ટાઈટલ મ્યુઝીક (૨૪) – છોટી બહન (૧૯૫૯)

Facebooktwitterredditpinterestlinkedinmail

બીરેન કોઠારી

અમુક ફિલ્મી ગીતો જે તે ફિલ્મોમાં ભલે કોઈ પણ પરિસ્થિતિમાં દર્શાવાયા હોય, તેની લોકપ્રિયતા અને પ્રસ્તુતતા અમુક વ્યક્તિ, મુદ્દો કે તહેવાર સાથે એવી સંકળાઈ જાય છે કે તેનો ફિલ્મ સાથેનો સંબંધ વિસરાઈને જે તે સાથે વ્યક્તિ, મુદ્દા કે તહેવાર સાથેનો બની રહે. ‘ઉપકાર’નું ‘મેરે દેશ કી ધરતી’ પંદરમી ઑગષ્ટના દિવસે રેડિયો પર ન આવે એ બને નહીં. હોળીના દિવસે ‘નવરંગ’નું ‘અરે જા રે હટ નટખટ’ ન આવે તો જ નવાઈ. એમ રક્ષાબંધનના દિવસે ‘ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના’ ન આવે તો અધૂરપ લાગે.

રેડિયો પર આ ગીત એટલી બધી વાર આપણે સૌએ સાંભળ્યું હશે કે હવે એ રેડિયો પર આવતું હોય તો સરખું ધ્યાન પણ કદાચ આપણે આપતા નહીં હોઈએ.

પણ શક્ય છે કે બે મિનીટની આ ટ્રેક સાંભળીને એવું બને કે આ ગીતની ધૂન મનમાં એવી ચોંટી જાય કે ખસવાનું નામ ન લે.

(એલ.વી.પ્રસાદ)

પ્રસાદ પ્રોડક્શન્સ નિર્મિત, એલ.વી.પ્રસાદ દિગ્દર્શીત ‘છોટી બહન’ ૧૯૫૯માં રજૂઆત પામી હતી. બલરાજ સહાની, શ્યામા, નંદા, રહેમાન, મહેમૂદ, શોભા ખોટેની તેમાં મુખ્ય ભૂમિકા હતી. હસરત જયપુરી અને શૈલેન્‍દ્રનાં ગીતોને શંકર-જયકિશને સ્વરબદ્ધ કર્યાં હતાં. કુલ આઠ ગીતો હતાં, જેમાં ફિલ્મનુંં શિર્ષક ગીત ‘ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના’ આનંદિત અને ઉદાસ એમ બે મૂડમાં છે. આ ગીત ઉપરાંત શૈલેન્દ્રે લખેલાં ગીતો હતાં- ‘બાગોં મેં બહારોં મેં ઈઠલાતા ગાતા આયા કોઈ’ (લતા), ‘બડી દૂર સે આઈ હૂં મૈં તેરા દિલ બહલાને’ (લતા), ‘મૈં રિક્શાવાલા, મૈં રિક્શાવાલા’ (રફી), અને ‘યે કૈસા ન્યાય તેરા’ (લતા). હસરત દ્વારા લખાયેલાં ગીતોમાં ‘ઓ કલી અનાર કી, ન ઈતના સતાઓ’ (આશા, મન્નાડે), ‘મૈં રંગીલા પ્યાર કા રાહી’ (સુબીર સેન, લતા) અને ‘જાઉં કહાં બતા એ દિલ’ (મુકેશ) નો સમાવેશ થાય છે. જોઈ શકાય છે કે આ ફિલ્મનાં તમામ ગીતો https://www.youtube.com/watch?v=tGdoBqni8Ws લોકપ્રિય હતાં, છતાં ‘ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના’ કંઈક વધુ પડતું ચલણી બની ગયું.

(ડાબેથી : શંકર, સુબીર સેન, જયકિશન)

આ ફિલ્મના ટાઈટલ મ્યુઝીકમાં શંકર-જયકિશને આ ગીતની ધૂનનો કમાલ ઉપયોગ કર્યો છે. બસ, આ જ કારણ છે તેની ધૂન મનમાં ચોંટી જવાનું. એક તરફ વાવાઝોડા સાથે ગરજતું તોફાન હોય, અને બીજી તરફ નાનકડો દીવો એ તોફાન સામે નિશ્ચલ રહીને પોતાનો શીળો પ્રકાશ પ્રસરાવ્યે જતો હોય એવું કંઈક ચિત્ર આ ટ્રેક સાંભળતાં મારા મનમાં ખડું થયું. વાવાઝોડું એટલે તંતુવાદ્યો અને ફૂંકવાદ્યોની ભરમાર, અને ટમટમતો દીવો એટલે ફ્લૂટનો એકલ સૂર.

આ ટ્રેકમાં 0.08થી ફૂંકવાદ્યો વડે ઉઘાડ થાય છે, અને 0.12 થી તંતુવાદ્યસમૂહ પ્રવેશે છે. વાવાઝોડા સમા આ આરંભ પછી 0.18થી ફ્લૂટ પર ‘ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના’ની ધૂન આરંભાય છે. તેની પછવાડે ખપ પૂરતું એકલ તંતુવાદ્ય હાજરી પુરાવે છે. આખી ટ્રેકમાં આ ગીતની પહેલી લીટીની જ ધૂનનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે એ સૌથી નોંધપાત્ર બાબત છે. 0.34 થી વળી પાછું વાવાઝોડું આવતું હોય એમ ફૂંકવાદ્યો અને પછી તરત તંતુવાદ્યસમૂહ રમઝટ બોલાવે છે. વળી પાછું વાવાઝોડું શમે અને 0.55 થી ફ્લૂટ પર ‘ભૈયા મેરે…’ની ધૂન. 1.11થી તંતુવાદ્યસમૂહનું ગર્જન શરૂ થાય છે અને 1.34 થી નિશ્ચલપણે ટમટમતા દીવા સમું એકલ ફ્લૂટ પર ‘ભૈયા મેરે…’ની ધૂનનું વાદન. અહીં સુધી એક ચોક્કસ લંબાઈના ટુકડાના વાદન પછી આ ટુકડાની લંબાઈ ઘટી જાય છે, જે અદભુત વિરોધાભાસ સર્જે છે.
1.51 થી તંતુવાદ્યસમૂહ અને 1.53 થી ફ્લૂટ, 1.55થી તંતુવાદ્યસમૂહ અને 1.58 થી ફ્લૂટ. 2.01થી તંતુવાદ્યસમૂહ અને 2.03 થી ફ્લૂટ. 2.05 થી તંતુવાદ્યસમૂહ અને 2.08થી ફ્લૂટ. 2.10 થી સળંગ તંતુવાદ્યસમૂહનું સમાપન સંગીત આરંભાય છે, જે અનેક ઉતારચડાવ પછી 2.23 પર પૂરું થાય છે.
અહીં આપેલી આખી ફિલ્મની ટ્રેકમાં 0.08 થી 2.23 સુધી ટાઈટલ મ્યુઝીક સાંભળી શકાશે.


(નોંધ: તસવીરો નેટ પરથી અને લીન્‍ક યુ ટ્યૂબ પરથી લીધી છે.)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

2 comments for “ટાઈટલ મ્યુઝીક (૨૪) – છોટી બહન (૧૯૫૯)

 1. December 23, 2019 at 9:41 am

  ટાઈટ્લ્સમાં શંકર જયકિશને ‘ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના’ નાં આનંડનું અને દુઃખનુમ એમ બે વર્ઝનમાંથી કરૂણ વર્ઝનને પણ હજુ વધારે ધીમી લયમાં રજૂ કરીને ફિલ્મનું હાર્દ આપણી સામે રજૂ કર્યું છે.

  ગીતના બોલના ભાગને ફ્લ્યુટના સ્વરમાં અને વાદ્યસંગીતને વાયોલિનસમુઅહના સ્વરમાં રજૂ કરવાની તેમની સૂઝ પણ દાદ માગી લે છે.

 2. Rajan Shah
  December 24, 2019 at 5:54 am

  Birenbhai This movie is favorite of my father .He fondly remind every time we listen songs from this movie that 5 songs from this movie played in”Binaca Geetmala” in same session in 1959.Thank you for nostalgic remainder.
  -Rajan Shah( Vancouver)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *