વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : આ તે એમેઝોનનો કર્મચારી કે રોબો?

Facebooktwitterredditpinterestlinkedinmail

જગદીશ પટેલ

નવેમ્બરનો ચોથો ગુરૂવાર અમેરિકામાં થેન્કસગિવિંગ ડે તરીકે મનાવાય છે અને તે દિવસે દેશમાં જાહેર રજા હોય છે. તે પછીનો દિવસ— શુક્રવાર—અમેરિકામાં બ્લેકફ્રાઇડે તરીકે ઓળખાય છે અને એ દિવસે વેપારીઓ મોટા પાયે સેલ જાહેર કરે છે જેની રાહ લોકો લાંબા સમયથી જોતા હોય છે. દુકાનો સામે રાત આખી લોકો લાઇન લગાવી બેસતા હોય અને દુકાન ખૂલતાં જ ખરીદી માટે ધસારો થતો હોય. પણ હવે ઓનલાઇન ખરીદી સરળ થવાને કારણે લાઇનોમાં ઉભા રહેવાને બદલે કોમ્પ્યુટર પર ક્લિક કરી ખરીદી કરવાનું સહેલું હોય છે. પણ તેની કિંમત સમાજે ભોગવવી પડે છે. એક વ્યક્તિને જે વસ્તુ ખરીદવાનું આજે સસ્તું લાગે છે તે સરવાળે સમાજ માટે સસ્તું હોતું નથી. એમેઝોનમાં કામ કરતા કામદારોના ચૂંથાઈ ગયેલા શરીર,  ઉત્પાદન માટેના આંબી ન શકાય તેવા લક્ષ્યાંકોને કારણે થતો માનસિક ત્રાસ અને થાક, ઉંચે જતી કાર્બન ફૂટપ્રિંટ અને ગ્રાહકના ખિસ્સામાંથી જતી ઉદાર ટેકસ સબસીડી. સમાજ જે કિંમત ચુકવે છે તે આ છે.

એમેઝોનના ૬ વિતરણ કેન્દ્રોના બે હજાર કરતાં વધારે કર્મચારીઓ જર્મનીના બર્લીનમાં ૨૯ નવેમ્બર- બ્લેક ફ્રાઈડે- થી બે દિવસની હડતાલ પર ઉતરી ગયા. એક દિવસમાં વસ્તુની ડીલીવરી કરવા દર ૮ સેકંડે એક વસ્તુ ઉપાડવી પડે છે. રોજ ૧૦ કલાક કરતાં વધુ સમય કામ કરવું પડે છે. અમેરિકાના મિનેસોટામાં એમેઝોનના કર્મચારીઓ ૬ કલાક કામ ન કરીને વિરોધ વ્યક્ત કરે છે. તેમણે નંગ દીઠ મજૂરીને બદલે માસિક પગાર આપવા માગની કરી છે.વિશ્વમાં એમેઝોનના ૬.૩ લાખ કર્મચારીઓ છે જેમાંથી અડધો અડધ અમેરિકામાં છે.

હવે એમેઝોનના કામદારો પોતાને ન મળેલ લાભો, સારા પગાર, સંગઠિત થવાનો અધિકાર અને રોબો સાથે હરીફાઇ કરી ન શકો તો કરારી સજાનો અંત લાવવાની માગણી કરી રહ્યા છે. ઓર્ડર ઝડપથી પતાવવાની લાહ્યમાં કામદારો જયારે મોટા બોક્ષની ઉથલપાથલ કરે છે ત્યારે એમના હાથપગ ખેંચાઇ જાય છે, મોચ આવે છે, મશીનો વચ્ચે કચડાય છે, પડે છે અને મોટું જોખમ ઉભું કરે છે. એમેઝોનના વેરહાઉસની આસપાસ રહેતા લોકો વેરહાઉસની નોકરી પર નભતા હોય છે. થયેલા સંશોધન મુજબ ૫૭% કામદારોને સરકાર દ્વારા અપાતા ફૂડ સ્ટેમ્પ એટલે કે રેશનના અનાજ પર જીવવું પડે છે કારણ એમેઝોનના પગાર બહુ ટૂંકા છે. જો કે હમણાં લોકમાગણી સમક્ષ ઝૂકીને કંપનીએ પગારમાં થોડો વધારો જાહેર કર્યો છે  પણ તે પણ જરૂરી લિવિંગવેજ કરતાં ઓછો છે. કામને સ્થળે સલામતી અને આરોગ્ય માટે સમિતિ  બનાવવાની માગણી કરે છે. ન્યુયોર્કમાં લોકઆંદોલન અને વિરોધને કારણે એમેઝોને પોતાનું નવું વડું મથક બાંધવાનું આયોજન પડતું મુકવું પડયું છે.

આપણે જેને ગોડાઉન કહીએ છીએ તેને વેરહાઉસ પણ કહે છે. અમેરિકામાં ૭૦૦૦ જેટલા વેરહાઉસમાં દોઢ લાખ જેટલા કામદારો કામ કરે છે. અમેરિકામાં ઉદ્યોગોમાં અકસ્માતને કારણે થતા મૃત્યુનો જે સરેરાશ દર છે તે કરતાં વેરહાઇસ ઉદ્યોગમાં વધુ છે. તેના ઘણા કારણોમાં એક કારણ એવું છે કે ત્યાં જોખમોનું વૈવિધ્ય ઘણું છે. આ ઉદ્યોગમાં રસાયણોને કારણે ઇજાઓ થતી હોય છે. રસાયણો ઢોળાયા હોય અથવા તેની બરાબર સાફસુફી થઇ ન હોય તે કારણે ઇજાઓ થાય. ફોર્કલિફટને કારણે દર વર્ષે અમેરિકામાં ૧૦૦ કામદારોના મોત થાય છે અને ૯૫૦૦૦ જેટલા ઇજા પામે છે. વીજઝાટકાને કારણે પણ ઇજા, મૃત્યુના બનાવ બને છે. આગ લાગતી હોય અને તે કારણે પણ ઇજા, મૃત્યુ થાય છે. લપસી પડવું, ઠોકર વાગવી અને પડી જવાના જોખમો પણ હોય છે. કયારેક ફર્શ પર કે જમીનમાં ખાડા પડયા હોય કે કાણાં હોય તે કારણે અકસ્માતો થાય છે. ખામીભર્યા વાતાયનને કારણે કામદારો બીમાર પડી શકે છે. ભારે મશીનોનો ઉપયોગ અને હવે તો રોબોને કારણે પણ જોખમોમાં વધારો થયો છે. માલ ચડાવવા ઉતારવા દરમિયાન ભારે વજન ઉંચકવાને કારણે પીઠ અને કમરના દર્દ થઇ શકે.

આજે દુનિયાભરમાં ઓનલાઇન ખરીદીનો વાવર ચાલ્યો છે. એમેઝોન દ્વારા તેની શરૂઆત થઇ હતી અને હવે તો ઓનલાઇન બજારમાં અનેક કંપનીઓ છે. આ વ્યવસાયમાં વેરહાઉસ જ મુખ્ય છે. ઓનલાઇન આવેલા ઓર્ડરને વેરહાઉસનો સ્ટાફ પેકિંગ કરીને ગ્રાહકને રવાના કરે છે.

૨૦૧૮ના ડિસેમ્બરમાં અમેરિકાના ન્યુ જર્સીમાં રોબિન્સવીલમાં આવેલા એમેઝોનના વેરહાઉસમાં રીંછને ભગાડવા માટેના રસાયણની બોટલમાં રોબોએ કાણું પાડી દીધું. તે કારણે ખાતામાં ગેસ ફેલાયો અને ૨૪ કામદારોને હોસ્પિટલ ભેગા કરવા પડયા. ૨૫૫ કીલો જેટલું રસાયણ એ ડબ્બામાં ભર્યું હતું. આ રસાયણમાં મરચાંના ભૂકાનું દ્રાવણ હોય છે તે કારણે આંખોમાં બળતરા થાય. આ ડબ્બો કોઇ કારણસર ઘોડા પરથી પડી ગયો અને રોબોથી એમાં કાણું પડી ગયું.

એમેઝોનના કામદારોના સલામતી અને આરોગ્યના નબળા ધોરણો માટે તેની ઘણી ટીકા થાય છે. ૨૦૧૫ અને ૨૦૧૭ વચ્ચેના ગાળામાં બ્રિટનમાં એમેઝોનમાં એમ્બ્યુલન્સને ૬૦૦ વાર બોલાવવી પડી હતી. વિકી એલન નામની ૪૯ વર્ષની કામદારે મે ૨૦૧૭માં ટેકસાસ ખાતેના એમેઝોનમાં નોકરી લીધી પણ થોડા સમયમાં જ તેની ખુશી ઓસરી ગઇ. તેણે કહ્યું કે ત્યાં મેનેજરો તેને સતત તેના બાથરૂમના સમય, તેની ઉત્પાદકતા અને તેના કામ માટે સવાલો પૂછ્યા કરતા. કામને સ્થળે અકસ્માત થયા બાદ એલનથી નોકરી થાય તેમ ન હોવાથી તે ઘરવિહોણી બની છે. આજે એમેઝોનના અમેરિકામાં ૧૪૦ જેટલા કેન્દ્રો છે જેના દ્વારા ગ્રાહકોને માલ પૂરો પડાય છે. એ કારણે તેના માલિક જેફ બેઝોસ દુનિયાની સૌથી વધુ પૈસાવાળી વ્યક્તિ બની શકયા છે. બેઝોસની સંપત્તિ ૧૫૦ બિલિયન ડોલર છે.

ગયા વર્ષે ઓકટોબરમાં ઘોડા પરથી વસ્તુઓને પડતી અટકાવતા બ્ર્રશગાર્ડનો એક નંગ શોધવા માટે એલન માલની ગણતરી કરતી હતી ત્યારે તેની પીઠને ઇજા પહોંચી. બ્રશગાર્ડની અવેજીમાં તેણે એક બીજું ખોખું વાપર્યું. અને પછી બહુ વિચિત્ર અંગભંગીમાં તેણે ગણતરી ચાલુ રાખી તે કારણે તેની પીઠમાં ઇજા થઇ. એ તો શરૂઆત હતી. તેણે નોકરી ચાલુ રાખી અને ઇજા વધતી ગઇ. કંપનીના ડોકટરે તેને એક હિટીંગ પેડ વાપરવા આપ્યું જેથી પીઠને શેક થાય. પણ કંપનીએ તેને રજા પર ઉતારી દીધી અને તેને પગાર ચુકવ્યો નહી. આખરે એલને કામદાર વળતર ધારા હેઠળ વળતરનો દાવો કરવો પડયો. એલન જમણેરી હતી પણ તે પોતાનો જમણો હાથ ખેંચી શકતી ન હતી. તેથી તેને કામ કરવામાં તકલીફ પડતી હતી. એવું ત્રણ અઠવાડિયા ચાલ્યું. તેના ઘરથી કામનું સ્થળ ૬૦ માઇલ દુર હતું અને ત્રણ અઠવાડિયા સુધી પોતાના ખર્ચે કામે જતી. ત્યાં કામે ન લે અને તેને ધોયેલા મૂળાની જેમ ઘરે પાછા ફરવું પડે. વળતર ધારા હેઠળ દાવો કર્યા પછી એની ફિઝિયોથેરપી શરૂ થઇ. જાન્યુઆરી ૨૦૧૮માં તે કામે પાછી ફરી અને ફરી એ જ જગ્યાએ કામ કરતાં તેને ઇજા થઇ કારણ તેની કામ કરવાની જગ્યામાં કોઇ સુધારા કરવામાં આવ્યા ન હતા. તે સારવાર માટે માંદગીની રજા પર ઉતરી ગઇ અને વધારાની બે અઠવાડિયાની વગર પગારની રજા લીધી કારણ કામે જવા માટે પેટ્રોલ પુરાવવાના પૈસા પણ ન હતાં. એપ્રિલ ૨૦૧૮માં તેનો એમઆરઆઇ સ્કેન કરવામાં આવ્યો જેમાં તેની પીઠમાં થયેલી ઇજાનો ઘા હજુ રૂઝાયો ન હોવાનું દેખાયું પણ એ નિદાનના માત્ર પાંચ દિવસ બાદ એમેઝોનના કામદાર વળતર માટેની વીમા કંપની સેજવીકના ડોકટરે તેને સારવાર આપવી બંધ કરી.

જુન ૨૦૧૮માં તેમણે કામની એ જગ્યામાં સુધારા કર્યા. એલન કહે છે કે નાનકડું બ્રશગાર્ડ મુકતાં તેમને ૮ મહિના લાગ્યાં.. એમેઝોન ફુલ્ફિલ્મેન્ટ સેન્ટરમાં એ ૨ જુલાઇએ અધિકારીઓને મળી અને પાછલા ૯ મહિનામાં તેણે ભોગવેલી તકલીફોની રજુઆત કરી. અધિકારીઓએ તેને એક અઠવાડિયાની ભરપગારે રજા આપવાની દરખાસ્ત કરી. પછી કશું ન બોલવાના કરાર પર સહી કરે તો ૩૫૦૦ ડોલર આપવાની દરખાસ્ત કરી. એલને આ દરખાસ્ત નકારી કાઢી. હાલ તે પોતાની કારમાં એમેઝોન ફુલ્ફિલ્મેન્ટ સેન્ટરની બહાર પડી રહે છે. તેમને કારણે તેનું ઘર ગયું અને કેટલાય દિવસ તેને ભૂખ્યા સુઇ રહેવું પડે છે.

ટાળી શકાય તેવી પણ ટળી ન હોય તેવી ઇજાનો ભોગ બનેલા અને પછી કંપનીએ એમની સાથે સારો વર્તાવ કર્યો ન હોય તેવા એમેઝોનના ઘણા કામદારો પૈકી એલન એક છે. ૨૦૧૮માં ઓકયુપેશનલ સેફટી એન્ડ હેલ્થની રાષ્ટ્રીય કાર્યકારણીએ અમેરીકામાં કામ કરવા માટે સૌથી જોખમી હોય તેવા ડઝન (ડર્ટીડઝન) કાર્યસ્થળોમાં એમેઝોનના વેરહાઉસનો સમાવેશ કર્યો. કામદારોની સલામતી અને રોજગારી કરતાં કંપનીએ ઉત્પાદકતા અને કાર્યક્ષમતાને વધુ મહત્ત્વ આપ્યું હોવાને કારણે આમ થયું. ખૂબ મોટા પ્રમાણમાં આવતા ઓર્ડરોને પુરા કરવા માટેના આગ્રહને કારણે વેરહાઉસના કર્મચારીઓ માટે કાર્યસ્થળ અસલામત બની ગયું.

ફલોરિડાના ૪૩ વર્ષના બ્રાયન હીલને કામને સ્થળે પીઠની ઇજા થઇ અને તેની જાણ તેણે કંપનીને કરતાં જ તેને કાઢી મુકયો અને વળતર માટેનો દાવો પણ આગળ ન વધાર્યો. મેનેજરે તેને કહ્યું કે પીઠની ઇજા તારા જેવા યુવાનને થાય જ નહી. તેને ડોકટર પાસે મોકલવાને બદલે કાઢી મુકયો. પેન્સિલવેનિયામાં ક્રિસ્ટીનાને ઇજા થયા પછી પાંચ અઠવાડિયા પછી કાઢી મુકી. તે સીડી પર ચડી કામ કરતી હતી ત્યારે બીજો કામદાર આવી સીડી સાથે અથડાયો. તે કારણે આ બહેન સીડી પરથી પડી ગયાં. ડાબા પગ અને પીઠમાં ઇજા થઇ. પીઠમાં થયેલી ઇજા કાયમી પ્રકારની છે. પાંચ અઠવાડિયા પછી તેની હંગામી અપંગતાનું વળતર મળતું બંધ કર્યું જે તેને ૨૬ અઠવાડીયા સુધી મળવા પાત્ર હતું. તેણે એમેઝોનમાં બે વર્ષ કામ કર્યું તે પછી મે ૨૦૧૭માં એક પત્ર દ્વારા તેને જાણ કરાઇ કે તેને હવે નોકરીમાં રાખવામાં આવતી નથી. આમ કાઢી મુકાતા હોવાને કારણે ઘણા કામદારો ઇજા પામ્યા હોવા છતાં તેની જાણ કંપનીને કરતા નથી. કયારેક તો કામદારને જે વચેટીયા કંપની દ્વારા નોકરીએ રખાયા હોય તેને માથે જવાબદારી નાખી દેતા હોય છે. તેવા સમયે કામદારોને તેમના કાનૂની અધિકારો મેળવવાનું વધારે દુષ્કર બની જાય છે.

એમેઝોનના પ્રવકતાએ ઇમેઇલમાં જણાવ્યું કે તેમના માટે કામદારોની સલામતી પહેલી પ્રાથમિકતા છે. તેણે કહ્યું કે વિશ્વમાં એમેઝોનના ૫,૬૦,૦૦૦ કામદારો છે. છેલ્લા માત્ર એક વર્ષમાં જ નવી ૧૩૦,૦૦૦ રોજગારી ઉભી કરી છે. ભાવિ અકસ્માતો કઇ રીતે અટકાવવા તે અમે અનુભવોમાંથી શીખીએ છીએ.
બ્રિટનમાં છેલ્લા ત્રણ વર્ષમાં તેના ગોડાઉનોમાં એમ્બ્યુલન્સને ૩૦૦ વાર બોલાવવી પડી તેવા આક્ષેપ છે. કામદારોને એ લોકો મશીન સમજી બેઠા છે એવા પણ આક્ષેપ યુનિયન કરે છે. બર્મિંગહાઉસ પાસેના રગેલીમાં તેના ગોડાઉનમાં ૧૮૦૦ માણસ કામ કરે છે અને ક્રિસમસના સમયમાં તો ૨૦૦૦ જેટલા હોય છે. પ્રસુતિ સંબંધી તકલીફો, મોટી ઇજા, ઇલેકટ્રીક ઝાટકો લાગવાને કારણે થયેલી ઇજા અને ૮ કામદારો બેભાન થઇ ગયા, જેવા કારણોસર એમ્બ્યુલન્સ બોલાવવી પડી હતી. ટેસ્કોના ગોડાઉનમાં ૧૩૦૦ માણસ કામ કરે છે જયાં આની સરખામણીએ આ સમયગાળામાં માત્ર આઠ વાર એમ્બ્યુલન્સ બોલાવવાની જરૂર પડી હતી. જો કે એમઝોનના અધિકારી કહે છે કે એમ્બ્યુલન્સ તો કામદારોની અંગત બીમારીને કારણે બોલાવવી પડે છે. કેટલી વાર બોલાવવી પડી તેની સંખ્યા માત્રથી અમારી કંપનીમાં સલામતી અને આરોગ્યની સ્થિતિ ગંભીર છે તેમ કહી શકાય નહીં. તેમના કહેવા મુજબ બ્રિટનમાં ટ્રાન્સપોર્ટ અને વેરહાઉસીંગ ઉદ્યોગમાં બીજા એકમોની સરખામણીએ તેમની કંપનીમાં ૪૩% ઓછા અકસ્માતો નોંધાયા છે. એમેઝોનના આ ગોડાઉનમાં જીએમબી યુનિયનના ૨૦૦ સભ્યો છે તે પૈકી ૮૦%ને કામના ભારણને કારણે દુ:ખાવો થાય છે. એક સગર્ભા મહિલા કામદારે જણાવ્યું કે તેને ૧૦ કલાકની પૂરી પાળી દરમિયાન ઉભા રહેવાની ફરજ પડાય છે. યુનિયનના કહેવા મુજબ તો સ્ટાફના કામની ઝડપ માપવા ત્યાં ઇલેકટ્રોનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. કાર્યક્ષમતાના લક્ષ્યાંકો સિદ્ધ કરવાની લ્હાયમાં કામદારો પાણી પીવા કે બાથરૂમ જવાનું પણ ટાળતા હોય છે. આવા લક્ષ્યાંકોને કારણે જ એક સગર્ભા બહેનને ગર્ભપાત થઇ ગયો. આ મુદ્દો તો જીએમબી સાથે સંકળાયેલા સંસદ સભ્યોની બેઠકમાં પણ ચર્ચાયો હતો.

એમેઝોને હમણાં એક રીસ્ટબેન્ડ (કાંડા પર બાંધવાનો પટ્ટો કે કડું)ની પેટન્ટ લીધી છે. આ બેન્ડ જેણે પહેર્યો હશે તેની હિલચાલ પર કંપનીના અધિકારીઓ નજર રાખી શકશે. કર્મચારીએ કયાં હાથ મુકયો છે તે અધિકારી જાણી શકશે અને તેને ધ્રૂજારીની મદદથી બીજી દિશામાં વાળી શકશે. તે કારણે ઓર્ડરને સમયસર પુરા કરવામાં મદદ મળશે. જયારે એમેઝોનને ઓનલાઇન ઓર્ડર મળે છે ત્યારે કર્મચારીના હાથમાં રહેલા કોમ્પ્યુટરમાં તેની વિગતો મોકલવામાં આવે છે. વિગત મળતાં જ કર્મચારીએ ગોડાઉનમાં કયા ઘોડા પર તે વસ્તુ કયાં પડી છે તે શોધીને તેને ડિલીવરી બોક્ષમાં પેક કરીને બીજી ચીજ લેવા ભાગવાનું હોય છે. આવા સમયે રીસ્ટબેન્ડ પહેરેલા કામદારના હાથને યોગ્ય દિશામાં વાળવાનું કામ બેન્ડ કરશે. એ કારણે કામની ઝડપ વધશે તેવી ધારણા છે. યંત્રમાનવ જયાં સુધી માણસનું સ્થાન સંપૂર્ણપણે નહી લે ત્યાં સુધી આ કામ લાગશે.

જો કે એમેઝોનમાં હજારો રોબો કામ કરે છે. તેની સાથે સ્પર્ધા કરી શકે તેવા કર્મચારી એમને જોઈએ જે એટલી જ ઝડપથી કામ કરે. ૨૪ વર્ષના એક કર્મચારી આરોન કોલવે કહે છે કે રાતપાળીમાં વસ્તુને સ્કેન કરી યોગ્ય ગાડીમાં તેને મુકવા માટે અમારી પાસે માત્ર ૧૫ સેકન્ડનો સમય હોય છે. ૨૦૧૬માં બીબીસીની તપાસમાં જાણવા મળ્યું કે એમેઝોનના કર્મચારીને એમને આપવામાં આવેલા લક્ષ્યાંકો હાંસલ કરવા કોથળામાં મળ વિસર્જન કરવું પડે (ટોઇલેટમાં જવા અને આવવામાં સમય જાય ને!) અને કારમાં જ ઊંઘવું પડે છે. કર્મચારી કહે છે કે મારે સૌથી અગત્યની વાત રોબો સાથે થતી હોય છે.

સ્કોટલેન્ડમાં કર્મચારીઓને એટલો ઓછો પગાર અપાય છે કે કર્મચારી ઘરે જવાઆવવાનો પ્રવાસ ખર્ચ પોસાતો ન હોવાને કારણે ગોડાઉનની બહાર જ પડયા રહે છે. ત્યાં કામની સ્થિતિ અસહ્ય હોવાનું અને બીમારીને કારણે રજા પાડતા કર્મચારીઓને સજા કરાતી હોવાના આક્ષેપો થયા છે. શિયાળામાં પણ કામદારો પોતાના ઘરે જઇને સૂઇ જવાને બદલે એમઝોનના ગોડાઉનની બહાર જ પડયા રહેવું પડે તેવી સ્થિતિ માટે રાજકીય આગેવાનોએ કંપનીની ટીકા કરી છે. “કુરીઅર” નામના સ્થાનિક અખબારમાં તેની તસ્વીરો પ્રગટ થયા બાદ આ ટીકા કરવામાં આવી. કંપનીના ગોડાઉનની બહાર આવા ત્રણ તંબુ હોવાનું તસ્વીરમાં જણાતું હતું. સન્ડે ટાઇમ્સ નામના અખબારની તપાસમાં એ જાણવા મળ્યું કે કંપનીના હંગામી કામદારો માંદગીને કારણે રજા પાડે તો તેમને દંડ કરવામાં આવે છે અને લક્ષ્યાંકો પુરા કરવા દબાણ કરવામાં આવે છે. તેમને મળતું હાજરી બોનસ કાપી નાખવામાં આવે છે.

સામાન્ય રીતે એક કામદારે દિવસ દરમિયાન ૧૦ માઇલ જેટલું અંતર પગે ચાલીને કાપવું પડે છે અને પીવાના પાણીના બાટલા તો મોટાભાગે ખાલી જ હોય છે. કંપનીએ નાતાલની ખરીદીના ધસારાને પહોંચી વળવા ૨૦,૦૦૦ કામદારોની ભરતી એજન્ટો દ્વારા કરી છે જે તેમના કામદારોની સામાન્ય સંખ્યા કરતાં બમણી છે. એજન્સીની બસ વ્યવસ્થા છે પણ તે માટે બસભાડું કામદારે ચૂકવવું પડે છે. બ્રિટનમાં કંપનીના ૧૨ ગોડાઉન છે. ત્રણ વર્ષ પહેલાં ઓબ્ઝર્વર સામયિકના એક પત્રકારે છૂપા વેશે કામદાર બનીને પ્રવેશ કરી સ્થિતિ જોઇ અહેવાલ લખ્યો હતો તેમાં કામના લાંબા કલાક અને ઓછા વેતને લેવાતા ભારે શારીરિક કામ અંગે લખ્યું હતું. ઓવરટાઇમ ફરજીયાત કરવો પડે છે અને નવેમ્બર—ડિસેમ્બર જેવા ધસારાના મહિનાઓમાં અઠવાડિક રજા પણ અપાતી નથી. જો કે કંપની આ બધા આક્ષેપો નકારતાં કહે છે કે અમે છેલ્લા પાંચ વર્ષમાં હજારો નવી કાયમી નોકરીઓ આપી છે અને અમે કામનું સારૂં વાતાવરણ અને સારા વેતન ચુકવીએ છીએ તેથી જ લોકો દોડયા દોડયા કામ કરવા આવે છે.

એક અઠવાડિયા સુધી છૂપા વેશે બ્રિટનના એમેઝોનના ગોડાઉનમાં કામ કરનારી કેરોલ નામની પત્રકારે પોતાના અહેવાલમાં જણાવ્યું કે સ્વાનસી ખાતેના તેમના ગોડાઉનમાં કામ કરતાં પહેલી વસ્તુ પેક કરવાની તેને ભાગે આવી તે કૂતરાના લંગોટ. આ ગોડાઉન ૮ લાખ ચો.ફૂટમાં પથરાયેલું વિશાળ ગોડાઉન છે જે ૧૧ ફૂટબોલ ગ્રાઉન્ડ જેટલો વિસ્તાર થયો. પણ બ્રિટનમાં તેનું જે સૌથી મોટું ગોડાઉન છે તે ૧૪ ફૂટબોલ ગ્રાઉન્ડ જેટલું મોટું છે. કંપનીની વેબસાઇટ પર તે દસ કરોડ જેટલી વસ્તુઓ વેચતી હોવાનું દેખાય છે. એને કન્વેયર બેલ્ટ પર મુકી ન શકાય તેવી વસ્તુઓના વિભાગમાં કામ મળ્યું જેમાં ડાયાબિટીસથી પીડાતા કૂતરાનો ખોરાક, કૂતરાનો બાયોઓર્ગેનિક શાકાહારી ખોરાક અને વધુ વજનવાળા— ઓબેસ— કૂતરાઓનો ખોરાક, ૫૨ ઇંચના ટીવી, ફીજીથી આવેલા પાણીના ૬ પેક, મોટા કદના સેકસ ટોય, ૧૮ ઇંચના ડબલ ડોન્ગ (પુરુષ લીંગની પ્રતિકૃતિ) વગેરે. નોકરીના બીજા દિવસે મેનેજરે કહ્યું કે એ ગોડાઉન દ્વારા છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૫,૦૦૦ વસ્તુઓ પેક થઇ છે અને આવતી કાલ ૨ ડિસેમ્બરે ઓનલાઇન ખરીદીનો વર્ષના સૌથી વ્યસ્ત દિવસે આ આંકડો ૪૫૦,૦૦૦ પર પહોંચશે અને દેશમાં આ ૮ ગોડાઉનો પૈકીનું એક છે. ગયા વર્ષે એક દિવસમાં એમેઝોને ૩૫ લાખ ઓર્ડર મેળવ્યા હતા. નાતાલ તેમના માટે વિયેટનામ મોરચે થયેલા યુધ્ધ જેવું હોય છે. તેમની આકરી કસોટી થાય છે અને પ્રચંડ પડકારો હોય છે. સૌથી વધુ અનુભવી મેનેજર પણ ભાંગી પડે છે અને રડી પડે છે.

બ્રિટનમાં છેલ્લા બે અઠવાડિયા દરમિયાન તેમણે કોન્ટ્રાકટના ૧૫ હજાર કામદારો કામે રાખ્યા છે. આવનારા ત્રણ વર્ષમાં ગોડાઉનોની સંખ્યા બમણી થશે એમ લાગે છે. કેરોલ એકલી એવી પત્રકાર ન હતી જેણે આ રીતે પ્રવેશ મેળવી આંખે દેખ્યો અહેવાલ આપ્યો. બીબીસીના એડમ લીટર નામના એક પત્રકારે અંદર જઇ છૂપી રીતે ફિલ્મ પણ લીધી જે બીબીસીના પેનોરમા નામના કાર્યક્રમમાં બતાવવામાં આવી. જગતની અત્યાધુનિક ટેકનોલોજી કંપનીની જરૂરિયાતો સાથે કામદારોનો અહીં સંઘર્ષ છે.

માણસનું કુટુંબ અને તેની જરૂરિયાતો, તેની આશા—આકાંક્ષા, તેના ડર અને તેનું ભાવિ આયોજન— આ એવી બાબતો છે જેમાં ટેકનોલોજીનું કંઇ ચાલતું નથી. જયાં બેકારી વધુ છે અને આર્થિક તકો ઓછી છે ત્યાં એમેઝોન જાણી જોઇને પોતાનું થાણું નાખે છે. વેલ્શ એક એવી જગ્યા છે અને ત્યાંની સરકારે એમેઝોનને પોતાનું થાણું નાખવા ૮૮ લાખ પાઉન્ડની ગ્રાન્ટ આપી! એમેઝોન દ્વારા નિયુકત એજન્સી નોકરી લેવા માટે આવતા લોકો પાસે ફોર્મ ભરાવે, એમને ડ્રગ કે દારૂની લત છે કે કેમ તે જોવા તેની તબીબી તપાસ થાય, વાંચતાં લખતાં કેવું આવડે છે તે જોવાય, તેમને પ્રક્રિયા સમજાવાય અને પછી પસંદ થયેલાઓનો ઇન્ટરવ્યુ થાય. ત્યાં તમને એક જણ સમજાવે, “જુઓ, હું ય તમારી જેમ જ કોન્ટ્રાકટ કામદાર તરીકે જોડાયો. મને થોડા દિવસમાં તો કાયમી કરાયો. પછી પ્રમોશન અપાયું અને બે વર્ષમાં તો હું એરિયા મેનેજર બની ગયો. નાતાલ પછી તો કંપની કાયમી કરવાની છે અને તમે જો મહેનત કરશો તો તમે પણ કાયમી થશો.” આવા શબ્દોથી લોકો ભરમાઇ જાય અને નોકરી સ્વીકારી લે. પછી કાયમી કરે તે બીજા!
એક દંપતીને નોકરી મળી. એમને ઘરેથી નીકળી કામે પહોંચતાં એક કલાક થાય. સવારે પાંચ વાગે છોકરાંને ઉઠાડે અને માબાપને ઘરે એમને મુકીને નોકરીએ જાય. ૧૦.૩૦ કલાકની પાળીની નોકરી પતાવી કલાકની મુસાફરી પછી એ છોકરાંને લેવા માબાપને ઘરે જાય અને એમને લઇ પોતાને ઘરે રાત્રે ૯.૩૦ વાગે પહોંચે. બીજા દિવસે પણ એ જ ક્રમ. પણ એ દિવસે બહેનને ઘૂંટણમાં ઇજા થઇ. તેણે એ જણાવવા ફોન કર્યો તો તેને એક પોઇન્ટ મળ્યો. આવા ત્રણ પોઇન્ટ મળે એટલે ઘરે બેસાડી દેવામાં આવે! થોડા દિવસ પછી પણ તેનો ઘૂંટણ સુજેલો હતો. તેને કાયમી થવું હતું પણ લાગતું ન હતું કે તે થઇ શકશે. ઇજાને કારણે તેનો “પીકઅપ રેટ” એટલે કે વસ્તુ ઉઠાવવામાં જતો સમય વધ્યો હતો, કામની ઝડપ ઘટી હતી. તેને સૂચના આપવામાં આવી કે આવતા અઠવાડિયે તમારા કામમાં એક કલાકનો વધારો થશે અને ફરજીયાત ઓવરટાઇમનો એક દિવસ વધશે. એટલે કે છોકરાંને ૪.૩૦ વાગે સવારે ઉઠાડવાં પડશે. હવે ત્રણ દિવસના સમયગાળામાં બાળકોને રાખનાર મળશે કે નહીં તેની ચિંતામાં દંપતી છે.

નોકરીમાં રાખે ત્યારે જ કર્મચારીને જણાવી દેવાય કે અમારી કંપની વિશ્વની સૌથી વધુ ગ્રાહકકેન્દ્રી છે. જો તમે મોડા પડશો તો તમારો અડધો પોઇન્ટ કપાઇ જશે અને એવું ત્રણ વાર થશે તો નોકરીમાંથી કાઢી મુકાશે. “મોડું” એટલે શું? એવા કર્મચારીના સવાલનો જવાબ મળ્યો, “એક મિનિટ કરતાં મોડું એટલે મોડું!”
આઇએલએસઆર નામની કંપનીએ કરેલ સંશોધન મુજબ દુકાનોમાં ૧ કરોડ ડોલરના વેચાણ માટે ૪૭ કામદારોની જરૂર પડે છે. પણ એમેઝોન ૧ કરોડના વકરા પર માત્ર ૧૪ને કામે રાખે છે. બ્રિટનમાં ૨૦૧૨માં એનો ઉથલો ૪.૨ અબજ પાઉંડનો હતો એટલે કે ૨૩ હજાર નોકરીઓ એ ખાઇ ગઇ અને જેને એમઝોનમાં નોકરી મળી એમાં કોઇનું ભાવિ ભાગ્યે જ સુરક્ષિત હતું, અપૂરતા પગારની અને સખત કામ માગે તેવી હતી. એમેઝોને તાજેતરમાં ૭૭.૫ કરોડ ડોલરને ખર્ચે “કીવા” નામની એક વ્યવસ્થા ખરીદી છે. છૂટક નોકરીઓ દસ વર્ષમાં કેટલી બચશે?

૨૦૧૨માં ૪.૨ અબજ પાઉંડના વેપાર સામે એણે ૩૨ લાખ પાઉંડનો વેરો ભર્યો. કરવેરાના કાયદાના છીંડાનો એ પૂરો લાભ ઉઠાવતી હોય છે. ૨૦૦૬માં એણે બ્રિટનનો વેપાર લક્ઝમબર્ગમાં તબદીલ કર્યો અને બ્રિટનનો વેપાર માત્ર “ઓર્ડર ફુલફિલમેન્ટ” હોવાનું જાહેર કર્યું. લકઝમબર્ગના કાર્યાલયમાં માત્ર ૩૮૦ કર્મચારી અને બ્રિટનમાં ૨૧,૦૦૦. માંડો હિસાબ. “અમે નોકરીઓ આપીએ છીએ”ના બહાના હેઠળ એ લોકો રાજય પાસેથી મસમોટી સબસીડી પડાવે છે પણ એ લોકો નવી નોકરી પેદા કરવાને બદલે બીજી સારી નોકરીઓનો ફેરબદલો માત્ર કરે છે.


શ્રી જગદીશ પટેલના વિજાણુ સંપર્કનું સરનામું:  jagdish.jb@gmail.com  || M-+91 9426486855

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *