સમયચક્ર : હાજી કાસમની વીજળી આખરે ગઈ ક્યાં ?

Facebooktwitterredditpinterestlinkedinmail

માવજી મહેશ્વરી

દુનિયા કહેવાતા આ અવકાશી પીંડના પોણા ભાગ ઉપર ફેલાયેલો મહાસાગર સદીઓથી માણસના પુરુષાર્થ અને કૌવતનું સાક્ષી રહ્યો છે. દરિયાએ માણસને પોષ્યો છે. તેની આંખોને સુંદરતમ દશ્યો આપ્યાં છે. પરંતુ આ જ દરિયો જ્યારે વિફર્યો છે ત્યારે માણસને સાવ રાંક બનાવી નાખ્યો છે. જ્યારે જમીનમાર્ગો પણ ન્હોતા બન્યા ત્યારે કાબેલ નાખુદાઓએ સાગરની છાતી ઉપર દરિયાઈ માર્ગો નક્કી કર્યા છે. પરંતુ એ માર્ગો ઉપર એવી કેટલીય દુર્ઘટનાઓ ઘટી ચૂકી છે જેનો સાક્ષી હોય, તો માત્ર સાગર જ છે. વીજળી નામનું જહાજ ડૂબ્યું એ એક એવી ખોફનાક દુર્ઘટના હતી જેના સગડ હજુ મળ્યા નથી. ગુજરાતીઓના લોકમુખે ખૂબ ચર્ચાયેલી વીજળી આખરે ગઈ, તો ગઈ ક્યાં ? આ પ્રશ્ન હજુ અરબી સમુદ્રના તળિયે દફન છે.

૧૯૯૭માં રજુ થયેલી ટાઈટેનિક ફિલ્મ આખાય વિશ્વે નિહાળી. ફિલ્મના અંત ભાગના દશ્યોએ સંવેદનશીલ માણસોને રડાવ્યા છે. કાળી ડીબાંગ રાતના અંધકારમાં ઠરતા જતા પ્રશાંત મહાસાગરના પાણી વચ્ચે શ્વાસની તુટતી દોર અને મૃત્યુનું ભયાનક સ્વરૂપ કોઈ ભુલ્યું નથી એ ફિલ્મનો છોકરડા જેવો હીરો જેક ( લીયોનાર્ડો ડી કેપ્રિઓ )ની નાનકડી પ્રેમકહાનીનો અંત ફિલ્મના મૂળ કથાવસ્તુની કરુણતાને ચરમસીમા ઉપર પહોંચાડી દીધી. ભલે એ કાલ્પનિક કથા અને અદાકારોની કમાલ છે. પરંતુ ટાઈટેનિક નામના દરિયાઈ જહાજ ડૂબ્યાની ઘટનાને ફિલ્મ દ્વારા અમર કરી દેવાઈ. આવી જ એક ઘટના ભારતના વહાણવટાના ઈતિહાસમાં પણ બની છે. જેને ન તો પાઠ્ય પુસ્તક દ્વારા વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી કે ન તો એના ઉપર કોઈ નાની પણ દસ્તાવેજી ફિલ્મ તૈયાર કરવામાં આવી. વાત છે. ગુજરાતની આગલી પેઢીઓ જે લોકગીત સાંભળીને રડી છે તે ‘વીજળી’ નામના જહાજ અચાનક ડૂબી ગયાની.

ભારતના અત્યાર સુધીના દરિયાઈ ઈતિહાસમાં સૌથી કરુણ અને વધુ ચર્ચાયેલી ‘વીજળી’ નામના જહાજ ડૂબી જવાની ઘટના છે. આ ઘટનાની કરુણતા એ છે કે તેમા સફર કરનારા પ્રવાસીઓ અને તેના સચાલક મંડળ ( ક્રૂ મેમ્બર્સ )માંથી એક વ્યક્તિ જીવતી બચી નથી. જો બચી ગઈ હોય તો તેનો આજ સુધી કોઈ પુરાવો મળ્યો નથી. એટલું જ નહીં, તે વખતની તપાસ એજન્સીઓને વીજળીના અવશેષો પણ મળ્યા નથી.

ગુજરાતી લોકગીત હાજી કાસમ તારી વીજળી રે મધ દરિયે વેરણ થઈ…. પ્રસારિત કરનાર રાજકોટ રેડિયો સ્ટેશને અનેકોની આંખમાં આંસુ આણ્યા છે. તારીખ ૮ નવેમ્બર ૧૮૮૮ના રોજ આજના પોરબંદર જિલ્લાના માંગરોળની આસપાસ વીજળી નામનું જહાજ સમુદ્રી તોફાનમાં સપડાયા પછી જાણે અલોપ જ થઈ ગયું, ન તો મૃતદેહો કિનારે તણાઈ આવ્યા કે ન તો અન્ય કોઈ અવશેષો. દરિયાઈ જહાજની ડૂબી જવાની નોંધાયેલી ઘટનાઓમાં વીજળી ડૂબી નથી પણ ગુમ થઈ ગયાનું નોંધાયેલું છે. આ જહાજમાં મુસાફરી કરતા તેર વરરાજા, જાનૈયા, મેટ્રીકની પરીક્ષા દેવા મુંબઈ જઈ રહેલા વિદ્યાર્થીઓ, અંગ્રેજ મુસાફરો અને ક્રૂ મેમ્બર સહિત ૧૩૦૦ જણ ડૂબ્યાનું કહેવાય છે. પરંતુ સત્તાવાર આંકડો ૭૪૬ છે. વીજળીના નામે જાણીતી થયેલી આ સ્ટીમરનું નામ વૈતરણા ( S S Vetarana ) હતું. જે મુંબઈની વૈતરણી નદીના નામ પરથી પાડવામાં આવ્યું હતું. એ. જે. શેફર્ડ મુંબઈની કંપનીનું ૯૦૦૬૦ નંબરનું આ જહાજનું નિર્માણ કચ્છના માંડવીમાં થયું હતું. વરાળથી ચાલતા આ જહાજમાં પ્રકાશ માટે વીજળીના બલ્બ ગોઠવેલા હોવાથી તે સમયે પ્રવાસીઓમાં વીજળીના હૂલામણા નામે જાણીતું બન્યું હતું. ગ્રેંજમંથ ડોકયાર્ડ કંપની દ્વારા બનાવાયેલા આ જહાજને ત્રણ મજલા અને પચીસ ઓરડા હતા. તેની વહન શક્તિ ૨૯૨ ટનની હતી. માંડવી અને મુંબઈ વચ્ચે ૮ રુપિયાના દરે ચાલતું આ જહાજ ૩૦ કલાકમાં એક ખેપ પુરી કરતું હતું. આ જહાજ માંડવી અને મુંબઈ વચ્ચે શાંત વાતાવરણમાં માલ સામાન અને પ્રવાસીઓના વહન માટે સફર કરતું હતું. તે ટૂંકી સફર માટે બનાવેલું હોવાથી તેમાં સલામતીનો વિશેષ સ્રરંજામ પણ ન હતો. આ જહાજનું સંચાલન તેમજ ટીકીટ વેચવા સહિતની બધી વ્યવસ્થા કાસમ ઈબ્રાહીમ અને હાજી કાસમ નૂર મોહમદ કરતા હતા. હાજી કાસમ ખુદ જહાજનો કપ્તાન હતો. તે બોરીવલી અને દહીસર વચ્ચેનો જમીંનદાર હતો. મલબાર હીલમાં રહેતા હાજી કાસમનું કાર્યાલય અબ્દુલ રહેમાન સ્ટ્રીટ પર આવેલું હતું. વીજળીની દુર્ઘટના પછી એવી લોકવાયકા ફેલાઈ હતી કે હાજી કાસમને કોઈ ફકીરે કહેલું કે, તુ ૯૯ જહાજોનો માલીક થઈશ. અને તારું છેલ્લું જહાજ વીજળી હશે. જોકે બહુ મોટી દુર્ઘટનાઓ પછી આ પ્રકારની કથાઓ ફેલાતી હોય છે. વીજળીના કપ્તાન હાજી કાસમના નામ ઉપરથી મુંબઈ સેન્ટ્રલ વિસ્તારમાં આજે પણ હાજી કાસમની ચાલ નામનો એક વિસ્તાર છે.

વીજળી ૮ નવેમ્બર ૧૮૮૮ ( વિક્રમ સવંત ૧૯૪૫ની કારતક સુદ પાંચમ )ના રોજ બપોરે લાંગર્યું હતું અને માંડવીથી દ્વારકા, પોરબંદર થઈને મુંબઈ જવા નીકળ્યું. તે વખતે તેમા જ ૫૨૦ પ્રવાસીઓ હતા. દ્વારકા પહોંચ્યા બાદ બીજા પ્રવાસીઓ ચડતાં પ્રવાસીઓની સંખ્યા ૭૦૩ થઈ. ૪૩ ક્રૂ મેમ્બર અને જહાજી કર્મચારીઓ સહિત સહિત કુલ ૭૪૬ પ્રવાસીઓ લઈને તે પોરબંદર જવા રવાના તો થયું પણ હવામાનમાં પલટો આવતા તે સીધું મુંબઈ જવા નીકળી ગયું. છેલ્લે સાંજના સમયે તે માંગરોળ પાસે દેખાયું હોવાનું જાણવા મળ્યું. પછી વીજળી અલોપ જ થઈ ગઈ. બીજા દિવસે આ જહાજને લાપતા જાહેર કરી દેવામાં આવ્યું.

એસ. એસ. વૈતરણા ઊર્ફે વીજળીની શોધ માટે મુંબઈની પ્રેસીડેન્સીએ તપાસ સમિતી નીમી. તપાસ સમિતીને જહાજમાં સફર કરી રહેલા પ્રવાસીઓ કે જહાજના અવશેષોનો કોઈ જ પત્તો લાગ્યો નહીં. તપાસના તારણોમાં એવું પણ જણાયું કે આ જહાજ સલામતીની દષ્ટિએ બિલકુલ સજ્જ નહોતું. તપાસ સમિતી ઉપરાંત જહાજી કંપનીઓએ પણ વીજળીનો કાટમાળ શોધવાનો પ્રયાસ કર્યો હતો તેમને પણ નિરાશા જ હાથ આવી. દરિયાઈ ક્ષેત્રમાં વીજળી ગુમ થયાની ચર્ચા વર્ષો સુધી ચાલતી રહી. ૧૮૮૯ના જુલાઈ માસમાં અખાતી દેશ તરફથી ભારત આવતા એક જહાજે વીજળીને મધરિયે જોયાનું કહ્યું હતું. તેમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે વીજળીના કપ્તાન હાજી કાસમે જણાવ્યું કે, અમે દિશા ભુલી ગયા છીએ. પ્રથમ દષ્ટિએ જ આ વાતમાં તથ્ય જણાતું નથી. વાસ્તવમાં આવી વાતોમાં એક રોમાંચ હોય છે એટલે તે ઝડપથી ફેલાય છે.

ગુજરાતમાં આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા. ગુજરાતી ભાષામાં તેની અનેક લોકવાયકાઓ, દંતકથાઓ, ગીતોની રચનાઓ થઈ. એ ગીતો ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં અત્યંત લોકપ્રિય થયા. માંડવી, ભુજ અને અંજાર શહેરમાં વીજળીની કરુણાતિકા વર્ષો સુધી ચર્ચાતી રહી. કારણ કે વીજળીમાં સૌથી વધુ પ્રવાસીઓ આ શહેરોના હતા. તે સમયના જામનગરના કવિ દુર્લભરાય વી. શ્યામજી ધ્રુવે ‘વીજળી વિલાપ’ નામનો એક ગુજરાતી ગીતસંગ્રહ પ્રકાશિત કર્યો. તો ભીખારામ સવજી જોશીએ એ આ નામે જ બીજું પ્રકાશન કર્યું. ઝવેરચંદ મેઘાણીએ રઢિયાળી રાતમાં ‘ હાજી કાસમ તારી વીજળી રે મધ દરિયે વેરણ થઈ ‘ગીત સમાવ્યું. દરિયાઈ કથાઓના જાણીતા લેખક ગુણવતરાય આચાર્યે ‘ હાજી કાસમ તારી વીજળી “ નામની નવલકથા લખી હતી. ગુજરાતના જાણીતા સંશોધક વાય. એમ. ચીતલવાલાએ વીજળી ડૂબ્યાની ઘટનાનો અભ્યાસ કરી ‘ વીજળી હાજી કાસમની ‘નામનું દસ્તાવેજી પુસ્તક લખ્યું. જે ૨૦૧૦માં પ્રકાશિત કરવામાં આવ્યું છે.

સમુદ્રમાં માત્ર પાણી નથી. તેના અતલ ઊંડાણમાંથી ઊઠતા ઘેરા રવમાં માનવજાતના છાંના રુદન અને મરણચીસો વલોવાય છે. મહાસાગરના મોજાંઓમાં માનવજાતે કરેલાં સંઘર્ષોનો ઈતિહાસ ઊછળે છે. વીજળી ડૂબી ગયાના ૧૩૦ વર્ષો પછી જ્યારે ટેક્નોલોજી ચરમ પર છે, ત્યારે તેને કોઈ ગુજરાતી વીરલો ધારે તો પડદા ઉપર જીવતી કરી શકે છે.


શ્રી માવજી મહેશ્વરીનાં સંપર્ક સૂત્રોઃ ફોન નં. +૯૧ ૯૮૨૫૭૨૫૫૯૬ Email mavji018@gmail.com


સંપાદકીય નોંધ – અહીં લીધેલ સાંદર્ભિક ચિત્ર વિકીપીડીયા પરથી સાભાર લીધેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *