સમયચક્ર : પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં

Facebooktwitterredditpinterestlinkedinmail

માવજી મહેશ્વરી

સામાન્ય રીતે પટોળાની વાત આવે એટલે તરત પાટણ યાદ આવે. વિશિષ્ટ રીતે બનતી પટોળા નામની ગુજરાતી સાડીની હસ્તકલામાં પાટણને ખાસ્સી ખ્યાતિ મળી છે. ફિલ્મના ગીતે તેમા વધારો કર્યો છે. તેમ છતાં એવું નથી કે પટોળા માત્ર પાટણમાં જ બને છે. પોતાના ઘેઘૂર સ્વરે અમિતાભ બચ્ચને જે પ્રદેશના વખાણ કરતાં કહેલું છે કે, “કચ્છ નહીં દેખા, તો કુછ નહીં દેખા” એવા કચ્છમાં પણ પટોળા બને છે. બને છે એટલું જ નહીં, વિદેશો સુધી ખ્યાતિ મેળવી ચૂક્યા છે. નાનકડા ગામના એક સામાન્ય કારીગરે પોતાની હૈયા ઉકલતથી પોતાના પરંપરાગત વ્યવસાયને કલામાં પરિવર્તિત કરી એક ઉદાહરણ પુરું પાડ્યું છે. કચ્છમાં બનતા પટોળા ( silk sari ) પાટણના પટોળા જેવા જ છે. તેમ છતાં કચ્છના કારીગરની સુઝ દેખાય છે.


મારી સામે એક ચક્ર ફરી રહ્યું છે. એ કોઈ સામાન્ય ચક્ર નથી. એ ચક્ર સાથે ભારતીય પ્રજાનું દર્શન જોડાયેલું છે. આઝાદીનો ઈતિહાસ જોડાયેલો છે. ગાંધીજીનો સ્વરોજગારનો વિચાર જોડાયેલો છે. હું ચક્રના ફરતાં દાંતા, બોબીન ઉપર વીંટાતા જતા રેશમના તાર અને બોબીન ભરનારા કેશવજીબાપાના મોં પરની રેખાઓ વાંચવાનો પ્રયાસ કરું છું. મારા હાથમાં રહેલા કાગળ ઉપર પહેલો કયો અક્ષર પાડવો તેની વિમાસણમાં છું. કેશવજીબાપાની બાજુમાં બેઠેલા તેમના પુત્ર ધરમશીને વહેમ જાય છે કે હું આમ જ બેસી રહીશ કે શું ?

સાહેબ તમારે પટોળા વિશે જાણવું છે ને ?

ધરમશી મને તેની કાર્યશાળામાં લઈ જાય છે. અહીં સાળ છે, રાચ છે, ફણી છે, બોબીન છે, દોરા છે, રંગો છે, ડીઝાઈન બુક્સ છે, બીજુંય કંઈ કેટલું છે. એ વચ્ચે ધરમશી છે. એ ધરમશી જેમણે પારિવારિક વ્યવસાય એવા વણાંટકાર્યને પોતાના કસબી દિમાગ અને હૈયા ઉકલતથી સાત સમંદર પાર પહોંચાડી દીધી છે. – સાહેબ પહેલા તમે પટોળા જોઈ લો

ધરમશી એક કબાટ ખોલે છે. તે એક પછી એક પટોળા ખોલતા જાય છે અને તેના વિશેષતા સમજાવતા જાય છે. ધરમશીની એકધારી ચાલતી વાક્ધારામાં સાત રંગો એકમેકમાં ગુંથાઈને ‘પટોળા’ રૂપે આકાર ધારણ કરે છે. પ્રસિધ્ધિના કોઈ મોહ વગર છેલ્લા અઢી દાયકાથી પોતાની રીતે કલાની સાધના કરી રહેલા ધરમશીએ બનાવેલા પટોળા દેશ દેશાવર પહોંચી ગયા છે. કોઈ સ્વીકારે કે ન સ્વીકારે તેમ છતાં એ હકીકત છે કે પાટણ જેવાં જ પટોળા કચ્છમાં બને છે. અને હજુ તેમાં હજુ શું વધુ થઈ શકે તેની સતત મથામણમાં રહે છે કચ્છી પટોળાનો કસબી ધરમશી મહેશ્વરી.

મૂળ નિંગાળ ( તા. અંજાર )ના અને દસેક વર્ષથી ભુજમાં રહેતા કેશવજી મહેશ્વરીનો પરિવાર પરંપરાગત વણાટકામ કરતો હતો. તેઓ સુતરાઉ વણાટ સાથે મશરુમ પણ વણતા. ધરમશીએ દસમું ધોરણ પાસ કર્યું ત્યારે એક દિવસ તેને બનાવવાનો પટોળાનો વિચાર આવ્યો. સતત નવું કરવાનો સ્વભાવ અને ઊંડા નિરિક્ષણની ટેવ ધરાવતા ધરમશીએ પટોળા બનાવવાની કલા વિશે ચૂપચાપ અભ્યાસ કરવા માંડ્યો. પોતાના બાપીકા વ્યવસાયમાં કંઈક નવું કરવાની પ્રબળ ઈચ્છા તેમને પટોળા બનાવવાની દિશામાં લઈ ગઈ. કેશવજીભાઈને કલ્પના પણ ન હતી કે તેમના દીકરાના મનમાં શું ઘોળાય છે. ધરમશીએ પોતાના ઘરની આર્થિક સ્થિતિ, અંતરિયાળ ગામની સ્થિતિ અને તે વખતના સંસાધનો વિશે વિચારી લીધું હતું. તેમણે પોતાના પિતાજી સમક્ષ પટોળાનો વિચાર મૂક્યો. ઘડીભર પોતાના દીકરા સામે જોઈ રહેલા પિતાજીએ મૂક સંમતિ આપી અને એક દિવસ નિંગાળ ગામના ધુળિયા રસ્તા પર ખુલ્લામાં સાચા રેશમનો તાણો બંધાયો. ધરમશીના મોટાભાઈ રામજી અને તેમના પત્ની સહિત ઘરના બધા સભ્યોએ ૧૯૯૧મા પહેલું ‘પટોળું’ બનાવ્યું.

તે પછીનો સમય ધરમશી માટે રોમાંચક રહ્યો છે.

પટોળું આમ જોવા જઈએ તો એક પ્રકારની સાડી જ છે. તેમ છતાં તેની બનાવટમાં વપરાતા રંગો, રેશમના દોરા, ઉપરાંત તેની Dying process અને વણાટ ક્રિયામાં જ તેની ખૂબીઓ છુપાયેલી છે. પટોળું બનવવું અન્ય વણાંટકામ જેટલું સરળ નથી. આ કાર્યમાં સૌથી અગત્યની બાબત તારની ( દોરાની ) સંખ્યા છે. અસલી રેશમના ૬ તારને ટ્વીસ્ટ કરીને એક તાર બનાવવામાં આવે. આવા ૧૪૪ તારની એક ‘છડી’ થાય. આવી ૬૧ છડીનો તાણો બને. તાણાની લંબાઈ ૩ પટોળા કે ૬ પટોળા જેટલી હોય છે. પટોળાની બનાવટમાં ‘ઈકત’ શબ્દ અગત્યનો છે. ઈકતનો અર્થ બાંધવું એવો થાય છે. પટોળા સીંગલ ઈકત અને ડબલ ઈકત એમ બે પ્રકારે બને છે. સીંગલ ઈકતમાં તાણાના તાર ઉપર જુદા જુદા રંગ કરવામાં નથી આવતા પણ કોઈ એક જ રંગે રંગેલા હોય છે. જે તેનું પોત ગણાય છે. અને વાણાના તાર પટોળાની ડીઝાઈન મુજબ રંગવામાં આવે છે. ડબલ ઈકતના પટોળાના તાણા અને વાણા બેઉના તારને ડીઝાઈન મુજબ રંગવામાં આવે છે. સીંગલ ઈકતનું પટોળું બનાવતા દસ થી બાર દિવસ લાગે છે, જ્યારે ડબલ ઈકતનું પટોળું બનાવતા પાંચ થી છ મહીના લાગી જાય છે. આખાય પટોળામાં માંડ અડધો કીલો જેટલું રેશમ વપરાય છે. એટલે પટોળું વજનમાં માંડ ૫૦૦ ગ્રામ જેટલું હોય છે.

સામાન્ય રીતે વણાટકામ માટે જે સાળ વપરાય છે તેમા છ, આઠ કે બાર પાવડી હોય છે. એની સરખામણીમાં પટોળાની વણાટક્રિયા સહેલી છે. તેમા બે પાવડીવાળી સાળનો ઉપયોગ થાય છે. વણનાર વારાફરતી પાવડી દબાવે છે. તાણામાંથી પસાર થતા નળાના તાર અગાઉથી જ રંગેલા હોય છે એટલે વાણાના તાર સાથે નિયત જગ્યાએ ગોઠવાતા રહે છે અને ભાત રચાતી જાય છે.

પટોળા બનાવવાની ક્રિયામાં સૌથી અગત્યની બાબત એની Dying process અને તારની સંખ્યાનું ગણિત. Dying process માં તારની લંબાઈ મુજબ જો રંગવામાં ન આવે અને તારની સંખ્યામાં જો વધઘટ થાય તો બધી મહેનત માથે પડે છે. વળી એટલી જ અગત્યની બાબત છે પટોળાની પરિકલ્પના. ધરમશી એ માટે જૂના સ્થાપત્યોનો આધાર લે છે. જૂના જમાનાની કોતરણીઓ, જાળીઓના ફોટોગ્રાફ્સ લઈ તે મુજબ ગ્રાફબુક ઉપર ડીઝાઈન બનાવે છે, તેમા રંગો પુરે છે. રંગો અને તારનું ગણિત પાકું કરી લીધા પછી જ પટોળુ બનાવવાની પ્રક્રિયા શરુ કરે છે.

સામાન્ય રીતે અન્ય કિમતી સાડીઓ કરતાં પટોળાનું મહત્વ શા માટે વધારે હોય છે અને તેની કિંમત ઉંચી શા માટે હોય છે તેવો પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે. એનો જવાબ એક જ વાક્યમાં આપવો હોય તો આમ આપી શકાય કે “પટોળું શુધ્ધ હસ્તકલા છે. મશીન વડે પટોળું બનાવવું આજની તારીખે શક્ય નથી. “ એટલે જ તે મોંધું હોય છે. સામાન્ય વર્ગ પટોળા ખરીદી શકતો નથી. ભલે ધરમશીની કલાને આખું કચ્છ જાણતું ન હોય તેમ છતાં સામ પિત્રોડાથી સચીન તેન્ડુલકર તેમજ અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બિલ ક્લીન્ટન જેવી જાણીતી હસ્તીઓના ઘેર ધરમશીના પટોળા પહોંચ્યા છે. તો ડેન્માર્ક, જર્મની, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, સ્પેન જેવા દેશોમાંથી કચ્છમાં આવતા વિદેશી સહેલાણીઓ ભુજ શહેરમાં ધરમશીનું ઘર શોધતા આવી ચડે છે તેનું આશ્ચર્ય હવે આસપાસના લોકોને થતું નથી.

ગાંધીજીએ રેંટિયા દ્વારા ક્રાન્તિની શરુઆત કરી હતી. રેંટિયાનો સુક્ષ્મ અર્થ બહુ ઓછા લોકો સમજી શક્યા. જે લોકો સમજ્યા તેમનો અવાજ યાંત્રિકીના વેગવાન પ્રવાહમાં તણાઈ ગયો. આવનારા દાયકામાં ભારત શિક્ષિત બેરોજગારીની સમસ્યાથી પીડાતો દેશ હશે તેવું જાણકારો કહી રહ્યા છે. ત્યારે મને એ ફરતું ચક્ર દેખાય છે. એ સમયચક્ર છે. એ ફરતું રહેવાનું.


શ્રી માવજી મહેશ્વરીનાં સંપર્ક સૂત્રોઃ ફોન નં. +૯૧ ૯૮૨૫૭૨૫૫૯૬ Email mavji018@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *