હુસ્ન પહાડી કા -૧૯- ‘નવા’ સંગીતકારો રવીંદ્ર જૈન, રામ-લક્ષ્મણ, રાજેશ રોશન અને શિવ-હરિ રચિત એક – એક પહાડી રચના

Facebooktwitterredditpinterestlinkedinmail

– ભગવાન થાવરાણી

હું   ધારું   તો  ય   ના   ઉતરી   શકે  આ  એક   જીવનમાં
પહાડી  નામના  એક  હમસફરનો  ઋણ  છે  જે  મુજ  પર ..

હવે જ્યારે ધીરે – ધીરે આ લેખમાળાના અંત તરફ ગતિમાન છીએ ત્યારે, શરૂઆતના હપ્તાઓની  ‘ હજી તો ઘણો સમય છે ‘ વાળી ધરપતની જગ્યાએ ‘ કોઇક જરુરી ગીત કે વાત રહી ન જાય ‘ એનો ઉચાટ છે. હકીકત એ છે કે પુરાણા સંગીતના પહાડી મોતીઓની પ્રસ્તુતિમાં, આપ હંસલાઓ માટે કેટલાક મોતીઓ જાણ્યે-અજાણ્યે વણસ્પર્ષ્યા-વણપ્રીછ્યા રહી જ જવાના, લખનારના સમગ્ર પ્રયત્નો છતાં !

ગત હપ્તે એટલા માટે જ  ‘ નવા ‘ સંગીતકારો લક્ષ્મીકાંત પ્યારેલાલની કેટલીક પહાડી બંદિશો લીધી અને આજે પણ એટલા માટે જ  ‘ સાવ નવા ‘ એવા સંગીતકારો રવીંદ્ર જૈન, રામ-લક્ષ્મણ, રાજેશ રોશન અને શિવ-હરિ રચિત એક – એક રચનાની ચર્ચા કરીશું,  ‘ નવું એટલું કથીર ‘ એવું સાવ જ નથી એની આપ ભાવકોને પ્રતીતિ કરાવવા માટે ! આ ગીતો અને સંગીતકારો મારા જેવા જૂનવાણી માટે નવા છે પણ ખરેખર તો આ  ‘ નવા ‘માંનુ સૌથી જૂનું એટલે ૩૪ વર્ષ પહેલાંનું અને સૌથી નવું એટલે ૨૬ વર્ષ જૂનું !

મૂળ વાત પર આવીએ અને જોઇએ રાજકપૂરની અંતિમ ફિલ્મ  ‘ રામ તેરી ગંગા મૈલી ‘ ( ૧૯૮૫ ) નું એક ખૂબસૂરત પહાડી ગીત. આપણી લેખમાળાનું શીર્ષક આ ગીતના મુખડા ઉપરથી  ‘ પ્રેરિત ‘ છે ! ગાયકો લતા અને સુરેશ વાડકર અને ગીત – સંગીત રવીંદ્ર જૈનના . શબ્દો :

हुस्न पहाड़ों का ओ साहेबा
क्या कहना के बारहों महीने
यहाँ मौसम जाड़ों का

रुत ये सुहानी है मेरी जाँ
के सर्दी से डर कैसा
संग गर्म जवानी है ..

तुम परदेसी किधर से आए
आते ही मेरे मन में समाए
करुं क्या हाथों से मन निकला जाए

छोटे – छोटे झरने हैं
के झरनों का पानी छू के
कुछ वादे करने हैं

झरने तो बहते हैं
क़सम ले पहाड़ों की
जो क़ायम रहते हैं

खिले – खिले फूलों से
हरी – भरी वादी
रात ही रात में
किसने सजा दी

लगता है जैसे
यहाँ अपनी हो शादी
क्या गुल – बूटे हैं

पहाड़ों से ये कहते हैं
परदेसी तो झूटे हैं
हाथ है हाथों मे
के रस्ता कट ही गया

इन प्यार की बातों में
दुनिया ये गाती है सुनो जी
के प्यार में रस्ता तो क्या
जिंदगी कट जाती है ..

