ફિર દેખો યારોં : ગુમડાના ઉપચાર માટે હાથ કાપવાનો ઈલાજ

Facebooktwitterredditpinterestlinkedinmail

-બીરેન કોઠારી

થોડા મહિનાઓ અગાઉ પ્રસાર માધ્યમોમાં ટોળા દ્વારા રહેંસી નખાતી એકલદોકલ વ્યક્તિઓના સમાચાર એ હદે ચમકતા રહ્યા હતા કે એટલા પૂરતું એમ જ થાય કે દેશ આખામાં ઠેરઠેર જાણે કે આ જ ઉદ્યોગ ચાલી રહ્યો હોય. આવી દુર્ઘટનાઓની તપાસ તો થતાં થાય, પણ તેને પગલે અમુકતમુક પ્રકારના પ્રતિબંધો લાદી દેવામાં આવે. એ જ રીતે વચ્ચે ગૌરક્ષકો અને તેમના દ્વારા કરવામાં ગાયને બચાવવા માટેની હરકતોના સમાચાર નિયમીતપણે આવતા રહ્યા. આજકાલ અચાનક બળાત્કારને લગતા સમાચારો પ્રસારમાધ્યમોમાં એ રીતે ચમકી રહ્યા છે કે અખબારો વાંચીને એમ જ લાગે કે દેશમાં બીજી કોઈ ગતિવિધિ જ નથી. દેશના કોઈ મહત્ત્વના મુદ્દેથી લોકોનું ધ્યાન ફંટાવવાની આ કોઈ સુઆયોજિત પદ્ધતિ છે કે પછી કેવળ યોગાનુયોગ એ કહેવું મુશ્કેલ છે. સમાચારો સાંભળતાં, જોતાં કે વાંચતા એ અહેસાસ થાય કે ન્યાયતંત્ર જેવું કશું દેશમાં છે ખરું? છે તો એના ઉપર લોકોનો કેટલો ભરોસો છે અથવા નથી ? કેમ કે અખબારોમાં જે કિસ્સા આવે છે એમાંથી ઘણા એવા હોય છે જેમાં લોકો જાતે જ ગુનેગારને મારે કે મારી નાખે છે. બાકીના એવા હોય છે કે જેમાં લોકો ન્યાય મેળવવા અહીંતહીં ભટકતા રહેતા હોય છે. હજી કોઈ ઘટના બચે તો એમાં ન્યાય મળવામાં વિલંબ થયો હોય છે. એટલે સવાલ એ થાય છે કે લોકોની હિંમત વધી ગઈ છે કે ન્યાયતંત્રમાંનો વિશ્વાસ ઘટ્યો છે? કે પછી આ બધી ગતિવિધિઓ કોઈનાથી પ્રેરીત છે?

હૈદરાબાદની ડૉ. પ્રિયંકા રેડ્ડી કેસના ચાર આરોપીનું એન્‍કાઉન્‍ટર થયાના સમાચારે દેશભરમાં ‘આમ જ થવું જોઈએ’નો જુવાળ ફરી વળ્યો. આ જ સમાચારની સમાંતરે ઉન્નાવ કેસના આરોપીઓએ પીડિતાને સળગાવી મૂક્યાના સમાચાર આવ્યા. આ બન્ને તેમ જ અન્ય આવી ઘટનાઓ ટાણે સરકારની ભૂમિકા બાબતે હંમેશા સવાલ ઊઠતા રહેતા હોય છે. જો હૈદરાબાદના આરોપીઓ સાથે ‘આમ જ થવું જોઈએ’, તો પછી જેમણે પીડિતાને જીવતી સળગાવી મારી એવા ઉન્નાવકાંડના આરોપીઓને કેમ કશું કરવામાં ન આવ્યું?

ન્યાયની પ્રણાલિમાં કોઈ ફેરફાર કરવાને બદલે આરોપીઓ પર પોલિસને છુટ્ટા મૂકી દેવા કદાચ ‘કવિન્યાય’ લાગે, પણ એ બધું ફિલ્મોમાં વધુ શોભે છે. આવી વાત કરનારને ઘણા એમ પણ કહી શકે કે પોતાના કુટુંબની કોઈ મહિલાસભ્ય સાથે કોઈ દુર્ઘટના બને ત્યારે આવી બધી વાત કરજો. આ અગાઉ 2012માં દિલ્હીમાં નિર્ભયા હત્યાકાંડ વખતે પણ આવો જ જુવાળ ઊઠ્યો હતો. આવી દુર્ઘટનાઓ બને ત્યારે ‘એન્‍કાઉન્‍‍ટર’ તેનો ઊકેલ નથી હોતો, કેમ કે, એમાં ‘ડોશી મર્યાની’ નહીં, પણ ‘જમડા ઘર ભાળી જવાની’ શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે. આવા વખતે સરકારે ન્યાયપ્રક્રિયામાં થતો વિલંબ અટકાવવા માટે કોઈક કાયમી ઉપાય વિચારવો રહ્યો, તેને બદલે તે લોકરંજક પગલાં લે અને એ પગલાંને વ્યાપક જનસમૂહનું સમર્થન મળે એ બાબત લોકશાહી માટે ચિંતાજનક કહી શકાય. બળાત્કાર જેવી દુર્ઘટના બને એટલી જ ગંભીર બાબત આ પણ છે.

હકીકત જોતાં એમ લાગે કે સરકાર કોઈ પણ હોય, જે મુદ્દામાં રાજકારણ સમાયેલું ન હોય એ મુદ્દો તેમના માટે મુદ્દો જ નથી હોતો. શા પરથી આમ કહી શકાય? કેટલીક નક્કર વિગતો જોઈએ.

2012માં થયેલા ‘નિર્ભયા કાંડ’ને પગલે કેન્‍દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે 2015માં કુલ 3,100 કરોડ જેટલી રકમ આવી દુર્ઘટનાઓ ન બને એની તકેદારી માટેની વિવિધ સુરક્ષા જોગવાઈઓ માટે રાજ્ય સરકારોને ફાળવી હતી. ‘નિર્ભયા ફંડ’ તરીકે ઓળખાવાયેલી આ રકમ થકી એવાં ‘વન સ્ટોપ સેન્‍ટર’ (ઓ.એસ.સી.) ઊભાં કરવાનું આયોજન હતું, જ્યાં પીડિતાને પોલિસસહાય, કાનૂની મદદ, તબીબી સેવા તેમ જ કાઉન્‍સેલિંગની સેવા એક જ છત્ર તળે ઉપલબ્ધ હોય.

આ ફંડની, તેના ઉપયોગની શી સ્થિતિ છે? એક અહેવાલ અનુસાર આ ફંડમાંની આશરે 90 ટકા જેટલી રકમ વપરાયા વિના પડી રહી છે. આ ફંડ એટલું મોટું કહી શકાય એવું છે કે તેમાં ભ્રષ્ટાચારને પૂરેપૂરો અવકાશ રહેલો છે. આ કિસ્સામાં એ પણ થયો નથી, અને રકમ વણવપરાયેલી પડી રહી છે. જે રાજ્યોમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે ક્યાં અને કયા હેતુ માટે કરાયો છે એ અલગ સવાલ છે. આ હકીકત સૂચવે છે કે આ કામ કરવામાં જ કોઈ સરકારને રસ નથી. પોતાને ફાળવવામાં આવેલી રકમમાંથી કેટલી રકમનો ઊપયોગ કર્યો હોવાનું અધિકૃત પ્રમાણપત્ર જે તે રાજ્ય સરકાર દ્વારા રજૂ કરાયું છે. એ અનુસાર આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ગોવા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, કેરળ, મિઝોરમ, નાગાલેન્‍ડ, પંજાબ, રાજસ્થાન, તેલંગણા, તમિળનાડુ, ઉત્તરાખંડ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, ચંદીગઢ, દાદરા અને નગર હવેલી, તેમ જ પુડુચેરી જેવાં રાજ્યો યા કેન્‍દ્રશાસિત પ્રદેશોએ આ ફંડમાંની રકમનો થોડોઘણો ઉપયોગ પણ કરેલો છે. એ સિવાયનાં રાજ્યોએ તેની તરફ જોયું સુદ્ધાં નથી. નાગરિક તરીકે આપણે આનો જવાબ જે તે સરકારો પાસે માગવો જોઈએ.

સંસદના ગૃહોમાં આપણા જ ચૂંટેલા પ્રતિનિધિઓ અપરાધીઓને રહેંસી નાખવાના ઉદ્‍ગારો કાઢી રહ્યા હોય એ લક્ષણ ચિંતાજનક કહી શકાય એવું છે. સોએ સો ટકા સભ્ય અને સુસંસ્કૃત સમાજ કોઈ હોઈ ન શકે, પણ તેની ગતિ એ તરફની હોવી ઘટે. આવા ઊકેલ અને આવા સૂચનથી ગતિની દિશા જ સાવ ફરી જાય છે. જો મહિલા પરનો શારિરીક અત્યાચાર જઘન્ય અપરાધ હોય તો તેના ગુનેગારોને સજા કરવા માટેની ન્યાયપ્રક્રિયા ઝડપી બને એ માટે નક્કર પગલાં લેવાનાં હોય. કારણ એટલું જ કે અધિકારીઓ અને સરકારને ‘એન્‍કાઉન્‍ટર’ની આદત પડી જાય તો તેઓ તેનો રાજકીય લાભ ખાટવા માંડે એ હકીકતો જગજાહેર છે. આ રસ્તો લોભામણો, લોકરંજક, અને લપસણો છે. આ ક્ષેત્રે ખાસ કશું નક્કર કર્યા વિના કે એવો ઈરાદો સુદ્ધાં દેખાડ્યા વિના લોકલાગણીને નામે આવી રમતો રમાય એ જોખમી માર્ગ છે. એક સાહજિક પ્રતિક્રિયા લેખે કોઈ સામાન્ય નાગરિક દ્વારા ‘આમ જ થવું જોઈએ’ એમ કહેવાય એ અલગ વાત છે, અને સંસદમાં આપણા લોકપ્રતિનિધિઓ દ્વારા આમ કહેવાય એ અલગ વાત છે.

જે થઈ ગયું એ તો થઈ ગયું છે, પણ અપવાદરૂપ બનેલી હૈદરાબાદની ઘટનાથી સંભવિત ગુનેગારોમાં ધાક બેસે અને આવા ગુના બનતા અટકે તોય ઘણું. એવે વખતે આપણે એક નાગરિક તરીકે એ ન ભૂલવું જોઈએ કે ઉન્નાવની ઘટના પણ સમાંતરે જ બની છે.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૨-૧૨-૨૦૧૯ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *