ગુજરે હૈ હમ કહાં કહાંસે : ૧0) મોરગલનાં ફૂલ સખા મોરગલનાં ફૂલ!

Facebooktwitterredditpinterestlinkedinmail

જીવનના એ પડાવ ઉપર પહોંચ્યો છું જ્યાં ભૂતકાળમાં માણેલા વિવિધ પ્રકારના આનંદદાયી અનુભવો યાદ આવતા રહે છે. એ પૈકીના કેટલાક અહીં વહેંચવાનો અને એ સાથે જોડાયેલાં પાત્રોનું નિરૂપણ કરવાનો ઉપક્રમ છે. અમુક કિસ્સામાં પાત્રોનાં અને સ્થળનાં નામ ચોક્કસ કારણોસર બદલેલાં હશે.

પીયૂષ મ. પંડ્યા

—————*—————-*——————-*——————-*——————*————–

મારા માટે સને ૧૯૬૦ થી ૧૯૬૭નો ગાળો (ઉમર સાત થી ચૌદ) બાલ્યાવસ્થામાંથી પસાર થતે થતે કિશોરાવસ્થામાં પ્રવેશનો સમયગાળો હતો. મારા નીરિક્ષણ તેમ જ જાતઅનુભવ મુજબ એ અરસામાં સાત-આઠથી લઈને ચૌદેક વર્ષ સુધીની ઉમરના છોકરાઓમાં પરસ્પર એક વિશિષ્ટ પ્રકારનું જોડાણ જોવા મળતું. એ વયજૂથમાં આવતા અમે બધા ભાઈચારાની કોઈ અજબ અસર હેઠળ ઝાઝી સમજણ વગર અનેક પ્રકારની પ્રવૃત્તિઓમાં રચ્યાપચ્યા રહેતા. સામાજિક સ્તરનો, આર્થીક ક્ષમતાનો કે ખાસ કરીને ઉમરનો તફાવત અમારી દોસ્તીમાં ભાગ્યે જ અડચણરૂપ બનતો. પણ ચૌદ પૂરાં થયાની આસપાસ એ દોસ્તીની યાત્રામાં એક ફાંટો પડી જતો. એ ઉમરે પહોંચેલા આસ્તેકથી પોતાના અલગ વિશ્વમાં જતા રહેતા. એનું કારણ સમજાય એવું છે. એક બાજુ અવાજ ફાટવા લાગે, બીજી બાજુ ઉપલા હોઠ ઉપર મૂછનો દોરો ફૂટવા લાગે અને ભેગાભેગા કુતૂહલની દુનીયાના દરવાજા પણ ઉઘડવા લાગે. સમવયસ્કો, સહાધ્યાયીઓ અને પોતાનાં વિશિષ્ટ (પણ એકદમ છીછરાં) જ્ઞાન વહેંચવા સદૈવ તત્પર એવા કેટલાક વડીલો દ્વારા મળતી રહેતી માહિતીથી વિભૂષિત થયેલો એ નવલોહીયો પોતે હવે નાનો નથી અને અત્યાર સુધી જેમની સાથે રમ્યો, રખડ્યો, તોફાનો કર્યાં એ બધા છોકરાઓઓ કરતાં પોતે કંઈક વરિષ્ઠતા પ્રાપ્ત કરી હોવાની લાગણી સાથે એ ‘ટેણીયા-મેણીયા ટોળકી’થી સફળતાપૂર્વક અલગ થઈ જતો. મારો એ તબક્કો આવતાં મેં પણ એમ જ કરેલું. પાંચ દાયકા પછીની હાલની દુનીયામાં શું હાલત છે એ કહેવાની પાત્રતા મારી પાસે નથી.

આજે મારા ઉક્ત સમયગાળા દરમિયાન ઘટેલી એક મજેદાર ઘટના બાબતે અહીં વાત કરવી છે. પહેલાં થોડી પશ્ચાદભૂ આપી દઉં. ઉનાળાનું વેકેશન અમારી આવી ટોળકીઓ માટે બહુ આનંદદાયક બની રહેતું. દિવાળીની રજાઓ ટૂંકી હોય, તે ઉપરાંત એ રજાઓ તો મોટા ભાગે કુટુંબ સાથે અને સગાંવ્હાલાંઓ સાથે વિતાવવાની હોય. એમાં પણ પારાવાર આનંદ તો હોય જ, પણ એ આનંદ મેળવવાનો હોય, જ્યારે ઉનાળાની રજાઓનો આનંદ લૂંટવાનો હોય! એ દિવસોમાં ભરબપોરે કિશોરાવસ્થાના છોકરાઓની બનેલી અનેક રખડુ ટોળીઓ ભાવનગરના વિવિધ વિસ્તારોમાં રખડતી હોય એ સામાન્ય હતું. આવી જ એક ટોળકીનો હું પણ સભ્ય હતો. અમારો નિત્યક્રમ બહુ સુઆયોજિત રહેતો. સવારે અખાડામાં જવાનું, બપોરે નિરુદ્દેશે ભટકવાનું અને સાંજે ફરી એક વાર અખાડે જવાનું. અમે રહેતાં એ કૃષ્ણનગર કહેવાતો વિસ્તાર ભાવનગરના વિસ્તરણના ભાગરૂપે વિકસેલો. એના આયોજન સમયે અલગઅલગ લત્તાઓમાં બાળકોને અને યુવાનોને રમવા માટે અને શરીર કસવા માટે વિશાળ મેદાનો તૈયાર કરવામાં આવ્યાં હતાં. ત્યાં નાનાં બાળકો માટે હિંચકા, લપસણી અને ચકડોળ જેવી સગવડો રહેતી. મોટી ઉમરનાં છોકરી છોકરાઓ માટે સાતતાળી, ખો-ખો અને કબડ્ડી જેવી મેદાની રમતો માટેની સુવિધા પણ ઉપલબ્ધ રહેતી. તે ઉપરાંત વૉલીબોલ અને ફૂટબોલ પણ રમાતાં રહેતાં. વળી શરીર કસવા ઉત્સુક હોય એવાઓ માટે સિંગલ બાર, ડબલ બાર, હોર્સ બાર, રિંગ્સ, મલખમ, ડમ્બબેલ્સ અને લેઝીમ જેવી સુવિધાઓ પણ અચૂક હોતી. મારી વાત કરું તો સવારે નાહીપરવાર્યા પછી ઘી-મીઠું ને રોટલી કે પછી ઘી-ગોળ ને ભાખરી જેવાં શીરામણ કરીને બહાર નીકળતી વેળા મા અને દાદી તરફથી “સાચવીને રમજે, પડતો વગાડતો નહીં અને વેળાસર ઘેર આવી જજે” પ્રકારની સૂચના મળતી, જ્યારે દાદા તરફથી “હખણો રે’જે. જો કોઈનાં ટંટો-ફરિયાદ લઈને આવ્યો છો ને, તો ઢીબી નાખીશ!” જેવા ડારા મળતા. પ્લોટની બહાર નીકળતાં સુધીમાં એ બધી સૂચનાઓ ક્યાંય ભૂલાઈ જતી એ કહેવું જરૂરી છે કે?

હવે અખાડામાં તો એક ચોક્કસ મર્યાદામાં રહીને વર્તવાનું આવશ્યક હતું. અલબત્ત, નિશાળમાં કે ઘરમાં હોય એવાં શિસ્તનાં કડક બંધન તો ત્યાં ન હોય, પણ જેને વાનરવેડા કહે એવી પ્રવૃત્તિઓ તો બાધ્ય જ હતી. એ માટે અમારે એ આકરા ઉનાળાના ભરબપોરે બળબળતા રણતડકામાં શેકાવું પડતું. ડામરની સડકો, પથરાળ કે પછી રેતાળ રસ્તાઓ, કાંટા તેમ જ ઝાંખરાંથી ભરપૂર ઝાડીઓ જેવા દુર્ગમ રસ્તે આવી ટોળીઓ રખડતી ફરતી રહેતી. એક કરતાં વધુ વાર એવું બન્યું છે કે કોઈ અવાવરૂ વિસ્તારમાં બોર વિણવા ફરતા હોઈએ ત્યારે બાજુમાંથી સાપ પસાર થઈ ગયો હોય! બપોરના બે અઢી કલાકનો એ સમયગાળો એવો હોય કે એમાંના મોટા ભાગના છોકરાઓના બાપાઓ પોતાના વ્યવસાય/નોકરી અર્થે બહાર હોય અને ઘરનાં અન્ય વડીલો ‘બે ઘડી લામ્બો વાન્હો’ કરવા જંપી ગયાં હોય. મારી વાત કરું તો મારે તો ઘરમાંથી રીતસર ભાગી છૂટવું પડતું હતું. દાદાના રૂમની બહાર વિશાળ પરસાળ હતી, જેની દીવાલોમાં લગાવેલી ગ્રીલમાંથી થોડો પ્રયત્ન કરવાથી બહાર નીકળી શકાતું. હું દાદાના રૂમમાં કંઈક વાંચતો હોવાનો ડોળ કરતો બેસી રહેતો. આડા પડીને હિંચકે ઝૂલતા દાદાની આંખ ઘેરાય એટલે એ એમના હિંચકાને ઠેલા મારતા બંધ થાય. બસ, એ મોકો ઝાલીને હું એ પરસાળની ગ્રીલના સળીયાઓ વચ્ચેના અવકાશમાંથી બહાર ભાગી નીકળતો. જો કે મારાં વડીલોની સતર્કતા ધ્યાને લેતાં આવું હું અઠવાડીયામાં બે-ત્રણ દિવસ માંડ કરી શકતો. પણ એ અભિયાન સફળતાથી પાર પડે એ સમયે જે રોમાંચ અનુભવાતો, તે આજે પણ યાદ આવે છે. આ મુક્તિ માંડ બે કલાક આસપાસની રહેતી, કારણકે દાદા ઉઠે એ પહેલાં તો પાછા ઓલી જાળીની ગ્રીલમાંથી પરસાળમાં દાખલ થઈ, એમની સામે ડાહ્યાડમરા થઈને બેસી જવું અનિવાર્ય હતું. એ સમયે નકરાં અળવીતરાં કહેવાય એવાં તોફાનો કર્યાં છે. એ પૈકીનો એક યાદગાર અનુભવ અહીં વહેંચવો છે.

ઉનાળાના સમયે ગુલમહોરનાં ફૂલોનો નજારો એકદમ આકર્ષક હોય છે. ગુલમહોરનાં ફુલોનો ઘેરો રાતો રંગ આકરા તડકાની જાણે સંગત કરતો હોય એવું લાગે. જાણકારો અને ખાસ કરીને અનુભવીઓ જાણે છે કે ગુલમહોરનાં ફૂલો તો માત્ર જોઈને જ નહીં, ખાઈને પણ આનંદ મેળવાય છે. એ ખટાશ અને તૂરાશના મિશ્રણ સમો સ્વાદ માણ્યો હોય એ જ જાણે. હા, ભાવનગરમાં ગુલમહોરનાં ફૂલ ‘મોરગલ’ તરીકે ઓળખાય છે, એટલે આગળ એ જ નામથી ઉલ્લેખ કરીશ. એ સમયના ભાવનગરના પ્લોટ વિસ્તારમાં ખુબ જ વૃક્ષો જોવા મળતાં. ઘરે ઘરે આંબા ઉપર હજી નહીં પાકેલી કે નહીં પૂરી વિકસેલી એવી કેરીઓ, કે જેને અમે ખાકટી (કે ખાગટી) કહેતા એનાં ઝૂમખાં જોઈને જ ભલભલાના મોઢામાં પાણી આવી જાય. તે ઉપરાંત બદામડી ઉપર રસદાર બદામ અને મોરગલના ઝાડ ઉપર ફૂલ પૂરબહારમાં લાગેલાં હોય. મારી જેમ જ કોઈ ને કોઈ રીતે ઘરની બહાર નીકળેલા છોકરાઓ એક જગ્યાએ ભેગા થાય પછી સાત કે આઠ છોકરાઓનું એક જૂથ બને. આવાં જૂથો અલગઅલગ વિસ્તારો વહેંચી લે. અને પછી શરુ થાય લૂંટ અભિયાન! આવી ટોળીઓ ઝાઝો અવાજ કર્યા વિના નિર્દોષ મુખમુદ્રા ધારણ કરતી ચાલાતી રહે. ચાલતાં ચાલતાં રસ્તે આવતા દરેક ઘરની ઝીણી નજરે તપાસ ચાલુ રહેતી. જે ઘરમાં ઝાડ ઉપર સારી એવી માત્રામાં બદામ કે ખાકટી જોવા મળે એ ઘર સ્વાભાવિક રીતે જ પસંદગી પામે. પણ વાત ત્યાં અટકતી નહીં. ભેગી ભેગી એ ખાત્રી પણ કરી લેવી પડતી કે એ સમયે જે તે ઘરમાં બગીચાના રખોપા માટે ચોકીદાર ન રાખ્યો હોય. એક વાર એની ખાત્રી થાય પછી એ ખ્યાલ કરવો પડતો કે ઘરમાં હાજર એવું સૌ કોઈ જંપી ગયું હોય. એક વાર જ્યાં ‘સબ સલામત’ની નિશાની જણાય એ ઘરનો દરવાજો કે વંડી ઠેકી, પ્લોટમાં દાખલ થઈ, શક્ય ત્વરાથી ત્યાંનાં ઝાડ ઉપર હાથ અજમાવી અને ભાગી છૂટવાનાં આયોજન પાર પાડવાનાં રહેતાં. બહાર રહેલાઓનું મુખ્ય કામ ત્યાં ઉભા ઉભા ચોકી કરવાનું હોય. સાથે સાથે ઘરમાં કોઈ જાગી ગયાનો સળવળાટ જણાય તો અંદર ગયેલાઓને ચેતવી દેવાની જવાબદારી પણ એ લોકોની રહેતી.

અંદર ગયેલાઓએ બને એટલી ઝડપથી ત્યાંનાં ઝાડ ઉપરથી ખાકટી અને બદામ તોડી, સાથે મોરગલનાં ફૂલ પણ ચૂંટી અને નાસી છૂટવાનું રહેતું. આ માટે બે કે ત્રણ છોકરાઓ એ ઘરના પ્લોટમાં દાખલ થતા. પહેલાં તો જે તે ઝાડ ઉપર ચડીને હાથ લાગે એટલી કેરી/બદામ ખીસ્સે ભરી લેવાની. વધારે દલ્લો હાથ લાગે તો એ બહાર ફેંકવાનો, જે ત્યાંના ચોકીદારો ઝીલી લે. ખુબ ઊંચે રહેલાં ફળ પાડવા માટે જરૂરી પથરા ખીસામાં ભરી રાખવા પડતા. જરૂર પડ્યે એ પથરાનો માપમાં અને ખૂબ જ સાવચેતીથી ઉપયોગ કરવાનો રહેતો. જો આડા અવળા ફેંકાઈ જાય તો એને લીધે એવા એવા પ્રશ્નો ઉભા થાય કે જેનો ઉકેલ કાઢે એવો કોઈ સભ્ય આવી ટોળીઓ પાસે ઉપલબ્ધ ન હોતો. આથી આ બારીકીથી કરવાના કાર્ય માટેનો એક ખાસ ‘તાકોડી’ દરેક ટોળીના અનિવાર્ય અંગ તરીકે મળી આવતો. ધાર્યાં નિશાન પાડી શકતા એ તાકોડીનું કામ શક્ય કુશળતાથી ઊંચી ડાળીઓ ઉપર લાગેલી કેરીઓ/બદામ સિફતથી પાડી લેવાનું રહેતું. ખુબ જ નમ્રતાથી જણાવું છું કે અમારી ટૂકડીમાં એ માનભર્યું સ્થાન મારું હતું. ખાસ્સી ઉંચાઈએ લટકતી કેરી કે બદામના લક્ષ્યવેધ કર્યા હોવાનું મારી કારકિર્દીમાં નોંધાયેલું છે. શક્ય ઝડપથી શક્ય મોટા જથ્થામાં ખાકટી અને બદામ લઈ, ત્યાંથી ભાગી નીકળવું અને એ પણ ઘરધણીને ખબર ન પડે એમ, એ કળા આવી ટોળકીઓને ગળથૂથીમાં જ મળી હશે એમ માનવા પ્રેરાઉં છું. એ વેળા મૂળ લૂંટ ઉપર બોનસ તરીકે એનાં ફૂલ પણ તોડી તોડીને શક્ય એટલા વધુ જથ્થામાં ખીસ્સે ભરી લેવાનો ઉપક્રમ રહેતો. આ સમગ્ર કાર્યક્રમ અડધી કલાકથી પણ ઓછા સમયમાં સંપન્ન કરી દેવો અનિવાર્ય હોય એ સમજાય એવી હકિકત છે. આવા અનેક કાર્યક્રમોના સાગરીત બન્યાનાં પાપ મેં વહોર્યાં છે. જો કે એ નાની વયે એવી ખબર ન્હોતી પડતી કે હું આવી પ્રવૃત્તિમાં વ્યસ્ત હોઉં એવા સમયગાળામાં કોઈ કોઈ વાર મારા ઘરનાં ઝાડ પણ વેડાઈ જતાં! છેવટે તો કર્યાં ભોગવ્યાં છે ને! ખેર, આ પ્રકારનાં સફળ લૂંટઅભિયાનના અંતે ‘માલ’ના ભાગ પાડતી વખતે ભીષણ યુદ્ધો ખેલાઈ જતાં, એ અલગ વિષય છે.

અમારા રસ્તે આવતા એક મકાનમાં ફળાઉ ઝાડ તો ઘણાં જ હતાં અને એ ઋતુમાં ત્યાંના આંબા કેરીથી અને બદામડી બદામથી લચોલચ હતા. સ્વાભાવિક રીતે જ અમારી ટાંપ એ સમૃધ્ધ બાગ ઉપર હતી. પણ મોટે ભાગે બનતું એવું કે અમારા ત્યાંથી નીકળવાના સમયે એક દાદા એના બહારના વિશાળ વરંડામાં ખુરશી નાખીને કંઈક વાંચતા બેસી રહેલા નજરે પડતા. અમારી કરતાં એમણે દુનિયા વધુ જોયેલી હોવાથી એ અમારી અને અમારી જેવા ભટકતા ફરતા બીજા છોકરાઓના (બદ)ઈરાદાથી સારી પેઠે વાકેફ હતા એવું એમની અમારી તરફ મંડાતી કરડી નજરથી અમને સમજાઈ જતું. પરિણામે અમે અત્યંત શાલિન અને સંસ્કારી છોકરાઓની અદાથી ત્યાંથી આગળ વધી જતા.

હવે પછી જેની વાત કરવી છે એ પ્રસંગમાં મારી ગેરહાજરી માત્ર અને માત્ર મારા (સદ્દ)નસીબને જ આભારી હતી. જ્યારે હું ઉપલબ્ધ ન હોઉં ત્યારે તાકોડી તરીકે હર્ષદ નામનો છોકરો સેવા આપતો. એક દિવસ અમારી ટોળકી એ ઘર પાસેથી પસાર થઈ ત્યારે એ દાદા એમની રોજીંદી બેઠક ઉપર દેખાતા ન્હોતા. ટોળીનો એ ઘર માટેનો એક્શન પ્લાન એવો હતો કે તાકોડી અને એક બીજો છોકરો એમ બે જ જણા અંદર જાય અને બાકીનાઓ બહાર ઉભા રહી, ચોકી કરે. બને એટલી ઝડપથી જે હાથે લાગે એ લઈને ભાગી છૂટવાનું હતું. એ મુજબ ટોળી હરકતમાં આવી ગઈ. બહાર ઊભેલાઓને ખાકટી અને બદામ ઉપરાંત મોરગલનો પણ મોટો મલીદો મળવાની ગણત્રી હતી કારણ કે એ પ્લોટમાં એનાં ય ત્રણ મોટાં ઝાડ હતાં.

પણ, અચાનક જ બહાર ઊભેલાઓને વંડીની બીજી બાજુએ મોટો ધબાકો સંભળાયો અને પછી ‘વોય વોય બાપલીયા’ સંભળાયું. એ જ ક્ષણે હર્ષદીયાની સાથે અંદર ગયેલો વશરામ વંડી ઠેકીને ચકળવકળ ડોળે બહાર આવ્યો અને ‘ભાગો’ એટલું તો માંડ બોલી શક્યો. એના સૂચનનો દરેકે બહુ આદરપૂર્વક અમલ કર્યો. સહુ ભાગીને પોતપોતાને ઘેર પહોંચી ગયા. સાંજે પાછા બધા અખાડે રમવા ભેગા થયા ત્યારે બપોરે તાકોડીની શી ગતિ થયેલી એ વશરામે જણાવ્યું. એ લોકોના પ્લોટપ્રવેશની સાથે જ ગેરેજનો દરવાજો ખુલ્યો અને અંદરથી ઓલા દાદાનો ડ્રાઈવર પ્રગટ થયો! રોજ ઓટલે બેસી રહેતા દાદા ગેરેજમાં અંદર એક ખુરશી ઉપર બીરાજમાન હતા. ડ્રાઈવરે અમારા હર્ષદને પકડી લીધો અને દાદાની સૂચના મુજબ એ એને ગેરેજમાં ખેંચી ગયો. બસ, આટલું બન્યું એ દરમિયાન પોતે તો વંડી ઠેકીને ભાગેલો એટલે પછી શું થયું એની વશરામને ખબર ન પડી. આ બધી વાતો થતી હતી એ દરમિયાન હર્ષદીયો હજી અખાડે આવ્યો ન હતો. ધીમે ધીમે અમને મિત્રોને એની ચિંતા થવા લાગી. પણ કોઈ ઉપાય સૂઝતો ન્હોતો. છેવટે મોડી સાંજે સૌને વિખેરાવાનો સમય થયો એવામાં હર્ષદ દેખાયો. એની આંખો લાલઘૂમ હતી અને ગાલ સોજી ગયા હતા. અમે મિત્રોએ માની લીધું કે દાદાની નિગેહબાનીમાં એમના ડ્રાઈવરે એની બરાબરની ધોલાઈ કરી હશે. પણ હર્ષદીયાએ જે વીતક વર્ણવ્યું એ તો સાવ અલગ હતું!

સૌથી પહેલાં તો ડ્રાઈવર એને અંદર ખેંચી ગયો, ત્યારે ખુરશીમાં બીરાજેલા દાદા એને ખુબ વઢયા. પછી એમણે ડ્રાઈવરને કીધું કે કુંવરને જલસો કરાવો. ડ્રાઈવર એક સૂંડલો ભરીને મોરગલનાં ફૂલ લાવ્યો અને દાદાએ હર્ષદને એ બધાં જ ખાઈ જવા ખુબ જ પ્રેમથી જણાવ્યું. જો નહીં ખાય તો દાદાએ વિકલ્પ તરીકે એનો કાન પકડી, ઠેઠ એને ઘેર એના પોતાના દાદાના હાથમાં સોંપવાની તૈયારી બતાડી. “યાર, મારા દાદાની સોટીઓ ખાવા કરતાં આ દાદાનો મોરગલ ખાવો ઓછો આકરો એમ જાણીને મેં મોરગલ ખાધા કર્યો”. આ હતો તાકોડીનો તર્ક. પણ પછી આટલો બધો મોરગલ ખાધો એમાં ગાલ સોજી ગયા. ઘરે ગયો ત્યારે એ બાબતે પોતાના દાદાની આકરી પૂછપરછ એ સહન ન કરી શક્યો એમાં ને એમાં સાચું બોલી ગયો. છેવટે દાદાની અડબોથો અને સોટીઓ તો ખાવી જ પડી! લાગે છે કે એ ઘટના પછી હર્ષદે કોઈ દિ’ મોરગલનાં ફૂલ મોઢે નહીં લગાડ્યાં હોય!

અગાઉ કહ્યું એમ આ ઘટનાક્રમમાં મારી સહેજે ય સંડોવણી ન્હોતી એ માત્ર સદ્દનસીબે સર્જાયેલો યોગાનુયોગ છે. હર્ષદીયો તાકોડી વર્ષોથી મને મળ્યો નથી, પણ લાગે છે કે કોક વાર મળી જશે તો કહેશે ,”યાર પીયૂસીયા! હવે તો ઈ મોરગલ ક્યાં, ઈ બંગલાવાળા દાદા ક્યાં ને ક્યાં ઈ ગાલના સોજા!”


શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com

1 comment for “ગુજરે હૈ હમ કહાં કહાંસે : ૧0) મોરગલનાં ફૂલ સખા મોરગલનાં ફૂલ!

  1. Nishith Bhatt
    December 28, 2019 at 10:07 am

    અત્યંત રમુજી બાળપણનું સ્મરણ. મજા પડી પિયુષ. ઈ હર્ષદ જ્યાં હશે ત્યાં એટલો રાજીપો કરતો હશે કે હાશ ! સારું થયું મરચા વીણવા નોતા ગ્યા !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *