સમયચક્ર : માણસને હંમેશા દોડાવતી રહી છે ઘડિયાળ

Facebooktwitterredditpinterestlinkedinmail

માવજી મહેશ્વરી

સમયનું મૂલ્ય સોના કરતાં પણ વધુ છે. એવું ચિંતકો કહે છે. પણ સોનું આપતાં સમય મળી શકે ખરો ? તો સમય શું છે, એ કઈ રીતે પસાર થાય છે ? આપણને સમય પસાર થયાની અનુભૂતી થાય છે ખરી ? આ બધા પ્રશ્નો ખૂબ જટીલ છે. માણસની વધતી ઉંમર સાથે બદલાતા સંદર્ભો અને મૂલ્યોનો પ્રશ્ન છે. ત્યારે થાય કે સમય ખરેખર છે ખરો ? જોકે આ સવાલોના જવાબ મેળવવા અઘરા છે. તે છતાં એક એવી ચીજ છે, જે દરેક સમજુ અને જાગૃત મનુષ્યને ટકોરા મારીને કહે છે કે સમય પસાર થઈ રહ્યો છે. અને તે ચીજ છે ઘડિયાળ !

આપણે થોડાક સો વર્ષ પાછળ જઈએ. એ સમયના લોકોની માનસિકતા અને આજની માનસિકતા વચ્ચે જો કોઈ ફરક હોય તો તે સમય માપનનો છે. સમય કંઈક છે એવી જાગૃતતા ખરેખર ઔદ્યોગિક ક્રાંતિ પછી આવી. તે પહેલાં સમયની ચિંતા ખાસ કરીને જ્યોતિષીઓ, કર્મકાંડીઓ, ખગોળશાસ્ત્રીઓ કે પ્રવાસીઓ વિશેષ કરતા. આ હકિકતને આજના સમયમાં સ્વિકારવી જરા અઘરી લાગે. કારણ કે આજનો યુગ ઘડિયાળના સેકન્ડ કાંટા પર ચાલે છે. એટલે સમયનો સૌથી અગત્યનો એકમ હોય તો તે સેકન્ડ છે. પરંતુ આપણે એમ માનતા હોઈએ કે સમયનું લઘુત્તમ એકમ સેન્ડડ છે. તો એ હકીકત ખરી નથી. સેકન્ડથી પણ નાના માપ છે. જેને મીલીસેકન્ડ, માઈક્રો સેકન્ડ, અને નેનો સેકન્ડ કહેવાય છે. વજન, અંતર કદ વગેરે અન્ય પરિમાણો ઈંદ્રીયગત છે. તેમને સ્થૂળ વસ્તુઓથી સમજી શકાય છે. સમય એક પણ પરિમાણ છે. પણ સમય ઈંન્દ્રીયગત નથી. સમયને જોઈ કે સ્પર્શી શકાતો નથી. સમય ઈંદ્રીયગત ન હોવાને કારણે આજની તારીખ નક્કી નથી થયું કે સમય નામનો કોઈ પદાર્થ કે ચીજ વાસ્તવમાં છે કે નહીં. તેમ છતાં ઘળિયાળ કહે છે સમય પસાર થઈ રહ્યો છે.

જગતમાં સૌ પહેલા સમયનો અનુભવ કદાચ સૂર્ય દ્વારા થયો હશે. સૂર્યનું દરરોજ ઊગવું, આથમવું, ચંદ્રનું વધ ઘટ થવું. આ ઘટનાઓએ આદિ મનુષ્યને કશુંક પસાર થઈ રહ્યું છે તેવું માનવા પ્રેર્યો હશે. સૂર્ય અને ચંદ્ર એ જગતના પ્રત્યક્ષ અને અનુભૂતિજન્ય ઘડિયાળ છે. પરંતુ સૂર્ય અને ચંદ્ર બેય મળીને વધુમાં વધુ ૨૪ કલાક, એટલે કે એક દિવસનો સમય જાણવા માટે ઉપયોગી છે. ૨૪ કલાક કરતાં વધુ સમય જાણવા માટે પંચાંગની જરુર પડે છે. અને ૨૪ કલાક્થી ઓછો સમય જાણવા માટે ઘડિયાળની જરુર પડે છે. દિવસો, પખવાડિયા, મહીના, કે વર્ષો માપવાની સરખામણીમાં કલાકો માપવા તે સમયે અઘરા હતા. ૨૪ કલાકનું વિભાજન કરવા માટે એવી ચીજની જરુર હતી, જે સમયને નાના ભાગમાં વહેંચી શકે. એ અર્થમાં ઘડિયાળની ટેક્નીકને પ્રાચીન ટેકનીક ગણી શકાય. સમય માપક યંત્રોના અભ્યાસને અંગ્રેજીમાં હેરોલોજી કહેવાય છે. હેરોલોજીના વિકાસમાં ખગોળશાસ્ત્રીઓનો વિશેષ ફાળો છે. કારણ કે આજે પણ ખગોળશાસ્ત્રનો મુખ્ય આધાર સમયની ગણતરી ઉપર છે. આપણે એવું વિચારીએ છીએ કે જગતનું પ્રથમ ઘડિયાળ એ રેતઘડી હશે. પણ હકીકત એ છે કે, જગતનાં પ્રથમ સમય માપક યંત્રો પાણી આધારીત હતા. એટલે જળઘડી વિશ્વનું પહેલું ઘડિયાળ હતું. જળ ઘડિયાળો પ્રાચીન ભારત, ચીન તેમજ ઈજીપ્તમાં વપરાતા. સમય માપક યંત્રો બનાવવાનું કૌશલ્ય આરબ ઈજનેરો પાસે વિશેષ હતું. રેતઘડીનો વિશેષ ઉપયોગ દરિયાખેડૂઓ કરતા. ઈ.સ. ૧૫૨૨ની સાલમાં દરિયા માર્ગે પૃથ્વીની પ્રદક્ષિણા કરનાર ફર્ડિનાંડ મેગલેને આવી રેતઘડીનો ઉપયોગ પોતાના જહાજમાં કર્યો હોવાનું નોંધાયેલું છે. સમય માપનની ચોક્ક્સ અને સચોટ રીતની જરુર હતી દરિયાખેડૂઓને. વહાણવટાએ જગતને અનેક ઉપકરણોની ભેટ આપી છે, ઘડિયાળ એમાનું એક યંત્ર છે.

અંગ્રેજી ભાષામાં ઘડિયાળ માટે બે શબ્દોનો ઉપયોગ થાય છે. ક્લૉક (clock) અને વૉચ ( watch). શરીર પર ધારણ કરી શકાય તેવા ઘડિયાળને વૉચ કહેવાય. જ્યારે શરીર પર ધારણ ન કરી શકાય તેવા ઘડિયાળને ક્લૉક કહેવાય. વસ્તવમાં ક્લૉક શબ્દનો અર્થ ઘંટ થાય છે. સમય નિદર્શન માટે સમયાંતરે ઘંટ વગાડવાની પ્રથા પ્રાચીન છે. લગભગ દરેક સંસ્કૃતિઓએ ઘંટ અને સમયને જોડ્યા છે. આજના એટમિક યુગમાં પણ દુનિયાના જહાજો, રેલ્વે સ્ટેશનો, શાળાઓ અને ધાર્મિક સ્થળોમાં લટકતા ઘંટ સમયનું પ્રતિનીધીત્વ કરે છે.

ઘડિયાળનો ખરો વિકાસ ૧૭મી સદીમાં લોલકની શોધ પછી થયો. એ સમયે જે ઘડિયાળો બનતી તે ક્લૉક પ્રકારની હતી. પણ સ્પ્રીંગની શોધ થતાં જ નાના ઘડિયાળ બનાવવાનો જાણે રસ્તો ખુલ્લી ગયો. ક્રિસ્પીન હ્યુજન નામના વૈજ્ઞાનિકે એક સેકન્ડ જેટલા સમયને માપવા માટે જગતનું પ્રથમ લોલકવાળું ઘડિયાળ બનાવ્યું. તેમા સુધારા કરી, અંગ્રેજ ઈજનીયર વિલીયમ ક્લીમે ઘડિયાળની નવી આવૃતિ તૈયાર કરી. તે પછી ઝડપભેર કલાક, મીનીટ અને સેકન્ડ કાટાંવાળા ઘડિયાળ બનવા લાગ્યા. પણ સૌથી મોટી તકલીફ એ હતી કે જેમને ઘડિયાળની ખાસ જરુર હતી એવા સાગરખેડૂઓને આ ઘડિયાળો કામ આવતી ન હતી. સાગરના ઊછળતા મોજાં પર સફર કરતા જહાજમાં રાખેલી એ ઘડિયાળોના લોલક ફંગોળાઈ જતાં. આ સમસ્યા એટલી જટીલ બની ગઈ કે ૧૭મી સદીમાં બ્રીટન સરકારે દરીયાઈ જહાજમાં ઉપયોગમાં લઈ શકાય તેવી ઘડિયાળની શોધ કરનારને આજના અંદાજે બે લાખ રૂપિયા જેટલી રકમનું ઈનામ જાહેર કર્યું. આ ઈનામ પ્રાપ્ત કરનાર હતા જહોન હેરીસન. જહોન હેરીસને જગતનું પહેલું લોલક વગરનું ઘડિયાળ ૧૭૬૧માં દુનિયા સમક્ષ મૂક્યું. એ ઘડિયાળનુ નામ હતું H 5. તે પછી ઘડિયાળ ક્લૉકમાંથી વૉચ બન્યા. શરુઆતના ઘડિયાળ પોકેટ વૉચ હતા. કાંડા પર બાંધી શકાય તેવું પહેલું ઘડિયાળ સેન્ટોઝ હતું. ઈ.સ. ૧૮૫૦ની સાલમાં સ્થપાયેલી વૉલ્ધેમ કંપની જગતની પહેલી કાંડા ઘડિયાળ બનાવનાર કંપની હતી. આ કંપનીએ ચાવીવાળા યાંત્રીક ઘડિયાળમાં પણ સુધારા કરી રોજ ચાવી ન ભરવી પડે તેવા ઑટોમેટેડ ઘડિયાળ બનાવ્યા. એ ઘડિયાળો યાંત્રિક(મેકેનીકલ) જ હતી. ૧૯મી સદીના અંત સુધીમાં ઈલેક્ટ્રોનીક ઘડિયાળો સમયમાપનના ચોક્ક્સ પરિણામ આપવા સક્ષમ બની ચૂકી હતી. ઈલેક્ટ્રોનીક ક્વાર્ટ્ઝ ઘડિયાળનું પહેલું મોડેલ સીક્કો 35 SQ એસ્ટ્રોન હતું. જે ૧૯૬૯માં બજારમાં મૂકાયું હતું. આજે પણ સીક્કો 5 મોડેલ, ઘડિયાળ શોખીનોમાં પ્રિય છે.

ઘડિયાળની શોધ મૂળે સમય જાણવા માટે થઈ હતી. પણ સમયાંતરે ઘડિયાળે ઘરેણાંનું સ્વરુપ લીધું હતું. ઘડિયાળની બનાવટમાં સોનું અને ઝવેરાત ઉમેરાતાં ઘડિયાળ સમય જાણવાનું યંત્ર ન રહેતાં, અમીરીનું પ્રતિક પણ ગણાવા લાગ્યું. આજની પેઢીને કદાચ આશ્ચર્ય થશે, પણ એક સમય એવો હતો કે રોજ સવારે ઘડિયાળને ચાવી ભરવી પડતી. ચાવીવાળા ઘડિયાળોના સમયમાં ઑટોમેટેડ ઘડિયાળ પહેરવી એ પણ એક મોભો ગણાતો. ગલ્ફના દેશોમાં રોજગારી માટે જતા ભારતીયો કાંડા ઘડિયાળની ખરીદી અવશ્ય કરતા. વિવિધ રંગોના કેશ ધરાવતી OMEX કંપનીની ઘડિયાળ આઠમા નવમાં દાયકામાં વિશેષ પ્રચલીત હતી. એ વખતે ઘડિયાળ માટે વોટરપ્રૂફ શબ્દનોય મોભો હતો. આજે ઘડિયાળ પહેરવાની જરુર ખાસ કોઈને પડતી નથી. મોટાભાગનાં ઈલેક્ટ્રોંનીક ઉપકરણોમાં ઘડિયાળની વ્યવસ્થા હોય છે. દિવસે દિવસે કાંડા ઘડિયાળનો પ્રભાવ ઘટતો જાય છે. પણ સમય માપનના સાધનોએ મનુષ્યને ચારેકોરથી ઘેરી લીધો છે. માણસને ઘડિયાળે જ થકવી દીધો છે. તોય પેલી ઘડિયાળ થાકતી નથી. એ મનુષ્યને ઊભો કરી ફરી દોડાવે છે. કારણ કે ઘડિયાળની શોધ પાછળ માનવજાતે જેટલા સમયનો ભોગ આપ્યો છે, તેટલો સમય બીજા યંત્રો પાછળ નથી આપવો પડ્યો નથી.


શ્રી માવજી મહેશ્વરીનાં સંપર્ક સૂત્રોઃ ફોન નં. +૯૧ ૯૮૨૫૭૨૫૫૯૬ Email mavji018@gmail.com


સંપાદકીય નોંધ – અહીં લીધેલ સાંદર્ભિક ચિત્ર નેટ પરથી સાભાર લીધેલ છે

2 comments for “સમયચક્ર : માણસને હંમેશા દોડાવતી રહી છે ઘડિયાળ

 1. mavji maheshwari
  December 11, 2019 at 10:43 am

  પ્રિય દિપકભાઈ
  મારું ઈ મેલ આઈ ડી બદલવા વિનંતી છે. મારું ઈ મેલ આઈ ડી. mavji018@gmail.com છે.

  • December 11, 2019 at 9:09 pm

   હા, સુધારી લીધેલ છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *