






પૂર્વી મોદી મલકાણ

પેશાવરની ગલીઓમાંથી ફરતાં ફરતાં અમે પોસ્તો સ્ટ્રીટ પર પહોંચ્યાં. પોસ્તોનો અર્થ આપણે ત્યાં ખસખસ થાય છે, જ્યારે અહીં રોટી એવો થાય છે. આમે ય અમે એવી જ જગ્યામાં ફરી રહ્યાં હતાં જ્યાંનાં પ્રત્યેક ખૂણામાંથી રોટીની જ સુગંધ આવી રહી હતી. નાની નાની રેસ્ટોરન્ટ્સ અને નાનભનાં તંદૂરમાંથી નીકળતી સુગંધ અમને વધારે સતેજ બનાવી રહી હતી. પણ અમારે જમવાને હજુ વાર હતી તેથી ફરતા ફરતા જાણ્યું કે અહીં નાન, રોટી સાથે પાઉં એમ ત્રણેય પ્રકારની રોટીનો ઉપયોગ થાય છે, પણ આ ત્રણેય વસ્તુઓમાં પાઉંનો ઉપયોગ સભ્ય સમાજ વધુ ઉપયોગ કરે છે. આમ જનતામાં પાઉંનું કોઈ ખાસ સ્થાન હોય તેમ અમને લાગ્યું નહીં. રસ્તે ચાલતાં ચાલતાં જ રોટી, નાનમાં ખોવાયેલી એવી મને જોતાં જ ઉસ્માનભાઈએ કહ્યું કે; પેશાવરી સ્ત્રીઓને માટે તો નાનનું જે મહત્વ છે તે સ્થાન રોટીનું યે નથી તો પાઉં ક્યાંથી હોય? તેમને માટે પાઉં એ કેવળ એક સાઈડ વાનગી છે જેનો યુરોપ અમેરિકાના લોકો ઉપયોગ કરે છે.
બ્રેડનો ઇતિહાસ:-
બ્રેડ એટ્લે કે એક પ્રકારની રોટલી કે રોટી… આ રોટીનાં રૂપ કેટલા? તો કહે વિશ્વમાં જેટલી ભાષા તેટલા પ્રકારની રોટી કે તેના રૂપ હોય છે. આ રોટી જેમાંથી બનાવવામાં આવે છે તે ઘઉનું સીધું પ્રમાણ આપણને આ પિરામિડોમાંથી મળી આવ્યું છે. અરે કેવળ ઈજિપ્ત જ નહીં પણ ઇન્ડ્સવેલી સંસ્કૃતિમાં યે રોટી – નાનનો ઉલ્લેખ થયેલો છે. જો’કે વિશ્વની સૌથી જૂની રોટી કેવી હતી તે બાબતનું પ્રમાણ તૂતેનખામેનની પિરામિડમાંથી મળેલ છે. ૧૯૨૨માં જ્યારે આર્કિયોલોજીસ્ટો વિખ્યાત એવી તૂતેનખામેનની પિરામિડમાં કામ કરી રહ્યાં હતાં ત્યારે એક ખંડમાંથી અમુક ટોકરી મળી આવી જેમાંથી ગોળ, ચકોર, ચોરસ, પશુ -પક્ષીઓ અને ફૂલના આકારની રોટી મળી આવી હતી. ઈજીપ્શિયન ડો. પ્રો. ગુલઅહેમદ અબ્બેસનું માનવું છે કે, આ વિવિધ આકારોવાળી અને ચિત્રોવાળી રોટી એ ફેરોની રાણીઓનાં મનોરંજનનાં ભાગ રૂપે બનાવવા આવેલ. કારણ કે આ સમયમાં રાણીઓ ખાસ પેલેસની બહાર નીકળતી નહીં, તેથી બહારની દુનિયા કેવી હોય તે વિષે જાણવા માટે આ પ્રકારની રોટી બનાવવામાં આવતી.


ઘઉં અને જવનું અસ્તિત્ત્વ :-
હરપ્પાની યાત્રા દરમ્યાન અમે ઘઉંનાં ચિત્રવાળી જે સીલ જોયેલી તે તે સમયનાં ઘઉંનાં પાકની નિશાનીઓ બતાવતી હતી. આ ઘઉંના પાકનું અસ્તિત્ત્વનું પ્રમાણ પણ ૯૦૦૦ વર્ષ પૂર્વે અને શઈર એટ્લે કે જવનું પ્રમાણ ૭૦૦૦ વર્ષ પૂર્વે ઈજિપ્તમાંથી મળ્યું હતું.
ઘઉંની રોટી : બ્રેડ:-
ઘઉં વિષે જાણી લીધા પછી હવે ઘઉંની રોટી-બ્રેડ પાસે જઈએ. ૩૦૦ BC માં ઘઉંને પલાળી વાટી ત્યાર પછી તે પેસ્ટમાંથી રોટી બનાવવામાં આવતી હતી. પેસ્ટમાંથી બનતી આ રીતને આપણે ઢોસા, પુડલા જેવી વાનગીઓ સાથે જોડી શકીએ. જો’કે ઢોસા જેવી પાતળી ક્રેપ રોટીનું અસ્તિત્ત્વ ૨૦૦૦ વર્ષ પહેલાં શરૂ થયેલું. ઈજીપ્શિયન ઇતિહાસમાં જણાવેલ છે કે ફેરોના સમયમાં અધિકારીઓ, સિપાહીઓ, મજૂરોને અને ગુલામોને પગાર તરીકે કે મહેનતાણાં તરીકે ધનને બદલે રોટી અપાતી હતી. જેમ રોટીની સંખ્યા વધારે તે વ્યક્તિનું મહેનતાણું વધુ ઊંચું ગણાતું. હેરોડોટ્સના મતે ઈજિપ્તવાસીઓ રોટી બનાવવા માટેનો આટો પગથી ગુંદતા હતાં. જ્યારે લોટ બાંધીને નાન રોટીનો જન્મ ૩૦૦ થી ૮૦૦ BC ની વચ્ચે ઈરાનમાં થયેલો. આ રોટી-નાને પોતાનો પ્રવાસ પૂર્વના દેશો તરફ શરૂ કર્યો ત્યારથી લઈ આજ સુધી નાન રોટી બનાવવાની પધ્ધતિમાં હજુ સુધી કોઈ ફર્ક પડ્યો નથી. ૮૦૦ BCના ઉત્તરાર્ધમાં ઈજીપ્તે પેસ્ટ લોટ અને રેગ્યુલર લોટને બાદ કરી પ્રથમવાર રિફાઇન્ડ લોટ એટ્લે કે મેંદાના લોટનો ઉપયોગ કરેલો.

રોટી થી લઈ રૂમાલી અને ફૂલકા રોટીની યાત્રા:-
ઈરાનથી શેકેલી રોટીને શેરશાહ સૂરી ભારતમાં લઈ આવ્યો. આ રોટી થોડી જાડી હતી. જ્યારે મુઘલ યુગમાંથી હુમાયું આવ્યો ત્યાં સુધી આ રોટીનું વર્ચસ્વ ભારત પર રહ્યું, પણ બાદશાહ અકબરને આ જાડી રોટી પસંદ ન આવી આથી તેની બેગમ રૂકૈયાએ પરદા જેવી પાતળી રોટીનો ઉદ્ભવ કર્યો જે આજે “રૂમાલી રોટી” તરીકે ઓળખાય છે. આ રોટીમાં લોટને બદલે મેંદાના લોટનું પ્રમાણ વધુ હતું. તેથી દેખાવ-સ્વરૂપમાં ભલે આ રોટી પાતળી હતી પણ પચવામાં ભારે હોય મોડે સુધી ભૂખ ન લાગતી. આથી આ રોટીનો ખાસ કરીને મુગલ બાદશાહો યુધ્ધ દરમ્યાન ઉપયોગ કરતા. એક માન્યતા મુજબ આ જાડી રોટીમાંથી આપણી ફૂલકા રોટીનો જન્મ લગભગ ૧૫ મી સદીમાં અવધમાં થયો. પણ ફૂલકા રોટીમાં મેંદાને બદલે રેગ્યુલર લોટનો ઉપયોગ કરવામાં આવ્યો જેથી કરીને પેટને બહુ ભારી ન લાગે. પણ આ રોટી જ્યારે મહારાષ્ટ્ર -આનર્ત તરફ આવી ત્યારે તે પાતળી રોટીનું સ્વરૂપ ધારણ કર્યું. જો’કે આ માન્યતાને બાદ કરતાં રોટીનો ઉલ્લેખ આપણે ત્યાં દ્વાપર યુગ અને ત્રેતા યુગમાં પણ કરાયો છે. આ વાતની પૂર્તિ રસખાનજીના પદોમાં જોવા મળે છે. રસખાનજી કહે છે કે,
धूरि भरै अति सोभित स्याम जु तैसी बनी सिर सुन्दर चोटी।
खेलत खात फिरै अँगना पग पैंजनी बाजती पीरी कछौटी।
वा छवि को रसखान विलोकत बारत काम कला निज कोठी।
काग के भाग बडे सजनी हरि हाथ सौं ले गयो रोटी।।અર્થાત્:-
શ્યામજૂનું શ્રી અંગ રજથી ખરડાઈ ગયું છે, શ્યામસુંદરના મસ્તક પર સુંદર ચોટી બાંધેલી છે, પીળા પીતાંબરી વસ્ત્રો પહેર્યા છે, પગમાં નૂપુર બાંધ્યાં છે ને, હસ્તમાં માખન રોટી લઈ ખેલતા ખેલતા ખાઈ આંગણામાં આમતેમ ઘૂમી રહ્યા છે. બાલકૃષ્ણનું આ સ્વરૂપ જોઈ રસખાનજી પોતાની કલા પ્રભુ પર ન્યોછાવર કરે તે પહેલા એક કાગ આવીને કાન્હાના હસ્તમાંથી માખણવાળી રોટી છીનવી લઇ ઊડી જાય છે, તે જોઈ રસખાનજી કહે છે કે આ કાગનું ભાગ્ય તે સૌભાગ્ય બની ગયું કારણ કે જે માખણ રોટીનો ટુકડો પ્રભુના હસ્તમાં હતો તે જ તેને ખાવા મળી રહ્યો છે, બીજી રીતે જોઉં તો પ્રભુના હસ્તે જ તે એક કોળિયો ખાઈ રહ્યો છે.
લૂચી :-
રસખાનજીની જેમ તુલસીદાસજીએ પણ રોટીનો ઉલ્લેખ રામચરિત માનસમાં કરેલો છે. આ પુરાતન યુગમાંથી બહાર આવીને પ્રથમ નગર સંસ્કૃતિ હર્પ્પીયન -સિંધ સંસ્કૃતિમાં પણ રોટીનો ઉલ્લેખ થયો છે. જ્યારે આપણાં શીખંડ અને ખીર સાથે જોડી જમાવનાર લૂચીનો જન્મ પુષ્ટિ સંપ્રદાયી સંત અને શ્રી વલ્લભાચાર્યના ગુરુ માધવેન્દ્રચાર્ય પૂરી એ કરેલો અને બાલ ગોપાલને ધરી પોતાનું નામ (પૂરી) આપ્યું. આપણે ત્યાં પૂરી એ ખારી વાનગી છે પણ અમેરિકામાં આ પૂરીને મળતી “ફ્રાય ડોહ” બનાવવામાં આવે છે જેની સાઇઝ આપણી છોલેની પૂરીની જેમ વિશાળ હોય છે અને જેવી ગરમ ગરમ તાવડામાંથી બહાર આવે કે તરત જ તેની પર તજનો પાવડર અને પાવડર સુગર છાંટવામાં આવે છે. આપણી રોટી જેવી જ મેક્સિકોની રોટી તે ટોર્ટિલા છે. જે મૂળે મકાઇમાંથી અને મકાઇનાં સ્ટાર્ચ બનતી હતી. આ ટોર્ટિલાનો ઇતિહાસ માયન સંસ્કૃતિ તરફ લઈ જાય છે જેનો સમયગાળો લગભગ ઇ.સ પૂર્વે ૧૦,૦૦૦ વર્ષ જૂનો બતાવવામાં આવે છે. આજે ટોર્ટિલા માટે ઘઉં અને કોર્ન બંનેનો ઉપયોગ થાય છે.



ફોટોગ્રાફી :- પૂર્વી મોદી મલકાણ
© ૨૦૧૮ પૂર્વી મોદી મલકાણ યુ.એસ એ. | purvimalkan@yahoo.com
વાહ ઉતમ
માફ કર જો બહેન, પણ આજે પકિસ્તાન ના અનુભવો ને બદ્લે રોટી ના ઇતિહાસ મા જ આખો લેખ પુરો થૈ ગયો ઍત્લે મજા ના આવિ.
પોસ્તોં ગલીની મહેંક મને બહુ ગમી, પણ મારી ભૂખને ય સતેજ કરી દીધી. હેતલ તમને કેમ મજા ના આવી. પૂર્વી બેન ના લખાણની આજ ખાસિયત છે, એમને ઇતિહાસ એટ્લે શું, કઈ કઈ ગલીમાં કોનો ઇતિહાસ રહેલો છે તે તેમને બરાબર સૂંઘતા આવડે છે. થોડા દિવસ પહેલાં તેમણે “મોદીની હવેલી” કૉલમ માં ગ્રામ્યજીવન ની ગલી ગલીયારા માં ફેરવેલા. મને એ કૉલમ વાંચવાની તો બહુ જ મજા પડેલી.
Bread ?ni ye history hashe teni khabar nahati. Kharekhar bhukh satej are tevo lekh che. Purviben khali lakhay nahi ho, jamava ye bolavava pade.