ત્રણ ( અથવા છ ) પંક્તિઓના દરેક બંધ છે ગીતમાં અને સંભવત: રવીંદ્ર જૈને પોતે પ્રથમ ધુન બનાવી પછી શબ્દોની ગૂંથણી કરી છે. ગીતકાર અને સંગીતકાર બન્ને હોય ( અને એ પણ પારંગત ! ) એવા ગુજરાતીમાં  હતા સ્વ. અવિનાશ વ્યાસ. હિંદી ફિલ્મોમાં એ કક્ષા દુર્લભ છે. એ દ્રષ્ટિએ રવીંદ્ર જૈન હિંદી ફિલ્મોના મોટા ગજાના કલાકાર કહેવાય. એક પ્રેમ ધવન પણ હતા, પણ એમણે માત્ર બે-ત્રણ ફિલ્મોમાં સંગીત આપ્યું. રવિ ( હવે પછીના મણકાના સંગીતકાર )એ પણ થોડાક ગીત લખ્યાનું સાંભરે છે. રવીંદ્ર જૈને પોતાના સંગીત વાળી ૧૨૦ ફિલ્મોમાંથી અંદાજે ૬૦ માં તો ગીતો લખ્યા જ હશે. સંગીત અને ગીતોની ગુણવત્તા પણ મહદંશે જાળવી રાખી.

રાજકપૂરનો સૌથી નાનો પુત્ર ચિંપૂ ઉર્ફે રાજીવ કપૂર ફિલ્મનો નાયક હતો તો યાસ્મીન ઉર્ફે મંદાકિની હીરોઈન. ફિલ્મમાં રાજકપૂરે એની અભિનય સહિતની દરેક અસ્ક્યામતોનો ભરપૂર ઉપયોગ કર્યો હતો !  ઉત્તરાખંડના ગંગોત્રી ક્ષેત્રમાં આકાર લેતી વાર્તા ચીલાચાલૂ છે પણ માવજત  ‘ શોમેન ‘ કક્ષાની. ગીતનું ફિલ્માંકન મનોરમ્ય છે.

વાંસળીના તીવ્ર સુરો મધ્યે પહાડોના ઉત્તુંગ શિખરો. મંદાકિની – ગંગાના કંઠે લતાનો હંમેશ મૂજબનો દૂર પહાડોને સ્પર્શતો બુલંદ આલાપ. પશ્ચાદભૂમાં ( કદાચ રાજકપૂરના આગ્રહથી ! ) શંકર-જયકિશન બ્રાંડના સમૂહ વાયલીન્સ. ગિટાર પર પહાડી સુરાવલિઓ, જેનું પુનરાવર્તન પહેલાં વાંસળી પર અને પછી તુરંત વાયલીન્સ પર. લચકતી મંદાકિની. બાજૂમાં વહે છે એ પણ કદાચ ગંગા નામાંભિધાન પહેલાની મંદાકિની જ છે. લતાના અવાજની ખનક ૧૯૮૫માં પણ એ જ છે. મંદાકિનીનું સદ્દભાગ્ય કે એને આ કંઠ મળ્યો ! લતાવાળો મુખડો પૂરો થતાં દેખાય છે પસાર થતો વટેમાર્ગુ રાજીવ. એ સુરેશ વાડકરના કેળવાયેલા અને સુસજ્જ અવાજે જોડાય છે. શબ્દોમાં પહાડોની સૌંદર્ય-પ્રશસ્તિ ઉપરાંત શોખી અને શ્રંગારિકતા છે. ચંિપૂ એના કાકા શમ્મીની નકલ કરે છે, અભિનય અને ગીતની અદાયગીમાં.

પસાર થતા ભક્તોના ટોળાના સમૂહ-સ્વરો લતાના પહાડી આલાપ સાથે જોડાય છે. એ આલાપ દૂર દેખાતા પહાડો સુધી પહોંચે છે જાણે ! વાયલીન્સના તીવ્ર ઝટકા સાથે પ્રથમ અંતરો. પાછળ ફૂલોની ઘાટી દ્રષ્ટિગોચર થાય છે. સુરેશ  ‘ લગતા હૈ જૈસે યહાં અપની હો શાદી ‘ પંક્તિ બીજી વાર ગાય છે ત્યારે  ‘ અપની ‘ શબ્દને અત્યંત કુશળ રીતે મુરકીમાં ફેરવે છે. અંતરાનું સમાપન લતા કરે છે.

બીજા અંતરા પહેલાં ફરી શંકર-જયકિશની વાયલીન્સ અને ગિટાર. હવે બુલંદ આલાપ સુરેશ વાડકરના કંઠે, જેને લતા ઝીલે છે. આજુબાજુ હવે હિમાચ્છાદિત પહાડો દેખાય છે. બીજા અંતરાની શરુઆત લતા દ્વારા થાય છે. મંદાકિનીની ભંગિમાઓમાં રાજકપૂરનો સ્પર્શ સ્પષ્ટપણે વર્તાય છે. એ ગીતોના ચિત્રીકરણમાં મહારથી હતા એ સર્વવિદિત છે. હવેની સવાલજવાબ-રૂપી પંક્તિઓમાં કવિતા છે. ખળખળ વહેતા ઝરણાના જળનો સ્પર્શ કરી નાયક કોઈક કોલની આપ-લેનું આવાહ્ન કરે છે અને નાયિકા એમ કહીને ઉતર વાળે છે કે ઝરણા તો રમતારામ, એ કરતાં પહાડને સાક્ષી માની વચન આપ કારણ કે એ અવિચળ અને અવિનાશી છે !

અંતિમ બન્ને પંક્તિઓમાં પહેલી બન્ને વારાફરતી ગાય છે તો બીજી સાથે. ‘ પ્રેમનો સંગાથ હોય તો રસ્તો તો શું, જીવન પણ વિતાવી શકાય છે ‘

અંતે એ જ ગિટાર. દૂર પહાડો. નાનકડો પૂલ વટાવી સુખ નામના કાલ્પનિક પ્રદેશ ભણી આગળ વધતું યુગલ. એ બિચારાઓને ખબર નથી, ત્યાં સુધી પહોંચતા પહેલાં મુશ્કેલીઓ અને કસોટીઓની કેટલીય પહાડીઓ, કેટલાય પુલો વટાવવાના છે !

બીજા ગીત પર આવીએ, ચાર વર્ષનો પુલ વટાવી. ‘ મૈને પ્યાર કિયા ‘ ૧૯૮૯ ની ફિલ્મ હતી સલમાન અને ભાગ્યશ્રીની. ગીત જૂના જોગી અસદ ભોપાલીનું અને સંગીત રામ – લક્ષ્મણનું. ગાયકો લતા અને એસ.પી. બાલસુબ્રમણ્યમ.

ગીતના શબ્દો :

दिल  दीवाना  बिन सजना के माने ना
ये  पगला  है  समझाने  से  समझे ना

धक् धक् बोले इत उत डोले दिन रैना
ये  पगला  है  समझाने  से समझे ना ..

दुनिया  माँगे  अपनी  मुरादें मैं  तो  मांगुं साजन
रहे सलामत मेरा सजना और सजना का आँगन
इसके सिवा दिल रब से कुछ भी चाहे ना ..

जी ये चाहे बनाके आँचल तुमको लपेटुं तन पे
कभी ये सोचुं मैं उड़ जाउं तुमको लिये गगन पे
और भी कुछ हैं दिल के इरादे क्या कहना ..

दर्दे  जुदाई  क्या  होता  है तुम  जानो मैं जानु
प्यार बुलाए दुनिया रोके किसका  कहना मानु
तुमसे मिले बिन दिलको कुछ भी सूझे ना ..

बनके लहु नस – नस में मुहब्बत दौड़े और पुकारे
>प्यार  में सब कुछ  हार दिया पर हिंमत कैसे हारें
कह दो दुनिया दिल का रस्ता रोके ना ….

સુકુમાર પ્રેમકથા એવી આ ફિલ્મે રાજશ્રી ફિલ્મસના તારાચંદ બડજાત્યાના યુવાન પુત્ર સૂરજને દિગ્દર્શન ક્ષેત્રે પ્રવેશ કરાવ્યો અને રાતોરાત સફળતાના ચરમ શિખરે બેસાડી દીધો ! સંગીતકારો રામ-લક્ષ્મણ મૂળે હતી તો બેલડી પણ બન્નેમાંના રામનું, જોડાણની શરુઆતમાંજ ફિલ્મ  ‘ એજન્ટ વિનોદ ‘ ( ૧૯૭૭ ) દરમિયાન અવસાન થતાં લક્ષ્મણે ( અસલ નામ : વિજય પાટિલ ) અસલ સહિયારા નામે સંગીત આપવાનું ચાલુ રાખ્યું. આ ફિલ્મ ઉપરાંત એમણે બડજાત્યાની જ ફિલ્મો  ‘ હમ આપકે હૈં કૌન ‘ અને  ‘ હમ સાથ સાથ હૈં ‘ માં સફળ સંગીત આપ્યું. હીરોઈન તરીકે ભાગ્યશ્રીની આ એકમાત્ર સફળ ફિલ્મ. સલમાનની સફળતાનો સિલસિલો હજી ચાલુ છે.

ગીતના શબ્દો નવયુવાન પ્રેમીઓની ઊર્મિઓ અને સ્વપ્નોને બખૂબી વાચા આપે છે. ગીતનો પહેલો હિસ્સો લતાના અવાજમાં છે તો ઉત્તરાર્ધમાં નાયક પર ફિલ્માવાયેલો ભાગ બાલસુબ્રમણ્યમના અવાજમાં.

તીવ્ર વાયલીન્સથી શરુઆત બાદ લતાનો આલાપ. અગાઉના ૧૯૮૫ ના ગીતમાંના એમના રણકાનો વિસ્મય થંભે ન થંભે ત્યાં લતાજી આપણને વધુ ચકિત કરે છે, એક કિશોરીના અવાજની સુકુમારતાને તાદ્રશ કરીને ! યુવાન યુગલોની સરોવરકાંઠે મસ્તીભરી પિકનીક છે. દરેક જોડું પોતપોતાના પાત્રમાં લીન છે. ઉછાંછળો નાયક પ્રેમિકા માટે ઢગલાબંધ ખાણીપીણીની વસ્તુઓ લાવીને એની સાથે નૌકામાં સવાર થાય છે. એ યેનકેનપ્રકારેણ નાયિકાનો તન-સ્પર્શ કરવાનું ચૂકતો નથી. એનામાં ચંચળતા છે તો નાયિકામાં મોઘમ ગંભીરતા. પહાડીના સુરો અને શબ્દો અહીં નાયિકાના કંઠેથી વહેતા નાયકને ઉદ્દેશાયેલા છે પરંતુ નાયક સૌંદર્ય અને પ્રેમના નશામાં છે.  એ નશો એના દેહથી નર્તનરુપે વહે છે. ગીત બે અંતરામાં છે અને બીજા અંતરા પહેલાં સાથેના યુગલો પણ સમૂહ-સ્વરોથી સાથ પૂરાવે છે. ગીતના મુખડાનો પ્રથમાર્ધ પૂરો થતાં  ‘ માને ના ‘ , ‘ ચાહે ના ‘ અને ‘ ક્યા કહના ‘ શબ્દોને ચરમ ઊંચાઈએ લઈ જઈને પછી ક્ષણાર્ધ રોકાઈ લતા જે રીતે  ‘ યે પગલા હૈ ‘ પર પરત ફરે છે એની અસર ભાવક પર એવી થાય છે જાણે કમાનની પણછને છેક સૂધી ખેંચીને પછી છોડી હોય !

નાયક એક શિશુને તેડી લાવી નાયિકાના ખોળામાં મૂકે છે અને નાયિકા સ્વપ્નમાં સરી પડે છે. ગીતકાર આ સ્વપ્નને સૂચક શબ્દો દ્વારા વાચા આપે છે.  ‘ દિલ તો કહે છે કે તને પાલવ બનાવીને દેહ પર ઓઢી લઉં. ક્યારેક એમ પણ થાય, તને લઈને ગગનગોખે ઉડી જાઉં ‘ અને પછી સાંકેતિક રીતે જમીન પર બેઠેલ શિશુને ખોળે ભરીને  ‘ ઓરતા તો બીજા પણ ઘણા છે પણ કેમ કહું ! ‘ શબ્દો દ્વારા નાયકની આંખોમાં લાખેણા સોણલા ભરી દે છે ! અડબંગ નાયકને નાયિકાનો ઈશારોં સમજતાં વાર લાગે છે અને માટે, હવે મુખડાના શબ્દો  ‘ યે પગલા હૈ સમજાને સે સમજે ના ‘ દિલને ઉદ્દેશીને નહીં, નાયકને સંબોધીને કહેવાયા છે !

આ જ ગીતનું નાયક – બાલસુબ્રમણ્યમ દ્વારા ગવાયેલું વર્ઝન પણ પૂરી નિષ્ઠા અને હલકથી ગવાયું છે પણ આપણે રહ્યા લતાના દાસ ! મુખડો એ જ છે પણ બે નવા અંતરા. અહીં, પ્રેમીઓની રાહમાં દુનિયાએ રોડાં નાંખ્યા પછીની નાયકની હતાશાની વાત છે તો બન્નેના અડગ પ્રેમની પણ. નાયિકા હાજર હોવા છતાં નૃત્ય દ્વારા ભાવાભિવ્યક્તિ અહીં પણ નાયકના શિરે છે.

ફિલ્મનું અન્ય એક યુગલ ગીત ‘ આયા મૌસમ દોસ્તી કા ‘ પણ પહાડીમાં છે અને પ્રસ્તૂત ગીતમાં એ ધુનની છાયા પણ વણી લીધેલ છે.

ફરી એક વર્ષનો ટુંકો કુદકો લગાવીને પહોંચીએ ૧૯૯૦ ની ફિલ્મ  ‘ જુર્મ ‘ પર. ગીત-સંગીત બદલાય છે પણ પહાડી અક્ષુણ્ણ રહે છે. ગીતકાર ઇંદીવર. સંગીત રાજેશ રોશન. ગાયકો કુમાર સાનુ અને સાધના સરગમ. શબ્દો :

जब  कोई  बात बिगड़ जाए
जब कोई मुश्किल पड़ जाए
तुम देना साथ मेरा, ओ हमनवा

न  कोई  था    न  कोई  है
जिंदगी  में    तुम्हारे  सिवा
brतुम देना साथ मेरा, ओ हमनवा

हो  चाँदनी  जब तक साथ

देता  है    हर   कोई  साथ
तुम  मगर  अंधेरों  में
ना  छोड़ना मेरा हाथ
जब कोई ..

वफ़ादारी  की   वो  रस्में
निभाएँगे हम – तुम क़समें
एक भी साँस जिंदगी की
जब तक हो अपने बस में
जब कोई ..

दिल  को  मेरे हुआ यक़ीं

हम  पहले  भी मिले कहीं
सिलसिला ये सदियों का
कोई आज की  बात नहीं
जब कोई ….

મહેશ ભટ્ટ નિર્દેશિત આ ફિલ્મ તો ખેર, હોલીવુડની ફિલ્મ  SOMEONE TO WATCH OVER ME પર આધારિત હતી જ પરંતુ પ્રસ્તૂત ગીત પણ એક પુરાણા અમેરિકન ગીતની ઊભી નકલ છે. આ ગીત છે  ‘ 500 MILES ‘. મૂળ લોકગીત અને એના ૧૯૬૨ થી માંડીને ૨૦૧૩ સુધી અનેક દેશો અને ભાષાના કલાકારોએ ગાયેલા સંસ્કરણોની વાત માંડીએ તો એક દળદાર અલગ લેખની જરુર પડે !  બહરહાલ, ફિલ્મ  ‘  INSIDE LLEWYN DAVIS ‘ ( 2013 ) નો અસલ ગીતનો વિડીયો જોઈને બાકીનો નિર્ણય આપ ભાવકો પર છોડીએ :

અગાઉનું ગીત નવયુવાન પ્રેમીઓના હૃદયની વાત કરતું હતું તો આ પાકટ વયના પતિ-પત્નીની લગ્નોત્તર સમજણ અને પરિપક્વતાનુ ગીત છે. ગીતના ગાયકો કુમાર સાનુ અને સાધના સરગમમાંથી સાનુના કંઠ પ્રત્યે ઝાઝો અનુરાગ ન હોવા છતાં મને એમનું આ અને આવું અન્ય એકાદ ગીત ( કુછ ના કહો – ૧૯૪૨ અ લવ સ્ટોરી ) દિલથી ગમે છે.

આ એક પાર્ટી ગીત છે અને શરુ થાય છે ગિટારના સુરો અને ગિટારના જ તાલ સાથે. પાર્ટી મધ્યે વિનોદ ખન્ના મિત્ર શફી ઇનામદારને સમજાવતો હોય એ રીતે વાત કરતો દેખાય છે. કુમાર સાનુના અવાજ પાછળ બેંડના સુરો અને તાલ પણ રમ્ય અને પૂરક લાગે છે. બન્ને મિત્રો હાથમાં હાથ પરોવી નૃત્યરત થાય છે. વિનોદનો ઈશારોં પત્ની મીનાક્ષી શેશાદ્રિ ભણી છે. ‘ કોઈ પણ કપરી ઘડીમાં મારો હાથ છોડીશ નહીં ‘

મુખડો પૂરો થયા પછી બન્ને મિત્રોના મુખે વાગતી સિસોટી પણ મનભાવન છે અને ત્યાર પછી તુરંત આવતો ક્લેરિયોનેટનો નાનકડો ટુકડો પણ ! ગીત ભલે  ‘ પ્રેરિત ‘ હોય પણ એનું ભારતીયકરણ પૂરી કુનેહથી કરવાનો શ્રેય રાજેશ રોશનને આપવો જ પડે ! ઇંદીવરના શબ્દોમાં નાયક તરફે સમજણની અભિવ્યક્તિ અને અપેક્ષા બન્ને છે. પંક્તિઓ વચ્ચે આવતું ગિટારનું પૂરણ ગીતને અનેરી નજાકત બક્ષે છે. માનાક્ષીનું અભિનેત્રી ઉપરાંત નૃત્યાંગના તરીકે શું સ્તર હતું એ એના દરેક સ્ટેપથી છતું થાય છે.

મુખડામાં એક ખૂબસુરત ઉર્દૂ શબ્દ પ્રયોજાયો છે, ‘ હમનવા ‘.  ‘ નવા ‘ એટલે અવાજ. જે બે વ્યક્તિ એક જ અવાજે, એક જ સુરે બોલે એ  ‘ હમનવા ‘ .

વિનોદ મીનાક્ષીને, ગીતમાં સાથ આપવા પ્રેમપૂર્વક ઊંચકીને સ્ટેજ પર મૂકે છે. પહેલા અંતરા પછી બાંસુરી અને સિતારનું રુપકડું સંયોજન. નાયિકા, નાયકની અપેક્ષા અને માગણીનો એવા જ ઇમાનદાર રણકા દ્વારા પ્રત્યુત્તર વાળે છે. અહીં અદાયગી, અભિનય અને અભિવ્યક્તિમાં મીનાક્ષી વિનોદ કરતાં સવાશેર પુરવાર થાય છે. મુખડામાં હવે પાર્ટીમાં ઉપસ્થિત લોકો સમૂહ-સ્વરે જોડાય છે.

ગીતના આખરી અંતરાના બે મિસરા સાનુ અને સાધના વારાફરતી ગાય છે અને ગીતનો અંત  ‘ હમનવા ‘ શબ્દના સામૂહિક અને દીર્ઘ ઉચ્ચારણથી ખૂબસુરતીપુર્વક આવે છે.

રાજેશ રોશનની વાત છે તો એમની શરુઆતી ફિલ્મ  ‘ જૂલી ‘ ( ૧૯૭૫ ) ની લતા દ્વારા ગવાયેલી પહાડી બંદિશ  ‘ યે રાતેં નઈ પુરાની ‘ ને કેમ ભૂલાય !

https://youtu.be/KkNDS7TfJ5s

અને છેલ્લે ત્રણ વર્ષ વટાવીને પહોંચીએ ૧૯૯૩ ની ફિલ્મ  ‘સાહિબાં’ના પહાડી ગીત પર. આ મણકાનું આ સહુથી નવું ગીત પણ હવે ૨૬ વર્ષ જુનું થયું ! સંગીત શિવ-હરિનું ( એટલે કે સંતૂર – સમ્રાટ શિવકુમાર શર્મા અને વાંસળી-વર્ય હરિપ્રસાદ ચૌરસિયા ). ગાયકો જોલી મુખર્જી અને અનુરાધા પૌડવાલ. શબ્દો આનંદ બક્ષીના :

कैसे जियूँगा मैं
अगर तू ना बनी
मेरी साहेबां

डूब मरूँगी मैं
अगर मैं ना बनी
तेरी साहेबां

लाखों – हज़ारों में सैयां मैंने चुन लिया
लाखों – हज़ारों ने फ़ैसला ये सुन लिया
एक-दूजे के वास्ते हम बने मेरे साजना ..

कहती है क्या मुझसे पायल तेरे पाँव की
एक सीधी – सादी थी लड़की मैं गाँव की
तेरे होटों की बाँसुरी बन गई मेरे साजना ..

रातें  गुज़रती  हैं  सारी रात  जाग के
दिल चाहे आ जाउं घर से मैं भाग के
आना मगर डोली में बैठ कर मेरी साहेबां ….

આ લેખમાળાના ચોથા હપ્તા ( નૌશાદની પહાડી ) માં આપણે આ સંગીતકાર બેલડી ઉપરાંત એમના સાથી, ગિટાર-ગુરુ બ્રિજભૂષણ કાબરાના સહિયારા અલૌકિક સંગીત – આલ્બમ  ‘ CALL OF THE VALLEY ‘ ( 1967) ની વાત કરેલી અને એમાં સમાવિષ્ટ પહાડીની બેનમૂન સુરાવલિઓની પણ. ફિલ્મી સંગીતકારો તરીકે આ બેલડીએ મર્યાદિત ફિલ્મોમાં કામ કર્યું છે અને એ દરેક ફિલ્મમાં એકાદ પહાડી ગીત હોય, હોય અને હોય જ !  ( નીલા આસમાં સો ગયા – સિલસિલા, તેરે મેરે હોઠોં પે – ચાંદની )

ફિલ્મની વાર્તા એક પુરાણી પ્રેમકથા છે જેમાં શીર્ષક ભૂમિકામાં માધુરી દિક્ષીત ઉપરાંત રિષી કપૂર અને સંજય દત્ત છે. રમેશ તલવારનું નિર્દેશન છે. ફિલ્મ સાધારણ સફળ રહેલી. આનંદ બક્ષી લિખિત શબ્દો ચીલાચાલૂ જોડકણાં છે પણ તરજ અદ્દલોઅદલ પહાડીની પ્રતિકૃતિ છે. આ પણ એક પ્રેમગીત છે જેમાં પ્રેમી ( અને પ્રેમ ) ની પ્રાપ્તિ વિનાની પરિસ્થિતિનું બયાન છે.

ફરી એકવાર ગીત, મુખ્ય ગાયકો અનુરાધા અને જોલીના આલાપથી શરુ થાય છે. પરદા પર પ્રેમીઓ માધુરી અને રિષી. જોલી મુખર્જીનો અવાજ ખરજદાર અને મર્દાના છે. માધુરીનું સૌંદર્ય પહાડીની નજાકત સાથે સ્પર્ધા કરે છે. પશ્ચાદ્ભૂમિમાં પહાડો અને વનરાજી છે. અનુરાધા તો સિદ્ધહસ્ત ગાયિકા છે જ. પરદા પરના બન્ને કલાકારો પણ આ ફિલ્મ સુધી પહોંચતાં સુધીમાં પરિપક્વ અને અત્યંત સફળ બની ચુક્યા હતા.

પહાડોમાં ઘેરાતું ધુમ્મસ વાતાવરણને વિશેષ પહાડી-મય બનાવે છે. ગીત જાણે અગાઉના  ‘ હુસ્ન પહાડોં કા ‘ અને  ‘ દિલ દીવાના ‘ ગીતોનો ઉત્તરાર્ધ હોય એવું લાગે છે.

શિવ-હરિની આ પછી યશ ચોપરાની  ‘ ડર ‘ સિવાય કોઈ ફિલ્મ આવી હોવાની જાણ નથી. આમેય બન્ને મૂળભૂત રીતે શાસ્ત્રીય સંગીતના જલસાના જીવ છે અને હજી પણ એ ક્ષેત્રમાં સક્રિય છે. અનુરાધા પૌડવાલે પણ છેલ્લા દોઢેક દાયકાથી ફિલ્મોમાં ગાયું નથી. જોલી મુખર્જીના ગાયેલા ગીતો પણ મર્યાદિત છે.

અહીં અટકીએ. આજના ચારેય ગીતો યોગાનુયોગ રંગીન છે જ્યારે આપણો મુખ્ય પ્રવાહ શ્વેત-શ્યામ રહ્યો છે. આવતા હપ્તે ફરી એ યુગમાં પાછા ફરીશું સંગીતકાર રવિના કેટલાક વધુ સદાબહાર પહાડી ગીતો સંગાથે. એ પછી ધીમે – ધીમે લેખમાળાના અંતની શરુઆત ભણી …


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

10 comments for “હુસ્ન પહાડી કા -૧૯- ‘નવા’ સંગીતકારો રવીંદ્ર જૈન, રામ-લક્ષ્મણ, રાજેશ રોશન અને શિવ-હરિ રચિત એક – એક પહાડી રચના

 1. Mrs Priti Trivedi
  December 7, 2019 at 10:24 am

  ખુબજ મજા આવે છે કોઈ પણ શરુઆત નો અંત હોય જ છે પણ આ શ્રેણી નો અંત નજીક આવતો વાંચીને પણ એક ખાલીપો અનુભવાય છે. કાશ વાત આજની તો પસંદ કરેલ દરેક ગીત મજા આવે તેવા છે. આટલી સુંદર સામગ્રીનો ભંડાર આપવા બદલ ખુબ ખુબ આભાર થાવરાણી સાહેબ.

  • Bhagwan thavrani
   December 8, 2019 at 4:39 pm

   ઋણી છું પ્રીતિબેન, આપના નિયમિત પ્રતિસાદ બદલ !

 2. December 7, 2019 at 2:01 pm

  અદભૂત અદભૂત…

  • Bhagwan thavrani
   December 8, 2019 at 4:37 pm

   ધન્યવાદ અરવિંદભાઈ !

 3. Samir
  December 8, 2019 at 1:49 pm

  આપે એક વાત બહુ જ યોગ્ય કહી છે કે નવું એ બધું કથીર નથી. ભલે નવું એટલે આપણને મન ૧૯૮૦ કે ૯૦ પછી નું !
  દરેક પેઢી ની અલગ માગણી, અપેક્ષાઓ, સ્વપ્ના ઓ હોય છે તેથી નવી પેઢી ને પસંદ જૂની પેઢી સાથે મેળ ખાય તે જરૂરી ના હોય.
  ‘સુવર્ણ યુગ’ પછી ના સંગીતકારો એ પણ પહાડી નો ઉપયોગ કરી જાણ્યો છે તે ભગવાનભાઈ સુપેરે આપણી સમક્ષ લાવ્યા છે.
  ખુબ આભાર ,ભગવાનભાઈ !

  • Bhagwan thavrani
   December 8, 2019 at 4:36 pm

   ધન્યવાદ સમીરભાઈ !
   પહાડીના વૈવિધ્ય અને વ્યાપથી હું ખુદ પણ ચકિત છું…

 4. December 8, 2019 at 1:54 pm

  . બિલાવલ થાટનો રાગ પહાડી અત્યંત મધુર અને મનોરંજક રાગ છે.લીલાં વૃક્ષો, પહાડીઓ , ઝરણા,નીલા આકાશ ,ધરતી જેવા શબ્દસાથે
  કોઈ ગીત હોય તો તે પહાડી રાગ. સા ગ મ પ ધ નિ ,,,નિ ધ પ મ ગ રે સા સ્વર ની આજુબાજુ ચલન.
  આભાર, ૮/૧૨/૨૦૧૯.

  • Bhagwan thavrani
   December 8, 2019 at 4:34 pm

   ખૂબ ખૂબ આભાર અનિરુદ્ધભાઈ !

 5. mahesh joshi
  December 13, 2019 at 8:16 pm

  Gagar me Sagar . As series heading towards finishing line, we appreciate your endeavor to accommodate as many pahadi songs under as many music directors of every generation. I also agree with Samirbhai that many good things also happen in music world now a days.

  झरने तो बहते हैं
  क़सम ले पहाड़ों की
  जो क़ायम रहते हैं Let this charm remains forever. Enjoyed Article and all the songs. Thanks.

  • Bhagwan thavrani
   December 14, 2019 at 12:29 pm

   Thanks Maheshbhai !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *