ફિર દેખો યારોં : નરવું, ગરવું, વરવું ગુજરાત

Facebooktwitterredditpinterestlinkedinmail

–  બીરેન કોઠારી

‘નામમાં શું રાખ્યું છે? ગુલાબને કોઈ પણ નામે ઓળખો, તેની સુવાસમાં કશો ફરક નહીં પડે.’ વિખ્યાત નાટ્યકાર વિલીયમ શેક્સપિયરના નાટક ‘રોમિયો એન્‍ડ જુલિયેટ’માં નાયિકા જુલિયેટના મુખમાં મૂકાયેલો આ સંવાદ એટલો પ્રચલિત બની ગયો છે કે અનેક સંદર્ભે તેનો ઉપયોગ લોકો દ્વારા કરવામાં આવે છે. આખા સંવાદનો માત્ર પૂર્વાર્ધ જ ઉલ્લેખાય અને તેનો સંદર્ભ સમજાઈ જાય છે. શેક્સપિયરનો સંદર્ભ અલગ છે, પણ હકીકત એ છે કે નામમાં ઘણું બધું હોય છે. આવું કોઈ વ્યક્તિગત રીતે માને કે ન માને, સરકાર અવશ્ય માને છે. ‘વિકલાંગ’ને ‘દિવ્યાંગ’ કે ‘વિધવા’ને ‘ગંગાસ્વરૂપ’ તરીકે ઓળખવાનું શરૂ કરી દો એટલે પત્યું. ગમે એ ગામને ‘ગોકુળિયું’ કહો કે ‘સમરસ’નું લેબલ ચોંટાડી દો એટલે બીજું કશું કરવાની જરૂર નહીં.

આપણા ગુજરાત રાજ્યને ‘વાઈબ્રન્‍ટ’ (જીવંત) તેમ જ ‘ગ્રોથ એન્‍જિન ઑફ ઈન્‍ડિયા’ (ભારતનું વિકાસ એન્જિન) ગણાવાતું આવ્યું છે. ગુજરાત રાજ્યના પ્રવાસન વિભાગની જાહેરખબરમાં અમિતાભ બચ્ચન જેવા નામી અભિનેતા ગુજરાતમાં ‘કુછ દિન’ ગુજારવાનું ઈજન આપે છે. એ અલગ વાત છે કે બચ્ચનસાહેબ ગુજરાતના પ્રવાસન ખાતાથી લઈને માથામાં નાખવાના તેલ સુધીની કોઈ પણ ચીજના માર્કેટિંગમાં પસંદગીયુક્ત અભિગમ દાખવતા નથી. ગુજરાતનો વિકાસ થતો આવ્યો છે, થઈ રહ્યો છે અને હજી થતો રહેશે. તેની સામે અન્ય ક્ષેત્રે તેનો વિકાસ પણ નોંધવો રહ્યો.

‘નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો’ (એન.સી.આર.બી.) નામની સરકારી સંસ્થા દેશભરમાં નોંધાયેલા ગુનાના આંકડા એકઠા કરીને તેનું પૃથક્કરણ કરે છે. તાજેતરમાં તેના દ્વારા બહાર પડાયેલા આંકડા અનુસાર ગુજરાતમાં જાતિ આધારીત ગુનાઓની સંખ્યામાં 2015થી 2017 દરમિયાન 46 ટકાનો ઉછાળો આવ્યો છે. રાજ્યમાં નોંધાયેલા ગુના પૈકીના 36.3 ટકા અનુસૂચિત જાતિના સભ્યો પરના અત્યાચાર સ્વરૂપે છે. આશ્વાસન લેવું હોય તો એટલું લઈ શકાય કે 2017માં સમગ્ર દેશમાં પણ આ સંખ્યામાં વૃદ્ધિ થઈ છે.

સૌ જાણે છે એમ આંકડા સામાન્ય રીતે જૂઠું બોલતા નથી. સૌ એ પણ જાણે છે કે આવા મામલે સરકારી આંકડા કરતાં વાસ્તવિક આંકડાનું પ્રમાણ વધુ હોઈ શકે, ઓછું નહીં. નોંધાયેલા અપરાધ અને તેની અદાલતમાં થતી સુનવણી બાબતે પણ ગુજરાત રાજ્ય પાછળ છે. અદાલત સુધી પહોંચેલા કુલ કેસ પૈકી 434નો ખટલો ચાલ્યો છે. અદાલતી કાર્યવાહીની રાષ્ટ્રીય સરેરાશ 35.3 ટકાની છે, જ્યારે ગુજરાતમાં આ સરેરાશ 2.8 ટકા છે. 2016માં ગુજરાતમાં આવા મામલાની અદાલતી કાર્યવાહીની સરેરાશ 4.6 ટકાની હતી. આ આંકડા સમગ્રપણે સત્તાતંત્રના વલણને ઉજાગર કરે છે એમ કહી શકાય, એમ આ પ્રકારના ગુના બનતા રહે છે એ નાગરિકોના માનસિક વલણને પણ છતું કરે છે.

અગ્રણી અંગ્રેજી દૈનિક ‘ઈન્‍ડીયન એક્સપ્રેસ’માં પ્રકાશિત થયેલા આ અહેવાલની સાથે અનુસૂચિત જાતિ/જનજાતિ સેલના અધિક ડી.જી.પી. કે.કે.ઓઝાની ટીપ્પણી મહત્ત્વની વિગત દર્શાવે છે. તેમના જણાવ્યા મુજબ 2015-16માં એટ્રોસિટી ઍક્ટમાં ફેરફાર કરવામાં આવ્યો અને બીજા 22 પ્રકારના અત્યાચારનો ઉમેરો કરવામાં આવ્યો. અગાઉ તેમાં 32 પ્રકારના અત્યાચારનો સમાવેશ થયેલો હતો. હવે તે વધીને 54 થયા છે. આ કાયદા હેઠળ નોંધાયેલા ગુનાઓમાં થતી વૃદ્ધિનું મુખ્ય કારણ આ છે. આ જૂથના સભ્યને જૂતાંનો હાર પહેરાવવો, માનવ કે પશુના મૃતદેહનો નિકાલ કરવાની ફરજ પાડવી, માનવમળના વહન માટે મજબૂર કરવા, જાતિ માટે અપમાનસૂચક શબ્દો બોલવા, જાહેર ધર્મસ્થળે પ્રવેશતા રોકવા વગેરે જેવા કૃત્યોને અપરાધ ગણીને તેમનો ઉમેરો કરવામાં આવે છે. આ પ્રકારના અપરાધ ગુજરાતમાં થતા નથી એમ કોઈ છાતી ઠોકીને કહી શકે એમ નથી, બલ્કે જે રીતે વિવિધ સમુદાયોના ધ્રુવીકરણને પ્રોત્સાહન મળી રહ્યું છે એ જોતાં આવી દુર્ઘટનાઓ વધુ ને વધુ પ્રમાણમાં બનતી રહી છે એમ લાગ્યા વિના રહે નહીં. પહેલાં કેવળ મુદ્રિત માધ્યમો હતાં, પણ હવે વીજાણુ માધ્યમ થકી ખૂણેખાંચરે બનતી આવી દુર્ઘટનાઓ પ્રકાશમાં આવવા લાગી છે.

જ્યારે જ્યારે આ પ્રકારની દુર્ઘટના બને ત્યારે એક વર્ગ એવો મિથ્યા ભ્રમ પંપાળતો હોય છે કે ભૂતકાળમાં આપણે ત્યાં બધું આદર્શ હતું, સૌ સંપીને-સમજીને રહેતા હતા, અને પરિસ્થિતિ જે કંઈ બગડી તે હમણાં હમણાંથી થવા લાગ્યું છે. આવું માનનારાને પણ શું કહેવું? ભૂતકાળમાં તો આ ભેદભાવ એકદમ વરવા સ્વરૂપે અમલમાં હતા.

‘એન.સી.આર.બી.’ના આ અહેવાલની કોઈ અસર આ મુદ્દા પર પડશે કે કેમ એ કહી શકાય એમ નથી. કેમ કે, આમાં જેટલી નિષ્કાળજી સત્તાતંત્રની દેખાય છે એથી વધુ નફ્ફટાઈ નાગરિકો તરીકે આપણા સૌની ઉજાગર થાય છે. થયેલા અપરાધ બાબતે થતી કાર્યવાહીના વિલંબને શિથિલતામાં ખપાવીએ તો જે અપરાધ થાય છે તેને નિષ્ઠુરતાથી વિશેષ શું કહી શકાય? શું આપણે કહી શકીએ એમ છીએ કે આપણામાંથી જાતિવાદી માનસિકતા સંપૂર્ણપણે નાબૂદ થઈ ગઈ છે? નાબૂદ તો ઠીક, તે શિથિલ પણ થઈ છે? હજી આપણી શાળાઓમાં પહેલાં અટક અને નામ એ પછી બોલવાનો આગ્રહ રાખવામાં આવે છે? હજી આપણે આપણાં સંતાનોના મિત્રોનાં નામની સાથે અટક પણ જાણવાનો આગ્રહ રાખીએ છીએ? વયસ્ક સંતાન પોતાના માટે કોઈ પાત્રની પસંદગી જાતે કરે ત્યારે અન્ય વિગતોને બદલે તેની જાતિ જાણવાનો આપણો આગ્રહ હોય છે? સામાજિક પ્રસંગોએ ચોક્કસ જાતિના સભ્ય દ્વારા જ અમુક કાર્યકલાપ કરવાનો આપણો આગ્રહ હોય છે?

આ સવાલો બીજા કોઈને પૂછવાના નથી, બલ્કે જાતને પૂછવાના છે. તેના જવાબ પણ જાતને જ જણાવવાના છે. આના જવાબ ‘હા’માં હોય તો ‘એન.સી.આર.બી.’ના ગુજરાતના આંકડાથી દુ:ખી થવાનું કોઈ કારણ નથી.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૯-૧૨-૨૦૧૯ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *