોઢા પર મૃત્યુની કોઈ નિશાની નહોતી, જાણે એ શાંતિથી સૂતી હોય અને જરાક જેટલી ઢંઢોળતાં બેઠી થઈ જશે.

કોમિચિને સાંકડા કોફીનમાં મૂકી તે ભાઈને ગમ્યું નહોતું. એને લાગે છે કે બહેનના શરીરને વિશાળ મેદાનમાં મૂકવું જોઈતું હતું. આજુબાજુ લીલું ઘાસ ઊગ્યું હોય અને હવામાં ફૂલોની સુગંધ આવતી હોય. બહેનની યાદ જીવતી રાખવા માટે ભાઈ એનાં ચિત્રો બનાવતો રહે છે અને કલ્પના કરતો રહે છે કે એ જીવતી હોત તો એણે કેવી સુંદર જિંદગી વિતાવી હોત.

એ કોમિચિની અંતિમક્રિયા જોઈ શક્યો ન હતો. દૂર ખસી ગયો હતો. સ્મશાનમાં બાંકડા પર એકલો બેસીને ખૂબ રડ્યો હતો. તે સમયે એને બે વર્ષ પહેલાં બનેલી એક ઘટના યાદ આવે છે. તે વખતે એની ઉંમર તેર વર્ષની હતી અને કોમિચી દસ વર્ષની. ભાઈબહેન જાપાનના માઉન્ટ ફૂજીમાં રહેતા મામા પાસે ગયાં હતાં. મામા એમને ફૂજી પર્વતમાં આવેલી વિન્ડ કેવ જોવા લઈ ગયા હતા. મામાએ સમજાવ્યું હતું કે ગુફાઓ બે પ્રકારની હોય છે – વિશાળ અને સાંકડી. વિશાળ ગુફામાં માણસો અંદર જઈ શકે છે, સાંકડી ગુફાનું પ્રવેશદ્વાર બહુ જ સાંકડું હોવાથી એમાં પ્રવેશ કરી શકાતો નથી. મામા અગાઉ ઘણી વાર ગુફામાં જઈ આવ્યા હતા એથી ભાઈબહેન એકલાં ગુફામાં ગયાં. ફલેશ લાઇટ સાથે હતી. આગળ જતાં ગુફાની છત નીચી થતી ગઈ. તે કારણે એમને વાંકાં વળીને ચાલવું પડ્યું હતું. ઠંડી વધી ગઈ હતી. ભાઈએ કોમિચિનો હાથ પકડી રાખ્યો હતો. બહુ અંદર ગયાં પછી કોમિચિએ ગુફાના ખડકમાં એક સાંકડી ગુફાનું સસલાના દર જેવું પ્રવેશદ્વાર જોયું. કોમિચિએ લુઇસ કેરોલની ‘એલિસ ઇન વન્ડરલેન્ડ’ વાર્તા બહુ વાર વાંચી હતી. એમાં એલિસ નામની છોકરી અકસ્માતે સસલાના દર જેવી સાંકડી જગ્યાની પેલી બાજુ આવેલા વિસ્મયકારી પ્રદેશમાં પહોંચી જાય છે. કોમિચિ માનતી હતી કે એલિસનો વિસ્મયકારી પ્રદેશ વાર્તાકારની કલ્પના નથી, વાસ્તવમાં પણ એવી જગ્યા હોય છે.

કોમિચિ તે સાંકડી ગુફામાં અંદર જવાની હઠ કરે છે. એને એમ જ છે કે એની પાછળ પેલો વિસ્મયકારી પ્રદેશ આવેલો હશે. એ દૂબળી-પાતળી હોવાથી અત્યંત સાંકડા પ્રવેશદ્વારમાંથી અંદર ઘૂસી શકે છે. ભાઈ માટે તે શક્ય નથી. સાંકડી ગુફામાં પ્રવેશ કરતી કોમિચિ જાણે ધીરેધીરે ગાયબ થઈ રહી હતી. ઘણો સમય વીત્યા પછી પણ એ પાછી આવતી નથી. ભાઈને ચિંતા થાય છે. એ એના નામની બૂમો પાડતો રહે છે, પરંતુ અંદરથી જવાબ આવતો નથી. ડર લાગે છે કે એ હવે ક્યારેય પાછી આવશે નહીં. બહુ વાર પછી એનું માથું બહાર આવે છે, પછી આખું શરીર.

ઉત્તેજિત કોમિચિ કહે છે કે એ સાંકડા માર્ગમાંથી ગુફામાં ખૂબ ઊંડે સુધી પહોંચી ત્યાં એણે વિશાળ વર્તુળાકાર જેવી જગ્યા જોઈ. કોમિચિને લાગે છે કે એ જગ્યા એના માટે જ બનાવવામાં આવી હતી. કહે છે: ‘ત્યાં અપૂર્વ શાંતિ હતી. અંધારું એટલું ગાઢ હતું કે હું એને મારા હાથમાં પકડી શકું. મારું આખું શરીર અંધારામાં અલોપ થઈ ગયું હતું.’

વર્ષો પછી પણ ભાઈ એ વાત ભૂલી શક્યો ન હતો. એ વિચારે છે: કદાચ કોમિચિ પેલી ગુફામાં પ્રવેશી તે દિવસે જ એણે આ દુનિયા છોડી દીધી હતી. માત્ર હું માનતો હતો કે એ જીવે છે. સાંકડી ગુફાની અંદર ખાસ એના માટે જ બનાવવામાં આવેલી વર્તુળાકાર જગ્યા એ અગાઉથી જોઈ આવી હતી.

‘વિન્ડ કેવ’ કથાના સર્જક હારુકી મુરાકામી કહે છે: ‘જીવન વિશે મારો બેઝિક ખ્યાલ છે કે આપણા પરિચિત જગતની સમાંતરે બીજું એક જગત આવેલું હોય છે. એ જગતનું માળખું કે એનો અર્થ શબ્દોમાં સમજાવી શકાતો નથી, પરંતુ એ હોય છે. ક્યારેક અકસ્માતે આપણને એની ઝલક મળી જાય છે, પરંતુ એ શું છે તે આપણે સમજી શકતાં નથી.’


શ્રી વીનેશ અંતાણીનું વીજાણુ સંપર્ક સરનામું: vinesh_antani@hotmail.com

Facebooktwitterredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.