વનસ્પતિનું “ બીજ ” – કુદરતનું અદભુત સર્જન !

Facebooktwitterredditpinterestlinkedinmail

હીરજી ભીંગરાડિયા

કોઇ એન્જિનિયર, આર્કીટેક, ડીઝાઇનર કે મોટા શિલ્પકાર-ચિત્રકારને ગમે તેટલી નવા નવા ઘાટ-આકારની રચનાઓ બનાવવાની કહી હોય તો પોતાની આશ્ચર્યજનક કળા દેખાડી આપે છે. પણ એમની કલ્પનાનીયે એક મર્યાદા આવી જવાની. કોઇને કોઇ જગ્યાએ એમનો ઘાટ બેવડાઇ જવાનો ! જ્યારે આ કુદરતને કેવડો મોટો કલાકાર ગણવો, કે જેણે અબજો અબજોની સંખ્યામાં ઘડેલા માનવીઓમાં બે માણસોના અવાજની વચ્ચેય સામ્ય રાખ્યું નથી !

શારીરિક ખોડ-ખાંપણ ધરાવતી વ્યક્તિને બાદ કરતાં તમામ માનવીને બે હાથ, બે પગ, બે કાન, બે આંખો, અરે ! અંદરનાં મગજ, હ્યદય, આંતરડાં, ફેફસાં, કીડની જેવા ભાગો-બધું જ સમાન ! પણ ચહેરો જૂઓ તો કોઇનો એક નહીં ! દૂરથી છેતરાઇ જઈએ કે આ તો મારો ભાઇ રામજી જ હાલ્યો આવે છે ! પણ સાવ પાસે આવતાં ખ્યાલ આવે કે આ તો રામજી નથી, પણ એના જેવો દેખાતો બીજો કોઇ જણ છે 1

અને મિત્રો ! માત્ર માણસોને જ ઘડવામાં આવી કારીગરી કુદરતે કરી છે એવું નથી હો ભૈ ! ધરતી પરની ભૂચર, જલચર, ગોચર જેવી બધી જ જીવસૃષ્ટિ ઉપરાંત વનસ્પતિ સૃષ્ટિ સુધ્ધાંની દેખાતી સમાનતામાં એણે ભારોભાર વિવિધતા ભરી દીધી છે. જરા નજર કરો ! તલ-મગ કે મગફળી, સાગ-સિસમ કે ખેર, આંકડો-બાવળ કે કેરડા-કેતકી હોય કે હોય ભલેને હાથલિયો થોર કે આંબો-વડલો ! અરે, ખરખોડી-લાંપડું કે લજામણી-બધાં એક જ ‘વનસ્પતિ જગત’ માં સમાઇ જાય છે.

પણ જરા ઊંડા ઉતરીએ તો ?

પણ દરેકની લાક્ષણિકતા જાણવા જરા ઊંડા ઉતરીએ તો ખ્યાલ આવ્યા વિના નહીં રહે કે પ્રકૃતિએ બધાના રંગ, રૂપ, દેખાવ, આયુષ્ય, સ્વભાવ, એના ઉગવા-વધવાની રીત, જરૂરિયાતો અને અન્યને ઉપયોગી થવાના તરીકા તથા સંકટ સામે ઝઝૂમવાની તાકાત-બધું જ દરેકને અલગ અલગ પ્રકારનું દીધું છે. વધુમાં વિચારીએ તો પૃથ્વી પરના તમામ જીવોની ઉત્પતિ, સ્થિતિ અને લયના નેટવર્કની કુદરતી ગોઠવણને સમજવામાં ગહન તત્વજ્ઞાન પણ ઊણું પડ્યું છે. એની અપરંપાર કળાને જાણવાના પ્રયાસો માનવીને અખૂટ આનંદ આપતા રહ્યા છે.

જીવમાત્રમાં મૂકેલી જિજીવિષા : 

કુદરતે દરેક જીવમાં જેમ પોતાનો વંશ ચાલુ રાખવાની જિજીવિષા મૂકી છે, તેવી જ વનસ્પતિ જગતમાં પણ મૂકેલી છે. હરતાં-ફરતાં-ચાલતાં જીવો જેવી એ સ્પષ્ટ ન દેખાતી હોવા છતાં તે કેટલી રસપ્રદ છે તેની આપણે અહીં વાત કરવી છે.

ભેજયુક્ત ખોરાકની શોધ અને પ્રતિકૂળ પરિસ્થિતિ સામે પણ છેલ્લા શ્વાસ સુધી ટક્કર લેવાની વૃત્તિ પાછળ વનસ્પતિનું એક માત્ર ધ્યેય પોતાનો વંશ ટકાવી રાખવાનું હોય છે. ટુંકું જીવન ધરાવતી વનસ્પતિમાંયે પોતાનો દેહ પડે તે પહેલાં તરતમાં નવી પેઢીના બાળભૃણ બનાવી લેવાની વેતરણ પ્રબળ હોય છે.

વનસ્પતિનું વામન રૂપ બાળભૃણ [બીજ] : 

આપણે જોયું છે કે મોટાભાગની વનસ્પતિઓમાં દાણા-બીજ પરિપક્વ ન હોય ત્યાં સુધી તે વનસ્પતિદેહનો એક ભાગ જ ગણાય. એટલે છોડ સાથેનું એનું વળગણ પણ અતૂટ હોય છે. પણ જેવાં બીજ પરિપક્વ થયાં કે બસ ! છોડ સાથેનું એનું બંધન ઢીલું પડે અને ઝાડ-છોડ એના બીજને પોતાનાથી અલગ કરી સ્વતંત્ર જીંદગી શરૂ કરાવે છે. જેમ ગર્ભમાંના બાળકનો પૂર્ણ વિકાસ સધાતાં મા તેની સાથેના નાળનું બંધન તોડી, ગર્ભાશયથી બહાર મોકલી, સ્વતંત્ર જીંદગી શરૂ કરાવે છે, બસ તેના જેવું જ !

પ્રકૃતિની ચીવટ : 

હવે તમે જૂઓ ! માનવબાળ તો શું, પશુ-પક્ષી સુધ્ધાંમાં તેનું બચ્ચું આપમેળે ખાતું-પીતું ને સ્વતંત્ર રીતે વિચરતું ન થઈ જાય ત્યાં સુધી “મા” [કોઇ કોઇમાં ‘બાપ’ પણ ] તરફથી હુંફ, હોંકારો, ખોરાક, સહવાસ, શીખ, સંસ્કાર મળ્યાં કરતાં હોય છે, જેથી બચ્ચું એક નિશ્ચિત ઘરેડમાં પલોટાઇ જાય છે. જ્યારે વનસ્પતિબાળને તો બીજ રૂપે પરિપક્વ થયા ભેળું માતૃછોડથી અલગ થઈ જવાનું હોય ! પરિણામે એને માતાનો એક પણ આદેશ કે શીખ પછીથી મળી શકતાં નથી. પણ તેની વ્યવસ્થા પ્રકૃતિએ જે કરી રાખી છે તે અદભૂત છે. આ માટે બીજને ભવિષ્યમાં વનસ્પતિ બનવાનો વારો આવે ત્યારે કેવા કેવા સમયે કેમ કેમ વર્તવું તેની સમજણ જ્યારે બીજ બની રહ્યું હોય તે સમયે જ તેનામાં પ્રકૃતિએ સિંચી દીધેલ હોય છે.

બીજને ગર્ભાવસ્થામાં જ મળેલી પ્રેરણા:

આધાર, ભેજ, હવા અને ઉષ્મા જેવી અંકુર ફૂટવાની અનૂકુળતા ઊભી થતાં વેંત બીજના સુશુપ્તાવસ્થામાં પડી રહેલ હ્યદયસમા ભાગને અંકુરણરૂપે જાગૃત કરવો, તથા આ અંકુરણને ઊંચે આકાશ તરફ વર્ધન કરાવવાનું અને એને માટે જરૂરી ખોરાક શોધવા નીચેની બાજુ મૂળિયાં પ્રગટાવી, ચોતરફ પ્રસરાવવાના કામ ઉપરાંત, એ મૂળિયાં ખોરાક પકડી ઉપર અંકુરણને મોકલતા ન શીખે ત્યાં સુધી બીજમાં પોતામાં સંગ્રહાઇ રહેલ ખોરાક દ્વારા અંકુરણના દેહનો વિકાસ કરતો રહેવો” એવા બીજને મળેલા પ્રકૃતિના આ આદેશ અનુસાર ‘દ્વિદળ’ વર્ગના મગફળી, કપાસ, વાલ,વટાણાં, દૂધી, તૂરિયાં, આંબો, સાગ, રીંગણી-મરચી જેવાના છોડવામાં ઉગતાવેંત સ્પેશ્યલ ઘાટના ‘પ્રાથમિક પાદ’ નું રૂપ લઈને અંકુરણની સાથોસાથ બહાર આવતા બન્ને દળો –અંકુરણ માટેના ખોરાકી જથ્થાના મીની ગોડાઉન જ છે. શરૂઆતનો ખોરાક એ પૂરો પાડે છે. એની અંદરનો ખોરાક ખૂટી પડતાં એ ખરી પડે છે. પણ ત્યાં તો નીચેના મૂળ છોડ માટે કાર્યરત થઈ ગયાં હોય છે.

અને એવું જ ‘એકદળ’ વર્ગના જુવાર, બાજરા, મકાઇ, ઘઉં, ઓટ, ડાંગર, વાંસ, ખલેલાં જેવામાં આવાં બીજનાં બે ફાડિયાં બહાર એટલામાટે નથી આવતા કે એ બીજને બે દળ હોતા નથી. આવા બીજનું માત્ર ‘સૂયા’ સ્વરૂપે અંકુરણ બહાર આવે અને નીચે મૂળ મૂકવાની પ્રક્રિયા શરૂ કરાવી, બીજનો દેહ વચ્ચે જ પડ્યો રહી, બન્ને બાજુ મદદ કરતા રહી, છોડવો જ્યારે સ્વતંત્ર જીંદગી શરૂ કરે એટલે પોતે જમીનમાં જ ખોખું થઈ જઈ માટીમાં મળી જાય છે.

ગુપ્ત આદેશ :

આપણા માટે એ જાણવું વધુ જરૂરી છે કે આ તો માત્ર પ્રકૃતિ તરફથી બીજને મળેલો પ્રાથમિક આદેશ છે. બીજને ફરજપાલનના ખાસ આદેશ તો એ જ્યારે વિકસિત વનસ્પતિ સ્વરૂપે પરિવર્તિત થઈ, ધરતી પર કાઠું કાઢે ત્યારે પાળવાના શરૂ થાય છે. તેણે શું થવાનું છે ? કેટલો સમય ટકવાનું છે ? ઉત્પાદનના કેવા સ્વરૂપે બીજા જીવોની સેવા કરવાની છે ? અને એ માટે ગમે તેવી વિકટ પરિસ્થિતિઓમાં ઝઝૂમતા રહી, અંતે નવી પેઢી માટે બીજ તૈયાર કરી લેવા સુધીના આદેશોનું લાંબુ લીસ્ટ આ નાનકડી આદેશ પાલન કરનારી “ એસ.આર.પી.” રંગસૂત્રોની જોડીઓને પ્રતિજ્ઞા સાથે પાળવાનું અપાયેલ હોય છે. ……..આપણે વધુ વિગતો જાણીશું આ જ લખાણના બીજા ભાગમાં.

આદેશ પ્રમાણે અમલ :

ગર્ભાવસ્થામાં જ અભિમન્યુની જેમ મળેલી કોઠાવિદ્યા પ્રમાણે વનસ્પતિનાં બીયાં મહાભારતનું યુદ્ધ લડતાં ભળાય છે. જમીન એની એ, પાણી એનું એ, અને હવા અને સૂર્યપ્રકાશ પણ સાવ સરખાં જ ! છતાં બીજ બદલાયું ? તો ઉપજ-નિપજનો પ્રકાર, જથ્થો, સ્વાદ બધું બદલી જાય. રાજગરો, ખસખસ, નીલગીરી અને મરઘામાંજર, અરે ! વડ, પીપર, પીપળ કે ઉમરો-બધાંનાં ચપટી ચપટી બીજ લઈ વાટકીમાં ભેળવી દીધા હોય તો દેન નથી કે મારા-તમારા જેવા આસાનીથી દરેકને જુદા તારવી શકે ! પણ એ બધાં બીયાંને જો જમીનમાં ઉગાડ્યા હોય તો બીજ પોતે જ તેનું પોતાપણું પડકારો કરીને પ્રગટ કરી દેતું હોય છે. રાજગરામાંથી બને છે લાલ-પીળા પાનવાળો છોડ-ને એનાં બીયાં બને ઉપવાસીનું ફરાળ. જ્યારે ખસખસમાંથી જે બને છોડ- એની અસર ? માણસની મતિ મૂંઝવી દે તેવી અફીણી, બોલો ! નીલગીરીનાં બીજ બનાવે છે મોટું તોતીંગ ઊંચું ઝાડ, જ્યારે મરઘામાંજરમાંથી બને છે આંગણબાગનો રેશમિયો ફૂલછોડ ! વડ, પીપર કે ઉમરા-પીપળાના બીયાંમાંથી બને છે ઘેઘૂર મોટાં ઘટાદાર ઝાડવાં ! કહો, પ્રકૃતિની કળા કોઇ પામી શક્યું છે ખરું ?

બીજની આપણાંથીયે અજાણી રહેતી ફરજો : 

આપણને નજરે ન દેખાય કે એને જોયે ન કળી શકાય તેવા કેટલાક ગુપ્ત ગુણો પણ બીજની અંદર પ્રકૃતિએ ઠાસી ઠાંસીને ભરી દીધેલા છે, જેની જાણકારી આપણ ખેડૂતને હોય તો તેની સાથેના વર્તન વ્યવહારમાં વધુ ઉપયોગી બની રહે છે. દા. ત……….

સ્ફૂરણ બાબતે : 

[1]…..તલ, મગ, વરિયાળી, જીરુ-ઘઉં, જુવાર-બાજરો, ગુવાર વગેરેને સડે કે બગડે નહીં તે રીતે સાચવી શકીએ તો બે ત્રણ વરસ સુધી એની સ્ફૂરણશક્તિને આંચ આવતી નથી. અરે ! રજકાના બીજને તો ઉપરથી પોણો દાયકો ભલેને પસાર થઈ જાય ! ઊગવા બાબતે એનો ઊજાગરો નહીં !

[2]……..પણ ડુંગળી અને ગાજરને પાક્યા પછી જો ઉપરથી માત્ર નવ જ માસ વીતી ગયા ? વાત ગઈ ! હવે ઊગવા બાબતે એને નહીં ચીંધવાનું ! એમ તો મગ, અડદ, મઠ, ચોળા, તુવેર-વાલની જેમ સોયાબીન પણ ગણાય કઠોળ જ ! બીજાં બધાંને બે-ત્રણ વરસ વાંધો નહીં, જ્યારે સોયાબીન સ્ફૂરણ બાબતે સાવ મુંઝાતલ ! પહેલે જ ચોમાસે વાવ્યું તો ઊગે બરાબર-સોએ સો ટક ! પણ ઉપરથી એક ચોમાસુ ઉતરી, બીજે ચોમાસે જો વાવ્યું ? તો સોમાંથી એક પણ દાણો ન ઊગે એનો માઠો અનુભવ અમને થઈ ચૂક્યો છે.

[3]……..સમેરુ નામનો એક નિંદણનો છોડ, એનાં બીજ ભૂખલ્યે ચોમાસે ઊગે જ નહીં બોલો ! ઉપરથી ભલેને સાત સાત ચોમાસા વહી નીકળે ! જે વરસે હરેડ ચોમાસું થાય, તે વરસે એટલા ઊગી નીકળે કે અંદર વાવેલ સેમર જુવાર જેવા પાકને પણ દબાવી મારે ![4]………ફળઝાડોમાં પણ જોયું છે કે મોટાં ભાગના ફળોનાં પરિપક્વ બીયાં વરસ દાડા પૂરતી તો સ્ફૂરણ તાકાત જાળવે જ ! પણ પાછા લીમડા કે લીંબુને ઉગાડવા બાબતે એવા વહેમમાં રહી ગયાતો માર્યા જઈએ ! લીંબું અને લીમડાના બીજ તૈયાર થયાના બે કે ત્રણ મહિનામાં જ ઊગાડી દઈએ તો હોંકારો સારો મળે. પણ 7-8 મહિને એની એ શક્તિ મરી પરવારે.

પરિપક્વતા બાબતે :

ઘઉં, બાજરો, જુવાર, કાંગ કે કોદરા, મગ, મઠ કે મેથી-ગુવાર વગેરેને તેના શીંગ, ઉંબી કે કરહડા-ડૂંડામાંથી દાણા અલગ કરવા થ્રેસર ચાલુ કરવું હોય તો તડકામાં તપેલા હોય તો ખળું લેવામાં સારો ઉકેલ પડે. આપણે મગ, મેથી, જીરુ, ગુવાર, સોયાબીન, ધાણા જેવાની કાપણીનો સમય પણ દાણા ઓછા ખરી પડે એ માટે ઠંડા પહોરનો જ પસંદ કરીએ છીએ ને ? પણ સરકસનો સાતમો ઘોડો જેમ સૌથી ઊંધા ચકરડે દોડે, તેવોય પાલતુપાક આપણી પાસે પણ એક છે, કે જેની ઉંબીનાં બીજકવરનાં મોઢાં તડકામાં ખૂલવાને બદલે ઊલટાના બીડાઇ જાય ! એટલે એની કાપણીનું કામ તડકામાં જ કરવું પડે ! અને ખળું લેવુ હોય ત્યારે પસંદ કરાય ટાઢા પહોરની વેળા બોલો ! આ પાકની ઓળખાણ પડી ? ઇ છે આપણું ઇસબગૂલ !

ફળોમાં પક્વતા બાબતે સીતાફળ, જામફળ, કેરી, ચીકુ, કેળાં, પપૈયાં જેવાં મોટાભાગનાં ફળો થોડા ‘વનપક’ ઉતારી લઈએ તો ધીરે ધીરે તેની અંદરની પ્રક્રિયા પાકવા બાજુ આગળ વધે. તેનામાં પીળપ અને પોચાપણું વધે, સુગંધ પ્રસરે અને સ્વાદ-ગળપણ બધું વધતું રહે. પણ આવો ‘વનપક’ ઉતારવાનો પ્રયોગ જો દ્રાક્ષમાં કર્યો હોય તો સિંદરી બળી જાય તોય વળ ના છોડે તેમ દ્રાક્ષની ઉતારેલી લૂમ પરથી જેમ જેમ દિવસો જાય તેમ તેમ, તેણે શિણાઇને સુકાઈ જવું કુરબાન ! બાકી ખટાશ છોડે તો એને દ્રાક્ષ કહેવી કેમ ? આમ બીજે બીજે સ્વભાવ જુદા જુદા છે.

બીજની અજાયબીનો પાર નહીં :

નીરિક્ષણમાં પકડાયું છે કે લીંબુડી, સીતાફળી, દાડમી, આંબામાં ડાળીઓની જૂની ફૂટ્યમાં ફાલ વધુ બેસે. જ્યારે બોરડી, જામફળી અને સરગવામાં નવી ફૂટ્યમાં બેસે બોલો ! કપાસ, ભીંડા,સીતાફળી, જામફળી જેવામાં એક જ ફૂલમાં નર અને માદા બન્ને અવયવો હોય, તો વળી બોરડી, લીંબુડી, દાડમી, આમળી, અરે ! મકાઇ, દૂધી, તુરિયાં, કારેલાં, તરબૂચ, ચીભડાં જેવામાં નર અને માદાના ફૂલો જ જુદાં જુદાં ! તો વળી ટીંડોરાં, કંકોડાં, ખલેલાં, જોજોબા જેવામાં નર-માદાના છોડવા અને ઝાડવાં જ નોખનોખાં ! બીજની અજાયબી તો જૂઓ ! જ્યાં ફૂલ હોય ત્યાં જ ફળ લાગેને ? મોટા ભાગે એવું હોય. પણ એવું નયે હોય, એવું બીજ વનસ્પતિ પાસે છે ભાઇ ! મગફળી ફૂલ ખીલવે ઉપર, અને ફળ સંગ્રહી દે જમીનમાં ! કહેવું પડેને બીજની આવી વિચિત્રતાઓનું !

મોટાભાગનાં ફળઝાડોમાં પ્રથમ ફૂલની કળી દેખાય, પછી ખીલેલાં ફૂલો દેખાય, નાનાં બચ્ચાંરૂપ ફળના આકાર દેખાય અને જોતજોતામાં કળીમાંથી ફળ બની કદમાં મોટું મોટું થતું ભળાય. જ્યારે આમળામાં ? આમળામાં ફૂલો ખીલે ફેબ્રુ-માર્ચમાં અને ફળો દેખાય છેક ઓગષ્ટમાં ! એપ્રિલ, મે, જૂન અને જુલાઇ ચાર માસ આમળાનું ભૃણ સૂઇ જાય-પડી રહે સુષુપ્તાવસ્થામાં ! આપણે ગમેતેટલાં ખાતર, પાણી, માવજત આપીએ એ બાબત એના મનમાંયે નહીં ! પણ જેવો ઓગષ્ટ આવ્યો ? કે આળસ મરડીને થઈ જાય બેઠું ! મગ જેવડા, ચણા જેવડા ને જોતજોતામાં એક-દોઢ માસમાં પોણા ભાગનું કદ પકડીલે ફળો ! જૂઓ તો ખરા, આમળાના બીજની વળી આવી સાવ નોખી રીતભાત !

બીજ એટલે બીજ ! એને નજરે જોયે ખબર ન પડે કે એનો આંતરિક સ્વભાવ કેવો હશે ? એકને વાવીએ તો છોડ થાય, અને બીજાને વાવીએ તો થાય લાંબો લાંબો વેલો ! વેલા વેલામાંય પાછો ફેર પાર વગરનો હો ! દૂધી, કારેલાં, ગલકાં, ચીભડાં બધાંને ફૂલો હોય તે ઠેકાણે જ ફળો લાગે, જ્યારે શકરિયાંને ફૂલો ઊઘડે ઉપર, ને ફળ બેસે ભોંયની અંદર ! ખરખોડી ને પોઇ-બીજમાંથી બનેલા વેલા ખાવામાં કામ લાગે, તો કાંચકીના બીજનો વેલો અંગે બને કાંટાવાળો-વાડમાં વસી વાડીનું રખોપું કરે એવો ! તમે જ કહો, ‘લજામણી’ને કેવી લજ્જાળુબાઈ ગણવી કે તેની નજદીજ જઈ, જરીકે અડી જવાયું તો લજવાઇને એવી રિસાઇ જાય કે પાંદડાં બધાં કરી દે ભેળાં ! એ જોઇ આપણેય ભોંઠા પડી જઈએ લ્યો ! શેઢે-પાળે કે વાડ્યે આંટો મારતાં ક્યાંયથી ‘ખાજવણી’ ઝપટે ન ચડી જાય તે જો જો ! નહીં તો ખજવાળી ખજવાળી નાની યાદ કરાવી દે એવો આદેશ આપ્યો છે છોડવાને એના બીયાંએ ! બોલો ! કોની સાથે કેમ કામ લેવું-એ બાબતે જો ખબર નહીં રાખીએ તો ક્યારે ઊંધુ-ચત્તુ થઈ બેસશે તે અંગે કંઇ કહેવાય નહીં !


સંપર્ક : હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com


સંપાદકીય નોંધ – અહીં દર્શાવેલ પ્રતિકાત્મક ચિત્રો નેટ પરથી સાભાર લીધેલ છે.

2 comments for “વનસ્પતિનું “ બીજ ” – કુદરતનું અદભુત સર્જન !

  1. Purvi
    December 25, 2019 at 3:16 am

    Maja psi gai, Adbhut adbhut

  2. vimala Gohil
    December 26, 2019 at 1:41 am

    બીજ અજાયબીની અજબ – ગજબ વાતો, મોજ કરાવી ગઈ .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *