હુસ્ન પહાડી કા – ૨૦ – રવિની કેટલીક વધારે પહાડી રચનાઓ

Facebooktwitterredditpinterestlinkedinmail

– ભગવાન થાવરાણી

હો   પહાડી   ધુન   કોઈ  ને  સાથમાં  એ  મીત  હો
શી  પછી  દરકાર  આગળ  હાર  હો  કે  જીત  હો  !

આપણે શરૂઆતના હપતાઓમાં ઉલ્લેખી ગયા તેમ, ભૈરવી અને પહાડી રાગ આધારિત બંદિશો એ હિંદુસ્તાની ફિલ્મ સંગીતની ધોરી નસ છે. જેમ  ‘શંકર – જયકિશની ભૈરવી’ અને  ‘નૌશાદિયન ભૈરવી’ એ સંગીત-રસિયાઓ માટે રૂઢપ્રયોગો બની ચૂક્યા છે એવું જ  ‘ખૈયામની પહાડી’ અને  ‘રવિની પહાડી’ માટે હોવું ઘટે ! પહાડી આ બન્ને માટે  ‘રોજી-રોટી’ સમાન રાગ હતો. એનો અર્થ એવો મુદ્દલ નહીં કે એમની હથોટી અન્ય રાગો પર નહોતી પરંતુ નરસિંહરાવ દિવેટિયાની કવિતાનુસાર  ‘આ વાદ્ય ને કરુણ ગાન વિશેષ ભાવે’ એ જ રીતે રવિ (અને ખૈયામ) ને પહાડી ! પહાડી એમનો જીવન-રાગ હતો જાણે ! બન્ને પૈકી ખૈયામ સાહેબને આપણે બે હપ્તા (મણકો – ૨ અને મણકો – ૧૩) દ્વારા ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો. રવિને પણ આપણે આ શ્રેણીના ત્રીજા જ હપ્તામાં લીધેલા. એમાં આપણે એમના બે પહાડી ગીતો  ‘ઈન હવાઓંમેં ઈન ફિઝાઓંમેં’ (ગુમરાહ – ૧૯૬૩) અને  ‘આગે ભી જાને ન તુ‘  (વક્ત – ૧૯૬૫) વિષે વિગતવાર ચર્ચા કરેલી. ભલે એમના સમગ્ર પહાડી વિશ્વને પૂરતો ન્યાય ન આપી શકીએ પણ એમના પહાડી સર્જનના આચમન માત્ર માટે એક વધુ હપ્તો ઇષ્ટ છે. આ જ વાત નૌશાદ સાહેબ, બર્મન દાદા અને મદન મોહનજીની પહાડીને પણ લાગુ પડે છે. એ ત્રણની પહાડી-યાત્રાનું વધુ બયાન હવે પછીના ત્રણ એપીસોડમાં અને અંતે છૂટા-છવાયા પણ ઉત્તમ એવા કેટલાક સંગીતકારોની અવિસ્મરણીય પહાડી રચનાઓની વાત અને પછી અલવિદા !

તો આજે ફરી એકવાર રવિ ઉર્ફે રવિશંકર શર્મા ઉર્ફે (મલયાલમ ફિલ્મો માટે) બોમ્બે રવિની પહાડી. ૧૯૫૫ માં દેવેન્દ્ર ગોએલની  ‘ વચન ‘ થી સ્વતંત્ર સંગીતકાર તરીકે (અલબત ચંદ્રા નામના અન્ય સંગીતકાર સાથે સંયુક્ત રીતે) ની કારકિર્દી શરુ કરી એ પહેલાં પાંચેક વર્ષ એ હેમંત કુમારના સહાયક રહ્યા  (‘ આનંદ મઠ ‘ ના ‘ વંદે માતરમ ‘ ગીતના સમૂહ-સ્વરોમાં એક કંઠ એમનો પણ હતો અને  ‘ નાગિન ‘ ની વિખ્યાત બીન બજાવેલી તો ક્લેવાયલીન પર કલ્યાણજીભાઈએ પરંતુ એમાં સાથેનુ હાર્મોનિયમ રવિનું સર્જન હતું !) ગયા હપ્તામાં, કવિ અને સંગીતકાર બન્ને હોય એવા ત્રણેક કલાકારોની યાદીમાં પણ રવિને લીધેલા તો ઉમેરીએ કે એમની પહેલી ફિલ્મ  ‘વચન’નું  ‘ચંદા મામા દૂર કે‘ એમનું જ લખેલું હતું અને એમના સંગીતવાળી  ‘એક સાલ’ નું રુપકડું યુગલ-ગીત  ‘ઉલઝ ગએ દો નૈના દેખો‘ ( હેમંત – લતા ) પણ એમની જ કલમની નીપજ !

રવિના પહાડી ગીતોની યાદી બનાવીએ તો પાર ન આવે. એ યાદીમાં એમની બે સૌથી લોકપ્રિય બંદિશો  ‘ચૌદવીં કા ચાંદ હો‘ ( ચૌદવીં કા ચાંદ – ૧૯૬૦ – રફી ) અને  ‘તુજકો પુકારે મેરા પ્યાર‘  ( નીલ કમલ – ૧૯૬૮ – રફી ) તો સ્વાભાવિક રીતે આવે જ પરંતુ આપણા શિરસ્તા મૂજબ, આપણે અહીં ખૂબજ લોકપ્રિય અને નિરંતર કાને પડતી રહેલી રચનાઓના મુકાબલે પ્રમાણમાં ઓછી જાણીતી પણ એટલી જ ગુણવત્તાસભર બંદિશોની મીમાંસા કરવાનું ઠેરવ્યું છે. વચ્ચે સળંગ દશ વર્ષના  ‘ક્ષેત્ર – સંન્યાસ’ બાદ એમણે બી. આર. ચોપરાની ફિલ્મ  ‘નિકાહ’ (૧૯૮૨) દ્વારા ધમાકેદાર વાપસી કરી. હંમેશ મૂજબ આજે પણ આપણે એમના કેવળ બે ગીતોની વિગતે ચર્ચા કરીશું. બન્ને યોગાનુયોગ ૧૯૬૩ની ફિલ્મો છે. એ વર્ષે એમની કુલ બાર ફિલ્મો આવેલી જે એ જમાના પ્રમાણે દરેક માપદંડથી  ‘અધધધ’ કહેવાય !

શરુઆત ફિલ્મ  ‘આજ ઔર કલ’ ના રફી – ગીતથી કરીએ. કવિ સાહિર લુધિયાનવી :

ये   वादियाँ  ये  फ़िज़ाएँ बुला रही हैं तुझे
ख़मोशियों  की  सदाएं  बुला  रही हैं तुझे

तरस  रहे  हैं  जवाँ  फूल  होंठ  छूने  को
मचल – मचल के हवाएँ बुला रही हैं तुझे

तुम्हारी ज़ुल्फ़ से ख़ुशबू की भीक लेने को
झुकी – झुकी सी घटाएँ बुला रही हैं तुझे

हसीन  चंपई  पैरों  को  जब  से  देखा है
नदी  की  मस्त  अदाएँ  बुला  रही हैं तुझे

मेरा कहा न सुनो, इनकी बात तो सुन लो
हरेक  दिल  की  दुआएँ बुला रही हैं तुझे …

‘આજ ઔર કલ’ વસંત જોગલેકર નામના મરાઠી – હિંદી નિર્દેશકની સુંદર અને સફળ ફિલ્મ. એમની અગત્યની ઓળખાણ એ કે લતા મંગેશકરનું રેકર્ડ થયેલું પ્રથમ હિંદી ગીત  ‘ પા લાગું કર જોરી રે ‘ એમણે નિર્દેશિત કરેલી  ‘આપકી સેવા મેં’ (૧૯૪૬) માંથી હતું. એમણે દિગ્દર્શિત કરેલી મોટા ભાગની હિંદી ફિલ્મોમાં સંગીતકાર અને અન્ય કલાકારો બદલાતા રહે પણ અશોક કુમાર સ્થાયીરુપે હોય જ . કારકિર્દીના અસ્તાચળે એમણે પોતાની પુત્રી મીરાં જોગલેકરને હીરોઈન તરીકે લોંચ કરવાનો નિષ્ફળ પ્રયત્ન ફિલ્મ  ‘એક કલી મુસ્કાઈ’ દ્વારા કરેલો. એ પછી મીરાં પણ ખોવાઈ ગઈ અને વસંત જોગલેકર પણ !

પ્રસ્તૂત ફિલ્મની વાર્તા પ્રસિદ્ધ મરાઠી સાહિત્યકાર પુ. લ. દેશપાંડેની નવલકથા  ‘સુંદર મી હોણાર’ પર આધારિત હતી. ઉત્કૃષ્ટ પટકથા અને સંવાદો (અખ્તર-ઉલ-ઈમાન), મુખ્ય કલાકારો અશોક કુમાર, સુનીલ દત્ત, નંદા અને તનુજાનો જાનદાર અભિનય અને સૌથી વિશેષ રવિનું બેહતરીન સંગીત ધરાવતી આ એક સર્વાંગ-સુંદર ફિલ્મ હતી.

રજવાડાં મટી ગયા પછી પણ જૂના રાજાશાહી આચાર-વિચારને જિદ્દપૂર્વક વળગી રહેલા અને પરિવારના સભ્યોને કડક શિસ્તમાં રાખતા રાજાસાહેબ ( અશોક કુમાર ) પોતે રચેલા આપખુદ સંસારમાં રાચે છે. એમના ચારેય સંતાનો નંદા, તનુજા, રોહિત અને દેવેન વર્મા એમના કડપથી નિરંતર આતંકિત રહે છે. બીમાર અને લગભગ અપંગ પુત્રી નંદાને સાજી કરવામાં બધા નિષ્ણાત તબીબો અસફળ રહે છે ત્યારે અંતે પારંગત ડોક્ટર સુનીલ દત્તની મદદ લેવાય છે. સુનીલ દત્ત અને નંદા વચ્ચે પ્રણયના અંકુરો ફૂટે છે. કુશળ ડોક્ટર તુરંત પારખી જાય છે કે નંદાને સાજી કરવા દવાઓ અને શિસ્ત કરતાં હુંફ, સમજદારી, સૌજન્ય અને પ્રેમ વધુ આવશ્યક છે. મહેલમાં નિવાસ કરતાં-કરતાં ડોક્ટર આ તત્ત્વો ભરપૂર માત્રામાં દર્દીને આપે છે.

વચન આપ્યા મૂજબ એક દિવસ ડોક્ટર ખરેખર નંદાને વ્હીલચેરમાં બેસાડીને પહાડોની ગોદમાં લઈ જાય છે.

જલતરંગના હળવા સુરો અને વાયલીન્સથી પહાડીનું તાદાત્મ્ય પહાડો સાથે સધાય છે. પળના ય વિલંબ વિના વાધ્યો રફીની બુલંદીને જગ્યા કરી આપે છે. મુખડામાં એક અદ્ભુત શબ્દ-દ્વય છે  ‘ खमोशियों की सदाएं ‘ અર્થાત્ મૌનનો રવ. કવિતા જાણનારા, સંવેદનારા આત્માઓ સુપેરે જાણે છે કે મૌનનો પણ એક અવાજ હોય છે. છંદ – બહરની આમન્યા જાળવવા અહીં ઇરાદાપૂર્વક  ‘ ख़ामोशियों ‘ નું ઉચ્ચારણ  ‘ खमोशियों ‘ કરાયું છે.

ગીતનું માળખું ગઝલનું છે. બે મિસરાના કુલ પાંચ શેર. રાજકુમારી નંદા પ્રકૃતિ ( અને પ્રેમી ! ) ના સાન્નિધ્યમાં ખુશખુશાલ છે. એનો ચહેરો એ વાતની સાક્ષી પુરાવે છે. રફી અને રવિ (રવિ પોતાના માનીતા રાગના કારણે) પૂર્ણ કળાએ ખીલ્યાં છે. પ્રથમ અંતરાના પહેલા મિસરાને તાર સ્વરે ગાયા પછી રફી બીજી વારનું ઉચ્ચારણ નીચે ઉતરીને કરે છે. ગઝલના બધા શેરમાં ભાવ એક જ છે કે કાએનાત-સમગ્ર કઈ રીતે નાયિકાને સત્કારવા, પોતાનામાં સમાવવા, પોતાની આગોશમાં લઈ લેવા તત્પર છે અને આ વાત અલગ-અલગ કલ્પનો દ્વારા કહેવાઈ છે. સાહિરની ગઝલ એમની જ કક્ષાની છે. સુનીલ દત્તની બોડી લેંગ્વેજમાં એ વાત છાની નથી રહેતી કે પ્રકૃતિની ઈચ્છા એ જ એની મુરાદ પણ છે !

નંદાના સૌંદર્યની એક આગવી ગરિમા હતી અને સુનીલ દત્તના સૌજન્યની પણ ! બીજો અંતરો સ્હેજ જૂદી રીતે પેશ થાય છે. અહીં પહેલો મિસરો શરૂઆતથી જ તીવ્ર છે. નંદાનું સ્મિત જબરી માદકતા વેરે છે. એમાં મર્યાદા છે તો સો-સો ઇજનો પણ ! ચોમેર ફેલાયેલા પહાડો, ખીણ, જળરાશિ અને ધુમ્મસના દ્રષ્યો ગીતની ખૂબસુરતીમાં ઉમેરો કરે છે.

ત્રીજા અંતરા વખતે રાજકુમારી નંદા નદીના જળમાં પગ ઝબોળીને વ્હીલચેરમાં બેઠી છે. અહીં પણ રફીના અવાજનો જાદુ અલગ અંદાઝમાં ભૂરકી છાંટે છે. નાયિકાના પગની સૌંદર્ય-પ્રશસ્તિ સાહિર  ‘ હસીન ચંપઈ પૈર ‘ તરીકે કરે છે. આ  ‘ચંપઈ’ શબ્દ સાહિરને પ્રિય છે. શ્રુંખલાના બીજા હપ્તામાં જ્યારે આપણે ખૈયામ સાહેબના  ‘ શગુન ‘ ફિલ્મના બે ગીતોની ચર્ચા કરી ત્યારે એમાંનું એક ગીત હતું  ‘પરબતોં કે પેડોં પર શામ કા બસેરા હૈ, સુરમઈ ઉજાલા હૈ ચંપઈ અંધેરા હૈ’. ત્યાં અંધારાનો વાન ચંપઈ હતો, અહીં પગનો ! ખેર ! પ્રસ્તૂત પંક્તિમાં   ‘દેખા હૈ’ ગાતી વખતે રફી જે મુરકી-મય વળાંક લે છે એ પણ એમની જ હેસિયત છે. નાયક નદીના પ્રવાહ વચ્ચે છે તો નાયિકા કિનારે, પણ અવાજમાં એ એલાન છે કે એક દિવસ તને હું અવશ્ય  ‘મઝધારે’ લઈ જઈશ .

અંતિમ બંધ વખતે નાયક-નાયિકા બન્ને પહાડની ટોચે અને ધારથી ભયજનક હદે નજીક પહોંચે છે.  ‘મારું ન માને તો કંઈ નહીં, પણ હજ્જારો દિલોમાંથી નીકળતી દુઆઓ સાંભળ’ ગાતાં – ગાતાં નાયક પાછળ ખસતો – ખસતો પહાડીની ધાર સુધી  ‘ અજાણ્યે’ પહોંચી જાય છે અને અપંગ નાયિકા, નાયકનું નામ ચિત્કારતી વ્હીલચેરમાંથી સફાળી ઊભી થઈ જાય છે, નાયક – ડોક્ટરના ઈરાદો બર લાવીને !

ઉપરોક્ત ગીત પહેલાં આ ફિલ્મમાં આવતી એક માદક રફી-ગઝલ પણ એટલીજ મન-લુભાવન છે. આ પણ પહાડી જ છે. ચાર શેરની આ સાહિર રચિત રચનાના માત્ર રેશમ -શા શબ્દો અને વિડીયો જોઈને આગળ વધીએ :

इतनी  हँसीन  इतनी  जवाँ  रात  क्या  करें
जागे हैं कुछ अजीब – से जज़्बात क्या करें

पेड़ों  के  बाज़ुओं  में  लचकती  है  चाँदनी
बेचैन  हो   रहे  हैं    ख़यालात  क्या   करें

साँसों में घुल रही है किसी साँस की महक
दामन  को  छू  रहा  है कोई हाथ क्या करें

शायद  तुम्हारे  आने  से  ये भेद खुल सके
हैरान  हैं   के  आज  नई  बात  क्या  करें ..

દર્શકના આનંદમાં ચાર ચાંદ ત્યારે ઉમેરાય છે જ્યારે આ આખું ગીત – ગઝલ વાદ્યવૃંદરૂપે પણ પછીથી ફિલ્મમાં આવે છે.

રવિની ૧૯૬૩ માં આવેલી પૂરી એક ડઝન ફિલ્મોમાંથી એક હતી વાસુ ફિલ્મસ (મદ્રાસ) ની  ‘ભરોસા’ . દક્ષિણ ભારતીય હિંદી કૌટુંબિક ફિલ્મોની બધી જ લાક્ષક્ણિકતાઓ ધરાવતી આ ફિલ્મ પણ એક સફળ ફિલ્મ હતી. નાયક-નાયિકા ગુરુદત્ત અને આશા પારેખ. કુલ આઠ ગીતો. છ ચુલબુલા અને બે ગંભીર. રફી અને લતાના એકલ-ગીતો રુપે. રફીવાળું ગીત એટલે ભૈરવીમાં ભાવવાહી બંદિશ   ‘ઇસ ભરી દુનિયા મેં કોઈ ભી હમારા ન હુઆ’ અને લતા – ગીત એટલે આપણું આજનું પહાડી ગીત. યોગાનુયોગ આ બન્ને પણ ગઝલો જ છે. આજના રાજેન્દ્ર કૃષ્ણ રચિત ગીતના શબ્દો :

वो  दिल  कहाँ  से  लाउं  तेरी याद जो भुला दे
मुझे  याद  आने  वाले    कोई  रास्ता  बता  दे

रहने दे मुझको अपने क़दमों की ख़ाक बन कर
जो  नहीं  तुझे  गंवारा  मुझे  ख़ाक  में मिला दे

मेरे दिल ने तुझको चाहा क्या यही मेरी ख़ता है
माना  ख़ता  है  लेकिन  ऐसी  तो  ना  सज़ा  दे …

વાર્તા એ જ ઘિસી – પિટી. તવંગર બાપના ઇકલૌતા પુત્ર ગુરુદત્તનો લુચ્ચા કન્હૈયાલાલ દ્વારા ઓરમાયો ઉછેર. પોતાના સગા પુત્ર સુદેશ કુમાર માટે માલેતુજાર બાપની જાયદાદ કરવા માટેના કાવાદાવા. બુરાઈનો કરુણ અંજામ. પશ્ચાત્તાપ . સુખદ અંત. વચ્ચે ઘુસાડાયેલો ગુરુદત્ત અને આશા પારેખનો પ્રેમ અને એ પ્રેમને બદમાશ ભાઈ માટે કુરબાન કરીને નાયકનું શહેર-ગમન ઇત્યાદિ.

નાયકના વિરહ-ઝુરાપામાં જંગલો, પહાડો, દરિયા કાંઠે ભટકતી આશા પારેખ. ‘તને ભૂલી શકે એવું દિલ ક્યાંથી લાવું, તું જ કહે’. કિનારે જળ વિના તરફડતી માછલીઓના સ્થૂળ અને ચવાઈ ગયેલા પ્રતીકો. સાવ સરેરાશ અને ચીલાચાલૂ ચિત્રીકરણને ગીતની ગુણવત્તા અને લતાની આવા ગીતોની અદાયગીની કુશળતા બચાવી લે છે. આશા પારેખને માટે આ ગીત અને સમગ્ર ફિલ્મમાં સુંદર દેખાવા સિવાય કશું કરવાપણું છે નહીં ! રાજેન્દ્ર કૃષ્ણની ગઝલમાં કવિતા – તત્ત્વ છે.  ‘ તને ચાહ્યો એ મારી ભૂલ ? કબૂલ કે ભૂલ પણ એની આવી આકરી સજા ? ‘

માત્ર બે અંતરાનું ગીત શીઘ્ર પુરુ થાય છે પણ ધુન અને એનું દર્દ અંતસ્તલમાં ગુંજતા રહે છે. ફિલ્મમાં મહેમૂદ અને શુભા ખોટેની જોડીની નટખટ રમૂજ પણ બાકીની નાટકીયતામાંથી રાહત અપાવે છે. ફિલ્મના અન્ય છ ગીતોમાંથી એક યુગલ ગીત ( લતા – મહેન્દ્ર કપૂર )  ‘આજ કી મુલાકાત બસ ઇતની‘ પણ પહાડીમાં છે.

આ ગીતના ઢાળમાં જ રવિએ ત્રણેક વર્ષ બાદ એક સુંદર બંદિશ ફરી લતાના કંઠે આપી ફિલ્મ  ‘દો બદન’ માં. પરદા પર ફરી એ જ આશા પારેખ  ‘ લો આ ગઈ ઉનકી યાદ, વો નહીં આએ ‘. મૂડ અને લય પણ એ જ, પણ રાગ આસાવરી.

રવિને અને એમની પહાડીને વિદાય આપતાં પહેલાં એમની એક અન્ય પહાડી બંદિશ (આ પણ ગઝલ) નો ઉલ્લેખ પણ કરી લઈએ. આ ફિલ્મ  ‘કૌન અપના કૌન પરાયા’ પણ ૧૯૬૩ ની. રફીનો એ જ નશીલો અવાજ. મુખડો છે  ‘ઝરા સુન હસીના ઐ નાઝનીં મેરા દિલ તુજી પે નિસાર હૈ’ . ફિલ્માવાયું હતું જ્હોની વોકરના ભાઈ વિજય કુમાર અને વહીદા રહેમાન ઉપર :

અટકીએ હવે. આવતા મણકે નૌશાદ સાહેબની કેટલીક વધુ પહાડી બંદિશો …


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

6 comments for “હુસ્ન પહાડી કા – ૨૦ – રવિની કેટલીક વધારે પહાડી રચનાઓ

 1. કિશોરચંદ્ર વ્યાસ
  December 22, 2019 at 7:25 am

  મારા અત્યંત પ્રિય આ ગીતો છે અને આજે પણ વારંવાર આ સાંભળું છું. આટલું સરસ વિશ્લેષણ.. રવિ સાહેવ અને સાહિર સાહેબ ના ગીતો સુવર્ણકાળ ના ગીતો માં શિરમોર છે.. શ્રી થાવરાણી જી નો વધુ એક સુંદર લેખ.. ખૂબ ખૂબ અભિનંદન ..અને આભાર

  • Bhagwan thavrani
   December 23, 2019 at 7:00 am

   હાર્દિક આભાર કિશોરભાઈ !
   છેવટ સુધી સાથે રહેશો…

 2. નરેશ પ્ર. માંકડ
  December 23, 2019 at 3:52 am

  સંગીત શોખીનો માટે ઉજાણી ચાલી જ રહી છે.
  વો દિલ કહાં સે લાઉં ની યથાતથ પ્રતિકૃતિ – રવિ અને સાહિર ની જુગલબંદી, ફિલ્મ ‘ એક મહલ હો સપનોં કા’, ગીત: દિલ મેં કિસી કે પ્યાર કા જલતા હુઆ દિયા.

  • Bhagwan thavrani
   December 23, 2019 at 6:58 am

   તમારી વાત સાવ સાચી છે ! ‘ એક મહેલ હો સપનો કા ‘ નું એ ગીત એ સમયે મનમાં આવ્યું જ નહીં !
   આટલી ઝીણવટપૂર્વક આર્ટિકલને વાંચવા અને માણવા બદલ ઋણી છું નરેશભાઈ !
   હવે અંત નજીક છે. સાથે રહેશો…

 3. mahesh joshi
  December 25, 2019 at 7:31 pm

  જેમ ‘શંકર – જયકિશની ભૈરવી’ અને ‘નૌશાદિયન ભૈરવી’ એ સંગીત-રસિયાઓ માટે રૂઢપ્રયોગો બની ચૂક્યા છે એવું જ ‘ખૈયામની પહાડી’ અને ‘રવિની પહાડી’ માટે હોવું ઘટે !
  Bilkul Sahi. Many composers have utilized Pahadi , But these Two had passion for this lovely Raga.
  Lyrics of ” ये वादियाँ ” also beautifully narrates Pahadi nature in each of its Antara. Enjoyed Article. Compliments and Thanks.

  • Bhagwan thavrani
   December 31, 2019 at 1:40 pm

   હાર્દિક ધન્યવાદ મહેશભાઈ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *