શ્રી ધ્રુવ ભટ્ટની કેટલીક પદ્ય રચનાઓ

Facebooktwitterredditpinterestlinkedinmail

ધ્રુવ ભટ્ટ

                 ( ૧ )

દરિયાની છાતી પર ઢોળાતું જાય એવું
યાયાવર ગાન છીએ આપણે.
સમંદરને પાર જેના સરનામાં હોય
એવા વણજાણ્યાં નામ છીએ આપણે.

હોવું તો વાદળિયા શ્વાસ જેવી વાત
જેમ ધરતીને સાંપડી સુગંધ,
આપણો તો કલબલનો એવો પ્રવાસ
જેની એકે દિશા ન હોય બંધ.
સમંદરની છોળ જેમ સમંદરમાં હોય
એમ આપણો મુકામ છીએ આપણે.
યાયાવર ગાન છીએ આપણે….

પાંખમાં ભરીને ચલો આખું આકાશ
કોઈ તગતગતા સરોવરમાં ઢોળીએ.
ભાંગતા કિનારાનું ભાંગે એકાંત
એવી કલબલતી કોઈ વાત બોલીએ.
માળાનો હોય નહીં આપણને સાદ
સાવ ટૂંકા રોકાણ છીએ આપણે.
યાયાવર ગાન છીએ આપણે

                                                 ( ૨ )

બાર બાય બાર જેવી બાથરૂમો હોય અને પચ્ચી બાય ચોવીના ઓરડા.
એવી મોટી મહેલતુંને ટક્કર મારે તે મારાં ચાર પાંચ નળિયાનાં ખોરડાં.
                                 …………………………
મારાં ચાર પાંચ નળિયાનાં ખોરડાં.

ખોરડાંને આડ નહીં ફરતે દીવાલ નહીં નજરુંની આડે નહીં જાળિયું.
તકતીમાં નામ જેવી ખોટી જંજાળ નહીં ચોપન દિશામાં એની બારિયું
.
બંધન ગણો તો પણે આંબલીના ઝાડ હેઠ છોકરાંએ ટાંગેલાં દોરડાં
.
                                ………………………………
મારાં ચાર પાંચ નળિયાનાં ખોરડાં.

ઘરમાં બેસું ને તોયે સૂરજની શાખ દઈ ચાંદરણાં તાળી લઈ જાય છે.
કેમનું જિવાય કેવી રીતે મરાય એવી વાયરાઓ વાતો કહી જાય છે
.
એક વાર ફફડે છે હોઠ અને ગહેકે છે ભીંતે ચીતરેલ બધા મોરલા
..
                                 ……………………………
મારાં ચાર પાંચ નળિયાનાં ખોરડાં

                                              (ગઝલ)

કહે માર્ગ ક્યાં જઈશ પૂછ્યા વગર, બસ અમે ફક્ત ચાલ્યે જશું જિંદગીભર
અહીં ઊગશે દશગણું એમ ઈચ્છયા વગર, હેત વાવ્યે જશું જિંદગીભર.


અમે જિંદગીના ખભે ટેકવીને ઘણી દર્દભીની પળો રોઈ લીધી
પરંતુ પ્રતિક્ષણ પ્રતિજ્ઞા ધરી કે સમયને હસાવ્યે જશું જિંદગીભર.


કરો કલ્પના કોઈ અધરાત લઈને, અતિથિ તમારે ઘરે પણ પધારે
તમે દ્વાર ખોલી મૂઠીભર ધરો છો, તો તે પર ચલાવ્યે જશું જિંદગીભર.


ન ભગવું ન કાળું ન રેશમ ન ખાદી ન કંથા સમું કંઈ સ્વીકારી શક્યો હું
મને વસ્ત્રમાં કોઈ ઓળખ જડી નહીં, કે બેસીને રંગ્યે જશું જિંદગીભર.


ભલેને સનાતન નથી જિંદગી પણ, અમારું સનાતનપણું  છે સલામત
ફરી કોઈ જન્મે મળોનું નિમંત્રણ, હસીને સ્વીકાર્યે જશું જિંદગીભર.


મને પર્વતોના શિખર પર મળે તું, પછી તું મને સાવ સન્મુખ નિહાળે
ફરક બેઉનાં દર્શનોમાં હતો શું, તે બન્ને વિચાર્યે જશું જિંદગીભર.

                                                                    –  ‘ગાય તેના ગીત’ માંથી


કવિશ્રી ધ્રુવ ભટ્ટના સંપર્કસૂત્રો :

મોબાઈલ – 91 9426331058 | Email: dhruv561947@yahoo.com

1 comment for “શ્રી ધ્રુવ ભટ્ટની કેટલીક પદ્ય રચનાઓ

  1. Neetin Vyas
    December 11, 2019 at 4:52 am

    આ રચનાઓ જેમ વાંચીયે અને ગણગણીયે તેમ વધુ માજા પડે તેવી છે. બે ગીતો અને એક ગઝલ ખરેખર સરસ છે, “ધ્રુવગીત” – ભાઈ શ્રી જનમંજય વૈદ્ય, ડો. શબનમ વિરમાણિ અને અન્ય ગાયકોએ બખૂબી ગયેલાં છે, જે YouTube જોવા સાંભળવા મળેછે, 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *