સમયચક્ર : કુદરતની અણમોલ ભેટ : નાળિયેરી

Facebooktwitterredditpinterestlinkedinmail

માવજી મહેશ્વરી

વિશ્વની દરેક પ્રજા કોઈને કોઈ ફૂલ કે ફળને ઈશ્વર સાથે જોડતી આવી છે. ભારતમાં આમ તો અનેક પ્રકારના ફળ થાય છે અહીંની હિન્દુ પ્રજાએ પોતાની શ્રધ્ધાને નાળિયેર સાથે જોડી રાખી છે. આજે પણ શાસ્ત્રીય પૂજાવિધિ શ્રીફળ વિના અધૂરી રહે છે. સમુદ્રના ખારા પાણીનું પાડોશી આ ફળ તેના મીઠા પાણી માટે લોકપ્રિય છે. તબીબી શાસ્ત્રે પણ નાળિયેરના પાણીની શુધ્ધતા ઉપર મહોર મારી છે. સામાન્ય માણસ ભલે નાળિયેરને ધાર્મિક દષ્ટિએ જોતો હોય પરંતુ ભારતના અર્થતંત્રમાં નાળિયેર ખાસ્સો એવો હિસ્સો રોકે છે.


નાના છોકરાઓ ચિત્ર દોરવાની શરુઆત કરે ત્યારે અન્ય કોઈ વૃક્ષ દોરે કે ન દોરે પણ પણ ડુંગર અને નાળિયેરીનું વૃક્ષ અવશ્ય દોરશે. એક અર્થમાં નાળિયેરીનું ચિત્ર બનાવવું સહેલું પણ છે. કારણ કે જગતના તમામ વૃક્ષોમાં તેની ઊંચાઈ અને દેખાવને કારણે તે અલગ પડી જાય છે. વિશ્વના મોટાગજાના છબીકારો અને ચિત્રકારો પણ દરિયાકાંઠે ઊભેલી નારિયેરીના સૌંદર્યને અવગણી શક્યા નથી. સાગરકાંઠાઓ નારિયેરીના વૃક્ષોને કારણે જ વધુ દર્શનીય બન્યા છે. નારિયેરીનું વૃક્ષ અને સાગરકાંઠાને નાળ સંબંધ છે. દરિયો નાળિયેરી વગર અધૂરો છે અને નાળિયેરી દરિયાના ઘૂઘવતા મોજાં વગર સુની પડી જાય છે. જમીની વિસ્તારમાં ઊગેલાં નાળિયેરી નાં વૃક્ષો એટલા શોભતા નથી જેટલા દરિયાકાંઠે શોભે છે. વિશ્વમાં નાળિયેરીના છોડ પહોંચાડવાનું કામ પણ સાગરની લહેરોએ જ તો કર્યું છે.

જગતની તમામ પ્રજાઓ માટે એકાદ ફળ કે ફૂલ વિશેષ હોય છે. ભૂમધ્ય સાગરની આસપાસ આવેલા દેશો જેતુન ( ઑલીવ )ના વૃક્ષને પૂજનીય માને છે. આરબ પ્રજા માટે ખજૂર પવિત્ર વૃક્ષ છે. એવી જ રીતે ભારતની હિન્દૂ પ્રજાએ નાળિયેરીના વૃક્ષને સન્માનનો દરજ્જો આપ્યો છે. જોકે ભારતમાં ધાર્મિક દષ્ટિએ આંબો, પીપળો તુલસીનો છોડ પણ પૂજનીય ગણાય છે. પણ પૂજાવિધીમાં નાળિયેરીનું ફળ ખાસ મહત્વ ધરાવે છે. નાળિયેર અબોટ ફળ પણ ગણાય છે. તેને હવા, પ્રકાશ કે અન્ય કોઈ સ્પર્શ થયેલો હોતો નથી. તબીબી શાસ્ત્ર પણ આ વાતે સહમત છે. ભારતીય માન્યતા અનુસાર નાળિયેરીના સર્જક વિશ્વામિત્ર ઋષિ છે. રાજા ત્રિશંકુને સદેહે સ્વર્ગમાં પ્રવેશ કરવાના સમયે આ વૃક્ષ પૃથ્વી ઉપર આવ્યું એવું મનાય છે. એક માન્યતા એવી પણ છે કે ભગવાન વિષ્ણૂ ધરતી ઉપર ત્રણ ચીજો લાવ્યા. જેમા એક નારીયેળ પણ હતું. એટલે જ તેને શ્રીફળ પણ કહેવાય છે. હિંદૂ ધર્મમાં એક માન્યતા એ પણ છે કે નાળિયેર બીજરૂપ હોવાથી સ્ત્રીઓએ પોતાના હાથે શ્રીફળ ફોડવું જોઈએ નહીં. જે હોય તે પણ ગર્ભવતી સ્ત્રીને નાળિયેરનો સુકો ગર્ભ ( ટોપરું ) અને ગોળ ખવડાવવાથી આવનાર બાળક તંદુરસ્ત રહે છે એવી પણ માન્યતા છે. વૈદ્યો પણ નાળિયેરને પ્રજનનન ક્ષમતા સાથે જોડે છે. ભારતમાં ભાગ્યે જ એવું મંદિર હશે જેમાં નાળિયેર વધાવાતું ન હોય. મંદિરોમાં નાળિયેરના કારોબારના બીજાં પાસાં પણ છે. દક્ષિણ ભારતના મંદિરોમાં નાળિયેરના વેપારનો સૌથી મોટો કારોબાર ચાલે છે. તેમ છતાં ભારતમાં જ પાંગરેલા શીખ ધર્મમાં પ્રસાદ કે ફૂલ ચડાવવાની પ્રથા જ નથી. તેનું વૈજ્ઞાનિક સત્ય એ પણ છે કે રાંધેલા અન્ન, મીઠાઈ, નાળિયેર અને ફૂલ વગેરેમાં પાણી અને તૈલી પદાર્થો હોય છે. જે સમય જતાં સડે છે. જેના કારણે હવામાં વિષાણૂ ફેલાવાની શક્યતા રહે છે. જ્યાં નાળિયેર વધારે માત્રામાં વધેરાતા હોય છે ત્યાં અમુક જાતની દુર્ગંધ આવતી હોવાનું સૌએ અનુભવ્યું હશે.

નાળિયેરીના વૃક્ષના જન્મપ્રદેશને લઈને આજે પણ વનસ્પતિ શાસ્ત્રીઓ વચ્ચે મત મતાંતર છે. મોટાભાગના જાણકારો માને છે કે નાળિયેરી ગંગાના મુખત્રિકોણ પ્રદેશનું વૃક્ષ છે. તો કેટલાક અભ્યાસુઓનું માનવું છે કે મૂળે પેસેફિક મહાસાગરનો પશ્ચિમી કિનારો આ વૃક્ષનું જનમ સ્થળ છે. પરંતુ ભારતમાં જે રીતે નાળિયેરીનું વૃક્ષ અને તેનું ફળ પ્રજાના જીવન સાથે વણાયેલું છે તે જોતાં આ વૃક્ષ મૂળે ભારતીય હોવાનું વધુ લાગે છે. ભારતમાં નાળિયેરીનો લેખીત ઈતિહાસ બે હજાર વર્ષ જૂનું છે. પ્રાચિન તમીલ ગ્રંથોમાં પણ નાળિયેરીના વૃક્ષના ઉલ્લેખો જોવા મળે છે. જોકે દક્ષિણ ભારતમાં નાળિયેરીના વૃક્ષને ત્યાંની પ્રજાનું કલ્પવૃક્ષ ગણે છે. આજે પણ ભારતમાં નાળિયેરીના ઉત્પાદનમાં દક્ષિણના રાજ્યો મોખરે છે. નાળિયેરીનું શાસ્ત્રીય નામ કોકોસ ન્યુસીફેરા ( Cocas nucifera ) છે. સંસ્કૃત નામ નાલિકેર છે. તેનું અપભૃંશ બાંગ્લા નામ નારીકેલ બન્યું અને એ જ શબ્દ હિન્દીમાં નારિયલ તરીકે વપરાતો થયો. ગુજરાતી ભાષાનો વ્યંજન ળ મરાઠી ભાષાની દેન છે. મરાઠી ભાષામાંથી જ નાળિયેર શબ્દ આવ્યો છે. ગુજરાતી ભાષાની વિશેષતા કહો કે બીજું કંઈ કહો. તેણે વૃક્ષ અને તેના ફળને પુલ્લીંગ અને સ્ત્રીલિંગમાં ફેરવ્યા છો. જેમ કે ચીકુડી એટલે વૃક્ષ અને ચીકુ એટલે ફળ. એવી જ રીતે જામફળ અને જામફળી, ખારેક અને ખારેકડી, સીતાફળ અને સીતાફળી. અહીં એક જુદો પણ રસપ્રદ મુદ્દો છે કે આંબો પુલ્લીંગ શબ્દ હતો એટલે તેના ફળને કેરી એવું નારીવાચક નામ આપી દેવાયું. જે આંબાના પ્રાસ સાથે કોઈ જ મેળ ખાતો નથી.

નાળિયેરીને કોઈ કલ્પવૃક્ષ કહે તો એમાં અતિશયોક્તિ પણ નથી. કારણ કે નાળિયેરીનું વૃક્ષ જીવનની પ્રાથમિક જરુરીયાતો પુરી કરી શકે છે. તે ખોરાક આપે છે, પાણી આપે છે, તેના રેસામાંથી વસ્ત્રો બનાવી શકાય છે તેમજ ઘર બનાવવા માટે પણ તે ઉપયોગી છે. નાળિયેરના ઉત્પાદનમાં ભારતનો ક્રમ ત્રીજો છે. જોકે નારીયેળ એક એવું ફળ છે જેના કાચા અને પાકા ફળ સાવેય જુદાં હોય છે. એના આકાર અને રંગ પણ બદલી જાય છે. અન્ય ફળોમાં એવું થતું નથી. લીલા નાળિયેરનું પાણી આરોગ્ય માટે ઉત્તમ તેમજ શુધ્ધ મનાય છે. બીજા વિશ્વયુધ્ધ દરમિયાન કોલકાતામાં ઘાયલ સિનિકોની સારવાર દરમિયાન ડીસ્ટેલ વોટર ખુટી પડતાં સૈન્યના એક તબીબે ઈશ્વરને યાદ કરી નારીયેળના પાણીનો પ્રયોગ કર્યાનું કહેવાય છે. વચ્ચે એ પ્રયોગ સફળ રહ્યો હતો. પરંતુ આજનું તબીબી શાસ્ત્ર આ પ્રયોગને જોખમી ગણાવે છે. જે સાચું પણ છે. નાળિયેર પાણી પીવાના શોખીનોએ એટલું યાદ રાખવું જોઈએ કે નાળિયેર કાપ્યા પછી તરત પીવામાં ન આવે અથવા તેના ઉપર તડકો પડે તો તે પાચનક્રિયામાં અવરોધ પેદા કરી શકે છે. નાળિયેરી તાડકૂળનું વૃક્ષ છે. આ વૃક્ષને અન્ય વનસ્પતિ કરતાં વધારે માત્રામાં સુર્ય પ્રકાશની જરુર પડે છે. પરંતુ તેના પાણી કે રસ ઉપર સીધો તડકો પડે તો તેમાં રાસાયણિક ફેરફાર થવા માંડે છે. નાળિયેર વિશ્વમાં તેના તેલ થકી વધુ ઊપયોગી માનવામાં આવે છે. સદીઓથી વાળ અને ચામડીને સ્વસ્થ રાખવા માટે ભારતમાં તેનો ઉપયોગ થતો રહ્યો છે. ઉપરાંત સાબુની બનાવટમાં અને અનેકજાતના સૌંદર્ય પ્રસાધનોમાં તેનું તેલ વપરાય છે. દક્ષિણ ભારતમાં રસોઈમાં પણ નાળિયેરના તેલનો ઉપયોગ થાય છે.

વિશ્વ કક્ષાએ આ વૃક્ષના ફળનું તેલ ઔદ્યોગિક એકમોમાં વિવિધ પ્રકારે વપરાય છે. રંગ તેમજ વાર્નીશ બનાવવા માટે નારિયેળના તેલનો ઉપયોગ થાય છે. દુનિયામાં કોપરેલ તેલ એટલે કે નારિયેળના તેલનો સૌથી વધુ ઉપયોગ કરનાર દેશ ફીલિપાઈન્સ છે. નાળિયેરીનું વૃક્ષ એક અદભૂત વસ્તુ આપે છે તે છે કાથી. કૃત્રિમ રેસાની સરખામણીમાં કાથી એક કુદરતી નાશવંત રેસા છે. જે અજોડ મજબુતી ધરાવે છે. નાળિયેરીના મૂળ ટુથપેસ્ટ બનાવવા માટે પણ ઉપયોગમાં લેવાય છે. નાળિયેરી માનવજાતને મળેલી કુદરતની અનુપમ ભેટ છે. એટલે જ અજાણ્યા ટાપુઓ ઉપર ફસાઈ ગયેલા માણસો નારિયેળીને સહારે જ વર્ષો સુધી જીવતા રહી શક્યા છે.

**    **     **   ** 

શ્રી માવજી મહેશ્વરીનાં સંપર્ક સૂત્રોઃ ફોન નં. +૯૧ ૯૮૨૫૭૨૫૫૯૬ Email mavji018@gmail.com


સંપાદકીય નોંધ – અહીં દર્શાવેલ પ્રતિકાત્મક ચિત્રો નેટ પરથી સાભાર લીધેલ છે.


1 comment for “સમયચક્ર : કુદરતની અણમોલ ભેટ : નાળિયેરી

  1. Purvi
    December 24, 2019 at 8:38 pm

    Bahu saras

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *