લ્યો, આ ચીંધી આંગળી : અંબાણી પરિવારનાં છુપાં રત્નો

Facebooktwitterredditpinterestlinkedinmail

રજનીકુમાર પંડ્યા

વિશ્વના અને ભારતના માત્ર વ્યાપાર ઉદ્યોગના ક્ષેત્રમાં જ નહીં, પણ સામાન્યમાં સામાન્ય માણસને સ્પર્શે તેવો વ્યાપક ચમત્કાર સર્જનારા ગુજરાતી ધીરૂભાઈ અંબાણીનું અવસાન 6ઠ્ઠી જુલાઈ, 2002 ના દિવસે થયું અને અખબારોએ એમના વિશે ગાડાં ભરાય તેટલું લખ્યું. ક્યાંક અતિશયોક્તિ પણ થઈ હશે. પણ એમના અનન્ય પુરુષાર્થનો જોટો મળવો મુશ્કેલ છે. સૌરાષ્ટ્રના લીલી નાઘેર ગણાતા પ્રદેશના ચોરવાડમાં એક સામાન્ય અને આમ તો નિષ્ફળ શિક્ષક હિરાચંદ ચત્રભુજ અંબાણી કે જેમણે થોડો સમય ઘીની હાટડી પણ માંડેલી તેના પુત્ર ધીરજલાલ દેશ-વિદેશના વ્યાપાર-ઉદ્યોગક્ષેત્રે એક સૂર્યની જેમ ઝગમગી રહેશે એની તો કોઇએ કલ્પના જ ક્યાંથી કરી હોય ? એમનું નામ પેઢી દર પેઢી ગાજતું રહે એ બિલકુલ ગનીમત છે . પણ માત્ર એક વાત મને સતત ખૂંચતી રહી કે તાજમહાલના શુભ્ર ચમકતા ગુંબજની વાત કરતી વેળા લખનારા તેના પાયાના પથ્થરોને વીસરી ગયા. પાયાના અસલી પથ્થરો તો ભોમભીતર હોય એટલે એમનું સ્મરણ ના થાય પણ આવા જીવંત ગૌરવમૂર્તિ જેવા મહાનુભાવના જીવનમાં જેમનો પાયાથી જ ફાળો હતો તેવા તેમના સગા વડીલ ભાઈ રમણીકભાઈ અંબાણી અને તેજસ્વી નાના ભાઈ સ્વ. નટુભાઈ અંબાણીના ક્યાંય ઉલ્લેખ પણ ના હોય તે મારા જેવા જરા એમને નિકટથી જાણનારાને માટે વિષાદ પ્રેરનારી બાબત છે .

એટલે ધીરુભાઇના એ ભાઇઓ વિષે થોડી સંસ્મરણાત્મક વાતો લખી રહ્યો છું. અમદાવાદમાં પોતાના પુત્ર વિમલ અને એમના પણ સંતાનો સાથે રમણીકભાઈ તો આજે 95 વર્ષની વયે થોડી નાની મોટી શારીરિક તકલીફો સાથે હજુ સ્વસ્થ છે. તેમનો પણ છેલ્લા ત્રીસેક વર્ષથી મને નિકટનો પરિચય રહ્યો છે. પરંતુ તેમના વિશે ફરી ક્યારેક. આજે તો કેવળ સૌથી નાનાભાઇ નટુભાઇ વિષે.

૧૯૫૭ થી ૧૯૫૯ ની સાલમાં અમદાવાદમાં હું એચ.એલ.કૉલેજ ઓફ કૉમર્સમાં ભણતો હતો. વીસ વર્ષની વય હતી ત્યારે ધીરુભાઈથી નાના નટુભાઈ અંબાણી હૉસ્ટેલમાં મારા રૂમ પાર્ટનર સતત બે વર્ષ રહ્યા. (એ હોસ્ટેલ હાલ નવરંગપુરાની સેન્ટ ઝેવીયર્સ કોલેજની લેડીઝ હોસ્ટેલ છે. ) અમારી ગાઢ મૈત્રીની વાતો મારા પુસ્તક ઝબકાર કિરણ – 1 (પ્રકાશક આર.આર. શેઠની કું.) માં વિગતે છે. એટલે એ અહીં પુનરાવર્તીત ના કરતાં એટલું જણાવું કે નટુભાઈ મારાથી બેએક વર્ષ મોટા (કારણકે એસ.એસ.સી.માં તેમને બેત્રણ વર્ષ થયાં હતાં.) છતાં એમનાં સ્વભાવ, છટા, મનોવલણ બધું જ વડીલાઈભર્યું હતું.

(એચ.એલ.કૉલેજના સમયગાળા દરમિયાન, માર્ચ ૧૯૫૯માં લીધેલી એક સમૂહ તસવીર, જેમાં ડાબે રજનીકુમારની અને જમણે નટુભાઈની તસવીર પર વર્તુળ કરેલું છે.)

તેઓ કોઈ પણ જાતની વરણાગી વગરના, બિલકુલ અશોખીન, છોકરવેડા વગરના અને અભ્યાસરસિયા હતા. તેમની નોટો વાંચીને જ હું બી.કૉમ. પાસ થયો. તેમની સાથેનાં સ્મરણો તો ઢગલામોઢે છે. બધા જ ઇમોશનલ પ્રકારના છે, છતાં માત્ર ધીરુભાઈના સંદર્ભની વાત કરું તો ધીરુભાઈ એ દિવસોમાં એડનથી નવા નવા આવ્યા હતા. નરસી નાથા સ્ટ્રીટ, કેશવજી નાયક રોડ, મસ્જિદ બંદર ઉપર ‘રિલાયન્સ કૉમર્શિયલ કૉર્પોરેશન’ની નાનકડી દુકાન કરી હતી. નટુભાઈને મળવા અવારનવાર અમદાવાદ આવતા ત્યારે અમારા જેવા તેમના નાના ભાઇના મિત્રો માટે પણ હલવો લઈ આવતા અને જે અમારી સંભાળ રાખતા તે નટુભાઈની સંભાળનો હવાલો અમને સોંપતા ! અમને નવાઈ લાગતી. મોટપનો અહેસાસ પણ થતો. ખેર, ફાસ્ટ ફોરવર્ડની ઢબથી વાત લખું તો 1959માં હું તો બી.કૉમ પાસ થઇ ગયો પણ નટુભાઇ કે જેમની નોટ્સ વાંચી વાંચીને હું પાસ થયો હતો તેઓ પોતે ઉત્તિર્ણ ન થઇ શક્યા. એ રીતે અમારે છૂટા પડવાનું થયું. હું લાંબા લાંબા પ્રવાસો માગી લેતી સરકારી નોકરીમાં જોડાયો. નટુભાઈ મુંબઈ જઈ ધીરુભાઈની સાથે ટ્રકમાં ખડકાતા માલની નોંધણી કરવા જેવા થાકોડો ઉપજાવતા કામમાં લાગી પડ્યા. બેએક વર્ષ સંપર્ક પત્રવ્યવહારથી રહ્યો.

(‘રિલાયન્‍સ કમર્શિયલ કોર્પોરેશન’ના કાર્ડ પર નટુભાઈએ મોકલેલી શુભેચ્છાઓ)

એ ગાળામાં તેઓ બંને ભાઈઓ એક વાર મારા વતન જેતપુર કોઈ લગ્નપ્રસંગે આવ્યા અને મારું ઘર શોધતા શોધતા મારી ગલીમાં આવી ચડ્યા. હું તો હાજર નહોતો. મારાં માતાપિતાએ તેમને ચા-પાણી કરાવ્યા. પછી નટુભાઈનો પત્ર આવ્યો હતો તે હજુ મેં સાચવ્યો છે.

જેતપુર આવવાની જાણ કરતો નટુભાઈનો પત્ર

એ પછી વીસેક વર્ષ સુધી અમારો સંપર્ક સાવ ખોરવાઈ ગયેલો રહ્યો. અધમૂઆ કરી નાખે તેવી મારી સંઘર્ષયાત્રામાં હું તેમનાથી બહુ દૂર ફેંકાઈ ગયો. મારાં સરનામા બદલાતાં રહ્યાં. નટુભાઈ ‘ચાંદની’, ‘આરામ’ જેવાં વાર્તામાસિકોમાં છપાતી મારી વાર્તાઓની નીચે આપવામાં આવતાં સરનામે મારો સંપર્ક કરવાની નિષ્ફળ કોશિશો કરતા રહ્યાં. છેવટે એ પણ ભવાટવીમાં અટવાઈ ગયા – ખોવાઈ ગયા.

(એક મુલાકાતી સાથે વાત કરતા ધીરુભાઈ, બાજુમાં નટુભાઈ))

એ પછી અમે અચાનક કઈ રીતે મળ્યા તેની કથા પણ ‘ઝબકાર’માં છે જ, પણ અહીં એટલું કહું કે એ પરિવાર સાથેના મારા સંબંધનો નવો અધ્યાય શરૂ થયો. તે સાલ 1979 ની. નટુભાઈએ ધીરુભાઈને જ્યારે કહ્યું કે રજની વીસ વર્ષ પછી મને મળવાનો છે ત્યારે તેમણે તરત જ એમને સૂચના આપી. આપણી કંપનીના શેર અને ભેટ આપજે. અને એની આંતરિક હાલત જાણી લેજે. મુંબઈમાં અમારી (નટુભાઈ દંપતી અને અમે દંપતીની) મુલાકાત કૃષ્ણ-સુદામા મિલન જેવી હતી. અલ્ટામાઉન્ટ રોડ પરના તેમના ઓલ્ટવ્યૂ ફ્લેટ (‘રોમન સ્ટોર્સ’ની ઉપર) ની એ સાંજ યાદગાર છે. અમે ભેટ્યા – તેમણે મને સૂટપીસ, મારાં પત્નીને ત્રણ સાડી અને ટ્રાન્સફર ફોર્મ સાથે પચ્ચીસ શેર ભેટ આપ્યા (જે એક માસ પછી મારા નામે ટ્રાન્સફર થઈને આવી ગયા.) ભોજન પછી અમે અમારા કોલેજજીવનની વાતો પર ઊતરી ગયા. પછી ધીરેથી તેમણે મને ધીરુભાઈનો સંદેશો આપ્યો. “તું બેંક મેનેજર છો એ જાણ્યું, પણ તારી ‘માલી હાલત’કેવી છે ? ” મેં કોઈ પણ જાતની ઓછપનાં ગાણાં ગાયા વગર જે હતું તે સ્પષ્ટ કર્યું.

એ પછી ૧૯૮૦ની એક સાંજે (એ વખતે હું જૂનાગઢમાં હતો) એમનો ફોન આવ્યો: “બૉમ્બે આવી જા” – હું ગયો તે પછી પણ મારા જીવનનું એક મોટું પ્રકરણ આલેખાયું તે વેપારનું. બૉમ્બે ગયો. તેઓ મને ધીરુભાઈ પાસે લઈ ગયા. તેમની ‘તુલસિયાની ચેમ્બર્સ’ની જબરદસ્ત ચેમ્બર જોઈ હું છક્ક થઈ ગયો. ધીરુભાઈએ બારણા સુધી આવી મને આવકાર્યો. પછીની વાત ટૂંકામાં કરું :

“નફો તમારો, ખોટ થાય તો રિલાયન્સ ભરપાઈ કરે” એવી અનોખી શરતે એમણે મને વિમલના વર્સ્ટેડ સૂટિંગની ગુજરાતની સોલ એજન્સી આપી. મને ધીરુભાઈએ કહ્યું : “તમારે મૂડી નહીં કાઢવાની – મારી એજન્સી એ જ તમારી સૌથી મોટી મૂડી ! બીજા પાર્ટનરો મૂડી લઈને સામેથી દોડતા આવશે. પાર્ટનરો જોઈ – વિચારીને પસંદ કરજો.”

(રજનીકુમાર અને નટુભાઈ અંબાણી)

વાતને ફરી સુપર ફાસ્ટ કરું. શ્રીમંત બાપના એકના એક યુવાન પુત્ર (મારા મિત્ર) ને દારૂ છોડવા માટે “મને કામ જોઈએ – તો શરાબ છોડું” નું બહાનું રટતો છોડાવવા માટે મેં એને પાર્ટનર બનાવ્યો. એ આશાએ કે ધંધામાં જોતરાશે તો વ્યસન છૂટશે. નટુભાઈ અને ધીરુભાઈએ જ્યાં સુધી ધંધો નફો જનરેટ કરતો ના થાય ત્યાં સુધી બેંકની નોકરી છોડવાની ના પાડી હતી. એટલે હું નેપથ્યમાં હતો. નફા પર મારો અધિકાર હતો, પણ વહીવટમાં મારો મિત્ર અને એના પેટાપાર્ટનરો હતા. એમાં પણ વધુ પડતો આલ્કોહોલિક હોવાના કારણે મારો મિત્ર તામસી અને આપખુદ બની ગયો. અંતે શરાબની બેહોશીમાં જ એનું મૃત્યુ 25 મી ઓગસ્ટ, ૧૯૮૧ ના દિવસે થયું. ધંધો ચોપટ. અઢી લાખની ખોટ ! ધીરુભાઈએ તરત ખોટ તો ભરપાઈ કરી જ આપી, પણ નટુભાઈના કહેવાથી ‘મને થયો હોત તેટલા’ નફાનો સિત્તેરેક હજારનો ચેક પણ મને મોકલ્યો. એ રકમ એ ૧૯૮૦ ની સાલમાં ઘણી મોટી ગણાતી . જે મને મારું અમદાવાદનું મકાન ખરીદવામાં બરાબર એન-મોકે કામમાં આવી.

એ પછી પણ અમારા સંબંધોમાં લેશમાત્ર ઓછપ ના આવી, બલકે ઉત્તરોત્તર એમાં પ્રગાઢતા જન્મતી ગઈ. એટલી હદ સુધી કે નટુભાઈએ જૂના ફ્લેટની બાજુમાં રીઝવી પાર્કમાં સ્થળાંતર કર્યું ત્યારે એમાં એક રૂમ મારા લેખનકાર્યને લક્ષમાં રાખીને ડિઝાઈન કર્યો. ધીરુભાઈ સાથે પ્રત્યક્ષ સંપર્ક ઓછો થયો, પણ મને યાદ છે કે એક વાર હું નટુભાઈની ચેમ્બરમાં બેઠો હતો ત્યારે એ વખતે સાવ તરુણ વયના અનિલ અંબાણી સાથે મને એક વિદેશી પેન સેટ ભેટ મોકલ્યો. ત્યારે નટુભાઈએ ગરવાઈથી આંખ ચમકાવી :’જોયું ? ધીરુભાઈને ખબર પડી કે તું આવ્યો છે, એટલે આ ભેટ મોકલી ! એમને ખબર છે કે તું લેખક છો !’

(ડાબેથી – નટુભાઈ, રજનીકુમાર અને સ્મિતાભાભી)

સંબંધો વિકસ્યા, ધીરુભાઈને તો મળવાનું ભાગ્યે જ બનતું, પણ તેઓ સતત મારી ખબરઅંતર રાખતા. નટુભાઈને તેમણે જ કહી રાખ્યું કે તારો આ મિત્ર લખીને સમાજના જરૂરતમંદ લોકોના સંપર્કમાં રહે છે, તો તેને પણ આપણા ચેરિટેબલ ટ્રસ્ટના થોડાં અરજી ફોર્મ આપી રાખજે… ને તેની યોગ્ય ભલામણ માન્ય રાખજે. નટુભાઈએ તરત જ મને એની જાણ કરી. મને યાદ છે કે એ વિશ્વાસનો સદુપયોગ કરી, ‘હીરાચંદ ગોવર્ધનદાસ અંબાણી ચેરિટેબલ ટ્રસ્ટ’માં માંદગી, અભ્યાસ જેવા પ્રસંગોએ ભારે ભીડ અનુભવતી વ્યક્તિઓની અરજી મેં મારી ભલામણ સાથે મોકલી અને તે બધી જ ધીરુભાઈએ એક પણ પ્રશ્ન પૂછ્યા વગર મંજૂર કરી. આજે તેવા અનેક લોકો કૃતજ્ઞતાપૂર્વપક આ વસ્તુને યાદ કરે છે. મારી ભલામણ હોય તેવા યુવાનોને એમણે નોકરીઓ પણ આપી. નટુભાઈ કહેતા કે ઓળખીતા અને ઓળખીતાના ઓળખીતાઓને નોકરી-રોજગાર આપવાથી તેમની વફાદારીનું પ્રમાણ બીજાઓ કરતાં વધારે રહે છે, ને તેથી રિલાયન્સમાં કામદારો અને કર્મચારીઓના અસંતોષનું પ્રમાણ ઓછામાં ઓછું છે.

(ધીરુભાઈ સાથે રજનીકુમારની દીકરી તર્જની)

અલબત્ત, રિલાયન્સ સાથેના નટુભાઈ અને રમણીકભાઈના જોડાણનો અંત આવતાં આ બધું મારા પક્ષે પણ આપોઆપ બંધ થયું.

રિલાયન્સ સાથેના તેમના જોડાણનો અંત અને તે પછી છેલ્લે નટુભાઈના પુત્ર નીરજના લગ્નપ્રસંગે ૧૯૯૭ ના ડિસેમ્બરમાં મળ્યા ત્યારે હું સાફામાં હતો (જાનૈયા હોવાની રસમ મુજબ). એમણે મારી સાથે થોડી વાત કરી. પછી એમની સિંહાસન જેવી સોફાચેર પાછળ ઉભા રહીને ફોટો ચડાવ્યો ત્યારે મેં મજાકમાં એક મિત્રને કહ્યું :“આ ગુલાબી સાફામાં અને આ પોઝમાં તો આપણે હજૂરિયા લાગીશું આ સમ્રાટના !”

(નીરજ અંબાણીના લગ્નમાં સ્મિતાભાભી, તરુલતા, રજનીકુમાર, નટુભાઈ અને આગળ નાનકડી તર્જની)

એમની સાથેની એ પછી મુલાકાત હૈયું ભારે કરી નાખે તેવી હતી. ૧૯૯૮ ના 31 મી માર્ચે નટુભાઈ અવસાન પામ્યા ત્યારે એમનાં અંતિમદર્શન વેળા ધીરુભાઈએ મારી સામે સૂચક નજરે જોયું હતું, પણ વાત થઈ નહોતી. પણ બે દિવસ પછી વાડિયા વિમેન્સ કૉલેજમાં યોજાયેલી પ્રાર્થનાસભામાં અંતિમ ચરણમાં માત્ર એક જ વક્તાએ અંજલિ આપવાની હોય છે, ને તે વક્તા તરીકે સ્મિતાભાભી (શ્રીમતી નટુભાઈએ) મારું નામ સૂચવ્યું કે તરત જ ધીરુભાઈએ સંમતિ આપી. વાચકો ગમે તે અર્થ કરે, પણ પ્રસંગાનુસાર મારે રેશનાલિસ્ટિક વિચારધારા વિરુદ્ધ લાગે તેવી આત્મા-પરમાત્માની અને મોક્ષ જેવી વાતો કરવી પડે. અવસાન પામેલા પરમ મિત્રની પત્ની (જેને હું અન્નપૂર્ણાભાભી કહેતો)ની ઈચ્છાને એક રેશનલ માણસ તરીકે મારે માન આપવું જ રહ્યું. “શાસ્ત્રો એમ કહે છે…” એમ કહીને પણ મેં થોડી એવી વાતો મારા વક્તવ્યમાં કહી, વક્તવ્ય પત્યે ધીરુભાઈ મારી નજીક આવ્યા. તેમની આંખોમાં આંસુ હતાં. મારે ખભે તેમણે હાથ મૂક્યો. કશુંક લકવાગ્રસ્ત અવાજે બોલ્યા, મને સમજાયું નહીં.

ધીરુભાઈના આટલા પ્રસંગોપાતના પરિચય પછી તેમના પરિવારની ખાનદાની, ઉદાત્તતા વિશે વધુ શું કહેવાનું ? તેમના મોટા ભાઈ રમણીકભાઈ અંબાણી કે જેમના પુત્રના ‘વિમલ’ નામ ઉપરથી વિમલ બ્રાન્ડ આવી છે, તેઓ વર્ષોથી અમદાવાદમાં છે. તેમની સાથે અંતરંગ પરિચય અને મિત્રતામાં છું. અમદાવાદની રિલાયન્સ મિલને સુસ્થાપિત કરવામાં તેમનો મોટો ફાળો છે. નટુભાઈ પણ પાયાના પથ્થર હતા. ડિબેન્ચરોની યોજનામાં ધીરુભાઈનું માસ્ટર બ્રેઈન બેશક, પણ નટુભાઈનાં સૂચનો અને એના અમલનો ચમત્કાર ઓછો નથી. છતાંય ભાગ્યે જ તેમની નોંધ લેવાય છે.

આમ લેખ સાથે સીધી સંબંધિત ના લાગે પણ માહિતી ખાતર પણ કહેવા જેવી લાગે છે તે વાત પણ અહિં લખી જ નાખું કે રમણીકભાઈ, ધીરુભાઈ – નટુભાઈના ઓરમાન ભાઈઓ નાસિકમાં વાસણના વ્યવસાયમાં છે. તેમનું ધ્યાન પણ ધીરુભાઈએ રાખ્યું જ છે. રમણીકભાઈ જૂનાગઢમાં ‘શિશુમંગલ’ સંસ્થામાં મેનેજિંગ ટ્રસ્ટી થયા તે જ દિવસથી મને ટ્રસ્ટી તરીકે સાથે લીધો તે છેક ૨૦૧૫ માં મેં મારી પ્રતિકુળતાઓને કારણે તેમાંથી રાજીનામું આપ્યું. પણ હતો ત્યારે તેમની સાથે બેત્રણ મહિને એક વાર તેમની ગાડીમાં અમદાવાદથી જૂનાગઢ જવાનું થતું , ત્યારે નાનપણમાં તેમને અભ્યાસ માટે મદદ કરનાર પારસી દોરાબજી શેઠની કેટલીક વાતો ઋણભાવે તેઓ વિગતે કરતા એ વિશે વળી કોઈ પ્રસંગે….

(રમણિકભાઈ અને રજનીકુમાર0

પણ રમણિકભાઇને ત્યાં તેમના કોઇ અંગત કૌટુમ્બિક પ્રસંગની ઉજવણીમાં મારે જવાનું થાય છે ત્યારે સ્વ. નટુભાઇના સંતાનો અને ધીરુભાઇનાં પત્ની કોકિલાબહેન કે પુત્ર મુકેશભાઇ મળી જાય છે. તેઓ પૂરા વિવેકથી મળે પણ છે, પરંતુ મારા મનના પર્દા ઉપર એ વખતે પણ સ્વ.નટુભાઇ અને સ્વ. સ્મિતાભાભી જ તરવર્યા કરે છે.

(એક પારિવારિક મિલનમાં કોકિલાબેન અને મુકેશ અંબાણી સાથે રજનીકુમાર)

પણ ફોટા અને જૂના વિડીયો સિવાય એમના સાક્ષાત્કારનો કોઇ ઇલાજ જ ક્યાં છે ?…⓿

————————————————————

લેખક સંપર્ક: ર

જનીકુમાર પંડ્યા.,

બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦

મો.+91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-+91 79-25323711/ ઇ મેલ: rajnikumarp@gmail.com

5 comments for “લ્યો, આ ચીંધી આંગળી : અંબાણી પરિવારનાં છુપાં રત્નો

 1. December 30, 2019 at 10:12 am

  Heart touching article. Nice moments n memories. Rajnibhai is not only writer but very nice humble personality, salute u sir. Great

 2. Kirtichandra Shah
  December 30, 2019 at 10:24 am

  Nice article કલ્પના બહાર ની વાતો જાણવા મળી

 3. December 30, 2019 at 11:34 am

  એક સંસ્કારી મિત્રો ની મુલાકાત- ત્રિપુટી અંબાણી પરિવાર ની અંતરંગ વાતો- ખુબ જ જીણવટ થી અને સચિત્ર રજૂ કરી છે

 4. Samir
  December 30, 2019 at 1:35 pm

  જાણીતા -અજાણ્યા લોકો ની અંતરંગ વાતો કહેવાની રજનીભાઈ ની જબ્બર હથોટી છે. તેઓ વ્યક્તિ ના અને વ્યક્તિ ના દિલ ની નજીક પહોચી શકે છે તે બધા વાંચકો ને વિદિત છે.અને તે કારણે તેમને અંદર ની વાતો જાણવા મળે તે પણ સ્વાભાવિક છે. પણ તેમને આ વાતો માં શું કહેવું અને શું ના કહેવું તેની એક અદભુત સૂઝ છે. તે ખુબ સમજ માંગી લે છે.
  રજનીભાઈ,તમે લખતા રહેજો,અમે વાંચતા રહીશું !
  ખુબ ખુબ આભાર !

 5. Rakesh Bhadiyadra
  December 30, 2019 at 1:56 pm

  વાહ…. રજનીકુમારસાહેબ…..

  વિગતને ક્યાં / કેટલી લહેકાવવી – બહેકાવવી એ તો આપની માસ્ટરી છે , ધટના સામાન્ય હોય કે રસપ્રચુર વાંચકને વાંચવામાં રસ પડે તે રીતે પીરસવાની કળા આપને હસ્તગત છે….

  અભિનંદન અને આભાર…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *