વ્યંગ્ય કવન : (૪૩) ત્રણ કવિ – ત્રણ વ્યંગ્ય કાવ્યો

Facebooktwitterredditpinterestlinkedinmail

          (૧) જાન જનાવરની મળી

જાન જનાવરની મળી મેઘાડંબર ગાજે
બકરીબાઈનો બેટડો પરણે છે આજે

ઢોલ નગારા ભેર ને શરણાઈના સુર તીણાં
સો સાંબેલા શોભિતા બેટા બેટી ઘેટીના

ઠીક મળી ઠઠ લોકની જરા ઠામ ન ઠાલો
દોડે વરનો બાપ ત્યાં દડબડ દાઢીવાળો

સાજનનું શું પૂછવું બકરે કરી જોરો
ભેગા કર્યાં છે ભાવથી મોટાં મોટાં ઢોરો

રાતા માતા આખલાં રાખી શિંગડાં સીધાં
આગળ માગ મૂકાવતાં પદ પોલિસ લીધાં

સાજને શ્રેષ્ઠ જ ઊંટડાં હીંડે ઊંચી ઓડે
એનાં અઢારે વાંકડાં કામદારોની ગોડે

હારમાં એક બે હાથી છે મોટા દાંત જ વાળા
નીચું ન્યાળીને ડોલતાં હીંડે શેઠ સુંઢાળા

હાથી થોડા તો છે ઘણાં હાર રોકતાં પાડા
કાળા કઢંગા ને થયાં ખડ ખાઈ જડ જાડા

આંખ ફાટી છાતી નીસરી કરતા ખૂબ ખૂંખારા
હીંડે ઊછળતા ઘોડલાં શાહ જન થઈ સારા

ટટ્ટુઓ ટગુમગુ ચાલતાં પૂંઠે ગરીબ ગધેડા
હાજી હાજી કરી હીંડતાં ડીફાં વિના અતેડા

હારોહાર હજારો આ માંહો માંહે લપાતા
કોણ આવે કામળો ઓઢીને એ તો ગાડર માતા

પિતરાઈઓ વહેવાઈના એને અક્કલ ન કોડી
આડા અવળા એકેકની પૂંઠે જાય જો દોડી

બકરા તો વરના બાપ છે હોય એનું શું લેખું
શું સાગર શિંગડા તણો હું તે આજે આ દેખું

વરનો તે ઘોડો આવિયો વાજે વાજાં વિલાતી
ભેર ભૂંગળ ને ઝાંઝરી ભેગું ભરડતી જાતી

વર રાજા બે માસનું બાળ બેં બેં કરતું
ઝડપાયું ઝપ ઝોળીમાં મન માડીનું ઠરતું

મંગળ બકરી માઈ તો ગાય હરખી હરખી
જોડે જાંદરણી ઘણી કોડે જોવા જ સરખી

બકરી બાઈ એ નાતની ને બીજી ઘણીઓ
આણી આડોશપાડોશણો બાઈતણી બેનપણીઓ

ભેંસ ભૂંડણ ને ઊંટડી ઘેટી ઘોડી ગધેડી
ગાય બિલાડી ઉંદરડીને એક કૂતરીએ તેડી

વાંદરિયો વીસર્યાં નથી દશ વીશ આ કૂદે
સાથે સામટાં ગાઈ સૌ સાતે સૂરને છૂંદે

કોઈ બેંબેં કો ભેંભેં કરે કોઈ ભૂકતી ભૂંડું
કોઈ ચુંચું મ્યાઉં મ્યાઉં કરે વેર વાળે કો કૂડું

હુક હુક કરતી વાંદરી જો જો નાચે છે કેવી
ધન ધન બકરી ન કોઈની જાન તારા તે જેવી

ચાર પગાંની જાન આ જોડી બેપગાં સારું
સમજે તો સાર નવલ બહુ નહિ તો હસવું તો વારું

                                                 – નવલરામ લક્ષ્મીરામ પંડ્યા

(૧૯મી સદીના ગુજરાતમાં વ્યાપક એવી બાળલગ્નની કુરૂઢિ પર આકરા અને કડવા શબ્દોમાં કટાક્ષ વેરતી તે સમયે લખાયેલી આ કવિતા સમજુ માણસોમાં ભારે લોકપ્રિય થઈ હતી. આ કવિતા છેક ૧૯૫૦ના દાયકા સુધી શાળાનાં પાઠ્યપુસ્તકોમાં વિદ્યાર્થીઓને ભણાવાતી રહી હતી).

                                                        * * *

                      (૨) એક ચિંતા

“આવો દેહ અતીવ દુર્બલ સખે, શાનો તમારો દીસે?
ચિંતાભાર અસહ્ય શો શિર પરે આવો ઉપાડ્યો તમે?

આપત્તિ કંઈ અર્થની નવી નવી આવી સતાવી રહી?
કે શું પુત્રકલત્રમિત્રજનથી ધારી ન ઈચ્છા ફળી?

કે વિદ્યુત્ સરખી ક્ષણેક ચમકી તેજેભરી સુંદરી
હૈયે દાહ દઈ ગઈ અગમ કો અંધાર માંહે સરી?

આજે તાંડવ વ્યોમ-ભોમ-જલમાં જે કાલ ખેલી રહ્યો,
પાદઘાત સૂણી શું તે હૃદયનાં વાધી ગયા સ્પંદનો?”

                                  * * *

“ચિંતા લેશ નથી મને જગતમાં લક્ષ્મી મળે વા નહિ,
વિષ્ણુપત્ની પરાઇ, તે પ્રતિ કદી દૃષ્ટિ ધરૂં પ્રેમની?

આપત્તિ નવ અર્થની કદી મને આવી સતાવી શકે,
હૈયું કાવ્યરસે રમે પછી મને શી અર્થબાધા નડે?

હૈયે દાહ દઈ ન કો વીજસમી વ્યોમે શમી સુંદરી,
મારી વિદ્યુત તો સખે, સદનમાં મેં ચાંપમાં છે પૂરી.

લીલા કાળ તણી નિહાળી હૃદયે ભીતિ ન લેશે ધરૂં
એ તો નિત્ય તણી ક્રિયા જગતની, એમાં નવું ના કશું;

આ કાલાંબુધિને જલે પળપળે ઊઠે, રમે ને શમે
કૈં કૈં માનવબુદ્બુદો ત્યમ હું યે ઊઠું-શમું એ વિષે.

ચિંતા એક જ કોરતી હૃદયને : હોઇશ હું ના તદા
મારા હિણું બિચારૂં આ જગતડું, તેનું સખે શું થશે?”

                             (જાન્યુઆરી ૧૯૪૩)

                                                  – જ્યોતીન્દ્ર હ. દવે

                                   * * *

                (3) પ્રશ્ન એક રોટલાનો મોટો છે

એક દિન મહેતાજીએ છોકરાંને પ્રશ્ન કર્યો
‘ઈતિહાસ વિશે પ્રશ્ન ક્યો મોટો છે?’

વાદ કરી છોકરાઓ પ્રશ્નનો વિચાર કરે
મહેતાજીની આંગળીની ચીંધ સહુ માથ ફરે

કુરુક્ષેત્ર? ટ્રોય? તણો ઈતિહાસ ખોટો છે!
ફ્રેંન્ચ રાજ્યક્રાંતિ? એવી ક્રાંતિનેય જોટો છે!

રાજ્યમાં સુધારા? ધારાફેરનો ક્યાં તોટો છે?
વીજળી કે સંચાશોધ? એ તો પ્રશ્ન છોટો છે!

નોખાનોખા ધર્મ પંથ? અરે એમાં ગોટો છે!
‘સિપાઈના બળવા’ના વાંસા ઉપર સોટો છે!

સત્યાગ્રહ? એમાંય તે કૈંકે મેલી દોટો છે!
આવડે ન તો તો ગાલે મહેતાજીની થોંટો છે.

છેલ્લે બાંક, છેલ્લો રાંક છોકરો જવાબ દે
’સાબ! સાબ! પ્રશ્ન એક રોટલાનો મોટો છે.’

                              – મુકુન્દરાય વિ. પારાશર્ય

                      * * *

સૌજન્ય – mavjibhai.com


સંકલનકાર શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:

ઈ મેઈલ – musawilliam@gmail.com મોબાઈલ + 91-93279 55577 / / + 91-94261 84977

નેટજગતનું સરનામુઃ
William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) | વલદાનો વાર્તાવૈભવ | માનવધર્મ – જીવો અને જીવવા દો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *