





કિશોરચંદ્ર ઠાકર
આરોગ્યના જાણકારોએ આહારની જેમ ઊંઘની જરૂરિયાત પણ સ્વીકારી છે. જરૂરિયાત માટેના માપદંડો જો કલાક(સમય)માં ગણવામાં આવે તો ઊંઘની જરૂરિયાતના કલાકો વધી જાય છે. વળી ભોજનમાં મજા ગમે તેટલી આવતી હોય પરંતુ ‘સૂતા જેવું સુખ નહિ અને મૂઆ જેવું દુ:ખ નહિ’ એ કહેવત સુખની અનુભૂતિ ઊંઘમાં જ વિશેષ થાય છે એ વાતની સૂચક છે.
આમ છતાં આપણે ત્યાં આહાર બાબતે જેટલું કહેવાયું છે તેટલું ઊંઘ બાબતે નથી કહેવાયું. એક રીતે કહીએ તો નિદ્રાદેવીને અન્યાય જ કરવામાં આવ્યો છે. જેમની પાસે ધન ન હોય તેવા ગરીબ લોકો કદાચ ભોજન ન પામે પરંતુ ભૂખ્યા પેટે ઉંઘી તો જાય જ છે! આમ નિદ્રાદેવી ગરીબ અને તવંગરોમાં ભેદ નથી કરતાં, કદાચ કરે છે તો તેમનો પક્ષપાત ગરીબો તરફ હોય છે. અમીરોને નિદ્રા જેટલી વેરણ થાય છે તેટલી ગરીબોને નથી થતી હોતી.
એક પ્રચલિત વાયકા પ્રમાણે કુંભકર્ણને ઇંદ્રાસન જોઈતું હતું, પરંતુ ભગવાન પાસે વરદાન માગવામાં તેની જીભે ભૂલ કરી અને નિદ્રાસન ઉચ્ચારી બેઠી. મને આ લોકવાયકા તદ્દન ખોટી જ લાગે છે. ઇંદ્રાસન કરતા નિદ્રા જ વધારે સુખદ લાગે છે. ઇંદ્રાસન પર બેસનારને તો સતત પોતાનું આસન ગુમાવવાની ફિકર રહેતી હોય છે, અને તેમને ચિંતામુક્ત તો નિદ્રાદેવી જ કરતાં હશે. આથી જ્ઞાની એવા કુંભકર્ણે ઇંદ્ર જેવા ઇંદ્રને પણ જે ચિંતામુક્ત રાખી શકે તે નિદ્રાનું જ વરદાન માગ્યું હોવાનો સંભવ વિશેષ છે. પરંતુ જે વસ્તુ આપણને સહજ સુલભ હોય છે તેની કિંમત સમજાતી નથી. ઇંદ્રાસન કરતાં નિદ્રાની સુલભતાને કારણે લોકોને એમ લાગ્યું હશે કે નિદ્રા તો કોઈ માગતું હશે? આથી કોઈએ વાત જોડી કાઢી કે ખરેખર તો ઇંદ્રાસન જ માગ્યું હશે. જગાડવાના અનેક પ્રયાસો પછી જાગેલા જ્ઞાની કુંભકર્ણે રાવણને નિદ્રાનું મહત્વ સમજાવતો સવાલ કરેલો કે ”હે ભ્રાતા, તમે જાગીને શું મેળવ્યું અને મેં ઊંઘીને શું ગુમાવ્યુ?“ આ પ્રમાણે આરોગ્ય વિશેષજ્ઞોથી માંડી કુંભકર્ણ સુધીના જ્ઞાનીઓએ નિદ્રાનું મહત્વ સમજાવ્યું છે.
નિશાળમાં આપણને ધ્વનિના બે મુખ્ય પ્રકારો શીખવવામાં આવતા. એક ઘોંઘાટમય ધ્વનિ અને બીજો સંગીતમય ધ્વનિ. આ બન્ને પ્રકારના ધ્વનિના ભેદ સ્પષ્ટ કરવામાં ઊંઘ ઉપયોગી થાય છે. જે ધ્વનિથી ઊંઘ ઊડી જાય તે ઘોંઘાટમય ધ્વનિ અને જે ધ્વનિથી નિદ્રાદેવી આપણા પર પ્રસન્ન થઈ જાય તે સંગીતમય ઘ્વનિ. આ રીતે નિદ્રાદેવી એ શાંતિનાં દેવી છે ઘોંઘાટ કે કોલાહલ વચ્ચે રહેવું તેમને પસંદ નથી.
ઘોંઘાટને કારણે ઊંઘમાં ખલેલ પડે છે તેવો આપણો સૌનો અનુભવ છે. આપણે ત્યાં રાત્રે સમૂહમાં ભસીને કૂતરાઓ આ કામ વિશેષ કરતા હોય છે. દિવસના કોલાહલની વચ્ચે રસ્તા વચ્ચે નિરાંતે લાંબા થઈને ઊંઘી જતા ભગવાન દતાત્રેયના આ ગુરુઓ રાત્રે આપણી ઊંઘમાં ખલેલ પાડવાનું કામ શા માટે કરતા હશે? પરંતુ પછીથી સમજાયું કે, કૂતરો એ તો માનવીનો વફાદાર મિત્ર છે અને રાત્રે આપણા શેરી મહોલ્લાની ચોકી કરે છે. ધીમાં અને દબાતાં પગલે આવતાં નિદ્રાદેવી ચોર જેવા લાગતા હોવાથી તેમને રોકવા માટે કૂતરાઓ કદાચ ભસતા હશે. પરંતુ આપણને તો કૂતરાઓ પોતે ઊંઘતા નથી અને ઊંઘવા દેતા નથી એમ જ લાગે છે.
જ્ઞાનીઓનું કહેવું છે કે જીવનમાં આવતાં દુ:ખોથી વ્યગ્ર થવાને બદલે જો તેમનો સ્વીકાર કરીએ, તેનું સ્વરૂપ સાક્ષી ભાવે નિહાળીએ, અને ખરેખર એ દુ:ખ છે કે નહિ એ ચકાસી લઈએ તો આપણાં દુ;ખનો ભાર હળવો થશે અને “ભાઇ રે,આપણાં દુ:ખોનું કેટલું જોર?” એ કવિવેણ સાર્થક થશે. તેવી જ રીતે આપણા મહાન દેશમાં તહેવારોના, ધાર્મિક કે સામાજિક વરઘોડાઓમાંના, મંદિર-મસ્જિદોના લાઉડસ્પીકરોના, રાજકીય પક્ષોનાં ચૂંટણી પ્રચારોના, રસ્તા ઉપરનાં વાહનોના વગેરે નિદ્રામાં ખલેલ પહોંચાડતા ઘોંઘાટો ‘આપણાં ઘટ સાથે જ ઘડિયા’ છે, એમ માનીશું તો આપણા વિધાયક અભિગમથી પ્રસન્ન થઈને નિદ્રાદેવી આપણા પર અનુગ્રહ કરશે જ.
આ રીતે પ્રસન્ન થયેલાં નિદ્રાદેવી બે સંતાનોને જન્મ આપે છે. એક નાસિકાધ્વનિ અને બીજું સ્વપ્ન. હંમેશા જેમ બનતું હોય છે તેમ નિદ્રાદેવીનાં આ સંતાનોમાં પણ લક્ષણભેદ જોવા મળે છે. નાસિકાધ્વનિની ઊંઘનારને પોતાને જાણ થતી નથી પરંતુ અન્યને તેની જાણ થવા ઉપરાંત ત્રાસ પણ થાય છે, જ્યારે સ્વપ્નની જાણ ‘જંગલમેં મોર નાચા’ની જેમ માત્ર ઊંઘનારને પોતાને જ થાય છે. આગળ કહ્યું તેમ નસકોરાનો અવાજ ત્રાસદાયક હોય છે, જ્યારે સ્વપ્ન ઘણુંખરું આનંદદાયક હોય છે, ક્યારેક દુ:ખદ હોય તો પણ જાગતાની સાથે ‘અરે આ તો સ્વપ્ન હતું’ તેવો ખ્યાલ આવતા રાજીપો અનુભવાય છે.
વ્યક્તિને જેમ ચોવીસ કલાકમાં કેટલાક કલાકો ઊંઘના હોય છે તેમ જુદા જુદા દેશોની સમગ્ર પ્રજાઓનાં જીવનમાં પણ કેટલાક યુગો ઊંઘના આવે છે, ગ્રીસના મહાન સંસ્કૃતિકાળ પછી સમગ્ર યુરોપ નિદ્રાધીન થઈ ગયું, આવું જ ચીન અને ભારતમાં બન્યું. પ્રજાઓનું આ નિદ્રાસુખ સહન ન થતાં દરેક પ્રજામાં કોઈને કોઈ મહાપુરુષનું આગમન થતું હોય છે, જે સમગ્ર પ્રજાને ઢંઢોળીને જગાડતા જાય છે. સમયાંતરે વળી પાછી પ્રજાઓ નિદ્રાધીન થઈ જાય છે અને યુગપુરૂષો જગાડવા માટે આવી જાય છે.
આમ છતાં વ્યક્તિની જેમ પ્રજાઓને પણ નિદ્રાધીન બની રહેવું જ પસંદ હોય છે. આથી દરેક પ્રજા જાગૃતિ સામે પોતાનું રક્ષણ મેળવવા કાયમી ઉકેલ શોધી પાડતી હોય છે. કોઇ મહાપુરુષ આવીને જીવનનાં સત્યો અને મૂલ્યો શોધી આપે છે. પ્રજાઓ કેટલોક સમય તેમનો ધર્મ તરીકે સ્વીકાર કરી લે છે. પરંતુ પ્રજાને પછી સમજાય છે કે અરે, આ બધાં સત્યો અને મૂલ્યો જાળવવા માટે તો જાગૃત રહેવું પડે છે. આથી જનતા આ ધર્મને સંસ્થાનું સ્વરૂપ આપી દે છે. આ સંસ્થાઓ વિચાર કે ચિંતન કરવાનું કામ પ્રજા પાસેથી લઈ લે છે અને આ રીતે મુક્ત થયેલી પ્રજા નિરાંતે ઊંઘ તાણી લે છે. આપણો નિદ્રાપ્રેમ પ્રમાણીને રાજકારણીઓ પણ ક્યારેક પ્રજાને કહેતા હોય છે કે ‘હું જાગીશ અને તમે નિરાતે ઊંઘો.’ કોઈ વાર તો રાજકારણીઓ અને ધર્મસંસ્થાઓ ભેગા મળીને પ્રજાને નિદ્રાધીન રાખવા માટે સંયુક્ત પ્રયાસો કરતા હોય છે, ધર્મ અને રાજકારણના મિશ્રણથી બનેલું રસાયણ જનતાને ગાઢ નિદ્રા માટે રામબાણ ઔષધ પુરવાર થયું છે.
વ્યક્તિથી સમષ્ટિ સુધીનાને પ્રિય એવી આ નિદ્રાને ભગવાન શંભુના આરાધકે યોગ્ય રીતે જ સમાધિસ્થિતિ કહી છે, આપ સૌ વાચકોને આ સહજ સમાધિ પ્રાપ્ત થતી રહે તેવી શુભકામના સાથે વિરમું છું.
શ્રી કિશોરચંદ્ર ઠાકરનં સપર્ક સૂત્રો :-પત્રવ્યવહાર સરનામું: kishor_thaker@yahoo.in । મો. +91 9714936269
કિશોરભાઇ , વિવિધ વિષયો પરના આપના લેખો હું હંમેશા વાંચું છું આપનો લેખ ‘ઉંઘ ‘ ગમ્યો બહુ સહજ રીતે વ્યક્તિ , શાસ્ત્ર , ધાર્મિક અને સામાજિક પાસાઓને ઉંઘ સાથે સંયોજીને સરળ અને સરસ રીતે હજુ કર્યા આભાર
આભાર રેખાબેન
રાબેતા મુજબ સુંદર,મૌલિક અને રમુજી લેખ.
નિંદ્રા ની ખાસિયત એ પણ છે જયારે તેના માટે સમય ના હોય ત્યારે તે વારંવાર અને જોશબંધ દસ્તક દે છે અને જયારે નિવૃત્તિ માં સમય ની બહોળપ હોય ત્યારે શોધો કે માગો કે ગમે એટલું ભાવભીનું આમંત્રણ આપો ત્યારે ના આવે તે ના જ આવે !
આભાર કીશોરભાઈ .
આભાર સમીરભાઈ
ઊંઘ નું વાસ્તવિક સ્વરૂપ જાણવા મળ્યું.
આભાર અશોકભાઇ
ખૂબ સરસ લેખ. ઊંઘનું સરસ વિશ્લેષણ કર્યું છે.. ઊંઘ સાથે સંબંધિત બધા પાસા વણી લીધા છે.. એકદમ હળવો લેખ.. સૌ કોઈને સમજાય તેવી હળવી શૈલીમાં લખાયેલો લેખ…
આભાર દેવાણીભાઇ