





નિરંજન મહેતા
હિન્દી ફિલ્મોમાં પ્રજ્ઞાચક્ષુવાળા પાત્રો દર્શાવાય છે અને તેમની ઉપર ગીતો પણ રચાય છે. હકીકતમાં તેઓ પ્રજ્ઞાચક્ષુ નથી હોતા પણ તેવી અદાકારી કરે છે. તે વિષે વાત કરતા પહેલા એક એવી વ્યક્તિની વાત કરવી છે જે હકીકતમાં પ્રજ્ઞાચક્ષુ હતી અને અભિનય અને ગાયકી બંને કામ ફિલ્મોમાં કર્યા છે. તે વ્યક્તિ છે કે.સી.ડે (ગાયક મન્નાડેના કાકા). તેમના જમાના અદાકાર જાતે જ ગીતો ગાતાં એટલે આ પ્રજ્ઞાચક્ષુ અભિનેતાનાં નામે અભિનય સાથે ગાયેલા એકથી વધુ ગીતો છે અને ફક્ત ગાયક તરીકે પણ ગીતો આપ્યા છે. તેમના આ ભંડોળમાંથી બે ગીતોનો રસાસ્વાદ.
૧૯૩૫ની ફિલ્મ ‘ધૂપછાંવ’નું આ ગીત હજી પણ માણી શકાય છે.
बाबा मन की आँखे खोल
मन की आँखे खोल बाबा
ગીતકાર પંકજ મલિક અને આર.સી. બોરાલ, સંગીત પણ આર.સી. બોરાલનું.
૧૯૩૬ની ‘દેવદાસ’ ફિલ્મમાં પણ અત્યંત મધુર ગીત છે:
मत भूल मुसाफिर तुझे जाना ही पडेगा
ગીતકાર કેદાર શર્મા અને સંગીત તિમિર બરનનું.
આવી જ એક અન્ય પ્રતિભાવંત પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ છે જેણે ગીતકાર, સંગીતકાર અને ગાયક તરીકે યોગદાન આપ્યું છે પણ કોઈ ફિલ્મમાં અભિનય નથી કર્યો એટલે તેમના ગીત રજુ નથી કર્યા. આ વ્યક્તિ એટલે રવીન્દ્ર જૈન.
હવે આપણે અન્ય ગીતો તરફ વળીએ. પ્રજ્ઞાચક્ષુનું પાત્ર ભજવતા કલાકાર પર ક્યાંક એક કરતાં વધુ ગીતો રચાયા છે પણ દરેકનું એક જ ગીત અહી મુકાયું છે જેથી રસાસ્વાદ મળે અને લેખ પણ લાંબો ન થાય.
૧૯૬૪ની ફિલ્મ ‘દોસ્તી’માં બે મિત્રોની વાત છે જેમાંનો એક સુધીરકુમાર પ્રજ્ઞાચક્ષુ હોય છે. બંને એકબીજા સાથે મળીને રસ્તે ગીતો ગાઈ ગુજરાન કરતાં હોય છે. સુધીરકુમાર પર રચાયેલા ગીતોમાંનું સૌથી પ્રખ્યાત ગીત છે :
चाहूँगा मै तुझे सांझ सवेरे
फिर भी कभी अब नाम को तेरे
आवाझ मै ना दूंगा
ગીતકાર મજરૂહ સુલતાનપુરી, સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું. સ્વર છે રફીસાહેબનો.
૧૯૬૯ની ફિલ્મ ‘ચિરાગ’માં આશા પારેખની આંખો જોઈ સુનીલ દત્ત જે ગીત ગાય છે તે જ ગીત આશા પારેખ જ્યારે પાછળથી આંખો ગુમાવે છે ત્યારે ફરી રજુ થયું છે.
तेरी आँखों के सेवा दुनिया में रख्खा क्या है
મજરૂહ સુલતાનપુરીનાં શબ્દો અને સંગીત મદન મોહનનું. સ્વર લતાજી અને રફીસાહેબના.
૧૯૭૨ની ફિલ્મ ‘અનુરાગ’માં મૌસમી ચેટરજીનું પાત્ર પણ પ્રજ્ઞાચક્ષુનું છે. તેના ઉપર એક કરતા વધુ ગીતો રચાયા છે. જેમાનું આ ગીત મધુર છે
सुन री पवन, पवन पूरवय्या
मै हूँ अकेली अलबेली तूं सहेली मेरी
આનંદ બક્ષીના શબ્દોને સંગીત આપ્યું છે સચિન દેવ બર્મને અને સ્વર છે લતાજીનો.
૧૯૭૨ની અન્ય ફિલ્મ ‘મેરે જીવન સાથી’માં રાજેશ ખન્ના અકસ્માતમાં આંખો ગુમાવે છે ત્યારબાદ જે ગીત તેના પર રચાયું છે તે છે:
दीवाना ले के आया है दिल का नझराना
કિશોરકુમારે ગાયેલા આ ગીતના રચયિતા છે મજરૂહ સુલતાનપુરી અને સંગીત છે આર.ડી.બર્મનનું.
૧૯૭૩ની ફિલ્મ ‘ઝીલ કે ઉસ પાર’માં પણ મુમતાઝનું પાત્ર એક પ્રજ્ઞાચક્ષુનું છે. ફિલ્મમાં તેના પર એક કરતાં વધુ ગીતો રચાયેલા છે તેમાંથી એક ગીત
चल चले ऐ दिल चले कर किसी का इंतझार
આનંદ બક્ષીના શબ્દોને સંગીત આપ્યું છે આર. ડી. બર્મને અને સ્વર છે લતાજીનો.
૧૯૭૬ની ફિલ્મ ‘બૈરાગ’માં દિલીપકુમારનું પાત્ર એક પ્રજ્ઞાચક્ષુનું છે પણ પાછળથી તેનું અંધત્વ દૂર થાય છે. પ્રજ્ઞાચક્ષુના પાત્રમાં ગયેલ આ ભજન બહુ પ્રચલિત છે.
जीवनपथ पर शाम सवेरे
छाये है घनघोर अँधेरे
ओ शंकर मेरे कब होंगे दर्शन तेरे
સ્વર છે મહેન્દ્ર કપૂરનો અને સંગીત કલ્યાણજી આણંદજીનું. શબ્દો છે આનંદ બક્ષીના.
૧૯૭૭ની ફિલ્મ ‘કિનારા’માં હેમા માલિની એક અકસ્માતમાં આંખો ગુમાવે છે અને તેને અંધત્વ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ તેની ઉપર એક ગીત રચાયું છે :
अब के ना सावन बरसे
हो अबके बरसे तो बरसेगी अँखिया
ગીતકાર ગુલઝાર, સંગીતકાર આર.ડી.બર્મન અને ગાયિકા લતાજી.
૧૯૭૯ની ફિલ્મ ‘સુહાગ’માં શશીકપૂર પણ ફિલ્મની મધ્યમાં અકસ્માતમાં આંખો ગુમાવે છે અને ત્યારબાદ તેના પર રચાયેલ ગીત છે:
ऐ यार सुन यारी तेरी मुझे जिन्दगी से प्यारी है
जवाब इक नहीँ हमारा कहीं बड़ी बड़ी खूब जोड़ी हमारी है
ગીતમાં અમિતાભ બચ્ચન અને પરવીન બાબી પણ સાથ આપે છે. આનંદ બક્ષીના શબ્દો અને લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત. ગાનાર કલાકારો શૈલેન્દ્ર સિંહ, રફીસાહેબ અને આશા ભોસલે.
૧૯૮૧ની ફિલ્મ ‘બરસાત કી એક રાત’માં રાખીનું પાત્ર એક પ્રજ્ઞાચક્ષુનું છે. તેના પર એક કરતા વધુ ગીતો રચાયા છે જેમાનું એક સુંદર ગીત:
हाय वो परदेसी मन मै हो कौन दिशा से आ गया
લતાજીના સ્વરમાં ગવાયેલ આ ગીતના ગીતકાર છે આનંદ બક્ષી અને સંગીત આપ્યું છે આર.ડી.બર્મને.
કાજોલે પ્રજ્ઞાચક્ષુનું પાત્ર ભજવ્યું છે ૨૦૦૬ની ફિલ્મ ‘ફના’માં આ ફિલ્મમાં પણ તેના ઉપર એક કરતા વધુ ગીતો છે જેમાનું એક :
मेरे हाथ में तेरा हाथ हो
सारी जन्नते मेरे साथ हो
ગીતકાર પ્રસૂન જોશી અને સંગીતકાર જતિન-લલિત. સ્વર છે સોનુ નિગમ અને સુનિધિ ચૌહાણના. સાથે આમીર ખાનનો અવાજ પણ સામેલ છે.
આશા છે આ લેખ પ્રજ્ઞાચક્ષુઓ ઉપરના ગીતોને થોડે ઘણે અંશે ન્યાય આપી શકશે.
નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com