સાયન્સ ફેર : ઘોસ્ટ સ્ટોરી – ૩ : મંછા ભૂત ને શંકા ડાકણ!

Facebooktwitterredditpinterestlinkedinmail

જ્વલંત નાયક

પ્રાથમિક દ્રષ્ટિએ મનુષ્ય કોઈ પણ બાબતને સમજવા-અનુભવ કરવા માટે આંખ (દ્રશ્ય), કાન (શ્રવણ), નાક (ગંધ-સુગંધ), ત્વચા (સ્પર્શ)નો ઉપયોગ કરે છે. આ રીતે અનુભવેલી બાબતો ભાગ્યે જ ખોટી પડતી હોય છે. એટલે જ્યારે આપણે નરી આંખે કશુંક ન સમજાય એવું જોઈએ ત્યારે ઝાઝો તર્ક લગાવ્યા વિના એને સાચું માની લઈએ છીએ. હકીકતમાં આપણે જોયેલો કોઈ વિચિત્ર આકાર, ઓળો, પડછાયો કે પ્રકાશ… એ બધું માત્ર આપણા મગજનો ભ્રમ હોઈ શકે છે. એવું જ સ્વાદ, ગંધ, સ્પર્શ અને ધ્વનિની બાબતમાં થાય છે. ન હોય એ દેખાય, કોઈકે સ્પર્શ કર્યો હોય કે કોઈક અદ્રશ્ય રહીને વાતચીત કરતુ હોવાનો ભ્રમ થવો એ સામાન્ય ઘટનાઓ જ ગણાય, જો તમે એની પાછળના વૈજ્ઞાનિક કારણો સમજતા હોવ તો! બાકી તમે જો ડરી જાવ, તો તમે આ પ્રકારની ભ્રાંતિને ‘ભૂતિયા અનુભવો’ જ ગણી લો! ગત સપ્તાહે આપણે લોકોને નરી આંખે દેખાતા ભૂત પાછળના ખરા કારણ વિષે વાત કરેલી. પરંતુ કેટલાક ‘ખેરખાં’ઓ માત્ર ભૂત જોયાનો જ નહિ, પણ એની સાથે વાતચીત કર્યાનો પણ દાવો કરતા ફરે છે, બોલો!

ભૂત સાથે ‘વાતચીત’ કરવાનો અનુભવ :

તમે ગામને ચોરે કે સોસાયટીનાં નાકે ભૂતનાં કિસ્સાઓ વિશેની વાત માંડશો એટલે હાજર રહેલા પાંચ-સાત જણ પૈકી એકાદ તો એવું નીકળશે જ, જે ભૂત સાથે રીતસરનો વાર્તાલાપ થયો હોવાનો દાવો કરશે. ક્યાંતો એણે પોતે અથવા એના કોઈ સગા-ઓળખીતાએ ભૂત સાથે વાતચીત કરી હોવાનું ઉદાહરણ એ આપશે. અને તમને સામી ચેલેન્જ પણ આપશે, કે આટલા સોલ્લીડ પ્રત્યક્ષદર્શી અનુભવનો ઇનકાર થઇ શકે એવો કોઈ જવાબ વિજ્ઞાન પાસે હોય તો જણાવો! આવા કિસ્સાઓમાં બે શક્યતાઓ હોવાની. પહેલી, એ વ્યક્તિ ગપ્પાંબાજી કરતો હોય અથવા એ પોતે કોઈકની ગપ્પાંબાજીનો ભોગ બનેલ ભોળિયો જણ હોય છે. અને બીજી, વિજ્ઞાન દ્વારા અનુમોદન પામેલી શક્યતા, હેલ્યુસિનેશન – એટલે કે ભ્રાંતિની. આવી મેડીકલ કન્ડીશન ‘ઓડીટરી વર્બલ હેલ્યુસિનેશન (AVH) તરીકે ઓળખાય છે. AVHનો ભોગ બનેલા વ્યક્તિને સારા-નરસા કોઈ પણ પ્રકારના અવાજો સંભળાઈ શકે છે. આવું બને ત્યારે મોટા ભાગના લોકો એને ‘ગેબી અવાજ’માં ખપાવે છે. એક સર્વે મુજબ સ્ક્રીઝોફેનીયાનાં દર્દી હોય એવા ૭૦% લોકો AVHનો શિકાર પણ હોય જ છે. આ સિવાય બાયપોલર મૂડ સ્વિંગિંગ, ઉન્માદ (dementia), વાઈ-ફેફરું (epilepsy) જેવી બીમારીઓ અને કોઈક દુર્ઘટનાનાં પ્રભાવ હેઠળ પીડાતા (પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ સિન્ડ્રોમ) લોકોમાં AVHનું લક્ષણ બહુ સામાન્ય ગણાય. AVH માટે મગજના એક ચોક્કસ હિસ્સામાં (Frontotemporal Regions) થતી ગરબડને જવાબદાર ગણવામાં આવે છે. હવે જરા વિચારો, એક તરુણ ક્રિકેટ રમી રહ્યો છે. રમત દરમિયાન એ અચાનક ઢળી પડે છે, ધ્રુજવા માંડે છે અને વિચિત્ર વર્તણુંક કરવા માંડે છે. થોડા સમય પહેલા આ જ તરુણે પોતાને ‘ગેબી અવાજો’ સંભળાતા હોવાની વાત પણ કરેલી. આવી ઘટના બને ત્યારે આજુબાજુના લોકો એવું ધારી લેતા હોય છે કે નક્કી આ તરુણનો પગ ‘કુંડાળા’માં પડી ગયો હશે, પરિણામે તે ‘વળગાડ’નો ભોગ બન્યો છે! હકીકતમાં મૂળ તકલીફ વળગાડ-ફળગાડની નહિ, પરંતુ વાઈ-એપીલેપ્સી અને AVHની હોય છે. ખોટા વહેમમાં જીવતર બગાડવાને બદલે સમયસર સારા ડોક્ટરને બતાવવામાં આવે તો આ બંને બીમારી કાબૂ કરી શકાય છે.

ઘણી વખત કેટલાક લોકોને ‘દૈવી આજ્ઞા’ સંભળાતી હોવાનો કે પછી કોઈક અગોચર શક્તિ દ્વારા ‘હુકમ’ કરાતો હોવાનો ય દાવો કરાય છે. આવી વ્યક્તિઓ પણ (જો ખોટું ન બોલતી હોય તો) AVHનો જ ભોગ બનેલી હોય છે. એને જે ‘આજ્ઞા’ કે ‘હુકમ’ સંભળાય છે એ મોટે ભાગે એના પોતાના ગમા-અણગમા-ઈચ્છાનું જ શાબ્દિક સ્વરૂપ હોવાનું!

…પણ એક વાર ભૂતે મારો ખભો થપથપાવેલો, એનું શું? :

ઘણા લોકો એવા ઉદાહરણો આપે કે તાર્કિક દલીલ કરનાર માણસ પણ બે ઘડી ચુપ્પી સાધી લે! ભૂત દેખાયું એ વહેમ હોઈ શકે, અવાજ સંભળાવો એ ભ્રાંતિ હોઈ શકે પરંતુ ભૂત આવીને તમારો ખભો થપથપાવે કે હાથ પકડી લે તો એ કંઈ મગજનો વહેમ તો ન જ હોય ને! તમને આ દલીલ પહેલી નજરે સાચી લાગશે, પણ હકીકતે આ ટેકટાઈલ હેલ્યુસિનેશનનો એક પ્રકાર છે, જેમાં કોઈ તમને સ્પર્શી રહ્યું હોવાનો અથવા કોઈ જીવ-જંતુ તમારા શરીર પર ચાલી રહ્યું હોવાનો આભાસ થાય છે. વિવિધ પ્રકારના નશામાં ગળાડૂબ રહેનારા નશેડીઓને આવું થવાના ચાન્સીસ ખરા! કોઈક વાર તદ્દન નોર્મલ માણસને પણ આવો અનુભવ થઇ શકે છે. કેટલાકને તો પોતાના જ શરીરના આંતરિક અંગો શરીરની અંદર હલન-ચલન કરતા હોવાનો અનુભવ પણ થાય છે. કશુંક જોશપૂર્વક શરીરની બહાર આવવા મથી રહ્યું હોય, એવો અનુભવ ટેકટાઈલ હેલ્યુસિનેશનમાં સામાન્ય ગણાય! કોગ્નીટીવ બીહેવીઅરલ થેરાપી દ્વારા તબીબો આવી તકલીફની સારવાર કરતા હોય છે.

કહેવાય છે કે માનવમન અગાધ છે. આપણે હજી એના વિષે બહુ ઓછું જાણીએ છીએ. મગજની શક્તિઓ અને એમાં ઉદભવતી ખામીઓને સમજવામાં આપણને હજી કેટલાય દાયકાઓ લાગશે. અનેક ઘટનાઓ-બાબતો અગોચર લાગશે પણ આજે નહિ તો કાલે, વિજ્ઞાન થકી એનો ઉત્તર મળશે જ. બાકી, ગુજરાતીમાં તળપદી કહેવત છે, “મંછા ભૂત ને શંકા ડાકણ”. અર્થાત, ઘણી વાર તમારી દબાયેલી-કચડાયેલી-અધૂરી રહી ગયેલી ઇચ્છાઓ જ તમને ઇન્દ્રિયાતીત અનુભવો કરાવે છે. અને તમારા મનમાં રહેલો ડર-શંકા જ તમને જ્યાં-ત્યાં ભૂતના દર્શન કરાવી દે છે. બાકી ડરવું જ હોય તો મરેલા કરતા જીવતા માણસથી વધુ ડરવા જેવું ખરું. પૂછી જો જો કોઈક ‘અનુભવી’ને!

અસ્તુ.


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *