રામ – શત્રુનજરે શત્રુ

Facebooktwitterredditpinterestlinkedinmail

દર્શના ધોળકિયા.

જીવનના આરાધક રામ, શત્રુની ભૂમિકામાંય અક્ષુણ્ણ સાબિત થયા છે. શત્રુ રામનાં બેય પાસાં હૃદ્ય છે: શત્રુનજરે આલેખાતા રામ અને શત્રુ તરીકે વ્યક્ત થતા રામ.

દેખીતી રીતે તો રામે કોઈનીય સાથે શત્રુતા વહોરી નથી પણ સન્યોગોવશાત, ક્ષત્રિયધર્મી ને રાજા હોવાના નાતે રામને શત્રુઓનો સામનો કરવાનું આવ્યું છે. જીવનની તરુણાવસ્થામાં વિશ્વામિત્રની સાથે રહીને ઋષિઓના રક્ષણની જવાબદારી વહેતા રામે તાડકા ને મારીચ સાથે લડતાં લડતાં એક ક્ષણ પણ પોતાનું આભિજાત્ય ગુમાવ્યું નથી. શત્રુ રામની આ પ્રથમ ઓળખ છે. તાડકા સ્ત્રી હોઈ, એનો વધ કરતાં રામ ખિન્ન થયા છે. પણ સ્વધર્મના ભાગ તરીકે કરીને તેમને આ કૃત્ય બજાવવું પડ્યું છે.

રામના જીવનમાં શત્રુનું કામ કરનારું બીજું પાત્ર રામની માતા કૈકેયી જ બને છે કૈકેયી રામની શત્રુ નથી. અપરમાતા હોવા છતાં તે રામને ખૂબ ચાહે છે. રામના રાજ્યાભિષેકના સમાચારથી ઈર્ષ્યા અનુભવતી મંથરા કૈકેયીને રામવિરુદ્ધ ભંભેરે છે ત્યારનો કૈકેયીનો પ્રતિભાવ નોંધપાત્ર છે. રામના રાજા થવાના સમાચારથી પ્રસન્ન થયેલી કૈકેયી પોતાની દાસી મંથરાને આભૂષણોની ભેટ આપીને ખુશ થતાં જણાવે છે: “શ્રીરામ ધર્મના જ્ઞાતા, ગુણવાન, જિતેન્દ્રિય, કૃતજ્ઞ, સત્યવાદી અને પવિત્ર છે. તેઓ દીર્ઘજીવી થઈને પોતાના ભાઈઓ અને ભૃત્યોનું પિતૃવત પાલન કરશે. રામના રાજ્યાભિષેકથી મને ભવિષ્યમાં કલ્યાણ જ કલ્યાણ દેખાય છે. મારે માટે જેટલો ભરત આદરપાત્ર છે તેટલો જ, બલકે તેથી વધુ, રામ છે. એ મારી કૌશલ્યાથીય વધારે સેવા કરે છે. રામને મળેલું રાજ્ય ભરતને મળેલું જ સમજ. રામ પોતાના ભાઈઓને પોતા સમાન ગણે છે.” રામ વિશેનો અપરમાતાનો આ અભિપ્રાય પછીથી કૈકેયીનો છે.

રામ સાથે આડકતરી રીતે સકળાયેલ શત્રુપક્ષીય પાત્રોમાં બીજા ક્રમે વાલીપત્ની તારા છે. રામનો સાથ મેળવીને સુસજ્જ બનેલો સુગ્રીવ, લડાઈ માટે વાલીને પડકારે છે ને વાલી પ્રત્યુત્તર વાળવા માટે લડવા જવા ઊઠે છે ત્યારે તારા વાલીને સમજાવતાં કહે છે:

“શ્રીરામ શત્રુસેનાનો સંહાર કરનાર તથા પ્રલયકાળમાં પ્રજ્વલિત થયેલ અગ્નિસમાન તેજસ્વી છે. તેઓ સાધુપુરુષોના આશ્રયદાતા કલ્પવૃક્ષ છે અને સંકટમાં પડેલ પ્રાણીઓનો સૌથી મોટો સહારો છે.”

“રામ આર્ત પુરુષોનો આશ્રય, યશના એકમાત્ર ભાજન, જ્ઞાન-વિજ્ઞાંનથી સંપન્ન અને પિતૃઆજ્ઞામાં સ્થિર રહેનાર છે.”

“જેવી રીતે ગિરિરાજ હિમાલય વિવિધ ધાતુઓની ખાણ છે એ જ રીતે શ્રીરામ ઉત્તમ ગુણોના ભંડાર છે. આથી એ મહાત્મા સાથે આપનો વિરોધ બિલકુલ ઉચિત નથી. યુદ્ધની કળામાં તેઓ પોતાનો હરીફ રાખતા નથી. તેમના પર વિજય મેળવવો અત્યંત કઠિન છે.”

તારાનાં આ વિધાનો પરથી સ્પષ્ટ થાય છે તેમ, શત્રુઓ પણ રામની પ્રશંસા કરતાં થાક્યા નથી. આ જ તારા વાલીનો વધ થયા પછી રામને પોતાનો પણ વધ કરવા પ્રાર્થે છે ત્યારે ભારે અનુનયપૂર્વક સંવાદ કરતાં કહે છે: “આપ અપ્રમેય (દેશકાલાતીત) છો, આપની કીર્તિ ક્યારેય નષ્ટ થતી નથી. આપ દૂરદર્શી અને પૃથ્વી સમ ક્ષમાશીલ છો, આપના હાથમાં ધનુષ-બાણ શોભે છે. આપનું બળ મહાન છો. આપ સુદ્રઢ શરીરથી સંપન્ન છો અને મનુષ્યશરીરથી પ્રાપ્ત થનાર લૌકિક સુખનો પરિત્યાગ કરવા છતાં દિવ્ય શરીરના ઐશ્વર્યથી યુક્ત છો..” વાલીની ઉપસ્થિતિ ને અનુપસ્થિતિમાં તારાના રામ પ્રત્યેના અભિપ્રાયમાં કોઈ ફરક પડતો નથી. થોડી ક્ષણો પહેલાં જ પોતાના પતિનો વધ કરનાર પ્રતિ એક વિધવા નારીનો વ્યક્ત થતો સમાદર રામનાં ચ્રિત્રિકરણનો ચરમોત્કર્ષ સૂચવે છે.

રામથી હણાયેલો વાલી મૃત્યુક્ષણોમાં રામથી નારાજ થાય છે પણ રામ જ્યારે વાલીને તેનો વધ કરવાનું કારણ સમજાવે છે ત્યારે સમાધાન પામેલો વાલી રામ પ્રત્યે અંજલિબદ્ધ બનીને જણાવે છે: “રઘુનંદન! આપ પરમાર્થતત્વના યથાર્થ ગાતા અને પ્રજાજનોના હિતમાં તત્પર રહેવાવાળા છો. આપની બુદ્ધિ કાર્ય-કારણના નિશ્ચયમાં નિર્ભ્રાન્ત અને નિર્મળ છે.”

તારા ને વાલી પછી રામ સાથે શત્રુ તરીકે ભિડાવાનું આવે છે મારીચને. રાવણ પોતાના અંગત્ર મનુષ્ય તરીકે મારીચ પાસે જઈને સીતાનુ હરણ કરવાનો પોતાનો વિચાર વ્યક્ત કરે છે ત્યારે મારીચે બહુ વિગતે રાવણને રામનો પરિચય આપતાં રામની ભરપેટ પ્રશંસા કરી છે. રાવણને ચેતવતાં મારીચ ક્રમશ: રાવણ સમક્ષ વ્યક્ત થતાં કહે છે:

“નિશાચર શિરોમણિ! મિત્રના રૂપમાં તમારો કોણ એવો શત્રુ છે, જેણે તમને સીતાનું અપહરણ કરવાની સલાહ આપી છે? કોણ એવો પુરુષ છે જે તમારાથી સુખાદર પ્રાપ્ત કર્યા છતાં પ્રસન્ન ન હોવાને કારણે તમારું બૂરું ઇચ્છે છે?

“કોણે તમને સીતાનું હરણ કરવા પ્રેર્યો છે? મને તેનું નામ અબતાવો. એવો કોણ છે જે સમસ્ત રાક્ષસજગતનું મસ્તક કાપવા માગે છે?

“જે તમને આ કાર્યમાં પ્રોત્સાહન આપી રહેલ છે તે અવશ્ય તમારો શત્રુ છે એમાં શંકા નથી. એ તમારા હાથે વિષધર સર્પના દાંત ઉખડાવવા માગે છે.

“રાજન! કોણે તમને આવા કુમાર્ગે ચઢાવ્યા છે? કોણે સુખપૂર્વક નિદ્રા લેતી વખતે તમારા મસ્તક પર લાત મારી છે?

“રાવણ! રાઘવેન્દ્ર શ્રીરામ એવા ગન્ધયુક્ત ગજરાજ છે જેમની ગંધ સૂંઘીને જ ગજરૂપી યોદ્ધાઓ દૂર ભાગે છે. વિશુદ્ધ કુળમાં જન્મ ગ્રહણ કરવો એ રાઘવરૂપી ગજરાજનો શૂંડદંડ છે; પ્રતાપ એ જ મદ છે અને સુડોળ હસ્ત એ જ તેમના દાંત છે. યુદ્ધસ્થળમાં એમની સામે જોવું પણ તમારે માટે ઉચિત નહ્તી. પછી ઝૂઝ્વાની તો વાત જ ક્યાં?

“આ રામ, મનુષ્યના રૂપમાં એક સિંહ છે. રણભૂમિમાં એમની ઉપસ્થિતિ જ તેમનાં અંગોની સંધિઓ તથા વાળ છે. આ સિંહ ચતુર રાક્ષસરૂપી મૃગોનો વધ કરનાર છે; બાણરૂપી અંગોથી પરોપૂર્ણ છે તથા તલવાર તેમની તીખી દાઢો છે. એ સૂતેલા સિંહને તમે જગાડી નહીં શકો.

“રાક્ષસરાજ! શ્રીરામ એક પાતાલવ્યાપી મહાસાગર છે. (તેમનું) ધનુષ્ય જ એ સમુદ્રની ભીતર રહેનાર મગર છે; ભુજાઓનો વેગ એ કીચડ છે; બાણ એ તરંગમાળા છે અને મહાન યુદ્ધ જ તેમની અગાધ જલરાશિ. તેમના ભયંકર મુખ અર્થાત્ વડવાનલમાં કૂદી પડવું તમારે માટે કદી ઉચિત નથી.”

“લંકેશ્વર! પ્રસન્ન થાવ, આનંદ કરો અને સકુશળ લંકા પાછા ફરો, તમારા નગરમાં તમારી સ્ત્રીઓ સાથે રમણ કરો અને રામ વનમાં પોતાની પત્ની સાથે (ભલે) વિચરે.”

મારીચની આ પ્રકારની સલાહે રાવણ પર ખાસ્સો પ્રભાવ પાડ્યો છે જેનાથી પ્રેરાઈને રાવણ પાછોય ફર્યો છે. પણ લંકામાં ગયા પછી શૂપર્ણખાની ચઢવણીથી ફરી મારીર પાસે આવીને તેની મદદ માગે છે ત્યારે મારીચ બેવડા જુસ્સાથી રાવણને સમજાવતાં કહે છે:

“તમે કોઈ ગુપ્તચરતો રાખતા નથી અને તમારું હૃદય અત્યંત ચંચળ છે, આથી ચોક્કસ તમે રામચંદ્રને જાણતા નથી. તેઓ પરાક્રમોચિત ગુણોમાં બહુ ઉત્તમ અને ઈન્દ્ર તથા વરુણ સમાન છે.

“તાત! હું ઇચ્છું છું કે તમામ રાક્ષસોનું કલ્યાણ થાવ. ક્યાંક એવું ન બને કે રામચંદ્રજી અત્યંત ગુસ્સે થઈને તમામ લોકને રાક્ષસશૂન્ય ન કરી દે!

જનકનંદિની સીતા તમારો અંત કરવા માટે તો જન્મી નથી ને? ક્યાંક એવું ન બને કે સીતાને કારણે તમારા પર મોટું સંકટ આવી પડે. તમારા જેવા સ્વેચ્છાચારી અને ઉછૃંખલ રાજાને પ્રાપ્ત કરીને લંકા તમારા અને રાક્ષસિ સહિત નષ્ટ ન થઈ જાય.”

રાવણે રામની નિંદા કરી છે તેના ઉત્તરમાં મારીચનું કહેવું છે તેમ, “રામ ન તો પિતા દ્વારા ત્યજાયેલા છે કે ન તો તેમણે ધર્મની મર્યાદાઓનો ત્યાગ કર્યો છે; ન તો તેઓ લોભી, દૂષિત આચાર-વિચારવાળા કે ન તો ક્ષત્રિયકુળના કલંકરૂપ છે. બલકે કૌશલ્યાનો આનંદ વધારનાર શ્રીરામ ધર્મસંબંધી ગુણોથી ચ્યુત થયા નથી. તેમનો સ્વભાવ કોઈ પણ પ્રાણી પ્રત્યે તીખો નથી. તેઓ બધાના હિતમાં તત્પર રહે છે.

“રાણી કૈકેયીએ રાજા દશરથને છેતરીને પોતાના વનવાસનું વરદાન માગ્યું એ જોઈને ધર્માત્મા રામે મનોમન પિતાને સત્યવાદી બનાવવાનો નિશ્ચય કર્યો, જે અનુસાર તેઓ જાતે વનમાં ચાલ્યા ગયા છે. માતા કૈકેયી ને પિતા દશરથનું પ્રિય કરવા માટે તેઓ સ્વયં રાજ્ય અને ભોગોનિ પરિત્યાગ કરીને દંડકારણ્યમાં પ્રવેશ્યા છે.

“તાત! શ્રીરામ ક્રૂર નથી કે મૂર્ખ અને અજિતેન્દ્રિય પણ નથી. શ્રીરામમાં મિથ્યભાષણનો દોષ મેં ક્યારેય સાંભળ્યો નથી. આથી એમના વિશે આવી અવળી વાતો ન કહેવી જોઈએ.

“શ્રીરામ મૂર્તિમાન ધર્મ છે. તેઓ સાધુ અને સત્યપરાક્રમી છે. જેમ ઇન્દ્ર સર્વ દેવતાઓના અધિપતિ છે, તેમ શ્રીરામ સંપૂર્ણ જગતના સ્વામી છે.

“શ્રીરામ પ્રજ્વલિત અગ્નિ સમાન છે. બાણ એ અગ્નિની જ્વાળા છે, ધનુષ્ય અને ખંગ ઇંધણનું કામ કરે છે. તમારે એ અગ્નિમાં યુદ્ધ માટે એકદમ પ્રવેશ કરવો જોઈએ નહીં.

“તાત! ધનુષ્ય જ જેમનું ફેલાયેલું દીપ્તિમાન મુખ છે અને બાણ જ પ્રભા છે; જેરો અમર્ષથી સભર છે, ધનુષ્ય-બાણ ધારણ કરીને સજ્જ થયેલ છે, રોષ-વશ તીખા સ્વભાવનો પરિચય આપે છે અને શત્રુસેનાનો પ્રાણ હરવા સમર્થ છે એ રામરૂપી યમરાજ પાસે તમારે રાજ્યનો અને પ્રિય પ્રાણનો મોહ છોડીને તાત્કાલિક ન જવું જોઈએ.

“રાક્ષસરાજ! આ વ્યર્થ ઉદ્યોગ કરવાથી તમને શો લાભ થશે ? જે દિવસે યુદ્ધમાં શ્રીરામની દ્રષ્ટિ તમારા પર પડી જશે એ દિવસે તમારે તમારા જીવનનો અંત સમજવો.

“જો તમે જીવનનો, સુખનોઅને પરમ દુર્લભ રાજ્યનો લાંબા સમય સુધી ઉપભોગ કરવા માગતા હો તો શ્રીરામનો અપરાધ ન કરો.”

રાવણ સાથે આટલો લાંબો સંવાદ કર્યા પછી મારીચ, વિશ્વામિત્ર સાથે રાક્ષસોનો સંહાર કરવા ગયેલા રામનો પોતાને થયેલો અનુભવ વર્ણવીને રાવણને પ્રેમપૂર્વક સમજાવતાં ઉમેરે છે: “હું તમારો હિતેચ્છુ સુહૃદ છું. મારી વારંવાર મના છતાં તમે હઠપૂર્વક સીતાનું હરણ કરાવો તો તમારી તમામ સેના નષ્ટ થઈ જશે અને તમે શ્રીરામનાં બાણોથી તમારા પ્રાણ ગુમાવીને બંધુ-બાંધવોની સાથે યમલોકની યાત્રા કરશો.”

મારીચની વાત સાંભળીને ગુસ્સે થયેલો રાવણ મારીચને મૃગનો વેશ લેવાનું દબાણ કરે છે ને જો મારીચ તેમ કરવા તૈયાર ન હોય તો એને મારી નાખવાની ધમકી આપે છે ત્યારે આત્યંતિક નિર્ણય લેતો મારીચ રામને અંજલિ આપતાં જણાવી દે છે તેમ, “જો બેય તરફથી મૃત્યુ નિશ્ચિત જ છે તો હું રામને હાથે મૃત્યુ પામવું પસંદ કરીને કૃતાર્થ થઈશ, થઈશ…”

કોઈ ભક્તને છાજે એ રીતે રામના શત્રુ મારીચે રામની અહીં સ્તુતિ કરી છે, ને એમાં રામની છવિ યથાર્થ રીતે ઝિલાઈ છે.

યુદ્ધ સમયે રાવણ પણ રામના પરાક્રમી વ્યક્તિત્વની કદર કર્યા વિના રહી શક્યો નથી. રામને પ્રશંસતા એ બોલી ઊઠ્યો છે: “અહો! રામચંદ્ર ભારે બળવાન છે. સાચે જ, તેમને અસ્ત્રબળ મહાન છે; તેમન બળ-વિક્રમનો સામનો કરીને અસંખ્ય રાક્ષસો કાળના મુખમાં ચાલ્યા ગયા છે.”

રાવણની પટરાણી મંદોદરી, અલબત્ત એક શાણી સ્ત્રી છે. રાવણને તેણે પ્રારંભથી જ ઢંઢોળવા યત્ન કર્યો છે. રામ સામે યુદ્ધ કરવાથી આવનારા પરિણામને એ જાણે છે. આવી જ, વૈધવ્યની પ્રથમ ક્ષણે, રાવણના મૃતદેહ પાસે વિલપતાં, જેને કારણે એ વિધવા થઈ છે એવા રામને પ્રશંસતા એ બોલી બેઠી છે: “જ્યારે મેં સાંભળ્યું કે જનસ્થાનમાં અનેક રાક્ષસોથી ઘેરાયેલા હોવા છતાં પણ તમારા ભાઈ ખરને શ્રીરામે મારી નાખ્યા ત્યારે જ મને વિશ્વાસ બેસી ગયો હતો કે રામચંદ્રહી કોઈ સાધારણ્ મનુષ્ય નથી.”

જોઈ શકાય છે કે જાણ્યે-અજાણ્યે રામના શત્રુ થયેલા તમામ લોકોમાં રામને નિષ્ઠા વિશે બે મત નથી, રામનું ચરિત્રિકરણ વિશેષત: શત્રુઓ દ્વારા જ અભિવ્યક્ત થયું છે.

આવા રામ, શત્રુ તરીકે પણ એટલા જ ઉદાત્ત સાબિત થયા છે. વાલ્મિકિએ આવી સૂક્ષ્મ ક્ષણોને અવારંવાર ઝીલી છે.

વાલી મૃત્યુક્ષણે શ્રીરામ અને લક્ષ્મણ એમનું વિશેષ સન્માન કરીને એમની પાસે ગયા છે. તેમજ વાલીનો વધ કરીને રામે તેને માટે ઉત્તમ ગતિ અર્પી છે.

મૃત્યુ પામેલા વાલી પ્રત્યે વિલાપ કરતા સુગ્રીવના6 વચનો સાંભળીને શત્રુવીરોનો સંહાર કરવામાં સમર્થ, રઘુકુલવીર શ્રીરામનાં નેત્રોમાં આંસુ વહે છે અને બે ઘડી સુધી સુ:ખના અનુભવમાં ગરક બને છે.

વાલી તો ઠીક, ખુદ રાવણના સંહાર પછી રાવણ માટે વિલપતા વિભીષણને આશ્વસતારામ જણાવે છે: “વિભીષણ! આ રાવણ સમરાંગણમાં અસમર્થ થઈને મૃત્યુ પામ્યો નથી. એણે પ્રચંડ પરાક્રમ પ્રગટ કર્યું છે. એનો ઉત્સાહ પણ અત્યંત વધેલો હતો. એને મૃત્યુનો લ્પી ભય નહોતો. એ દૈવાશાત્ રણભૂમિમાં ધરાશાયી થયો છે.

“જે લોકો પોતાના અભ્યુદયની ઇચ્છાથી ક્ષત્રિયધર્મમાં સ્થિર થઈને સમરાંગણમાં મૃત્યુ પામે છે, એ રીતે નષ્ટ થનાર લોકોના વિષયમાં શોક ન કરવો જોઈએ.

“જે બુદ્ધિમાન વીરે ઇન્દ્રસહિત ત્રણે લોકોને યુદ્ધમાં ભયભીત કરેલા, એ જ જ્યારે આ સમયે કાળને અધીન થઈ ગયો છે ત્યારે એના માટે આ શોક કરવાનો અવસર નથી.

“યુદ્ધમાં કોઈને હંમેશા વિજય જ વિજય મળે, એવું પહેલાં પણ ક્યારેય થયું નથી. વીર પુરુષ સંગ્રામમાં કાં તો શત્રુઓ દ્વારા માર્યો જાય છે અથવા પોતે શત્રુઓને મારે છે.

“આજે રાવણને જે ગતિ પ્રાપ્ત થઈ છે, એ પૂર્વકાળના મહાપુરુષો દ્વારા દર્શાવાયેલી ઉત્તમ ગતિ છે. ક્ષાત્ર-વૃત્તિનો આશ્રય લેનાર વીરો માટે તો આ બહુ આદરની વસ્તુ છે.

વિભિષણને આશ્વસતા રામ, રાવણને યથોચિત અંજલિ આપીને રાવણની અંત્યેષ્ટિ માટે આજ્ઞા આપતાં જે વિધાન ઉચ્ચારે છે તેમાં શત્રુ રામનું અનન્યપણું પ્રમાણિત થયું છે. “વિભીષણ! વેર જીવનપર્યંત જ રહે છે. મૃયુ પછી એ વેરનો અંત થઈ જાય છે. હવે આપણું પ્રયોજન સિદ્ધ થઈ ગયું છે. માટે તમે એમના (અંતિમ) સંસ્કાર કરો. આ સમયે એ જેટલો તમારા સ્નેહને પાત્ર છે, એટલો જ મારો પણ સ્નેહભાજન છે.”

જીવનની વિષમ ક્ષણોમાં પણ રામનું સ્થૈર્ય કેવું તો ઝળકી ઊઠ્યું છે તેની સાક્ષી આ દ્રષ્ટાંતો પૂરે છે. જીવનની તમામ ક્ષણોને સમદ્રષ્ટિથી જીવતા, પસાર કરતા રામ શત્રુ તરીકેની ક્ષણોમાં પણ એવા જ અનવદ્ય સાબિત થયા છે.

* * * * *

ડૉ. દર્શના ધોળકિયાનાં સંપર્કસૂત્રઃ
• પત્રવ્યવહારનું સરનામું: ન્યૂ મિન્ટ રોડ, ભુજ (કચ્છ), ભારત ૩૭૦૦૦૧
•ઇ-પત્રવ્યવહારનું સરનામું:
dr_dholakia@rediffmail.com

1 comment for “રામ – શત્રુનજરે શત્રુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *