





ભગવાન થાવરાણી
ઉર્દૂમાં એવા અનેક દિલચસ્પ શબ્દો છે જેના પર્યાય અન્ય ભાષાઓમાં શોધ્યા જડે નહીં. આવો એક શબ્દ છે ‘ રકીબ ‘. રકીબ એટલે પ્રેમમાં પ્રતિસ્પર્ધી હોય તેવો હરીફ. બીજા શબ્દોમાં, એક જ સ્ત્રીને ( અથવા પુરુષને ) ચાહનારા બે ( કે બેથી વધુ પણ ! ) પુરુષો ( અથવા સ્ત્રીઓ ) આપસમાં એકબીજાના રકીબ કહેવાય !
હમણાં મહાન ઉર્દૂ શાયર ફૈઝ અહમદ ‘ ફૈઝ ‘ ની એક નઝ્મ પહેલી વાર વાંચી. પહેલી વાર એટલા માટે લખ્યું કે આમ તો એમની અસંખ્ય રચનાઓ પહેલાં વાંચી છે. કોણ જાણે કેમ આ અદ્ભુત કૃતિ અછૂતી રહી ગઈ! રચનાનું નામ છે ‘ रक़ीब से / રકીબ સે ‘ . પોતાના જ રકીબને ઉદ્દેશીને લખાયેલી આ અદ્વિતીય નઝ્મમાં નિતાંત ઈમાનદારી તો છે જ, સહાનુભૂતિ અને સમાનુભૂતિનું એક એવું વીરલ સંમિશ્રણ છે જે વાચકને અવાક કરી દે ! રકીબ તો એક રીતે હરીફ અથવા દુશ્મન કહેવાય પરંપરાગત અર્થમાં. એને મારી હઠાવવાનો હોય, રસ્તામાંથી દૂર કરવાનો હોય એને બદલે આ અને આવી હમદર્દી ? આ વિચાર જ સાવ જુદો તરી આવે એવો છે, પણ અકારણ નથી. ફૈઝ પોતે નિતાંત માનવતાવાદી અને સદંતર ડાબેરી વિચારસરણી ધરાવતા ક્રાંતિકારી શાયર હતા અને સરકારને ‘ ઉથલાવવાના ‘ કાવતરાખોર તરીકે પાકિસ્તાન સરકારે વર્ષો સૂધી એમને જેલમાં ગોંધી રાખ્યા હતા. એમની જન્મ-શતાબ્દી થોડાક વર્ષો પહેલાં ગઈ. એમનું નામાંકન નોબેલ પ્રાઈઝ માટે પણ થયું હતું. સમગ્ર નઝ્મનું રસાસ્વાદન કરીએ એ પહેલાં જૂઓ એ નઝ્મ ના શબ્દો, પછી નૂરજહાં સાહિબાએ ગાયેલી એ નઝ્મ અને છેલ્લે એ જ નઝ્મ સ્વયં ફૈઝ સાહેબના અવાજ માં :
: र क़ी ब से :
आ कि वाबस्ता हैं उस हुस्न की यादें तुझ से
जिसने इस दिल को परीख़ाना बना रखा था
जिसकी उल्फ़त में भुला रखी थी दुनिया हमने
दहर को दहर का अफ़साना बना रखा थाआशना हैं तेरे क़दमों से वो राहें जिन पर
उसकी मदहोश जवानी ने इनायत की है
कारवाँ गुज़रे हैं जिनसे इसी र’अनाई के
जिसकी इन आँखों ने बेसूद इबादत की हैतुझ से खेली हैं वह महबूब हवाएँ जिनमें
उसके मलबूस की अफ़सुर्दा महक बाक़ी है
तुझ पे भी बरसा है उस बाम से मेहताब का नूर
जिस में बीती हुई रातों की कसक बाक़ी हैतूने देखी है वह पेशानी वह रुख़सार वह होंठ
ज़िन्दगी जिन के तसव्वुर में लुटा दी हमने
तुझ पे उठी हैं वह खोई-खोई साहिर आँखें
तुझको मालूम है क्यों उम्र गँवा दी हमनेहम पे मुश्तरका हैं एहसान ग़मे-उल्फ़त के
इतने एहसान कि गिनवाऊं तो गिनवा न सकूँ
हमने इस इश्क़ में क्या खोया क्या सीखा है
जुज़ तेरे और को समझाऊँ तो समझा न सकूँआजिज़ी सीखी ग़रीबों की हिमायत सीखी
यास-ओ-हिर्मांन के दुख-दर्द के म’आनी सीखे
ज़ेर द्स्तों के मसाएब को समझना सीखा
सर्द आहों के, रुख़-ए-ज़र्द के म’आनी सीखेजब कहीं बैठ के रोते हैं वो बेकस जिनके
अश्क आंखों में बिलखते हुए सो जाते हैं
नातवानों के निवालों पे झपटते हैं उक़ाब
बाज़ू तौले हुए मंडराते हुए आते हैंजब कभी बिकता है बाज़ार में मज़दूर का गोश्त
शाहराहों पे ग़रीबों का लहू बहता है
आग-सी सीने में रह-रह के उबलती है न पूछ
अपने दिल पर मुझे क़ाबू ही नहीं रहता है..( मलबूस = वस्त्र, साहिर = जादूगर, मुश्तरका = साज़ा, संयुक्त; जुज़ = सिवा आजिज़ी = याचना हिरमान = बुद्धि, ज़ेर दस्त = पीड़ित, मसाएब = मुश्किलात. नातवाँ = कमज़ोर, उक़ाब = गिद्ध, बाज़ शाहराह = राज मार्ग )
– फैझ अहमद फैझ ‘
ફૈઝ એક રીતે ઉર્દૂ કવિતા જગતમાં મીલકા પત્થરની હેસિયત ધરાવે છે. એમની અનેક ગઝલો અને નઝમો નૂરજહાંથી માંડીને આબિદા પરવીન, ઈકબાલ બાનો, ફરીદા ખાનમ અને મેંહદી હસન, ગુલામ અલી, જગજીત સિંહ સમાન દિગ્ગજોએ ગાઈને પોતાની ઇજ્જત વધારી છે. લેનિન પુરસ્કાર સહિત અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારો એમને જીવનકાળ દરમિયાન અને મરણોપરાંત પણ પ્રાપ્ત થયા. આ નઝ્મની વાત કરીએ.
ફૈઝ અહીં એમના રકીબ સાથે સીધી વાત કરે છે. એના પ્રત્યે પૂરા આદર અને આમન્યા સાથે પણ પોતાની ખુમારીને પણ એટલી જ અકબંધ રાખીને એ કહે છે કે ભાઈ, તારી સાથે મારો એક અજબ નાતો છે. તારી સાથે એક એવા શખ્સની સ્મૃતિઓ સંકળાયેલી છે જેના કારણે મારું દિલ જાણે એક રૂપ-મહેલ બની ગયું ! જેના કારણે આપણે બન્ને- હા, આપણે બન્ને જ – આખી દુનિયાને ભૂલી બેઠા અને જેના કારણે દુનિયા પોતે આપણને હકીકત નહીં પણ સ્વપ્નવત્ વાર્તા લાગતી !
તું પણ એ જ રસ્તે ચાલ્યો છે મારી જેમ, જેના પર ‘ એ ‘ ચાલતી હતી, જે રસ્તેથી ‘ એના ‘ સૌંદર્યની શાહી સવારી પસાર થઈ છે અને જેના સૌંદર્યની આપણી આંખોએ નિષ્કામ પૂજા કરી છે.
એ તું જ છે મારા રકીબ ! જેના શરીરને એ હવાઓએ સ્પર્શ કર્યો છે જેમાં એના વસ્ત્રોની ઉદાસ ખુશબો છે અને એ તું જ છે જેના પર ‘ એની ‘ અટ્ટાલિકામાંન ી ચાંદની વરસી છે. હા, એ જ ચાંદની જેમાં વીતેલી રાત્રિઓની વેદના ઢબુરાયેલી પડી છે. યાદ રહે, ફૈઝ સાહેબ આ બધું પોતાની પ્રેમિકાને નહીં, એ શખ્સને ઉદ્દેશીને કહે છે જે પણ એમની જેમ, એમની પ્રેમિકાને ચાહતો હતો !
દોસ્ત ! તેં તો એ ચહેરો, એ કપોલ, એ હોઠ જોયા છે જેની કલ્પના-માત્રમાં આપણે જિંદગી આખી વિતાવી દીધી. મારી જેમ જ એ મોહિની આંખો તારા અસ્તિત્વ પર પણ ફરી વળી છે. તને તો બધી ખબર છે કે શું જાદુ છે એ આંખોમાં !
પ્રેમ અને એની તડપનો આપણા બન્ને પર સહિયારો ઉપકાર છે અને એ મહેરબાની એવડી મોટી છે કે અેનું મૂલ્યાંકન સંભવ જ નથી. આ પ્રેમમાં આપણે શું ગુમાવ્યું અને શું પામ્યા એ તારા વિના તો કોને કહી શકું હું ?
અચાનક નઝ્મ એક એક જૂદા રસ્તે ફંટાતી હોય એવો ભાસ થાય છે, પણ ખરેખર એવું નથી. પ્રેમિકા અને રકીબ સાથેની એના વિષેની ગુફતેગુ પરથી કવિ સહસા કચડાયેલા લોકો, ઈંસાનિયત અને એમને થતા જુલમ અને અન્યાયની વાત પર આવી જાય છે. જાણે ફૈઝની પોતાની જ એક જગવિખ્યાત નઝ્મ ‘ મુજસે પહલી સી મુહબ્બત મેરે મહેબૂબ ન માંગ ‘ નો ઉત્તરાર્ધ હોય ! એ નઝ્મમાં સંબોધન પ્રિયાને છે એ બાબતે કે તારું રૂપ, તારું આકર્ષણ બરાબર પણ દુનિયામાં ફેલાયેલ કુરૂપતા, અન્યાય, અત્યાચાર પરથી હું કેમ નજર ફેરવી લઉં ?
નઝ્મનું પુનર્પઠન પુન: પુન: કરીએ તો સમજાય કે એમણે મૂકેલી અને પ્રથમ દ્રષ્ટિએ વિષયાંતર લાગતી વાત સકારણ છે. સંબોધન તો હજી પણ પોતાના રકીબને જ છે પણ કવિ એને પૂછે છે ( અને જાતે જ જવાબ પણ વાળે છે ! ) કે ‘ એને ‘ બિનશરતી અને દિલ-ફાડ ચાહીને આપણે શું શીખ્યા ? આપણે શીખ્યા આજીજી, આપણે શીખ્યા અકિંચનો પ્રત્યે કરુણા, આપણે શીખ્યા ઉદાસી અને બુદ્ધિમત્તા અને દર્દનો સાચો અર્થ, આપણે જાણ્યું કચડાયેલા લોકોની મુસીબતો અને ઠંડા નિશ્વાસો નાંખતા નિસ્તેજ ચહેરાઓનું હાર્દ ! હા, જ્યારે નિર્વ્યાજ અને બિનશરતી પ્રેમ કરીએ ત્યારે એ પ્રેમના આનંદ અને પીડાની સાથે દ્રષ્ટિનો આ વ્યાપ પેકેજમાં મફત મળે છે ! વિશાળ વિશ્વ તરફનો દ્રષ્ટિકોણ બદલાય છે અને, રમેશ પારેખના શેરમાં કહ્યું છે તેમ ‘ એ વિશ્વએ પાડેલી કાળી ચીસના તમે ખાસ શ્રોતા ‘ બનો છો ! બધું નોખા અજવાળામાં પમાય છે ! નિર્બળ લોકોના હકના કોળિયા પર જ્યારે સમડીઓ તૂટી પડે ત્યારે કેવું અનિષ્ટ સર્જાય એ પ્રેમ કર્યા પછી સાંગોપાંગ સમજાય છે. હ્રદય પત્થર મટીને આઈનો બને છે અને આસપાસ ઘટિત થતી પણ અત્યાર સુધી ઉપેક્ષિત થતી રહેલી ઝીણી-ઝીણી વાતો હવે એમાં ઝીલાય છે. સંવેદનાનું સ્તર બદલાય ત્યારે સમૂળગું બધું બદલાય !
ફૈઝ સાહેબની અનેકાનેક રચનાઓ વાંચ્યા પછી પણ આ ‘ રકીબ સે ‘ કૃતિથી હું વંચિત હતો એના ખેદ સાથે એ આનંદ કે એ મોડી-મોડી પણ વાંચી અને આપ સૌ સાથે એ સહભાગી શક્યો એ આનંદ તો અવર્ણનીય ….
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.
વાહ… સાહેબ…. બહુ સરસ આસ્વાદ… આભાર
ધન્યવાદ ડોકટર સાહેબ !
એક નવો શબ્દ અને તેમાંથી ઉદભવતું સુંદર આલેખન . ખુબ મજા પડી .
આભાર ભગવાનભાઈ !
આભાર સમીરભાઈ !