પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ – પત્ર નં ૨૦

Facebooktwitterredditpinterestlinkedinmail

નયના પટેલ, લેસ્ટર, યુકે

પ્રિય દેવી,

તારી અને તારા કુટુંબની ક્ષેમ–કુશળતા પૂછી લઉંને?

યાર, મારા કુશળ–મંગળ છેક છેલ્લે, પત્ર પૂરો થાય ત્યારે યાદ આવે છે એમને?

ખેર, મારી કુશળતા અંગે જો મારે કહેવું હોય તો આપણી એક કહેવત મુજબ કહી શકું કે મારી દશા– ‘પાણીમાં ચણા જેવી છે.’!

મારા એક ઓળખીતા બહેન છે એમને તમે પૂછો કે ‘કેમ છો?’ તો મોઢું ગંભીર રાખી કહે કે, ‘શું કરું બેન,જુઓને આ શરીરે સુખના સોજા ચઢ્યા છે!’ મારું પણ કંઈક એવું જ છે.

ગોરંભાયેલું વાતાવરણ હોય, ઘરમાં પુસ્તકોનો મેળો જામ્યો હોય, તેમાં જૂના ગીતો સી.ડી પ્લેયર પર વાગવા માટે તડપતાં હોય અને કોફીનો કપ પણ આમંત્રણ આપતો હોય,પછી તો પૂછવું જ શું!

પરંતુ એવું વાતાવરણ નોવેલ વાંચવા માટે બરાબર છે. ગયા અઠવાડિયે તેં જે વાંચ્યુ તેને માટે તો શાંત વાતાવરણ જ જોઈએ.

જો કે અમારે ત્યાં તો ગોરંભાયેલું વાતાવરણ જ વધારે હોય અને એને લીધે ઘણા લોકોને ડિપ્રેશન આવી જતું હોય છે. બહાર કડકડતી ઠંડી, ઘરની ચાર દિવાલ અને અન–નેચરલ હિટિંગ–સેન્ટ્રલ હિટિંગ. ઉપરાંત મેં નોંધ્યું છે કે આપણા ઘણા લોકોએ આખી જીંદગી કુટુંબ માટે વૈતરું જ કર્યું છે અને કોઈ પણ જાતની હોબી ડેવલપ કરવાનો સમય જ ન ફાળવ્યો હોય તેઓ ડિપ્રેશનનાં ભોગ વધુ બને છે. એટલે એવું નથી કેયુરોપિયન પ્રજાને ડિપ્રેશન નથી આવતું. પરંતુ એ લોકોને ડિપ્રેશન આવવાના કારણો આપણા કરતાં અલગ હોય છે, જે પછી ક્યારેક કહીશ.

તેં લખ્યું હતું તેમ મારી પાસે દુભાષિયા ( અહીં આપણા ઓછા ભણેલા એશીયન લોકો અમને ‘ઈંટરપ્રિંટર’કહે છે ) ની નોકરી દરમ્યાન ભેગા કરેલાં જે અનુભવો છે તે તારી સાથે શેર કરવા મને ખૂબ ગમશે.

તેં સફળતા અને નિષ્ફળતા વિશે જે વાંચ્યું અને શેર કર્યું તે ખૂબ જ સાચું અને રસપ્રદ છે. પરંતુ અહીં આવીને મેં આપણા એશિયનોનો એવો સમાજ જોયો છે કે જેમને માટે સફળતા–નિષ્ફળતાની આગળ જઈને ‘યેન કેન પ્રકારે’ કમાવા સિવાય કોઈ બીજો વિકલ્પ જ ન્હોતો.

મેં આગળ લખ્યું હતું તેમ અહીંનું વાતાવરણ યુ.એસ. કરતાં કેમ જુદું છે તે કહું. ખૂબ દુઃખદ છતાં જાણવા લાયક વાત છે આ. અહીં જે એશીયન લોકો ૧૯૫૦ અને ત્યાર પછી આવ્યા એ લોકોને, તે વખતની બ્રિટિશ સરકાર તરફથી મજૂરી કરવા માટે જ વધુ ઉત્તેજન આપી, અહીં બોલાવવામાં આવતા હતાં.

બીજા વિશ્વયુધ્ધ પછી યુ.કે.માં પુરુષ કારીગરો અને મજૂરોની સંખ્યામાં સારો એવો ઘટાડો થયો હતો. એટલે એ માટે એમની જ્યાં જ્યાં કોલોની (જ્યાં જ્યાં એ લોકો રાજ કરીને આવ્યા હતાં એ બધા દેશો) હતી ત્યાંથીપુરુષોને મજૂરી કરવા માટે આકર્ષવામાં આવતાં.પરિણામે ૧૯૫૦ની આસપાસ ઘણા ગુજરાતીઓ,પંજાબીઓ અને નોર્થ ઈન્ડયનો અહીં આવીને વસ્યા. એ લોકો પોતાના કુટુંબને ભારતમાં મૂકીને પહેલાં એકલા જ આવતાં. એક જ નાનકડાં અને સસ્તા ઘરમાં ૧૨ થી ૧૫ લોકો રહેતાં. ત્યારે સેન્ટ્રલ હિટિંગ જેવું કાઈ હતું જ નહીં. માત્ર સિટીંગરૂમમાં કોલસાથી ચાલતો ફાયર રહેતો. આખા અઠવાડિયાની રોટલી અને મગનું શાક બનાવી આ ફાયર ઉપર મૂકી રાખતાં જેથી ગેસ ચૂલો સળગાવવો ના પડે અને ખાવાનું હૂંફાળુ રહે! એ લોકો ઘણા પાળીમાં કામ કરતાં.  એક પાળીવાળા જાય એટલે એ જ ખાટલામાં બીજી પાળીવાળા લોકો આવી સૂઈ જતાં. અહીં સફળતા અને નિષ્ફળતાની ઉપર જઈને કઈ રીતે ભારતથી આવતી વખતે કરેલું દેવું ચૂકવવું અને ક્યારે ભારતથી ફેમિલિને બોલાવવું એ જ ધ્યેય.

૧૯૭૩માં ઈદી અમીને કેનીયામાંથી એશીયનોને હાંકી કાઢ્યા એ લોકોની પરિસ્થિતિ ઉપર જણાવ્યા એ લોકો કરતાં થોડી સારી હતી. આફ્રિકામાં પેઢીઓથી સ્થાઈ થયેલા અમુક લોકોને ભલે ઈંગ્લીશ આવડતું ન્હોતું પરંતુ તેમના બાળકો આફ્રિકામાં અંગ્રેજીમાં ભણ્યા હતાં. એમાના જે યુવાનો હતાં એ લોકોને થોડું ઘણું ઈંગ્લીશ આવડતું હતું, તેમાંના થોડા લોકો પાસે ડિગ્રીઓ પણ હતી. આફ્રિકા પણ બ્રિટિશ કોલોની હતું એટલે ભણતરનું સ્ટન્ડર્ડ પણ થોડું બ્રિટન જેવું હતું એટલે એ લોકો આવ્યા પછી પરિસ્થિતિ ઘણી બદલાઈ–આર્થીક દ્રષ્ટિએ.

પરંતુ આફ્રિકા ગયા હતાં કે ઈંગ્લેંડ આવ્યા હતાં એ લોકોનો મુખ્ય ઉદ્દેશ ‘કમાવાનો’ જ રહ્યો હતો. વળી પોતાની ‘ભારતીય’ તરીકેની ઓળખ સાચવવા, બાળકો અહીંના લોકો જેવા ન થઈ જાય તેને માટે સતત જાગૃત ( કેટલો વિરોધાભાસ છે, હેં ને દેવી?) રહેવાનું હોય ત્યાં ‘હોબી’ કેળવવાનો સમય જ ક્યાં હતો – એ લોકોની ભાષામાં કહું તો એવા ‘મોજશોખ’ અમને પોષાય જ ક્યાંથી?- આ સમૂહનાં ઘણા લોકો ડિપ્રેશનના ભોગ બન્યા છે.

પરંતુ અહીં જીવી જવા માટે એમણે ધર્મને પકડી રાખ્યો. અંધશ્રધ્ધાથી યુક્ત અને ચીલાચાલુ ‘ધરમ’ – ‘પાણીમાં ડૂબતાંને તરણાં નો સહારો ’ જેવો કામ ભલે લાગ્યો પરંતો આગલા પત્રમાં મેં લખ્યું હતુ તે મુજબઆપણા ધર્મનું સારૂ અને સાચું પ્રતિનિધિત્વ કરી શકીએ તેવો પ્રયત્ન ખૂબ જ નહીવત્‍ કહી શકાય એવો થાય છે. જો કે હવે તો સામાજીક પરિસ્થિતિ ખૂબ જ બદલાઈ ગઈ છે. અત્યારની છેલ્લી બે પેઢી પાસે ભણતર,આર્થિક દરજ્જો અને સુખ–સામગ્રીની ખોટ નથી અને એ લોકો હોબી કેળવે છે અને એમને પોષાય પણ છે!અને અહીંનો ઉનાળો આવતાં જ કહેવાતાં ધાર્મિક પ્રવચનકારોનો રાફડો ફાટી નીકળે છે.

હજુ કહે તો પાનાનાં પાના ભરીને લખતી રહું એમ થાય છે પરંતુ તારી દયા ખાઈને અહીં જ વિરમું?!!!

પરંતુ તે પહેલા વર્ષોથી સ્થાઈ થયેલાં અને યુ.કે.ની એશિયન પ્રજાની નાડ જેમણે ખૂબ જ સરસ રીતે પારખી છે એવા આપણા બન્નેનાં માનીતા ગુજલીશ ગઝલકાર અદમભાઈની ગઝલ શેર કરવાનું રોકી શકતી નથીઃ–

ક્વેશ્ચન ટૅગ માં બંધાઈ ગયા.
વ્હાય ને વૉટમાં ખોવાઈ ગયા.

પહેલાં તો હરપળે હતા હોમસિક

ધીરે ધીરે પછી ટેવાઈ ગયા.        

થઈ ગયા આપણે કલર બ્લાઈન્ડ,

આ વિલાયતથી લ્યો અંજાઈ ગયા.        

પેલો ઍરો હજી છૂટ્યો જ નથી,

તે છતાં આપણે વીંધાઈ ગયા.   

આપણે નાઈધર હિઅર નૉર ધૅર,

એક વૉઈડમાં ખોવાઈ ગયા.

લૂંટવા આવ્યા યુનાઈટેડ કિંગડમ

ને ‘અદમ’ આપણે લૂંટાઈ ગયા.  

નીનાની સ્નેહયાદ.


ક્રમશ:


દેવિકા રાહુલ ધ્રુવ : હ્યુસ્ટન ::  ddhruva1948@yahoo.com ||  નયનાબહેન પટેલ, લેસ્ટર, યુકે. : ninapatel47@hotmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *