પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ – પત્ર નં.૨૨

Facebooktwitterredditpinterestlinkedinmail

નયના પટેલ, લેસ્ટર, યુકે

પ્રિય દેવી,
કુશળ હશે….છે ને?

આજે અહીંનુ વાતાવરણ તેં પહેલાના એક પત્રમાં જણાવ્યું હતું એવું છે. સવારથી વરસાદ મન મૂકીને વરસે છે. ગઈકાલે સુર્યદેવે ખૂબ સોનુ વરસાવ્યું હતું તેને ઘસડી જવાનું વર્ષારાણીએ નક્કી કર્યું હોય તેમ કદીક જોરથી તો ક્યારેક ઝરમર વરસ્યા જ કરે છે. અટકવાનું નામ નથી લેતી. સાથે ઠંડી પણ લઈને આવી છે.

ભારતમાં જેમ ઉનાળો, શિયાળો અને ચોમાસુ એમ કુદરતે જે ઋતુઓની વ્યવસ્થિત ગોઠવણ કરી છે તેવું અહીં મોટેભાગે વર્તાતું નથી. ભર શિયાળામાં ખાંડાધાર વરસે અને ઉનાળામાં ક્યારેક ગરમી ખાસ પડે જ નહીં અને એમ વાતાવરણ અનિશ્ચિત રહે.

હું જ્યારે અહીં શરુઆતમાં આવી ત્યારે પુરુષો તો કહે જ, પરંતુ સ્ત્રીઓ પણ ક્યારેક સહજ રીતે કહે કે, ‘ you can’t trust weather, wine and women in this country!’ મને ખૂબ જ આઘાત લાગતો. સ્ત્રીઓ માટે આ રીતે કહેનાર પુરુષો પર તો ગુસ્સો આવતો જ પરંતુ સ્ત્રીઓ જ્યારે કહે ત્યારે દુઃખ થતું. ખેર, જો કે સામાન્ય રીતે સ્ત્રી-પુરુષ સમાનતા અહીં વધુ જોવા મળે છે એટલે આવા થોડા લોકો માટે ફરિયાદ કરવી યોગ્ય નથી. એટલું જરુર કહીશ કે હું પોતે સ્ત્રી સ્વાતંત્ર્ય, સમાન અધિકાર જેવી અંતહીન દલીલોમાં ક્યારે ય પડતી નથી. એક બીજા માટે જો સાચું સન્માન અને સમજણ હશે ત્યાં કોઈ આરોપો-પ્રત્યારોપોને અવકાશ જ નહીં રહે.

શરુઆતમાં ‘women’s week’ની ઉજવણીમાં ખૂબ ઉત્સાહથી ભાગ લેતી અને એ અઠવાડિયા દરમ્યાન સ્ત્રીઓ માટે યોજાતી વિવિધ પ્રવૃત્તિઓથી સ્ત્રીઓમાં ધીમે ધીમે વધતો જતો આત્મવિશ્વાસ પણ દેખાતો ત્યારે આનંદ થતો. પરંતુ જેમ જેમ પુખ્તતા આવતી ગઈ તેમ તેમ આ બધું દેખાવ માટે થતું અનુભવવા લાગી. તંદુરસ્ત સમાજમાં આવા ખાસ પ્રયત્નો કરવા જ ન પડવા જોઈયે. વર્ષમાં એક અઠવાડિયું ઉજવવાથી અને તે પણ સ્ત્રીઓ જ તેમાં ભાગ લે તેથી સમાજમાં સ્ત્રી તરફનું સન્માન વધતું જોવા તો નથી જ મળતું. ખરેખર તો સ્ત્રીઓ અને પુરુષોએ વિચાર-વિમર્શ માટે આ અઠવાડિયું રાખવું જોઈએ અને કઈ રીતે સમાજમાં ‘ગ્રાસરુટ’થી એની શરુઆત કરવી જોઈએ જેવા વિષયો પર આલોચનાત્મક ફેરવિચારો થવા જોઈએ.

ચાલ, હવે તેં જે વિષય છેડ્યો છે એને વિષેના મારા વિચારો કહું તે પહેલા એક સવાલ પૂછું? તેં ‘કાનજી વર્સિસ કાનજી’ નાટક જોયું હતું?  જેમાં ઘણા બૌધ્ધિક લોકોને ઉદ્‍ભવતા પ્રશ્નોને ખૂબ જ હળવાશપૂર્વક છતાં ગંભીર રીતે રજૂ કર્યા હતાં. ત્યાર પછી એના પરથી ‘ઓ માય ગૉડ’ ફિલ્મ પણ હિંદીમાં ઉતરી હતી-એ બન્નેમાં પરેશ રાવળની મુખ્ય ભૂમિકા હતી.

તેં ટૂંકમાં પણ ખૂબ જ અગત્યની વાત કરી કે લાગે છે જાણે સંસ્કૃતિ અને ધર્મને કેન્સર થઈ ગયું હોય તેટલે અંશે બન્ને સડી ગયા છે. ખૂબ જ સાચી વાત છે. મને લાગે છે માત્ર હિંદુ ધર્મે જ નહી બધા જ ધર્મોએ પોત પોતાના ધર્મને નવા સંદર્ભમાં જોવો જોઈશે. આ વાત કરતાં કરતાં મને એક અમેરિકન ફિલ્મ યાદ આવી-‘sister act’-જેમાં વ્હુપી ગોલ્ડબર્ગે ખૂબ જ સુંદર અભિનય કર્યો છે. એ ફિલ્મમાં પણ મૂળ સંદેશો એ જ છે કે ક્રિશ્ચિઆનિટિમાંથી પણ ક્રિશ્ચિયન લોકોનો રસ અને વિશ્વાસ ઉઠતા જાય છે તેથી ક્રિશ્ચિયન સમાજ અને ખાસ કરીને યુવાનોને ક્રાઈશ્ટના સંદેશાઓ પહોંચાડવા હશે તો આખો ને આખો અભિગમ જ બદલવો પડશે.

સમાજ વ્યવસ્થાને માટે માત્ર અને માત્ર શ્રમવિભાજન કરવા કદાચ, એકદમ અસલના સમયમાં હિદુ સમાજમાં જ્ઞાતિ પ્રથા શરુ થઈ હશે. પણ વિકાસની સાથે સાથે એ વ્યવસ્થામાં ફેરફાર થવા જોઈતા હતા અને જ્યારે હવે એની જરુર ન હોય ત્યારે એ પ્રથાને  હટાવવી જ પડશે. એ ન થયું એટલે જ તો અત્યારના સમાજમાં પોતાને ‘ઊંચી જાતિના’ કહેવાતા લોકો ‘ઈજારો’ લઈને બેસી ગયા છે. એ લોકો ભલે ઈન્કાર કરે પરંતુ  ધર્મ તથા સમાજની અવદશા માટે અમુક અંશે એ લોકો જવાબદાર છે જ. 

હવે પરદેશમાં રહેતા ભારતિયો ‘ધરમ’(એને હું ધર્મ ન કહું) ને ટકાવવા માટે કરતા રહેલા ધમપછાડાની વાત!

ભગવા જોયા એટલે એના પગમાં આળોટી પડ્યા એ લોકોએ જ તો ધરમનો ઈજારો લઈને બેઠેલા લોકોને સ્પોન્સર કરીને બીજા પણ એવા લોકો માટે પરદેશમાં આવવાનો માર્ગ મોકળો કરી આપ્યો. આપણે સામાન્ય જનતાએ જ તો આવા લોકોને ‘બાપા’, ‘દદા’, ‘સંતશ્રી’ વિગેરે બનાવી દીધાને? હજુ જ્ઞાતિના વાડાઓની માયાજાળ ઓછી હોય તેમ તેમાં સંપ્રદાયોના વાડાઓ ઉભા કરી દીધા!! હકારાત્મક નજરે જોવાનો પ્રયત્ન કરીયે તો એટલું જરુર કહી શકાય કે એમાંના અમુક લોકો પાસેથી અમુક ટકા યુવાન વર્ગને માર્ગદર્શન પણ મળે છે અને હિદુ ધર્મની થોડી સમજ પણ મળે છે જે તેમના માતા-પિતા કે વડિલો પાસેથી મળતી  નથી.( કુવામાં હોય તો હવાડામાં આવેને?)

તેં સાચું જ કહ્યું કે આજે લોકો ઈર્ષ્યા અને સ્પર્ધામાં જીવે છે. એમાં હું એટલું ઉમેરું કે આ ઈર્ષ્યા અને સ્પર્ધા જો તંદુરસ્ત હોય તો તે વિકાસને માર્ગે લઈ જાય. પરંતુ ‘ખાટલે મોટી ખોડ’ એ જ છે કે ‘મારી પાસે નહીં તો કોઈને પાસે ન હોવું જોઈએ’ એવી માંદલી ઈર્ષ્યા અને પોતાનાથી આગળ ન વધાય તો બીજાને આગળ તો ન જ વધવા દે પરંતુ તક મળ્યે પછાડવા માટેની નાદુરસ્ત સ્પર્ધા, ખબર નથી સમાજને ક્યાં લઈ જશે!

અને હવે છેલ્લે તારી આશા સાથે હું ય મારી આશા જોડીને કહું કે આપણે સારું-નરસું પારખવાનો વિવેક કેળવીએ અને હકારાત્મક પરિવર્તનના ‘ગોવર્ધન’ને એક ટચલી આંગળીનો ટેકો પણ જો અપાય તો આપીને આપણું કર્તવ્ય નિભાવવાની શક્તિ ઈશ્વર પાસે માંગીએ.

અસ્તુ.

નીનાની સ્નેહયાદ.


ક્રમશ:


દેવિકા રાહુલ ધ્રુવ : હ્યુસ્ટન ::  ddhruva1948@yahoo.com ||  નયનાબહેન પટેલ, લેસ્ટર, યુકે. : ninapatel47@hotmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *