સાયન્સ ફેર : દુનિયાનો સૌથી ઉંચો પર્વત અને એના માથે TMT પ્રોજેક્ટ

Facebooktwitterredditpinterestlinkedinmail

જ્વલંત નાયક

દુનિયાનો સૌથી ઉંચો પર્વત કયો? માઉન્ટ એવરેસ્ટ! ભણતી વખતે આપણે આ પ્રશ્નનો જવાબ એટલી બધી વખત ગોખી ચૂક્યા છીએ કે ઊંઘમાંથી ઉઠાડીને કોઈ પૂછે કે દુનિયાનો સૌથી ઉંચો પર્વત કયો તો આપણે આંખ ચોળતા ચોળતા કહી દઈએ કે ‘માઉન્ટ એવરેસ્ટ’! અને આ જવાબ ખોટો છે! જી હા, દુનિયાનો સૌથી ઉંચો પર્વત માઉન્ટ એવરેસ્ટ નથી. વિદ્વાનો કહે છે કે સત્ય હંમેશા સાપેક્ષ હોય છે. અહી પણ એ જ વાત ધ્યાનમાં રાખવાની છે.

હવે જરા વિચારો કે અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રને સાથે ઉભા રાખીએ તો કોણ ઊંચું દેખાય? ડેફીનેટલી અમિતાભ. પણ જો ધર્મેન્દ્ર જમીન પર ઉભા રહે અને બચ્ચનબાબુને જમીનમાં ૨ ફીટ ઊંડો ખાડો ખોદીને ઉભા રખાય તો? તો ધરમ પાજીનું માથું ભલે બીગ બીના માથા કરતા ઊંચું દેખાય, પણ આખરે તો પગના અંગુઠાથી ખોપરીના મથાળા સુધીની લંબાઈ વધુ હોવાને કારણે બીગ બીને જ લાંબા ગણવા પડે. બસ આ જ નિયમ પર્વતની ઊંચાઈ માપતી વખતે લાગુ પાડીએ તો માઉન્ટ એવરેસ્ટનો નંબર પહેલા નહિ પણ બીજા ક્રમે આવે. પહેલો નંબર આવે હવાઈ ટાપુઓમાં આવેલા મોના કીઆ (Mauna Kea) પર્વતનો.

માઉન્ટ એવરેસ્ટ દરિયાની સપાટીએથી 29,029 ફીટ ઉંચો છે. અહીં ‘દરિયાની સપાટી’ શબ્દ સૌથી મહત્વનો છે. મોના કીઆ પર્વત તળિયેથી ટોચ સુધી ગણીએ તો પૂરા ૩૩,૦૦૦ ફીટ ઉંચો છે! માઉન્ટ એવરેસ્ટ કરતા ચારેક હજાર ફીટ વધુ. પણ મોના કીઆનું શિખર ‘દરિયાની સપાટી’ કરતા માત્ર ૧૩,૮૦૩ ફીટ ઊંચું જ છે. કારણકે આ પર્વતનો મોટો હિસ્સો -આશરે ૨૦,૦૦૦ ફીટ જેટલો – દરિયાની અંદર આવેલો છે! આવી ભૌગોલિક પરિસ્થિતિને કારણે મોના કીઆ પર્વત વધુ ઉંચો હોવા છતાં ‘દરિયાની સપાટીએ’થી સૌથી ઊંચા શિખર તરીકે માઉન્ટ એવરેસ્ટ ઓળખાય છે. મોના કીઆ પર્વત સમુદ્રની અંદર આવેલો છે, એ ઉપરાંત પણ એની બીજી કેટલીક ખાસિયતો છે. જેમકે, આ એક જ્વાળામુખી પર્વત છે, જે હવાઈ ટાપુઓની ‘હવાઈઅન એમ્પરર સી-માઉન્ટ ચેઈન’ તરીકે ઓળખાતી પર્વતમાળાનો હિસ્સો છે. આ આખી પર્વતમાળાનો બેઇઝ સમુદ્રના તળિયે આવેલો છે.

હવાઈ ટાપુઓના વિસ્તારમાં મોના કીઆની ઊંચાઈ સૌથી વધુ છે. વળી એની ટોચે, એટલે કે દરિયાની સપાટીએથી આશરે ૧૪,૦૦૦ ફીટની ઊંચાઈએ સૂકી અને સ્થિર હવા ધરાવતું વાતાવરણ હોય છે. વાદળો પણ મોના કીઆના શિખર કરતા ઓછી ઊંચાઈએ હોય છે, પરિણામે અહીંથી સ્વચ્છ આકાશ જોઈ શકાય છે. વાતાવરણીય પ્રદૂષણ પણ અહીં ગેરહાજર છે. ઉપરાંત, પંખી વસ્તીને કારણે રાત્રિ સમયે અહીં સંપૂર્ણ અંધારું (extreme darkness) હોય છે. આ બધી પરિસ્થિતિઓ અને લાક્ષણિકતાઓને કારણે મોના કીઆ પર્વતના શિખરને આકાશનો અભ્યાસ કરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ ગણવામાં આવે છે.

મોના કીઆની આ બધી લાક્ષણિકતાઓને કારણે એ એસ્ટ્રોનોમર્સ માટે ફેવરીટ સ્પોટ ગણાય છે. અહીં ઇસ ૧૯૬૦માં પહેલવહેલી સમિટ ઓબ્ઝર્વેટરી, એટલે કે પર્વતના શિખર ઉપરથી આકાશ દર્શન માટેની વ્યવસ્થા ઉભી કરવાના પ્રયત્નો શરુ થયા. આજ સુધીમાં અહીં ૧૩ જેટલી જુદી જુદી ઓબ્ઝર્વેટરી સ્થપાઈ ચૂકી છે. અને હવે અહીં સૌથી મોટી ઓબ્ઝર્વેટરી સ્થાપવાની શક્યતાઓ ઉજળી થઇ છે.

TMT પ્રોજેક્ટ :

ખગોળશાસ્ત્રીઓને અહીં પૂરા ૩૦ મીટર લાંબુ ટેલિસ્કોપ ગોઠવવાની ઈચ્છા છે. આકાશ દર્શન માટે શ્રેષ્ઠ ગણાય એવી જગ્યાએ શ્રેષ્ઠ સાધનો પણ હોવા જ જોઈએ ને! આ માટે જે પ્રોજેક્ટ ડીઝાઈન કરાયો છે, એને ‘થર્ટી મીટર લોંગ ટેલિસ્કોપ’ એટલે કે ‘TMT’ નામ અપાયું છે. જો ખરેખર આટલું લાંબુ ટેલિસ્કોપ કાર્યરત થશે તો ખગોળશાસ્ત્રીઓને જલસો થઇ જવાનો છે. વિજ્ઞાનીઓના મતે મહાકાય ગણી શકાય એવા આ ટેલિસ્કોપને કારણે ધરતી પર બેઠા બેઠા જ અવકાશમાં ઊંડે સુધી આપણી નજર પહોંચશે. અવકાશમાં તરતા અનેક ઓબ્જેક્ટ્સ વધુ સપષ્ટ રીતે જોઈ શકાશે, એમની મુવમેન્ટ અંગે રીડિંગ લઇ શકાશે, અને ભવિષ્યમાં ત્રાટકનારી અવકાશી આફત અંગે પણ આગોતરી જાણ મેળવી શકાશે. આશાવાદી ખગોળશાસ્ત્રીઓ તો એમ પણ કહે છે કે અનેક ટેકનીકલ ખૂબીઓને કારણે આ ટેલિસ્કોપ વડે બ્રહ્માંડમાં પ્રથમ તારો અને ગેલેક્સી કઈ રીતે અસ્તિત્વમાં આવ્યા, એ વિષે પણ સચોટ અનુમાન લગાવી શકાય એટલું જ્ઞાન મળશે! પૃથ્વી તરફ ધસમસી આવતા ધૂમકેતુઓ અંગે પણ આ ઓબ્ઝર્વેટરી દ્વારા વેલ-ઇન-એડવાન્સ જાણ થઇ શકશે.

જો કે TMT પ્રોજેક્ટ આપણે ધારીએ છીએ એટલી આસાનીથી પાર પડે એમ નથી. કેમકે અહીં ટેકનીકલ ચેલેન્જીસ સહિતની બીજી પણ કેટલીક સમસ્યાઓ ઉભી થઇ છે. સૌથી મુખ્ય સમસ્યા એ છે કે માત્ર હવાઈ જ નહિ પણ બીજા પ્રદેશોના પણ અનેક લોકો મોના કીઆ પર્વતના શિખરને પવિત્ર સ્થળ માને છે. તેઓ નથી ઇચ્છતા કે અહીંના પવિત્ર એકાંત અને શાંતિનો ભંગ થાય. દુનિયાભરમાંથી પ્રકૃતિની ચિંતા કરનારા સંખ્યાબંધ લોકોએ આવીને મોના કીઆ ઉપર આકાર લેનારા TMT પ્રોજેક્ટનો સજ્જડ વિરોધ કર્યો છે. પરિણામે કેટલાક વર્ષો આ પ્રોજેક્ટ ઘોંચમાં પડી રહ્યો. છેક હમણાં, ૨૦૧૯ના ઓગસ્ટ મહિનામાં સ્થાનિક તંત્રને લોકોને સમજાવવામાં સફળતા મળી છે અને કામ ફરી શરુ કરવામાં આવ્યું છે.

જો પ્રકૃતિના ભોગે થતા ઔદ્યોગિકીકરણનો વિરોધ કરીએ તો પ્રકૃતિના ભોગે થતા વિજ્ઞાનના વિકાસનો વિરોધ પણ કરવો જ જોઈએ. આશા રાખીએ કે આ પ્રોજેક્ટ ઝડપથી સાકાર થાય, અને સાથે જ લોકોની લાગણી પ્રમાણે આ સ્થળની પવિત્રતા પણ જળવાઈ રહે. બાકી પૃથ્વીના સૌથી ઊંચા પર્વતની ટોચે ઉભા રહીને ૩૦ મીટરના મહાકાય ટેલિસ્કોપ દ્વારા અવકાશ દર્શનની મોજ કંઈક જુદી જ હશે, એ નક્કી!


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.


સંપાદકીય નોંધ – અહીં દર્શાવેલ તસ્વીરો / ચિત્ર અલગ અલગ વેબસાઈટ પરથી સાભાર લીધેલ છે. તેનો આશય લેખના સંદર્ભને સમજવામાં મદદરૂપ થવા માટેનો છે. તે દરેકના પ્રકાશાનાધિકાર જે તે વેબસાઈટ / મૂળ કર્તાના રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *