ચેલેન્‍જ.edu : શાળાઓનો લીલો દુકાળ – શિક્ષકોનો સૂકો દુકાળ

Facebooktwitterredditpinterestlinkedinmail

રણછોડ શાહ

આજે સૌથી ગળચટ્ટો કોઈ શબ્દ હોય તો તે ‘પેકેજ’ છે. પ્રત્યેક યુવાન ઉત્તમ–કદાચ સર્વોત્તમ આર્થિક વળતર પ્રાપ્ત થાય તે મુદ્દાને કેન્દ્રસ્થ રાખી પોતાનો વિદ્યાભ્યાસ આગળ વધારે છે. અન્યો કરતાં તેની આવક વધુ હોય તે જ ભણતરનું ગુરૂત્વકેન્દ્ર બની ગયું છે. વ્યવસાય પસંદગીમાં વળતરનો વિચાર સૌ પ્રથમ આવે છે. કઈ નોકરી–ધંધામાં ખૂબ જ ટૂંકા ગાળામાં વધારેમાં વધારે પૈસા કમાઈ શકાય તે ખૂબ નાની વયથી બાળકો–યુવાનો વિચારવા લાગ્યા છે. આજનો સામાજિક ઢાંચો પણ એવો છે. જેની વાર્ષિક કે માસિક આવક વધુ તે વધારે સફળ તેવી મનોગ્રંથિ થઈ ગઈ છે.

વળી છેલ્લા એક–બે દસકામાં મોંઘવારીએ માઝા મૂકી દીધી છે. પ્રત્યેક ક્ષેત્રે ભાવવધારો અકલ્પનીય થઈ ગયો છે. સામાન્ય આવક ધરાવતા વર્ગ માટે ‘પોતાના ઘર’નું સ્વપ્ન કયારેય પૂર્ણ થાય તેવું ક્ષિતિજ ઉપર પણ નજરે પડતું નથી. પ્રત્યેક મહિને કરિયાણાનું બિલ, લાઈટ બિલ, ગેસના સિલિન્ડરના ભાવ, પેટ્રોલના ભાવ, કપડાં–લત્તાના ભાવ જેવા જીવન જરૂરીયાતની વસ્તુઓના ભાવ વાર્તામાં આવતા રાજાના દીકરાની જેમ રાતે ન વધે તેટલા દિવસે અને દિવસે ન વધે તેટલા રાત્રે વધતા જોવા મળે છે. આ સંજોગોમાં ખૂબ ઓછું વળતર આપતા અને ભવિષ્યમાં આગળ વધવાની નહીવત તકો ધરાવતા ‘શિક્ષણના વ્યવસાય’માં કોણ જોડાવવા ઈચ્છા ધરાવે ?

(ચિત્રાંકન સૌજન્ય: આર.કે.લક્ષ્મણ)

આજથી ત્રણચાર દાયકા અગાઉ મોટાભાગે શિક્ષકના વ્યવસાયમાં ભાઈઓ જોડાતા હતા. થોડીક માત્રામાં બહેનો પણ તે જવાબદારી સ્વીકારતી હતી. પરંતુ જેમ જેમ વર્ષો પસાર થતા ગયા તેમ તેમ શિક્ષકો કરતાં શિક્ષિકાઓનું પ્રમાણ વધારે જોવા મળે છે. બહેનોમાં પણ શિક્ષણનું પ્રમાણ વધતાં અને અન્ય વ્યાવસાયિક કામગીરીની સરખામણીએ શિક્ષણમાં થોડીક ઓછી મુશ્કેલીઓ હોવાથી બહેનો આ વ્યવસાયમાં વધુ પ્રમાણમાં આકર્ષાઈ. આજે તો જેની પાસે થોડાક વધારાના રૂપિયા છે તેવા લોકોએ પણ શાળાઓ શરૂ કરી. શાળા શરૂ કરવામાં રોકાણ ઓછું અને આવક વધુ છે તેવું સમજનાર લોકોએ શાળાઓ શરૂ કરી દીધી. ગલીએ ગલીએ શાળાઓ શરૂ થઈ. આજે તો ‘શાળાઓનો લીલો દુકાળ છે ! આજે શૈક્ષણિક સંસ્થાઓમાં એંસીથી નેવું ટકા સ્ટાફ બહેનોનો છે. તેઓ શિક્ષણ–પરીક્ષણની જવાબદારી ખૂબ પ્રામાણિકતા અને કાળજીપૂર્વક નિભાવે છે. બહેનો સ્વભાવે મૃદુ હૃદય ધરાવતી હોવાથી ભાઈઓની સરખામણીએ ‘શાળા–દવાખાના’માં વધારે સફળ થતી હોય તેવું પણ અનુભવાયું છે.

પરંતુ ભારતીય સમાજમાં બહેનોએ બેવડી ભૂમિકા નિભાવવાની હોય છે. તેઓ ભલે વ્યાવસાયિક હોય પરંતુ ઘરઆંગણાની તમામ જવાબદારીઓ તેઓ જ નિભાવતી હોય તેવું નજરે પડે છે. ગૃહિણીની જવાબદારીની સાથે સાથે બાળકોના ઉછેર અને શિક્ષણની, વડીલોના સ્વાસ્થ્યની કાળજી રાખવાની તથા સામાજિક જવાબદારીઓ ઉઠાવવાની કામગીરી મોટાભાગે બહેનો જ ઉપાડે છે. આ રીતે ‘મીણબત્તી બંને છેડેથી સગળતી’ હોય તેમ અનુભવાય છે. આપણા જ યુવાનો પરદેશ જઈ ત્યાંની પરિસ્થિતિથી ટેવાઈ જાય છે. પરદેશમાં ઘરની સ્વચ્છતા જાળવવામાં અને રસોઈમાં મદદ કરતા યુવાનો સહેલાઈથી નજરે પડે છે. પરંતુ દેશમાં તેવી જ જવાબદારી ઉઠાવતા યુવાનો ખૂબ જૂજ સંખ્યામાં જોવા મળે છે. વળી દેશમાં સગાવહાલાની માંદગી, લગ્નના રીતરિવાજો સાચવવાની કામગીરી તેમજ અન્ય સામાજિક જવાબદારી પણ બહેનોએ નિભાવવાની હોય છે. પરંતુ પરદેશમાં યુગલો જવાબદારી સહિયારી નિભાવતા હોવાથી બહેનોને વ્યવસાયમાં થોડીક સરળતા રહે છે.

શાળાઓમાં શિક્ષિકાઓની સંખ્યા વધી. પરંતુ ઘરની કામગીરી, પ્રસૂતિ દરમિયાન અને ત્યારબાદ શિશુની જવાબદારી, બાળકોના શિક્ષણની કાળજી રાખવાની હોવાથી બહેનો લાંબા સમય સુધી વ્યવસાયમાં જોડાઈ રહેવાની ઈચ્છા ધરાવે તો પણ સેવાઓ આપી શકતી નથી. વળી ખાનગી સંસ્થાઓમાં કામગીરી વધુ અને સરકારની સરખામણીએ વળતર ઓછું હોય છે. સરકારી સંસ્થાઓ જેટલા લાભો અપાતા નથી કે આપતા નથી તે ચર્ચાસ્પદ સવાલ છે. વળી સ્ત્રી કર્મચારીએ તેના પતિના વ્યવસાયનું સ્થળ બદલાય તો તેની પાછળ ઢસડાવું જ પડે છે. પુરૂષની કારકિર્દીને સ્ત્રીના ભવિષ્ય કરતાં વધુ મહત્વ આપવામાં આવે છે. કુંવારી બહેનો શિક્ષિકાની જવાબદારી સ્વીકારે તો લગ્ન બાદ પતિ અને સાસરિયાની મરજી ઉપર તેણે વ્યવસાયમાં જોડાઈ રહેવું કે કેમ તે નક્કી કરવાની નોબત આવે છે. જે ગામમાં રહેતા હોય ત્યાં જ લગ્ન થાય તો કદાચ તેઓ કામગીરી ચાલુ રાખી શકે પરંતુ જો પતિનું કુટુંબ અન્ય સ્થળે રહેતું હોય તો ઈચ્છા કે અનિઈચ્છાએ બહેનોએ નોકરી છોડવી જ પડે છે. ભારતીય રૂઢિચુસ્ત સમાજમાં લગ્નના બેત્રણ વર્ષ બાદ પણ કુટુંબમાં બાળકનું આગમન ન થાય તો સ્ત્રીને જવાબદાર ગણી તેની ચિકિત્સા કરાવવાની પરિસ્થિતિ ઊભી થાય છે. આ અત્યંત જટિલ અને કષ્ટદાયક પરિસ્થિતિ સ્ત્રીએ જ ભોગવવી પડે છે.

આ તમામ સંજોગો જોતાં આજે શાળામાં સારા અને ટકાઉ શિક્ષક અને શિક્ષિકાઓનો ખૂબ મોટો ‘સૂકો દુકાળ જોવા મળે છે. સમાજમાં તાલીમ પામેલ યુવાનો અને યુવતીઓ કદાચ મળે ખરા પરંતુ તેઓ આ વ્યવસાયને પસંદ કરતા નથી. નાછૂટકે આવતા આવા સારસ્વતો શિક્ષણ તરફ પ્રેમ, નિસબત કે વફાદાર હોતા નથી. સરકારી નોકરી ન મળે ત્યાં સુધી કદાચ ખાનગી સંસ્થાઓમાં ટકી રહે. પરંતુ તેઓ સતત કયાં તો સરકારી નોકરીની શોધમાં અથવા વધુ પગાર અને સારું ભવિષ્ય હોય તે તરફ દ્રષ્ટિપાત કર્યા જ કરતા હોય છે.

આ સંજોગોમાં સારા અને સ્થાયી શિક્ષક–શિક્ષિકાઓ ભાગ્યે જ થોડીક સંસ્થાઓમાં જોવા મળે. અનુભવી અને નિષ્ઠાવાન સારસ્વતો ન મળવામાં ઉપર જણાવેલ અનેક કારણો ભાગ ભજવે છે. તદઉપરાંત ગુજરાતમાં તો ઔદ્યોગિકરણનો જબરદસ્ત પવન ફૂંકાયો છે. ઉદ્યોગો જે વળતર આપી શકે તેવું વળતર શિક્ષણની કે આરોગ્યની બિનસરકારી સંસ્થાઓ કયારેય આપી શકે નહીં. ઉદ્યોગો પોતાના ઉત્પાદનોમાં જેટલો ભાવવધારો ઈચ્છે તેટલો કરી શકે તેવી પરિસ્થિતિ છે. તેથી તેમની આવકમાં ખૂબ વધારો થાય, જે તેઓ પોતાના કર્મચારીઓને પણ આપી શકે. ઔદ્યોગિક સંસ્થાઓ નફો રળી શકે. તેઓ ગ્રાહકોને ઊંચી કિંમતે માલ વેચી શકે. પરંતુ શૈક્ષણિક અને આરોગ્યની સંસ્થાઓ તેમના લાભાર્થીઓ – વિદ્યાર્થીઓ અને દર્દીઓ – પાસેથી ગમે તેવો ભાવવધારો લઈ શકે નહીં, લેવો જોઈએ પણ નહીં. દર્દીઓ અને વિદ્યાર્થીઓની ખૂબ મોટી સંખ્યા છે. બધા આર્થિક રીતે સદ્ધર હોય તેવું જરૂરી નથી. માબાપ પેટે પાટા બાંધીને પણ બાળકોને સારું શિક્ષણ મળે તેવો પ્રયત્ન કરતા હોય છે. પોતાના સ્વજનોના સ્વાસ્થ્યની જાળવણી માટે દાગીના વેચીને પણ લોકો દવા કરાવતા હોવાથી આ બંને ક્ષેત્રે ફી વાજબી જ રાખવી જ જોઈએ. આ જવાબદારી બિનસરકારી સ્વૈચ્છિક સંસ્થાઓની છે. જ્યાં લોકસેવાને કેન્દ્રમાં રાખી સંસ્થાઓ શરૂ કરવામાં આવી છે, ત્યાં આવી કાળજી રાખવામાં આવે છે. પરંતુ કયાંક તો દર્દીઓ અને વિદ્યાર્થી લૂંટાઈ જતા પણ નજરે પડે છે !

આ સંજોગોમાં ઔદ્યોગિક સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ કરતાં વધારે પગાર આપે તો તે તરફ યુવાનો–યુવતીઓ આકર્ષાય તે સ્વાભાવિક છે. જેથી શાળા–કૉલેજમાં શિક્ષકો–પ્રાધ્યાપકોની સતત તૂટ રહે. આ પરિસ્થિતિમાં શિક્ષણની ગુણવત્તા જાળવવાનું અત્યંત મુશ્કેલ છે. અગાઉની સારી શાળાઓ અને દવાખાનાઓ પણ આજે તો વિકટ સંજોગોમાં ટકી રહ્યા છે. તેમની પાસે સારી માનવશકિત નથી અને તેથી આ બંને ક્ષેત્રે પીછેહઠ થતી જોવા મળે છે. આ બાબતે શું કરી શકાય ? તે અંગે જાહેર ચર્ચા થાય તે આવશ્યક છે. માત્ર આર્થિક રીતે સ્થિતિસંપન્ન લોકોને જ ધ્યાનમાં રાખીને શૈક્ષણિક અને આરોગ્યનું સંચાલન કરી શકાય નહીં, કરવું પણ ન જોઈએ. સ્વૈચ્છિક સંસ્થાઓના સંચાલનની જવાબદારી ઉઠાવતા લોકો સમાજ ઉપર ઉપકાર કરતા નથી પરંતુ પોતાના આત્મસંતોષ માટે કાર્ય કરે છે. તેવી ભાવનાથી કામગીરી નિભાવવી જોઈએ. આ પ્રકારની સંસ્થાઓને મદદ કરવાની ભાવના પણ સમાજના શ્રેષ્ઠીઓ, સમાજસેવકો અને સરકારે રાખવી જોઈએ.


(તસવીરો પ્રતીકાત્મક છે અને નેટ પરથી લીધેલી છે.)


(શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *