





દીપક ધોળકિયા
કાકોરી કાંડઃ રામપ્રસાદ બિસ્મિલ, અશ્ફાકુલ્લાહ, રોશન સિંઘ અને રાજેન્દ્ર લાહિડીની શહાદત
ચોરીચૌરાની ઘટના પછી ગાંધીજીએ આંદોલન પાછું ખેંચી લીધું તેનાથી દેશમાં નિરાશાનું મોજું ફરી વળ્યું. આપણા દેશના ઇતિહાસમાં કાકોરી કાંડ સશસ્ત્ર સંઘર્ષના એક મહત્ત્વના સીમાચિહ્ન જેવો છે. આજે એને યાદ કરવાનું કારણ એ કે ૧૯૨૭ના ડિસેમ્બરની ૧૭મી અને ૧૯મીએ કાકોરી કાંડના ચાર વીરોને ફાંસી અપાઈ તેને હાલમાં જ ૯૨ વર્ષ પૂરાં થયાં. ૧૭મીએ રાજેન્દ્ર લાહિડીને ફાંસી અપાઈ અને ૧૯મીએ રામપ્રસાદ બિસ્મિલ, અશ્ફાકુલ્લાહ અને ઠાકુર રોશન સિંઘને ફાંસીના માંચડે ચડાવી દેવાયા. રામ પ્રસાદ બિસ્મિલ એમના નેતા હતા. નઝ્મ ‘સરફરોશી કી તમન્ના…”1 આજે પણ લોકપ્રિય છે તેનું કારણ એ કે રામ પ્રસાદ બિસ્મિલે એને યુદ્ધના લલકાર તરીકે ગાઈને ચિરંજીવ બનાવી દીધી છે. આ ગીત ‘હિન્દુસ્તાન રીપબ્લિકન ઍસોસિએશન’ના ક્રાન્તિકારીઓ માટે રાષ્ટ્રગીત જેવું હતું.
કાકોરી લખનઉની પાસેનું એક નાનું ગામ છે, પરંતુ બિસ્મિલ અને એમના બહાદુર સાથીઓએ એને ભારતના ઇતિહાસમાં અમર બનાવી દીધું છે.
૧૯૨૫ની નવમી ઍપ્રિલની રાત. ૮-ડાઉન કાકોરીથી પસાર થવાની છે. એમાં સરકારી ખજાનો છે. આઉટર સિગ્નલ પાસે કોઈએ સાંકળ ખેંચી અને ટ્રેન અટકી ગઈ. અંધકાર સાંયસાંય કરે છે, ત્યાં તો કેટલાક ‘ધાડપાડુઓ’ ટ્રેન પર ત્રાટકે છે. મુસાફરોમાં બૂમાબૂમ મચી છે – ત્યાં તો ટ્રેનના સેકંડ ક્લાસના ડબ્બામાંથી બે-ત્રણ જણ ઊતરે છે. એ હતા, અશ્ફાકુલ્લાહ, સચીન્દ્રનાથ બખ્શી અને રાજેન્દ્ર લાહિડી. એ જ વખતે ગાર્ડ પણ કયા ડબ્બામાં સાંકળ ખેંચાઈ તે જોવા નીચે ઊતરે છે. બે ક્રાન્તિકારીઓ એના પર હુમલો કરીને એને પાડી દે છે અને એના પર બેસી જાય છે. બીજા બે એન્જિનમાં ચડીને ડ્રાઇવરને નીચે ઉતારીને જમીનસોતો દબાવી દે છે. બે ક્રાન્તિકારીઓ ટ્રેનના બન્ને છેડે ગોઠવાઈ જાય છે અને હવામાં ગોળીબાર કરે છે. તે સાથે બૂમો પાડતાં મુસાફરોને કહે છેઃ “ગભરાઓ નહીં, અમે આઝાદી માટે લડીએ છીએ, ક્રાન્તિકારીઓ છીએ. તમારાં જાનમાલ સલામત છે, પણ કોઈએ બારીમાંથી ડોકું બહાર કાઢવાનું નથી…”
ચાર જુવાનો ગાર્ડના ડબ્બામાં ચડે છે, ત્યાંથી તિજોરી નીચે ઉતારે છે. એમાં ઉપર મોટું ઢાંકણું એવું છે કે અંદર નાખી શકાય પણ અંદરથી બહાર કંઈ કાઢી ન શકાય. જૂથમાં સૌથી તાકાતવાન અશ્ફાકે તિજોરી પર ઘણના ઘા મારવાનું શરૂ કર્યું. ત્યાં તો લખનઉ તરફ જતી બીજી એક ટ્રેનની સીટી સંભળાઈ. બધા સ્તબ્ધ થઈ ગયા. એ ટ્રેન એમણે આંતરેલી ટ્રેન સાથે અથડાય તો? બિસ્મિલ સૌના નેતા હતા. બધા એમની સામે જોવા લાગ્યા. બિસ્મિલે સૌને ગોળીબાર બંધ કરવાનો આદેશ આપ્યો. તિજોરી ઉપર ઘણ ચલાવવાનું બંધ પડી ગયું. ટ્રેન પસાર થઈ ગઈ, તે પછી અશ્ફાકે ઢાંકણું તોડી નાખ્યું અને પૈસાની કોથળીઓ લઈને બધા નાસી છૂટ્યા. એ ક્રાન્તિવીરો હતાઃ રામપ્રસાદ બિસ્મિલ, ચંદ્રશેખર આઝાદ, અશ્ફાકુલ્લાહ, રાજેન્દ્ર લાહિડી, મન્મથનાથ ગુપ્ત, સચીન્દ્ર નાથ બખ્શી, મુરારી લાલ, કેશવ ચક્રવર્તી, બનવારી લાલ અને મુકુંદી લાલ.
સરકાર હેબતાઈ ગઈ. એકાદ મહિના સુધી ભારે શોધખોળ ચાલી પણ એક્કેય ક્રાન્તિકારી ઝડપાયો નહીં.
દાદાનું શ્રાદ્ધ!
હવે બિસ્મિલમાં હિંમત વધી. એમણે બધા ક્રાન્તિકારીઓને એકઠા કરવાનું નક્કી કર્યું. એમણે સૌને અંગ્રેજીમાં પત્ર લખ્યોઃ “ અમે કુશળ છીએ. કદાચ તમે જાણતા હશો કે અમારા દાદાનું શ્રાદ્ધ ૧૩મી તારીખ, રવિવારે છે. તમારે આવવાનું જ છે… તમારો રુદ્ર”! બિસ્મિલ ક્યારેક રુદ્ર લખતા, તો ક્યારેક મહંત અને ક્યારેક આનંદ પ્રકાશ પરમ હંસ.
દાદાના શ્રાદ્ધના નામે એકઠા થયેલા ક્રાન્તિકારીઓએ હવે મોટાં શહેરોની પોસ્ટ ઑફિસો લૂંટવાનું નક્કી કર્યું પણ તે પહેલાં ૨૫મી સપ્ટેમ્બરની રાતે કલકત્તા, આગરા, અલ્હાબાદ, બનારસ. એટા, કાનપુર, હરદોઈ, મેરઠ, લખીમપુર, લખનઉ, મથુરા, શાહજહાનપુર, લાહોર, ઓરાઇયા, રાયબરેલી, પુણે, લાહોર વગેરે કેટલાંય સ્થળે પોલીસે છાપા મારીને ૪૦ જેટલા ક્રાન્તિકારીઓને પકડી લીધા. એક શિવ વર્મા પોંડીચેરી ભાગી છૂટ્યા હતા એટલે એ હાથમાં ન આવ્યા. જો કે ચંદ્રશેખર આઝાદ તો કદી પકડાયા જ નહીં, છેવટે અલ્હાબાદના એક બાગમાં પોલીસ સાથેની ઝપાઝપીમાં શહીદ થયા. અશ્ફાક અને રાજેન્દ્ર લાહિડી પણ તરત હાથમાં ન આવ્યા. અશ્ફાક તો એક રાતે એમના જૂના મિત્રના ઘરે પહોંચી ગયા હતા. એણે અશ્ફાકનું ભાવભીનું સ્વાગત કર્યું પણ બીજી જ સવારે પોલીસના હાથે પકડાવી દીધા. રાજેન્દ્ર લાહિડી દક્ષિણેશ્વર બોમ્બ કેસમાં પકડાઈ ગયા હતા. અશ્ફાકુલ્લાહ અને સચીન્દ્ર બખ્શી પકડાયા ત્યારે કાકોરી કેસ પૂરો થયો હતો, પણ એમનાં નામો એમાં જોડી દઈને આખો કેસ ચલાવવામાં આવ્યો.
બે વર્ષ કેસ ચાલ્યો, એમના બચાવ માટે મોતીલાલ નહેરુની આગેવાની નીચે નામાંકિત વકીલોની એક ટીમ બનાવવામાં આવી, જેમાં, ગોવિંદ વલ્લભ પંત, આચાર્ય નરેન્દ્ર દેવ, શ્રીપ્રકાશ, અને ચંદ્રભાન ગુપ્તા હતા. કુલ ૨૪ આરોપીઓ હતા. એમાંથી બે સરકારી સાક્ષી બની ગયા, એટલે છૂટી ગયા પણ બીજા બધાંને સજાઓ થઈ; કોઈને પાંચ વર્ષ, તો કોઈને આજીવન કેદ. બિસ્મિલ કાકોરી કાવતરાના મુખ્ય સૂત્રધાર હતા એટલે એમને દેહાંત દંડ આપવામાં આવ્યો, એમના નજીકના સાથીઓ ઠાકુર રોશન સિંઘ અને રાજેન્દ્ર લાહિડીને પણ મોતની સજા કરવામાં આવી. રોશન સિંઘ કાકોરી કાંડમાં નહોતા પણ તે પહેલાં બમરોલીમાં ક્રાન્તિકારીઓએ લૂંટ કરી તે વખતે એક માણસ રોશનસિંઘના હાથે મરાયો હતો એટલે પોલીસે એમને તો ફાંસીએ લટકાવવાનો મનસૂબો કરી રાખ્યો જ હતો અને જજ પણ બીજા કોઈનું સાંભળે તેમ નહોતો. સચીન્દ્રનાથ સન્યાલ અને સચીન્દ્ર બખ્શીને કાળા પાણીની સજા થઈ, જ્યારે મન્મથનાથ ગુપ્તને ૧૪ વર્ષની સજા કરવામાં આવી.
ફાંસીની સજા પામેલા ચારેય ક્રાન્તિકારીઓએ દયાની અરજીઓ પણ કરી તે ફગાવી દેવાઈ. રામપ્રસાદ બિસ્મિલનો તર્ક એ હતો કે લૂંટના કેસમાં મરીને શું કરવાનું? હજી ઘણું કરવાનું બાકી છે.
રાજેન્દ્ર લાહિડી

રાજેન્દ્ર લાહિડીને ઉત્તર પ્રદેશના ગોંડાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સમાચાર મળ્યા કે એમની અરજી નામંજૂર થઈ છે. એમણે ૧૪મી તારીખે પત્ર લખ્યો કે “તમે લોકોએ અમને બચાવવાની બહુ મથામણ કરી પરતુ દેશની બલિવેદી પર અમારા પ્રાણના બલિદાનની જ જરૂર છે એવું લાગે છે. મૃત્યુ શું છે? જીવનની બીજી દિશા સિવાય કંઈ નહીં…” એમને ફાંસી ૧૯મીએ જ આપવાની હતી પણ બે દિવસ પહેલાં આપી દેવાઈ. ફાંસી માટે લઈ જતા હતા ત્યારે હાથકડી પહેરાવવાની તૈયારીઓ ચાલતી હતી ત્યારે એમણે કહ્યું, “એની શી જરૂર છે? મને રસ્તો દેખાડતા આગળ ચાલો, હું આવું જ છું.” એ પોતે જ ગયા અને ફાંસીના માંચડે હસતા મોઢે ઝૂલી ગયા.
ઠાકુર રોશનસિંઘ

ઠાકુર રોશન સિંઘને અલ્હાબાદની નૈની જેલમાં ફાંસી અપાઈ. કાકોરીની ઘટના સાથે એમને કંઈ સંબંધ નહોતો. પણ એનાથી પહેલાંની એક ઘટનામાં એક માણસ એમની હોળીણો સ્શિકાર બન્યો હતો. પોલીસે એમનું કાસળ કાઢી નાખવાનું નક્કી કર્યું હતું. એટલે એમને ફસાવવા, માટે પોલીસે એમને કાકોરી કાંડમાં પણ જોડી દીધા.૧૩મી તરીખે એમણે પોતાના મિત્રને પત્ર લખ્યોઃ “ આ અઠવાડિયાની અંદર ફાંસી મળશે… તમે મારા માટે જરાય દુખી ન થજો….” એ કવિ પણ હતા પત્રના અંતે એમણે શેર લખ્યોઃ
ઝિંદગી ઝિંદાદિલી કો જાન, અય રોશન
વર્ના કિતને મરે, ઔર પૈદા હોતે જાતે હૈં.
અશ્ફાકુલ્લાહ
રામપ્રસાદ બિસ્મિલ ખરેખર તો અશ્ફાકુલ્લાહના મોટા ભાઈના મિત્ર હતા પણ એમના વ્યક્તિત્વે અશ્ફાકને પણ આકર્ષી લીધા. એ પણ એક શાયર-દિલ આદમી હતા. એમણે લખ્યું છેઃ

જાઉંગા ખાલી હાથ મગર યે દર્દ સાથ જાયેગા
જાને કિસ દિન હિન્દોસ્તાન આઝાદ વતન કહલાયેગા?
બિસ્મિલ હિન્દુ હૈં, કહતે હૈં, “ફિર આઉંગા, ફિર આઉંગા
ફિર આકર અય ભારત માતા તુઝકો આઝાદ કરાઉંગા”
જી કરતા હૈ મૈં ભી કહ દૂં પર મઝહબ સે બંધ જાતા હૂં
મૈં મુસલમાન હૂં પુનર્જન્મ કી બાત નહીં કર પાતા હૂં
હાં, ખુદા અગર મિલ ગયા કહીં અપની ઝોલી ફૈલા દૂંગા
ઔર જન્નત કે બદલે ઉસસે એક પુનર્જન્મ હી માંગૂંગા
બિસ્મિલ અશ્ફાક માટે લખે છેઃ
“અશ્ફાકુલ્લાહને સરકાર રામપ્રસાદનો જમણો હાથ કહે છે. ચુસ્ત મુસલમાન અશ્ફાક રામપ્રસાદ જેવા ચુસ્ત આર્યસમાજીનો ક્રાન્તિમાં જમણો હાથ બની શકતો હોય તો ભારતના હિંદુ–મુસલમાન આઝાદી માટે…એક ન થઈ શકે?…મેં મુસલમાનોમાંથી એક નવજવાન કાઢીને હિંદુસ્તાનને દેખાડી આપ્યું છે કે મુસ્લિમ નવજુવાન પણ હિંદુ યુવાનોથી ચડી જઈને દેશ માટે બલિદાન આપી શકે છે અને એ બધી પરીક્ષાઓમાંથી પાર ઊતર્યો. હવે કોઈની એ કહેવાની હિંમત ન હોવી જોઈએ કે મુસલમાનોનો ભરોસો ન કરવો જોઈએ. આ પહેલો અનુભવ હતો તે પૂરો થયો….હવે દેશવાસીઓને એક જ વિનંતિ કે અમારા મરવાનો જો તમને જરાક પણ અફસોસ હોય તો, ગમે તેમ થાય હિંદુ અને મુસલમાનો એકતા સ્થાપે…”
એમના જીવનના છેલ્લા દિવસનું વિવરણ ભગતસિંહના શબ્દોમાં –
“ફાંસીથી એક દિવસ પહેલાં એમની સાથે મુલાકાત થઈ. એ ખૂબ શણગાર્યા હતા. મોટા લાંબા કાતરેલા વાળ શોભતા હતા, હસી હસીને વાતો કરતા હતા. એમણે કહ્યું, કાલે મારી શાદી છે. બીજા દિવસે સવારે છ વાગ્યે એમને ફાંસી આપી દેવાઈ. કુરાન શરીફની થેલી લટકાવીને હાજીઓની જેમ વજીફો પઢતા એ હિંમતથી નીકળી પડ્યા. તખ્તા ઉપર આગળ વધીને એમણે દોરડાને ચૂમી લીધું…”
રામપ્રસાદ બિસ્મિલ

કાકોરી કાવતરાના સરદાર તરીકે બિસ્મિલ માટે મોત નિશ્ચિત હતું જ. એમણે દયાની અરજીઓ કરી પણ મોતના ડરથી નહીં, અથવા તો પોતાનું લક્ષ્ય છોડી દેવા માટે નહીં. ઘણા તો તાજના સાક્ષીના બનીને છૂટી ગયા હતા, તો કેટલાયે તો ઉપરાઉપરી માફીના પત્રો મોકલીને અંગ્રેજોને હંમેશાં ટેકો આપવાનાં વચનો આપ્યાં. આવા ‘વીર’ પછી કોંગ્રેસને જ ગાળો ભાંડવા લાગ્યા. બિસ્મિલને લાગ્યું કે હમણાં મરવાની નહીં, સંઘર્ષ ચાલુ રાખવાની ઘડી છે. એમને સશસ્ત્ર ક્રાન્તિના માર્ગથી પણ નિરાશા થવા માંડી હતી. એમને લાગતું હતું કે આ માર્ગ ખોટો છે. ફાંસીના ચાર દિવસ પહેલાં, ૧૫મીએ એમણે લખ્યું:
“અપીલ કરવા પાછળ એક કારણ એ પણ હતું કે ફાંસીની તારીખમાં ફેરફાર કરાવીને હું નવયુવકોનું જોશ જોઉં. એમાં હું નિરાશ થયો….મેં બહાર નીકળવા ઘણા પ્રયત્ન કર્યા પણ બહારથી કોઈ મદદ ન મળી. અફસોસ તો એ વાતનો છે કે જે દેશમાં આટલું મોટું ક્રાન્તિકારી જૂથ ઊભું કરી દીધું ત્યાં મારી પોતાની રક્ષા માટે મને એક પિસ્તોલ પણ ન મળી. કોઈ યુવાન મારી મદદ માટે આગળ ન આવ્યો. યુવાનોને મારે વિનંતિ છે કે જ્યાં સુધી બધા ભણીગણી ન લે ત્યાં સુધી ગુપ્ત પાર્ટીઓ તરફ કોઈ ધ્યાન ન આપે. દેશસેવાની ઇચ્છા હોય તો છતું કામ કરે. શેખચલ્લીના કિલ્લા બાંધતાં પોતાના જીવનને આફતમાં ન નાખે.”
બિસ્મિલના જીવનની અંતિમ સવારે, ૧૯મી ડિસેમ્બરે એમનાં માતા એમને જેલમાં મળ્યાં ત્યારે બિસ્મિલની આંખમાંથી આંસુ ટપકી પડ્યાં. પણ માતા દૃઢ હતા< એમણે બિસ્મિલને હરિશ્ચંદ્ર અને દધીચિની યાદ અપાવી અને ચિંતા કે પસ્તાવો ન કરવાની સલાહ આપી. બિસ્મિલે જવાબ આપ્યો,” હું મોતથી નથી ડરતો. ચિંતા કે પસ્તાવોય નથી પણ આગ પાસે ઘી રાખો તો પીગળી જ જાય, મા, તમારો અને મારો સંબંધ એવો જ છે; આંસુ તો આવી જ જાય ને!”
એ જ સાંજે એમને ફાંસી આપવામાં આવી. તખ્તા પર ચડતાં બિસ્મિલે પોતાની અંતિમ ઇચ્છા જાહેર કરીઃ “બ્રિટિશ સામ્રાજ્યનો નાશ થાય એ જ મારી અંતિમ ઇચ્છા છે!” પછી એ એમનો માનીતો શેર બોલ્યાઃ
જબ ન અગલે વલવલે હૈં, ઔર ન અરમાનોં કી ભીડ
એક મિટ જાને કી હસરત અબ દિલ–એ–બિસ્મિલ મેં હૈ
૦-૦-૦
સંદર્ભ:
૧. ભારત સરકારના પ્રકાશન વિભાગ તરફથી પ્રકાશિત પુસ્તક “કરજો યાદ કોઈ ઘડીઃ શહીદોના પત્રો” (ISBN 81-230-0663-2 ઑગસ્ટ ૧૯૯૮, અનુવાદઃ દીપક ધોળકિયા)
૨. liveindia.com/freedomfighters/kakori
૩. https://en.wikipedia.org/wiki/Kakori_conspiracy
શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ dipak.dholakia@gamil.com
બ્લૉગઃ મારી બારી
1
Touching