ફિર દેખો યારોં : ટન! ટન! ટન! ચાલો, પાણી પી લો!

Facebooktwitterredditpinterestlinkedinmail

બીરેન કોઠારી

ટ્રેનમાં નિયમીત આવનજાવન કરનારાઓને સ્ટેશન પર મુસાફર ટ્રેનનું આગમન સૂચવતી ઘંટ વગાડવાની પદ્ધતિ વિષે જાણકારી હશે. ત્રણ, પાંચ, એક અને બે- એમ કુલ ચાર પ્રકારના ટકોરા કોઈ ટ્રેન માટે સ્ટેશન પર મારવામાં આવે છે. ત્રણ ટકોરા મારવામાં આવે એ ટ્રેને ત્રીજું સ્ટેશન છોડ્યાનો સંકેત છે. પાંચ ટકોરા ટ્રેને બીજું સ્ટેશન છોડ્યાનો સંકેત છે. જે તે સ્ટેશન પર ટ્રેન આવે ત્યારે એક ટકોરો અને ટ્રેન ઉપડે એ વખતે બે ટકોરા મારવામાં આવે છે. આ ટકોરા અપ ટ્રેન માટે ટુકડે ટુકડે અને ડાઉન ટ્રેન માટે સળંગ મારવામાં આવે છે. નાના કે મધ્યમ કક્ષાના સ્ટેશન પર આ પ્રથા તરત ધ્યાને આવશે, જે હજી અમલમાં છે. પણ કોઈ ટ્રેનનો સમય ન હોય અને સ્ટેશને બે ટકોરા સંભળાય ત્યારે શું સમજવું? સામાન્ય રીતે સ્ટેશન માસ્ટરનું કાર્યાલય અને પાણીની પરબ વચ્ચે અંતર હોય છે. બે ટકોરાનો સંકેત પાણી મંગાવવા માટે કરાતો હોય છે. અલબત્ત, આ બાબત સાર્વત્રિક નથી, પણ જે તે સ્ટેશન પર વિકસાવવામાં આવેલી સ્થાનિક પદ્ધતિ છે.

ઘંટના ટકોરાનું આવું માહાત્મ્ય ધરાવતું બીજું સ્થળ એટલે શાળા. શાળા શરૂ થાય અને તેનું સમાપન થાય, રિસેસ પડે અને પૂરી થાય તેમ જ તાસ બદલાય ત્યારે સંકેતરૂપે અલગ અલગ રીતે ટકોરા મારવામાં આવે છે. આ સંકેતોમાં હવે એક નવો ઉમેરો થઈ રહ્યો છે. કેરળની શાળાઓમાં તેનો આરંભ થઈ રહ્યો છે. એ અનુસાર હવે દિવસમાં ત્રણ વાર વધારાના ટકોરા મારવામાં આવશે. આ ટકોરા શેના માટે?

સાંભળીને ભલે નવાઈ લાગે, પણ એ હકીકત છે કે આ ટકોરા વિદ્યાર્થીઓને યાદ અપાવશે કે તેમણે પાણી પીવાનો સમય થઈ ગયો છે. આમ કેમ? એક આંતરરાષ્ટ્રીય સ્તરનો અભ્યાસ દર્શાવે છે કે વિદ્યાર્થીઓ પૂરતી માત્રામાં પાણી પીતા નથી. પાણી ન પીતા વિદ્યાર્થીઓ અન્ય પીણાંઓ થકી બેવડી માત્રામાં કેલરી લે છે, જે સરવાળે સ્થૂળતામાં પરિણમે છે. બાળરોગ વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ ખાસ કરીને વિદ્યાર્થીનીઓમાં નિર્જલીકરણની તેમ જ પેશાબને લગતી તકલીફો જોવા મળે છે, કેમ કે, તે પૂરતી માત્રામાં પાણી પીતી નથી.

કેરળના શિક્ષણમંત્રી એસ.સુરેશકુમાર દ્વારા અધિકૃત રીતે ઘોષણા કરવામાં આવી કે વિદ્યાર્થીઓ પૂરતું પાણી પીતા રહે એ માટે હવે આ પ્રથા અમલી બનશે. કેરળને પગલે હવે કર્ણાટક અને તેલંગણાની સરકારે પણ આ પ્રથાના અમલની તૈયારી દર્શાવી છે. બહુ ઝડપથી આ રાજ્યોમાં તેનો આરંભ થશે. વિદ્યાર્થીઓના હિતની આટલી ખેવના રાખનારી સરકાર વિશે જાણીને આનંદ થાય. એ પણ નોંધવા જેવી બાબત છે કે આ ત્રણે રાજ્યોમાં અલગ અલગ પક્ષની સરકાર છે, છતાં પોતાને સારી જણાતી એક બાબતને તેમણે અનુસરી છે.

અલબત્ત, આપણી રાષ્ટ્રીય ખાસિયત રહી છે કે આપણને ગુમડાના ઉપચારમાં નહીં, ગુમડું થયું છે એ સૂચવતા લક્ષણ એવા તાવને ડામી દેવામાં વધુ રસ હોય છે. ક્ષેત્ર કોઈ પણ હોય, સમસ્યાના મૂળમાં જઈને તેને નાબૂદ કરવાને બદલે તેનો અધકચરો અને કામચલાઉ ઊકેલ લાવીને તેને થોડા સમય પૂરતી ટાળી દેવાનો અભિગમ સામાન્યપણે જોવા મળે છે. સમસ્યાઓના ઊકેલની આપણી રાષ્ટ્રીય તરાહ પણ આને કહી શકાય.

વિદ્યાર્થીનીઓને સામાન્યપણે આવી તકલીફ થાય છે એનું મુખ્ય કારણ એ છે કે શાળાઓમાં ટૉઈલેટ બ્લૉક્સની સુવિધા અપૂરતી હોય છે. આ અપૂરતી સુવિધામાં પણ સ્વચ્છતાના ગંભીર પ્રશ્નો હોય છે. પરિણામે વિદ્યાર્થીનીઓ તેનો ઉપયોગ કરવાનું ટાળે છે. તેને લઈને તેમને નિર્જલીકરણની તેમ જ પેશાબને લગતી તકલીફો રહે છે.

આજે કેરળ, પછી કર્ણાટક અને તેલંગણામાં આ પદ્ધતિનો આરંભ થયો, એ કદાચ કાલે દેશભરમાં પણ પ્રસરે અને સૌ પોતે ‘કંઈક અલગ’ કર્યાનો સંતોષ લેતા જોવા મળે, સરકાર પોતાની સિદ્ધિઓની જાહેરખબરમાં પણ આ બાબતનો ઉલ્લેખ કરે તો નવાઈ નહીં. આનો અર્થ એ નથી કે આ પગલું ખોટું છે. સવાલ એ છે કે આજકાલ દરેક ક્ષેત્રમાં અન્ય ક્ષેત્રની કામગીરીની ભેળસેળનો પ્રવાહ ચાલ્યો છે. આમાં જે તે ક્ષેત્રનું મૂળભૂત કામ એવું ખોરંભે પડે છે કે તે શોધ્યું જડતું નથી. શિક્ષણના ક્ષેત્રની જ વાત કરીએ તો તેમાં શિક્ષણ સિવાયની કેટકેટલી અન્ય પ્રવૃત્તિઓએ ધીમે ધીમે કરતાં પગપેસારો કર્યો છે. એ બધામાં શિક્ષણની, શિક્ષણના કથળી ગયેલા સ્તરની, ખાડે ગયેલી શિક્ષણપદ્ધતિની મૂળભૂત વાત પર વિચાર કરવાનું કોને સૂઝે? અને શું કામ સૂઝે? કે પછી એ બધા પર વિચાર કરવો ન પડે એ માટે આવાં ગતકડાં કરવામાં આવે છે?

કેટલી શાળાઓમાં પીવાના પાણીની સુવિધા અને સ્રોત ધોરણસરના હશે? ટૉઈલેટ બ્લૉક્સ પૂરતા અને સ્વચ્છ હશે? સેવન સ્ટાર ફી લેતી વૈભવી શાળાઓની વાત નથી. એમાં તો વધુ નાણાં ચૂકવનારા વાલીઓ ટૉઈલેટ બ્લૉક્સને પણ વાતાનુકૂલિત રાખવાની માગણી કરે અને સંચાલકો એ સુવિધા પૂરી પાડતા હોય તો નવાઈ નહીં!

પીવાના પાણીની ટાંકી સ્વચ્છ કરાવવાનું યાદ રાખવા માટે કોઈ ઘંટ વગાડાશે? શિક્ષણના સ્તરને વધુ ને વધુ પાતાળમાં ઉતરતું જતું અટકાવવા માટે ટકોરા કોણ મારશે? રાજકારણીઓની શિક્ષણમાં થતી ઘૂસણખોરી અટકાવવા માટે કેટલા ટકોરા મારવાના? પાઠ્યપુસ્તકો તેમ જ વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં કરતાં તેમને રોકવા માટે ઘંટ વગાડવાનું મહત્ત્વ કોને સમજાશે?


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૫-૧૨-૨૦૧૯ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)


સંપાદકીય નોંધ: અહીં લીધેલ સાંકેતિક તસ્વીર નેટ પરથી સાભાર લીધેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *